29 March, 2025 06:42 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં તમામ ઑટો વેહિકલ પર આગામી સપ્તાહથી ટૅરિફ વધારો લાગુ કરતાં સોનું વર્લ્ડ માર્કેટમાં વધીને ૩૦૬૨.૨૦ ડૉલરની નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી પણ વધીને ૩૪.૩૩ ડૉલરે પહોંચી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૨૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૮૧ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદી સતત ત્રીજા દિવસે વધ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં ૬૯૮ રૂપિયા અને ચાંદીમાં ૨૩૬૮ રૂપિયાનો વધારો થયો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ડોનલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલથી અમેરિકામાં આયાત થતાં કાર, ટ્રક સહિત તમામ ઑટોમોબાઇલ્સ વેહિકલ પર પચીસ ટકા ટૅરિફ વધારો લાગુ કરવાની જાહેરાત કરતાં ફરી ટ્રેડ-વૉરનું ટેન્શન વધતાં ડૉલરની મજબૂતીને બ્રેક લાગી હતી. ડૉલર ઇન્ડેક્સ વધીને એક તબક્કે ૧૦૪.૬૫ પૉઇન્ટે પહોંચ્યો હતો એ ફરી ૧૦૪.૩૨ પૉઇન્ટ સુધી ઘટ્યો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે બે રેટ-કટ આવવાની કરેલી જાહેરાત સામે કાઉન્ટર અપીલ વધી રહી છે. મિનીઆપોલિસના ફેડ પ્રેસિડન્ટ કાશકરીએ વધી રહેલા ઇન્ફ્લેશન વિશે ચિંતા વ્યક્ત કરી હાલ રેટ-કટની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં ફેબ્રુઆરીમાં ૦.૯ ટકાનો વધારો થયો હતો જેમાં જાન્યુઆરીમાં પણ ૩.૩ ટકાનો વધારો થયો હતો. માર્કેટની એક ટકા ઘટાડાની ધારણા સામે સતત બીજે મહિને ઑર્ડર વધ્યા હતા. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન વેહિકલનું સેલ્સ વધતાં ઓવરઑલ ઑર્ડર વધ્યા હતા. અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ-રેટ ૨૧ માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે એક બેસિસ પૉઇન્ટ ઘટીને ૬.૭૧ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ-રેટ ઘટવા છતાં મૉર્ગેજ ઍપ્લિકેશનનો ઉપાડ બે ટકા ઘટ્યો હતો જે અગાઉના સપ્તાહે ૬.૨ ટકા ઘટ્યો હતો.
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ જાન્યુઆરી-ફેબ્રુઆરી બે મહિના દરમ્યાન ગયા વર્ષથી ૦.૩ ટકા ઘટ્યો હતો. ચીનનું ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યું હોવાથી ડિફ્લેશનરી પ્રેશર અને ટ્રેડ-વૉરના ટેન્શનની ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ પર અસર જોવા મળી હતી. જોકે ૨૦૨૪ના આખા વર્ષ દરમ્યાન ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૩.૩ ટકા ઘટ્યો હતો એમાં ઘટાડો થયો હતો. ચીનની સરકારી કંપનીઓનો પ્રૉફિટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૨.૧ ટકા વધ્યો હતો, પણ પ્રાઇવેટ કંપનીઓનો પ્રૉફિટ ૦.૯ ટકા ઘટતાં ઓવરઑલ પ્રૉફિટ ઘટ્યો હતો.
ગોલ્ડમૅન સાક્સે સોનાના ભાવનો ૨૦૨૫ના અંતનો ટાર્ગેટ ૩૧૦૦ ડૉલરથી વધારીને ૩૩૦૦ ડૉલર કર્યો હતો. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) અને ચીન સહિત વર્લ્ડની અનેક સેન્ટ્રલ બૅન્કોની સતત વધી રહેલી ખરીદીને કારણે સોનાના ભાવનો ટાર્ગેટ વધાર્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકન રિયલ ઇન્ફ્લેશનને બતાવતો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ આજે ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગ્યે જાહેર થવાનો છે. આ ઇન્ડેક્સ ફેડના રેટ-કટના ચાન્સિસને વધુ સ્પષ્ટ કરશે. પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર હેડલાઇન પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૨.૫ ટકા રહ્યો હતો જે ગયા સપ્ટેમ્બરમાં ઘટીને ૨.૧ ટકા રહ્યા બાદ સતત ત્રણ મહિના વધીને ડિસેમ્બરમાં ૨.૬ ટકાએ પહોંચ્યો હતો. માર્કેટની ધારણા હેડલાઇન પ્રાઇસ ઇન્ડેક્સ ૨.૫ ટકા યથાવત્ રહેવાની છે, જ્યારે કોર ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૨.૯ ટકાથી ઘટીને ૨.૬ ટકા રહ્યો હતો જે છેલ્લા ૫૮ મહિનાનો સૌથી નીચો એટલે કે માર્ચ ૨૦૨૧ પછીનો સૌથી નીચો હતો. માર્કેટની ધારણા કોર પ્રાઇસ ઇન્ડેક્સ વધીને ૨.૭ ટકા રહેવાનો છે. ફેડના રેટ-કટના નિર્ણય માટે હેડલાઇનને બદલે કોર ઇન્ડેક્સને વધુ મહત્ત્વ અપાતું હોવાથી જો કોર ઇન્ડેક્સ ધારણા કરતાં નીચો આવશે તો રેટ-કટના ચાન્સિસમાં વધારો થશે અને ફેડના ૨૦૨૫માં બે રેટ-કટ લાવવાનો ટાર્ગેટ સિદ્ધ થતો જોવા મળશે જેને કારણે ડૉલર ઘટતાં સોના-ચાંદીની તેજીને બૂસ્ટ મળશે, પણ કોર ઇન્ડેક્સ ધારણા કરતાં વધુ આવશે તો રેટ-કટના ચાન્સિસ ધૂંધળા બનતાં સોના-ચાંદીમાં પ્રૉફિટ બુકિંગ આવશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૮,૪૧૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૮,૦૬૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૯,૭૭૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)