31 January, 2025 07:14 AM IST | Mumbai | Mayur Mehta
સોનું - ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ફેડે ઇન્ટરેસ્ટ-રેટ હોલ્ડ રાખતાં ડૉલરના ઘટાડાથી સોના-ચાંદીમાં મજબૂતી વધી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૮૨.૫૦ ડૉલર અને ચાંદી વધીને ૩૧.૩૫ ડૉલરે પહોંચી હતી. અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ-ડેટા ભારતીય સમય પ્રમાણે આજે સાંજે ૭ વાગ્યે જાહેર થશે જે ગયા મહિને હેડલાઇન ઇન્ફ્લેશન ૨.૪ ટકા આવ્યું હતું, પણ માર્કેટની ધારણા ૨.૬ ટકા આવવાની છે અને કોર ઇન્ફ્લેશન ૨.૮ ટકા ગયા મહિને આવ્યું હતું એ ૨.૮ ટકા આવવાની માર્કેટની ધારણા છે. આ ડેટા પરથી રેટ-કટનું ભાવિ અને સોના-ચાંદીના ભાવની નવી દિશા નક્કી થશે.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદી સતત બીજે દિવસે વધ્યાં હતાં. સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૨૮ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧૫૦૪ રૂપિયા વધ્યો હતો. ચાંદી બે દિવસમાં ૨૪૩૪ રૂપિયા વધી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ફેડરલ રિઝર્વે ધારણા પ્રમાણે ઇન્ટરેસ્ટ-રેટ હોલ્ડ રાખ્યા હતા. અગાઉની ત્રણેય મીટિંગમાં ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવ્યા બાદ બે-દિવસીય મીટિંગને અંતે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ-રેટ ૪.૨૫થી ૪.૫૦ ટકાએ જાળવી રાખવાની જાહેરાત થઈ હતી. ઇન્ટરેસ્ટ-રેટમાં કોઈ ફેરફાર ન થતાં ડૉલર ઇન્ડેક્સ નજીવો ઘટીને ૧૦૭.૮૧થી ૧૦૭.૯૨ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો. ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ નજીવા ઘટીને ૪.૫૨ ટકા રહ્યા હતા.
અમેરિકાનું ઇન્ફ્લેશન હાલ ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં ઘણું ઊંચું હોવાથી એ બાબતે ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે જણાવ્યું હતું કે ફેડ ઇન્ફ્લેશન અને લેબર માર્કેટની સ્થિતિ પર નજર રાખી રહ્યું હોવાથી વધુ રેટ-કટ ટાળવામાં આવ્યો હતો. ટ્રમ્પની પૉલિસી બાબતે જેરોમ પૉવેલે કોઈ કમેન્ટ કરી નહોતી અને ટ્રમ્પે થોડા દિવસ અગાઉ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડવા માટે કરેલી અપીલનો પણ પૉવેલે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો. ટ્રમ્પની અગાઉની પ્રેસિડેન્શિયલ ટર્મ દરમ્યાન પૉવેલ સાથે ઇન્ટરેસ્ટ-રેટ નીચો રાખવા બાબતે ઘણા મતભેદ સામે આવ્યા હતા.
અમેરિકાની એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૪.૫ ટકા ઘટી હતી અને ઇમ્પોર્ટ ૩.૯ ટકા વધતાં ટ્રેડ ડેફિસિટ વધીને ૧૨૨.૧૧ અબજ ડૉલરે પહોંચી હતી જે નવેમ્બરના અંતે ૧૦૩.૫ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૧૦૫.૪ અબજ ડૉલરની હતી. અમેરિકામાં ટ્રમ્પની ટૅરિફ વધારા પૂર્વે ડિસેમ્બરમાં ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય, કન્ઝ્યુમર ગુડ્સ અને કૅપિટલ ગુડ્સની આયાતમાં ખાસ્સો એવો વધારો થયો હતો.
બૅન્ક ઑફ જપાનના ડેપ્યુટી ગવર્નર રોયઝો હિમિનીએ ઇન્ટરેસ્ટ-રેટ વિશેની કમેન્ટ પૂર્વે જૅપનીઝ યેન છેલ્લા બે દિવસથી સતત વધી રહ્યો છે. ગયા સપ્તાહે યોજાયેલી બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગના ચાર દિવસ અગાઉ હિમિનીએ ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવાની આગાહી કરી હોવાથી ફરી હિમિની ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશે કમેન્ટ કરશે એવી ધારણાને પગલે યેન વધ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં યેનનું વેઇટેજ ૧૩ ટકા કરતાં વધુ હોવાથી હિમિનીની ઇન્ટરેસ્ટ-રેટ વધારા વિશેના સંકેતની કમેન્ટ આવશે તો ડૉલર ઇન્ડેક્સમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ટ્રમ્પના ટૅરિફ વધારા સામે હવે દરેક દેશ સજ્જ થઈ રહ્યો હોવાથી કૅનેડાની સેન્ટ્રલ બૅન્કે પચીસ બેસિસ પૉઇન્ટ અને બ્રાઝિલની સેન્ટ્રલ બૅન્કે ૧૦૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આપ્યો હતો. ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડીને કરન્સીનું મૂલ્ય ઘટતાં એક્સપોર્ટ વધારવા હવે દરેક દેશ પ્રયાસ કરશે. અમેરિકા ટૅરિફ વધારો કરે અને એક્સપોર્ટ ઘટે તો એની ભરપાઈ અન્ય દેશોમાં નિકાસ વધારીને કરી શકાય એ માટે કરન્સી ડીવૅલ્યુડ કરીને દરેક દેશ નિકાસ વધારવા પ્રયાસ કરશે. ચીન વર્ષોથી એની પ્રોડક્ટની નિકાસ વધે એ માટે કૃત્રિમ રીતે કરન્સીને ડીવૅલ્યુડ રાખે છે. આગામી સમયમાં જો દરેક દેશ રેટ-કટ કરશે તો અમેરિકન ફેડને પણ વધુ રેટ-કટ લાવવાની ફરજ પડશે જેનાથી સોનાની તેજીને બુસ્ટ મળશે.