18 October, 2025 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોના-ચાંદીમાં ભભૂકતી તેજીની અસર દિવાળીના તહેવાર પર પણ પડી છે. સામાન્ય રીતે દિવાળીમાં લોકો સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે. જોકે આ વર્ષે ભાવમાં વધારો થતાં લોકો ઓછા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.
આજે ધનતેરસના દિવસે લોકો ચાંદીની ખરીદી વધુ કરતા હોય છે. એટલે લોકો ખરીદી તો કરશે જ, પણ ગયા વખત કરતાં આ વખતે વેચાણ ઓછું થઈ રહ્યું છે. ગઈ કાલે ૨૪ કૅરૅટ સોનાનો ભાવ મુંબઈમાં ૧૦ ગ્રામના ૧,૩૧,૩૪૨ રૂપિયા જ્યારે બાવીસ કૅરૅટ સોનાનો ભાવ ૧,૨૦,૩૯૭ રૂપિયા રહ્યો હતો. એક કિલો ચાંદીનો ભાવ ૧,૮૫,૦૦૦ રૂપિયા રહ્યો હતો.
માર્કેટ સ્ટેબલ, પણ આ વર્ષે વેચાણ ઓછું
પુણેના જાણીતા રાંકા જ્વેલર્સના શૈલેષ રાંકાએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે દિવસ દરમ્યાન સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧,૩૧,૨૦૦ રૂપિયા સુધી ઉપર જઈને સાંજે પાછો ૧,૩૦,૦૦૦ રૂપિયા રહ્યો હતો. અત્યારે ભાવ વધવાને કારણે માર્કેટ સ્ટેબલ છે. જે લોકોએ ખરીદી કરવી જ છે તે લોકો આ ભાવે પણ ખરીદી કરી જ રહ્યા છે. જોકે તેઓ ખરીદી ઓછી ક્વૉન્ટિટીની કરે છે. એથી વેચાણ ગયા વર્ષ કરતાં ઘટ્યું છે. સોનામાં લોકો આજે પણ દાગીનાની ખરીદીમાં જ વધુ રસ ધરાવે છે. ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાનું માહાત્મ્ય હોવાથી આજે લોકો ચાંદી ખરીદશે. ચાંદીમાં દાગીના સહિત સિક્કા, ગિફ્ટ આર્ટિકલ એમ બધું જ લેતા હોય છે. જોકે ઓવરઑલ માર્કેટ સ્ટેબલ હોવા છતાં ગયા વર્ષ કરતાં વેચાણ ઓછું છે.’