14 February, 2025 07:06 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ફેડ હવે વધુ રેટ-કટ માટે ઉતાવળ નહીં કરે એવું ચૅરમૅન જેરોમ પૉવેલે કમેન્ટ કરતાં સોના-ચાંદીના ભાવ વર્લ્ડ માર્કેટમાં સતત બીજે દિવસે ઘટ્યા હતા. ટ્રમ્પની શપથવિધિ બાદ સોના-ચાંદીની તેજીમાં ઝડપી આગેકૂચ બાદ ઘટાડો સ્વભાવિક હતો એ હવે છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. જોકે ઇઝરાયલ-હમાસ વચ્ચેની યુદ્ધવિરામની સમજૂતીમાં ભંગાણ સર્જાતાં સોના-ચાંદીમાં જિયોપૉલિટિકલ ટેન્શનનું તેજીનું કારણ ઉમેરાયું હોવાથી ગમે ત્યારે ફરી ભાવ વધવાના સંજોગો ઊભા થયા હતા.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૩૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૨૧ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૧૦૨.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૧૦૫.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૦૪.૬ પૉઇન્ટની હતી. અમેરિકાના મોટા ભાગના સ્મૉલ બિઝનેસ હોલ્ડર્સોને હાલ ક્વૉલિફાઇડ વર્કરો મળતાં ન હોવાથી બિઝનેસ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. આગામી દિવસોમાં ઇકૉનૉમિક કન્ડિશન ઇમ્પ્રૂવ થવાના ચાન્સ મોટા ભાગના બિઝનેસ-હોલ્ડર્સોને દેખાતા નથી. ઇન્ફ્લેશન ઊંચું હોવાને કારણે બિઝનેસમાં પડતી મુશ્કેલી થોડી ઓછી થઈ છે, પણ લેબર ક્વૉલિટી ઇશ્યુ હાલ ટૉપ લેવલ પર છે.
ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે કૉન્ગ્રેસ સમક્ષના વક્તવ્ય અગાઉ જણાવ્યું હતું કે રેટ-કટ માટે હવે ફેડને કોઈ ઉતાવળ નથી, કારણ કે ઇકૉનૉમિક કન્ડિશન સ્ટ્રૉન્ગ છે અને ઇન્ફ્લેશન બે ટકાના ટાર્ગેટ સુધી ધીમી ગતિએ પહોંચી જવાનો હવે વિશ્વાસ છે. ઇન્ટરેસ્ટ રેટ વિશેના ઝડપી નિર્ણયથી ઇન્ફ્લેશન ઝડપથી વધી શકે છે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વિશે જો નિર્ણય લેવામાં વિલંબ થાય તો ઇકૉનૉમિક ગ્રોથને અસર થઈ શકે છે. આથી ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટ વિશેનો નિર્ણય લેવા માટે વધુ સાવચેતીનો અભિગમ અપનાવશે.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ૧૦૮ પૉઇન્ટની આસપાસ સ્ટેડી રહ્યો હતો. કોર ઇન્ફ્લેશન ઘટીને આવવાની માર્કેટની ધારણા અનુસાર જો કોર ઇન્ફ્લેશન ઘટે તો આગામી બેથી ત્રણ મહિનામાં ફરી રેટ-કટના ચાન્સ બની શકે એમ હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં વધુ તેજી અટકી હતી. ફેડ ચૅરમૅને રેટ-કટનો નિર્ણય લેવામાં હવે ઉતાવળ નહીં કરાય એવી કમેન્ટ કરતાં ડૉલર ઇન્ડેક્સનો વધુ ઘટાડો પણ અટક્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધસમાપ્તિની પ્રોસેસ એકાએક અટકી જતાં ફરી ટેન્શન વધવાના સંકેત મળ્યા છે. હમાસે ઇઝરાયલના બંધકોને છોડવાનો ઇનકાર કરી દીધો હતો. છેલ્લા પંદર મહિનાથી ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિ માટે બન્ને પક્ષો વચ્ચે ત્રણ સપ્તાહ અગાઉ સમજૂતી થઈ હતી. આ સમજૂતી અનુસાર હમાસે પાંચ રાઉન્ડમાં ઇઝરાયલના બંધકોને છોડી પણ દીધા હતા, પણ ત્યાર બાદ બંધકોને છોડવાનો ઇનકાર કરતાં ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે મિલિટરીને ગાઝા પર અલર્ટ કરીને નવા અટૅક માટે તૈયાર રહેવાની સૂચના આપી હતી. અમેરિકી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગાઝા પર કબજો જમાવીને એને રિસૉર્ટ-સિટી બનાવવાની જાહેરાત કર્યા બાદ બન્ને પક્ષે ટેન્શન વધ્યું હતું અને હવે હમાસે એકાએક બંધકોને છોડવાની મનાઈ કરી દીધી હતી. ઇઝરાયલે હમાસની જાહેરાત સામે વળતા પ્રહાર સ્વરૂપે ધમકી આપી હતી કે જો શનિવાર સુધીમાં હમાસ ઇઝરાયલના બંધકોને નહીં છોડે તો યુદ્ધસમાપ્તિની સમજૂતી રદ કરવામાં આવશે અને ઇઝરાયલ નવેસરથી હમાસ પર અટૅક કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ નજીક હોવા છતાં યુદ્ધ હજી ચાલુ છે. ઇઝરાયલ અને લેબૅનન વચ્ચે પણ હજી સંઘર્ષ ચાલુ છે ત્યારે જો ઇઝરાયલ-હમાસ યુદ્ધ ફરી ચાલુ થશે તો સોનાની તેજીમાં જિયોપૉલિટિકલ ટેન્શનનું વધુ એક કારણ ઉમેરાશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૮૪,૮૪૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૮૪,૫૦૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૪,૧૮૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)