ફેડ, ઈસીબી અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ઇન્ટરેસ્ટ રેટ વધારાના નિર્ણય બાદ પ્રૉફિટ બુકિંગથી સોનું ઘટ્યું

04 February, 2023 01:02 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકી ડૉલર નવ મહિનાની નવી નીચી સપાટીએથી સુધરતાં સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

ફેડ, ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક) અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે અપેક્ષા પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ વધારતાં તેમ જ આ ત્રણેય બૅન્કના ઇન્ટરેસ્ટ રેટ વધારાની ઑલરેડ્ડી અસર થઈ ચૂકી હોવાથી પ્રૉફિટ બુકિંગને પગલે સોનું ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૯૪_રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૦૩૭ રૂપિયા તૂટી હતી. 

વિદેશી પ્રવાહ 
ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા અપેક્ષા પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થતાં સોનામાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું, કારણ કે ત્રણેય બૅન્કના ઇન્ટરેસ્ટ રેટ વધારાની અસર સોનાના ભાવ પર ઑલરેડી થઈ ચૂકી હતી. છેલ્લા ત્રણ મહિનામાં સોનામાં ૩૦૦ ડૉલરની એટલે કે ૨૦ ટકા ઝડપી તેજી થઈ ચૂકી હોવાથી પ્રૉફિટ બુકિંગ સ્વભાવિક હતું. વળી અમેરિકી ડૉલર નવ મહિનાની નવી નીચી સપાટી ૧૦૦.૮ના લેવલથી સુધરતાં એની પણ અસર સોનાના ભાવ પર જોવા મળી હતી. સોનું ગુરુવારે વધારેપડતું ઘટ્યું હોવાથી શુક્રવારે સ્ટેડી રહ્યું હતું. ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ઈસીબીએ ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ત્રણ ટકાએ પહોંચાડ્યો હતો જે છેલ્લાં ૧૩ વર્ષનો સૌથી ઊંચો ઇન્ટરેસ્ટ રેટ હતો. યુરો એરિયા ઇન્ફ્લેશન હજુ પણ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં ઘણું ઊંચું હોવાથી માર્ચ મીટિંગમાં પણ ઈસીબી ૫૦ બેસિસ પૉઇન્ટ વધારે એવી શક્યતા છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે સતત દસમી વખત ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ચાર ટકાએ પહોંચાડ્યો હતો. ઇન્ફ્લેશન ઊંચું હોવાથી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ આગામી મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે એવી શક્યતા ઇકૉનૉમિસ્ટો બતાવી રહ્યા હતા. 

અમેરિકાના ઇન્ડ​સ્ટ્રિયલ ઑર્ડરમાં ડિસેમ્બરમાં ૧.૮ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં નવેમ્બરમાં ૧.૯ ટકાનો ઘટાડો હતો, પણ માર્કેટની ૨.૨ ટકાના વધારાની ધારણા સામે વધારો ઓછો રહ્યો હતો. ટ્રાન્સપોર્ટેશન ઑર્ડરમાં ૧૬.૯ ટકા અને નૉન ડિફેન્સ ઍરક્રાફટ તથા પાર્ટ્સના વેચાણમાં ૧૧૫.૫ ટકાનો વધારો નોંધાયો હતો. મશીનરી, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રૉનિક્સના ઑર્ડરમાં ઘટાડો નોંધાયો હતો. ૨૦૨૨માં અમેરિકાના ઇન્ડ​સ્ટ્રિયલ ઑર્ડરમાં કુલ ૧૧.૮ ટકાનો વધારો નોંધાયો હતો. 

અમેરિકામાં નવા બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૮મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૩૦૦૦ ઘટીને ૧.૮૩ લાખે પહોંચી હતી જે નવ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી અને માર્કેટની બે લાખની ધારણા કરતાં ઘણી ઓછી હતી. અમેરિકાની લેબર કૉસ્ટ ૨૦૨૨ના ચોથા ક્વૉર્ટરમાં એક ટકો વધી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં બે ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૧.૫ ટકા વધવાની હતી. અમેરિકાની લેબર પ્રોડક્ટિવિટી ચોથા ક્વૉર્ટરમાં ત્રણ ટકા વધી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૪ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૨.૪ ટકા વધારાની હતી. 
ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં ઘટ્યા બાદ સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ જાન્યુઆરીમાં ઘટીને ૫૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં છ મહિનાની ઊંચાઈએ ૫૮.૫ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર અને આઉટપુટ ઘટતાં ગ્રોથ ઘટ્યો હતો. ખાસ કરીને ઇન્ટરનૅશનલ ઑર્ડર મોટે પાયે ઘટ્યા હતા. જોકે ઇન્પુટ કૉસ્ટ ઇન્ફ્લેશન બે વર્ષની નીચી સપાટીએ હોવાથી ગ્રોથનો ઘટાડો મર્યાદિત રહ્યો હતો. ભારતનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથરેટ જાન્યુઆરીમાં ઘટીને ૫૭.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૧૧ મહિનાની ઊંચી સપાટીએ ૫૯.૪ પૉઇન્ટ હતો. ચીનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સ્ટ્રૉન્ગ રહ્યા બાદ હવે સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ જાન્યુઆરીમાં વધીને ૫૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૮ પૉઇન્ટ હતો. જોકે સર્વિસ સેક્ટરમાં છેલ્લા ઑગસ્ટ પછી પ્રથમ વખત વધારો જોવા મળ્યો હતો. સર્વિસ સેક્ટરમાં ઇન્પુટ કૉસ્ટ ઇન્ફ્લેશન પાંચ મહિનામાં પ્રથમ વખત વધ્યું હોવા છતાં નવા ઑર્ડરનો ગ્રોથ સ્ટ્રૉન્ગ હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ નોંધપાત્ર રહ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરની સાથે સર્વિસ સેક્ટરનો પણ ગ્રોથ થતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૫૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૮.૩ પૉઇન્ટ હતો. છેલ્લા ઑગસ્ટ પછી પ્રથમ વખત સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો. નવા ઑર્ડર વધ્યા હતા. જોકે એક્સપોર્ટ ઑર્ડરનો ગ્રોથ ઘટ્યો હતો, પણ ઘટાડો ધીમો પડ્યો હતો. 
જપાનના સર્વિસ સેક્ટરના ગ્રોથ જાન્યુઆરીમાં વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ ૫૨.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૧.૧ પૉઇન્ટ હતો, પણ પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ગ્રોથ ૫૨.૪ પૉઇન્ટ હતો. જપાનના સર્વિસ સેક્ટરમાં સતત પાંચમા મહિને ગ્રોથ વધ્યો હતો. જપાનમાં નૅશનલ ટ્રાવેલ ડિસ્કાઉન્ટ પ્રોગ્રામની બહુ સારી અસર જોવા મળી રહી છે. જોકે સર્વિસ સેક્ટરમાં એમ્પ્લૉયમેન્ટ છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત ઘટ્યું હતું. બિઝનેસ સે​ન્ટિમેન્ટ દસ વર્ષની નીચી સપાટીએ હોવા છતાં આઉટપુટ ઇન્ફ્લેશન ઘટતાં સર્વિસ સેક્ટરના ગ્રોથમાં પૉઝિટિવ અસર જોવા મળી હતી. જપાનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ૫૦.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૯.૭ પૉઇન્ટ હતો. જપાનના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ઘટ્યો હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથનો વધારો ધીમો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ  
અમેરિકન ફેડે ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો એની સામે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો જેને કારણે સ્વભાવિક રીતે યુરો અને પાઉન્ડ સામે ડૉલર ઘટ્યો હતો અને કરન્સી બાસ્કેટમાં ડૉલર ઘટીને નવી નવ મહિનાની નીચી સપાટીએ ૧૦૦.૮ના લેવલે પહોંચ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ માર્ચ મહિનાની મીટિંગમાં પણ ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટ વધારશે એવું મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે એની સામે ફેડ માર્ચ મહિનાની મીટિંગમાં વધુમાં વધુ ૨૫ બેસિસ પૉઇન્ટ અથવા ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રાખવાનો નિર્ણય કરી શકે છે જે ડૉલરને વધુ ઘટાડશે અને સોનાની તેજીને વધુ બળ મળશે.

business news gujarati mid-day