અમેરિકા ડિફૉલ્ટ થવાની નજીક પહોંચતાં સેફ હેવન બાઇંગથી સોનું ઘટતું અટકીને વધ્યું

26 May, 2023 03:48 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ડૉલર અને બૉન્ડ યીલ્ડ બે મહિનાની ઊંચાઈએ હોવાથી સોનામાં વધારો ટકવો મુશ્કેલ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકા ડિફૉલ્ટ થવાની નજીક પહોંચતાં સોનામાં સેફ હેવન બાઇંગ વધતાં ઘટાડો અટકીને સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૧૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૪૪ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને વિરોધ પક્ષ રિપબ્લિકનના કેવીન મેકક્રેથી વચ્ચે ૧૧ કલાકની મીટિંગ બાદ પણ ૩૧.૪ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરની ડેટ સીલિંગ વધારવાનો નિર્ણય લેવાઈ શક્યો નહોતો, જેને કારણે અમેરિકા ડિફૉલ્ટ થવાની નજીક પહોંચતાં સોનું અને ડૉલર બન્નેમાં સેફ હેવન બાઇંગ વધ્યું હતું. ફેડ જૂનમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારશે એની શક્યતા વધીને ૩૪.૨ ટકા થતાં બુધવારે સોનું ઘટીને ૧૯૫૪.૫૦ ડૉલર થયું હતું, જે સેફ હેવન બાઇંગથી ગુરુવારે વધીને ૧૯૬૫.૧૦ ડૉલર થયા બાદ સાંજે ૧૯૬૨થી ૧૯૬૩ ડૉલર હતું. સોનું વધતાં ચાંદી વધી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને બે મહિનાની ઊંચાઈએ ૧૦૪ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકન ગવર્નમેન્ટને ડિફૉલ્ટ થતી બચાવવાની મંત્રણા હજી ચાલુ છે, પણએમાં કોઈ પૉઝિટિવ પ્રગતિ થઈ ન હોવાથી અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે ગવર્નમેન્ટ ડિફૉલ્ટ થવાની આગાહી કરીને કેટલાક પેમેન્ટ અટકવાની આગાહી કરી હતી, જેને પગલે ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. ઉપરાંત ફેડની મે મહિનાના આરંભે યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં ફેડ જૂન મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતાઓ વધતાં ડૉલર ઇન્ડેક્સ વધ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વધતાં અમેરિકન ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ વધીને બે મહિનાની ઊંચાઈએ ૩.૭ ટકાએ પહોંચ્યા હતા. 

અમેરિકાના મૉર્ગેજ રેટ ૧૯ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે વધીને બે મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૧૨ બેસિસ પૉઇન્ટ વધીને ૬.૬૯ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ રેટ ઘટતાં મૉર્ગેજ ઍપ્લિકેશન પણ ૪.૬ ટકા ઘટી હતી જે અગાઉના સપ્તાહે ૫.૭ ટકા ઘટી હતી. આમ, મૉર્ગેજ ઍપ્લિકેશન સતત બીજે સપ્તાહે ઘટી હતી. હોમ લોનની રીફાઇનૅન્સ માટેની ઍપ્લિકેશન ૫.૪ ટકા ઘટી હતી, જ્યારે નવું હોમ ખરીદવાની લોન માટેની મૉર્ગેજ ઍપ્લિકેશન ૪.૩ ટકા ઘટી હતી. 

યુરો એરિયાની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતા જર્મનીનું બિઝનેસ મોરલ મે મહિનામાં ૧.૭ પૉઇન્ટ ઘટીને ૯૧.૭ પૉઇન્ટે પહોંચ્યું હતું, જે એપ્રિલની ૧૪ મહિનાની ઊંચાઈએ ઘટ્યું હતું અને માર્કેટની ૯૩ પૉઇન્ટની ધારણા કરતાં ઘણું નીચું રહ્યું હતું. બિઝનેસ મોરલમાં છેલ્લા નવ મહિનામાં પહેલો ઘટાડો જોવા મળ્યો હતો. જર્મનનો કન્ઝ્યુમર કલાયમેન્ટ ઇન્ડેક્સ જૂનમાં સતત આઠમા મહિને વધીને માઇનસ ૨૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે છેલ્લા ૧૪ મહિનાનું હાઇએસ્ટ રીડિંગ હતું. 

અમેરિકન ડેટ સીલિંગ વધારવાની મંત્રણા કોઈ પણ પરિણામ વગર લંબાતી જતી હોવાથી અગ્રણી રેટિંગ એજન્સી ફિચે અમેરિકાના રેટિંગને નેગેટિવ સ્ટાન્સમાં મૂક્યું હતું. છેલ્લા ચાર દિવસથી ડેટ સીલિંગ વધારવા માટે રોજ મીટિંગ યોજાય છે, પણ એનું કોઈ પૉઝિટિવ પરિણામ આવ્યું નથી. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનને સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો ડેટ સીલિંગ વધારવાનો નિર્ણય નહીં લેવાય તો અમેરિકન ગવર્નમેન્ટ ૧ જૂનથી ડિફૉલ્ટ થશે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

અમેરિકા હાલ ડિફૉલ્ટ થવાની નજીક પહોંચી ગયું હોવાથી માર્કેટમાં થોડું પૅનિક વધ્યું છે, પણ આવી ઘટના પહેલી વખત બની ન હોવાથી આ ઘટનાનું સૉલ્યુશન આજે નહીં તો કાલે આવશે એ નિશ્ચિત છે, છતાં હાલ પૅનિક વધ્યું હોવાથી સોના-ચાંદીની માર્કેટમાં એની અસર જોવા મળી રહી છે. ફેડ જૂન મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એના ચાન્સિસ ૮૦ ટકાથી ઘટીને હાલ ૬૫.૮ ટકા રહ્યા છે, જ્યારે ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એના ચાન્સિસ ૨૦ ટકાથી વધીને ૩૪.૨ ટકાએ પહોંચ્યા છે. ડૉલર અને ટ્રેઝરી યીલ્ડનો વધારો જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાનો સંકેત આપે છે. આથી ફેડની જૂન મીટિંગ સુધી સોનું ઘટતું રહેશે. ફેડની જૂન મીટિંગ બાદ જુલાઈ મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધશે કે કેમ? એની ચર્ચા પર સોનામાં વધ-ઘટ જોવા મળશે. ફેડ જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટના વધારાને બ્રેક નહીં લગાવે ત્યાં સુધી સોનામાં મોટી વધ-ઘટ ચાલુ રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૩૬૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૧૧૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૦,૨૮૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation