18 February, 2025 06:59 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની ફાઈલતસવીર
અમેરિકાનું જાન્યુઆરીનું પ્રોડ્યુસર્સ હેડલાઇન અને કોર ઇન્ફ્લેશન ધારણાથી વધુ આવતાં હેજિંગ ટૂલ્સ તરીકે સોના-ચાંદીની ડિમાન્ડ વધતાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૯૩૫ ડૉલરે અને ચાંદી વધીને ૩૩.૩૭ ડૉલરે પહોંચ્યાં હતાં.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૪૦૪ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીના ભાવ સતત બીજે દિવસે વધ્યા હતા, જેમાં ચાંદીનો ભાવ છેલ્લા બે દિવસમાં કિલોએ ૩૭૬૪ રૂપિયા વધીને ૯૮ હજાર રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. સોનાનો ભાવ બે દિવસમાં ૧૧૫૩ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું જાન્યુઆરી મહિનાનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ધારતાં કરતાં વધુ આવ્યા બાદ પ્રોડ્યુસર્સ પ્રાઇસ હેડલાઇન ઇન્ફ્લેશન ૩.૨ ટકાની ધારણા કરતાં વધુ ૩.૫ ટકા આવ્યું હતું. જોકે ડિસેમ્બરમાં પણ પ્રોડ્યુસર્સ પ્રાઇસ હેડલાઇન ઇન્ફ્લેશન ૩.૫ ટકા જ આવ્યું હતું. ખાસ કરીને વિવિધ પ્રકારની સર્વિસિસના ચાર્જમાં સતત છઠ્ઠે મહિને વધારો થતાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ધારણાથી વધુ આવ્યું હતું. કોર પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન પણ માર્કેટની ૩.૩ ટકાની ધારણા કરતાં વધીને ૩.૬ ટકા આવ્યું હતું. જોકે ડિસેમ્બરમાં કોર ઇન્ફ્લેશન ૩.૭ ટકા આવ્યું હોવાથી એના કરતાં નીચું રહ્યું હતું.
અમેરિકી કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ધારણા કરતાં વધુ આવતાં હવે રેટ-કટના ચાન્સ ઘટી રહ્યા હોવા છતાં અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કો દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી ફેડ પર પણ રેટ-કટનું દબાણ વધવાની શક્યતા વધી રહી હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે જે શુક્રવારે ઘટીને બે મહિનાની નીચી સપાટીએ ૧૦૬.૯૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. વળી ટ્રમ્પે દરેક દેશો પર અલગ રીતે ટૅરિફવધારો લાગુ કરવાની જાહેરાત કરતાં અને એ પણ એપ્રિલથી ટૅરિફવધારો લાગુ થશે એવી જાહેરાત કરતાં ટ્રેડવૉર અટકી જતાં ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ પણ ધીમી પડી ગઈ હતી. રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા દેખાતાં યુરો મજબૂત થતાં ડૉલર પર દબાણ વધ્યું હતું.
અમેરિકામાં અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નવા ક્લેમ નંબર્સ ૮ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૭૦૦૦ ઘટીને ૨.૧૩ લાખ રહ્યા હતા જે માર્કેટની ૨.૧૫ લાખની ધારણા કરતાં નીચા રહ્યા હતા. એક્ઝિસ્ટિંગ ક્લેમ ૧૦,૦૯૫ ઘટીને ૨.૩૧ લાખ રહ્યા હતા.
ડોનલ્ડ ટ્રમ્પે ફરી બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું બનેલું સંગઠન)ને ધમકી આપીને જણાવ્યું હતું કે બ્રિક્સની રચના જ ખોટા ઉદ્દેશથી થઈ છે અને બ્રિક્સ જો અમેરિકાના હિતની વિરુદ્ધ કોઈ પગલાં ભરશે તો અમેરિકા બ્રિક્સના કોઈ મેમ્બર સાથે વેપાર નહીં કરે અને આ દેશોમાંથી આયાત થતી ચીજો પર ૧૦૦ ટકા ટૅરિફ લાગુ કરશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પે પૉલિસી-સ્ટૅન્ડ એકાએક બદલીને ગવર્નમેન્ટને ટ્રેડ રીપ્રેઝન્ટેટિવ અને કૉમર્સ સેક્રેટરીને કન્ટ્રી સ્પેસિફિક ટૅરિફ-પૉલિસી નક્કી કરવાનું જણાવ્યું છે તેમ જ આ તમામ ડિટેઇલ આવી ગયા બાદ કેટલાંક સપ્તાહ કે મહિનાઓનો સમય સમજૂતી માટે આપીને ટૅરિફવધારો કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. અમેરિકાનું ઇન્ફ્લેશન ઝડપથી વધી રહ્યું હોવાથી જો એકસાથે ટૅરિફવધારો લાગુ કરવામાં આવશે તો અમેરિકામાં મોંઘવારી આસમાને પહોંચવાનું જોખમ હવે સામે દેખાવા લાગ્યું છે. આ ઉપરાંત અમેરિકાની હાઉસહોલ્ડ ડેબ્ટ વધીને ત્રીજા ક્વૉર્ટરમાં રેકૉર્ડબ્રેક સ્તરે ૧૭.૯૪૩ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જેમાં ક્રેડિટ કાર્ડ ડેબ્ટ ૧.૧૬૬ ટ્રિલ્યન ડૉલર અને મૉર્ગેજ ડેબ્ટ ૧૨.૫૯૪ ટ્રિલ્યન ડૉલરે પહોંચી હોવાથી જો મોંઘવારી વધે તો આ ડેબ્ટ વધુ વધવાની ધારણા હોવાથી ટ્રમ્પને ટૅરિફવધારાના પગલામાં પીછેહઠ કરવી પડી છે. ટ્રમ્પના બદલાયેલા સ્ટૅન્ડથી ટ્રેડવૉરનું જોખમ થોડું ઓછું થયું છે. ઉપરાંત હમાસના લીડરોએ ઇઝરાયલ સાથે થયેલી યુદ્ધવિરામની સમજૂતીનો અમલ કરીને શનિવારે ત્રણ બંધકોને છોડવાની જાહેરાત કરી હતી. આમ, ટ્રેડવૉરનું જોખમ અને જિયોપૉલિટિકલ ટેન્શન ઘટતાં સોના-ચાંદીમાં તેજી આગામી સપ્તાહમાં ધીમી પડી શકે છે. જોકે હાલ ડૉલરના ઘટાડાનો સપોર્ટ હોવાથી સોના-ચાંદી હજી તેજીના રાહે આગળ વધી રહ્યાં છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૯૯૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૬૫૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૭,૯૫૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)