ગોદરેજ ઍન્ડ બોયસનો ડિશવૉશર માર્કેટમાં પ્રવેશ

21 July, 2021 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્તમાન નાણાકીય વર્ષના અંતે આ સેગમેન્ટમાં ૧૫ ટકા બજારહિસ્સો પ્રાપ્ત કરવાનું એનું લક્ષ્ય છે

પ્રતીકાત્મક તસવીર

ગોદરેજ ગ્રુપની મુખ્ય કંપની ગોદરેજ ઍન્ડ બોયસે ડિશવૉશર માર્કેટમાં પ્રવેશ કરવાની મંગળવારે જાહેરાત કરી હતી. વર્તમાન નાણાકીય વર્ષના અંતે આ સેગમેન્ટમાં ૧૫ ટકા બજારહિસ્સો પ્રાપ્ત કરવાનું એનું લક્ષ્ય છે.

ગોદરેજ અપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોરોના રોગચાળાના સમયમાં ખાસ કરીને શહેરી ગ્રાહકોને ઑફિસના કામની સાથે-સાથે ઘરનાં કામ કરવાં પડ્યાં છે. એને લીધે ડિશવૉશર જેવા ઉપકરણની માગ વધી છે.

આ ઉપકરણનું બજાર વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં આશરે ૬૬૭-૭૦૦ કરોડ રૂપિયાનું હશે. હાલ દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર અને હૈદરાબાદ જેવાં મહાનગરોમાં માગ રહેવાની ધારણા છે. ત્યાર બાદ બીજા સ્તરનાં શહેરોમાંથી માગ આવવા લાગશે. ઑક્ટોબર ૨૦૨૦માં કંપનીએ ગોદરેજ ઈઓન ડિશવૉશરની શ્રેણી રજૂ કરી હતી. એ વખતે વેચાણ ઑનલાઇન હતું, પણ હવે ઑફલાઇન વેચાણ પણ થઈ રહ્યું છે.

business news