અમેરિકાનો ગ્રોથ સતત બીજા ક્વૉર્ટરમાં નેગેટિવ રહેતાં ડૉલરના ઘટાડાથી સોનામાં આવ્યો ઉછાળો

01 October, 2022 12:11 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના ત્રીજા ક્વૉર્ટરના ગ્રોથ રેટના અંદાજમાં મોટો ઘટાડો આવતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ સતત બીજા ક્વૉર્ટરમાં નેગેટિવ આવતાં અને ત્રીજા ક્વૉર્ટરના ગ્રોથ રેટનો અંદાજ બે ટકાથી ઘટીને ૦.૩ ટકાએ આવતાં સોનામાં ખરીદીનું આકર્ષણ એકાએક વધતાં ભાવ ઊછળ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૮૦ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથ સતત બીજા ક્વૉર્ટરમાં નેગેટિવ આવતાં રિસેશનની શરૂઆત થઈ ચૂકી હોવાનો સ્પષ્ટ સંકેત મળતાં ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટ્યા હતા. અમેરિકન ડૉલરનું મૂલ્ય બે દિવસ અગાઉ ૧૧૪ ઉપર હતું એ ઘટીને ૧૧૨ થતાં તેમ જ ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને ચાર ટકા થયા હતા એ ઘટીને ૩.૭ ટકા થતાં સોનામાં નીચા મથાળે ખરીદીની દોટ લાગી હતી અને સોનું છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ ડૉલર ઊછળ્યું હતું. સોનું ગુરુવારે ઘટીને ૧૬૪૪.૭૦ ડૉલર થયું હતું, જે વધીને શુક્રવારે એક તબક્કે ૧૬૭૫.૩૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી પણ ૧૯.૩૦ ડૉલર સુધી વધી હતી. પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ગવર્નમેન્ટના ઑફિશ્યલ રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં વધીને ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૪૯.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૬ પૉઇન્ટની હતી. છેલ્લા ત્રણ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ રેટમાં પ્રથમ વખત વધારો જોવા મળ્યો હતો. કોરોનાનાં નિયંત્રણો હળવા થવાની સાથે ગવર્નમેન્ટનાં વિવિધ પ્રકારનાં સ્ટીમ્યુલેસ પૅકેજની અસર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પર જોવા મળી હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ અને બાઇંગ ઍક્ટિવિટી બન્ને વધ્યા હતા. જોકે પ્રાઇવેટ એજન્સી કેઝિનના રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૪૮.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૪૯.૫ પૉઇન્ટ હતો. કેઝીનના રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટ્યો હતો. ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ગવર્નમેન્ટના ઑફિશ્યલ રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૫૦.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૨.૬ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરમાં ન્યુ ઑર્ડર અને ફૉરેન સેલ્સ સતત ત્રીજે મહિને ઘટ્યું હતું. ચીનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ગવર્નમેન્ટના ઑફિશ્યલ રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૫૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૧.૭ પૉઇન્ટ હતો. સર્વિસ અને મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથના રિપોર્ટ બાદ શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

યુરો એરિયાનું ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં વધીને ૧૦ ટકાએ પહોંચવાનું પ્રિલિમિનરી એસ્ટિમેટમાં જાહેર થયું હતું જે અત્યાર સુધીનું સૌથી હાઇએસ્ટ અને પહેલી વખત ડબલ ડિજિટમાં જોવા મળ્યું છે. માર્કેટની ધારણા ૯.૭ ટકાની હતી. યુરો એરિયાનું ઇન્ફ્લેશન જો ધારણા પ્રમાણે વધશે એ સતત પાંચમા મહિને વધશે. 

અમેરિકાનો ગ્રોથ રેટ સેકન્ડ ક્વૉર્ટરના ફાઇનલ રીડિંગમાં માઇનસ (નેગેટિવ) ૦.૬ ટકા રહ્યો હતો, જે સેકન્ડ રીડિંગ જેટલો જ હતો. ફર્સ્ટ ક્વૉર્ટરમાં ગ્રોથ રેટ નેગેટિવ ૧.૬ ટકા હતો. વર્લ્ડ બૅન્ક અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે અમેરિકાના ગ્રોથ રેટનું પ્રોજેક્શન મોટા પાયે ઘટાડ્યું છે ત્યારે ૦.૬ ટકાનો નેગેટિવ ગ્રોથ રેટ ટેક્નિકલી અમેરિકન ઇકૉનૉમી રિસેશનમાં એન્ટર થયાનો સંકેત આપે છે. અમેરિકન કૉર્પોરેટ પ્રૉફિટ સેકન્ડ ક્વૉર્ટરમાં ૬.૨ ટકા વધીને રેકૉર્ડ હાઈ સપાટીએ ૨.૫૩ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચ્યો હતો, પણ માર્કેટની ધારણા કૉર્પોરેટ પ્રૉફિટ ૯.૧ ટકા વધવાની હતી જે ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૨.૫ ટકા ઘટ્યો હતો. 

જપાનના રીટેલ સેલ્સમાં ઑગસ્ટમાં ૪.૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો જે છેલ્લા ૧૫ મહિનાનો સૌથી મોટો વધારો હતો. જુલાઈમાં રીટેલ સેલ્સમાં ૨.૪ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૨.૮ ટકાના વધારાની હતી. જપાનના રીટેલ સેલ્સમાં સતત છઠ્ઠા મહિને વધારો જોવા મળ્યો હતો. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑગસ્ટમાં ૨.૭ ટકા વધ્યું હતું જે જુલાઈમાં ૦.૮ ટકા વધ્યું હતું. ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં સતત ત્રીજે મહિને વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડની તમામ સેન્ટ્રલ બૅન્કોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે, પણ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી છે, જેને કારણે ઇકૉનૉમિક ડેટા બુલિશ આવી રહ્યા છે. 

ભારતીય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સતત ચોથી વખત રેપો રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૫.૯ ટકાએ પહોંચાડ્યા હતા જે મે ૨૦૧૯ પછીના સૌથી ઊંચા હતા. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઇન્ફ્લેશનનો ટાર્ગેટ ચાલુ નાણાકીય વર્ષ માટેનો ૬.૭ ટકા જાળવી રાખ્યો હતો. જોકે ગ્રોથ રેટનું ૨૦૨૨-’૨૩નું પ્રોજેક્શન ૭.૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કર્યું હતું, જેમાં સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ ૬.૩ ટકા, ત્રીજા અને ચોથા ક્વૉર્ટરનો ગ્રોથ રેટ ૪.૬ ટકા રહેવાનું પ્રોજેક્શન મૂક્યું હતું. 

ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ સેકન્ડ ક્વૉર્ટરમાં વધીને ૧૦ વર્ષની ઊંચાઈએ ૨૩.૯ અબજ ડૉલરે પહોંચી હતી, જે ૨૦૧૨ના છેલ્લા ક્વૉર્ટર પછીની સૌથી વધુ હતી. માર્કેટની ધારણા ૩૦.૫ અબજ ડૉલરની ડેફિસિટ રહેવાની હતી, પણ એ ધારણાથી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઓછી રહી હતી. ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ની ૨.૮ ટકાએ પહોંચી હતી. 

અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૪ સપ્ટેમ્બરે ૧૬,૦૦૦ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૧.૯૩ લાખે પહોંચી હતી, જેના વિશે માર્કેટની ધારણા ૨.૧૫ લાખની હતી. અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ સતત છઠ્ઠે મહિને વધીને ૧૫ વર્ષની ઊંચાઈએ ૬.૭ ટકાએ પહોંચ્યા હતા. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથ સતત બે ક્વૉર્ટરથી નેગેટિવ ગ્રોથ રહ્યો છે અને ત્રીજા ક્વૉર્ટરનો ગ્રોથ રેટ અગાઉ પૉઝિટિવ બે ટકા રહેવાની આગાહી અટલાન્ટા જીડીપી ટ્રેકરે કરી હતી, જે ઘટાડીને હવે માત્ર ૦.૩ ટકા રહેવાની આગાહી કરી છે. આ બાબતનો સીધો મતલબ એ છે કે અમેરિકા હવે મહામંદીની જાળમાં આવી ચૂક્યું છે. જો ત્રીજા ક્વૉર્ટરનો ઍડ્વાન્સ ૨૭ ઑક્ટોબરે જાહેર થવાનો છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૦,૩૦૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૦,૧૦૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૫૬,૩૩૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news