11 February, 2025 07:19 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની ફાઈલતસવીર
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં સ્ટીલ-ઍલ્યુમિનિયમ પર પચીસ ટકા ટૅરિફવધારો લાગુ કરવાની સાથે યુરોપિયન દેશોથી આયાત થતી ચીજો પર પણ ટૅરિફવધારો લાગુ કરવાની જાહેરાત કરતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડથી વર્લ્ડ માર્કેટમાં ભાવ નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૯૧૧ ડૉલરે પહોંચ્યા હતા. સોનાની સાથે ચાંદી પણ વધી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૯૬૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૪૨ રૂપિયા વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. ૨૦૨૫ના પ્રથમ ૪૦ દિવસમાં સોનાનો ભાવ ૧૦,૫૦૩ રૂપિયા અને ચાંદીનો ભાવ ૯૫૧૬ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના જાન્યુઆરી મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટામાં ૧.૪૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જેના વિશે ધારણા ૧.૭૦ લાખની હતી અને ડિસેમ્બરમાં ૩.૦૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ૦.૧ ટકા ઘટીને ચાર ટકાએ પહોંચતાં જૉબડેટા ન્યુટ્રલ રહ્યાનું નિષ્ણાતો માની રહ્યા છે.
અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન ફેબ્રુઆરીમાં એક વર્ષની ઊંચાઈએ ૪.૩ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૩.૩ ટકા હતું, જ્યારે આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ વધીને ૩.૩ ટકાએ પહોંચ્યું હતું જે એક મહિના અગાઉ ૩.૨ ટકા હતું. પાંચ વર્ષના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન ૧૭ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. ટ્રમ્પે શરૂ કરેલા ટ્રેડવૉરની અસરે ઇન્ફ્લેશન ઝડપથી વધશે એવું ઍનલિસ્ટો માની રહ્યા છે.
અમેરિકાનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ફેબ્રુઆરીમાં ઘટીને ૬૭.૮ પૉઇન્ટે પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૭૧.૧ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા પણ ૭૧.૧ પૉઇન્ટની હતી. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સતત બીજે મહિને ઘટ્યું હતું. અમેરિકાની કરન્ટ ઇકૉનૉમિક કન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ ૭૪ પૉઇન્ટથી ઘટીને ૬૮.૭ પૉઇન્ટે અને ઇકૉનૉમિક કન્ડિશનના એક્સપેક્ટેશન ઇન્ડેક્સ ૬૯.૩ પૉઇન્ટથી ઘટીને ૬૭.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો.
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં ઍલ્યુમિનિયમ અને સ્ટીલ પર પચીસ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરતાં તેમ જ યુરોપિયન દેશોથી આયાત થતી ચીજો પર પણ ટૅરિફ લાદવાની ધમકી ટ્રમ્પે આપતાં ટ્રેડવૉર વધુ જટિલ બનવાની ધારણાએ ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૮.૨૧થી ૧૦૮.૩૦ પૉઇન્ટ સુધી વધ્યો હતો. બુધવારે જાહેર થનારું અમેરિકી હેડલાઇન ઇન્ફ્લેશન ૨.૯ ટકા જળવાયેલું રહેવાની ધારણાનો પણ ડૉલરને સપોર્ટ મળ્યો હતો.
ચીનનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૦.૫ ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ૦.૧ ટકા હતું અને માર્કેટની ધારણા ૦.૪ ટકાની હતી. ગવર્નમેન્ટના સ્ટિમ્યુલસ પૅકેજની અસરે ઇન્ફ્લેશન વધ્યું હોવાનું મનાય છે. ચીનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ૨.૩ ટકા ઘટ્યું હતું જે જાન્યુઆરીમાં ૨.૧ ટકા ઘટ્યું હતું. પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન સતત ૨૮મા મહિને ઘટ્યું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પનું ટૅરિફવૉર દિવસે-દિવસે આક્રમક અને વ્યાપક બની રહ્યું હોવાથી ઇન્ફ્લેશન વધવાની શક્યતા વધી રહી છે. વળી ઇન્ફ્લેશનના એક્સપેક્ટેશનના ડેટામાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. ટ્રેડવૉર અને ઇન્ફ્લેશન, બન્ને ફૅક્ટરો હાલ સોનાની તેજીને ભરપૂર સપોર્ટ કરી રહ્યાં હોવાથી સોનું ૨૯૦૦ ડૉલરની સપાટીને વટાવી ગયું છે. ટ્રમ્પની ઇલેક્શનમાં જીત બાદ સોનામાં નૉનસ્ટૉપ તેજી જોવા મળી હતી. એમાંય ટ્રમ્પની શપથવિધિ પછીનાં ત્રણ સપ્તાહમાં સોનું સતત નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચી રહ્યું છે. સોના અને ચાંદી બન્નેની તેજી હવે જોખમી બની રહી છે છતાં પણ તેજીને બ્રેક લાગે એવાં કારણો હાલ માર્કેટમાં નથી. તેજીનાં કારણોની ભરમાર સતત વધી રહી છે. ઍનલિસ્ટોની ૩૦૦૦ ડૉલરની આગાહી ઝડપથી પૂરી થાય એવા સંકેતો મળી રહ્યા છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૬૬૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૩૨૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૫,૫૩૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)