કોરોનાનો નવો ખતરનાક વેરિઅન્ટ સાઉથ આફ્રિકામાં દેખાતાં સોનામાં નવેસરથી ઉછાળો

27 November, 2021 11:17 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકી ડૉલર, ટ્રેઝરી યીલ્ડ અને સ્ટૉક માર્કેટમાં ઘટાડાને પગલે સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

ડેલ્ટા વેરિઅન્ટની અસરે કોરોનાના નવા કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યાં સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો ખતરનાક વેરિઅન્ટ દેખાતાં સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ પેદા થયો હતો, તેને પગલે સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સુધરતાં નવો ઉછાળો જોવા મળ્યો હતો જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૭૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૦૪ રૂપિયા વધ્યાં હતાં. 
વિદેશી પ્રવાહ
કોરોનાનો નવો વેરિઅન્ટ આવતાં અમેરિકી ડૉલર ૧૬ મહિનાની ઊંચાઈએ ઘટ્યો હતો તેમ જ અમેરિકન ટ્રેઝરી યીલ્ડ એક જ દિવસમાં ૦.૧૦ ટકા ઘટીને ૧.૫૨ ટકા થયા હતા જે છેલ્લા બે સપ્તાહની નીચી સપાટી હતી. આમ ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ ઘટતાં સોનામાં નવી ખરીદીનું આકર્ષણ વધ્યું હતું તેમ જ કોરોનાના નવા વેરિઅન્ટના સમાચારને પગલે સોનામાં નવેસરથી સેફ હેવન ડિમાન્ડ પણ નીકળી હતી જેને કારણે સોનું ફરી એક વખત ૧૮૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું. સોનામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫થી ૧૮ ડૉલરની તેજી આવતાં પ્રૉફિટ બુકિંગ અટકીને નવી ખરીદી શરૂ થઈ હતી. સોનું સુધરતાં ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ પણ સુધર્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરો એરિયાની હાઉસહોલ્ડ ક્રેડિટ ઑક્ટોબરમાં ૪.૧ ટકા વધીને ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં ઑક્ટોબરમાં ૪.૯ ટકાનો વધારો થઈને રીટેલ સેલ્સ ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું જે સતત બીજે મહિને વધ્યું હતું. બ્રિટનના રીટેલ સેલ્સ ઇન્ડેક્સમાં નવેમ્બરમાં નવ પૉઇન્ટનો વધારો થઈ ૩૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે છેલ્લાં છ વર્ષનો સૌથી ઊંચો હતો. બ્રિટનનું કાર સેલ્સ ઑક્ટોબરમાં ૪૧.૪ ટકા ઘટ્યું હતું જે સતત ચોથા મહિને ઘટ્યું હતું. ઇટલીનો બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ૨૧ વર્ષની ઊંચાઈએ ૧૧૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૧૧૫.૧ પૉઇન્ટ હતો. જર્મનીમાં ઇમ્પોર્ટ પ્રાઇસ ઑક્ટોબરમાં ૨૧.૭ ટકા વધીને ૪૧ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સતત પાંચમા દિવસે માર્કેટમાં ૧૦૦ અબજ ડૉલર ઠાલવ્યા હતા, પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ જણાવ્યું હતું કે ચાઇનીઝ બિઝનેસ કમ્યુનિટીને સપોર્ટ કરવા બૅન્કિંગ સિસ્ટમમાં પર્યાપ્ત લિક્વિડી જાળવી રાખવા તે પ્રતિબદ્ધ છે. સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટની અસરે તમામ દેશોના સ્ટૉક માર્કેટ ઘટ્યા હતા તેમ જ કરન્સી પણ ડાઉન થતાં સોનામાં એકાએક તેજીનો પવન ફુંકાવો શરૂ થયો હતો. 
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
કોરોનાનો કેર હજુ વિશ્વના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે ત્યારે દક્ષિણ આફ્રિકામાં નવો ખતરનાક વેરિઅન્ટ મળ્યાના ખબરે ઇકૉનૉમીને ધ્રુજાવી દીધી હતી. કોરોનાનો નવો વેરિઅન્ટ અગાઉના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ખતરનાક અને વૅક્સિનની કોઈ અસર નહીં દેખાડતો હોવાનું જાહેર થયું છે. અમેરિકાના ગર્વનર એન્ડ્રી બેલીએ નવા વાઇરસના સમાચાર બાદ કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે ફેડને ટેપરિંગની ગતિ અને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની બાબતે હવે અગાઉ કરતાં વધુ સાવચેતી રાખીને નિર્ણય લેવો પડશે. કોરોનાના નવા વેરિઅન્ટના સમાચારને પગલે વિશ્વના લગભગ તમામ સ્ટૉક ઇન્ડેક્સ કડડભૂસ થયા હતા તેમ જ અમેરિકન ડૉલર સહિત તમામ કરન્સીના મૂલ્ય ગગડતાં સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સુધર્યું હતું અને નવી ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. કોરોનાના નવા કેસ હજી પણ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, ગુરુવારે વર્લ્ડમાં ૫.૭૧ લાખ નવા કેસ દેખાયા હતા જેમાં મુખ્યત્વે જર્મનીમાં ૭૬,૧૩૨, બ્રિટનમાં ૪૭,૨૪૦, રશિયામાં ૩૩,૭૯૬, ફ્રાન્સમાં ૩૩,૪૬૪, પોલૅન્ડમાં ૨૮,૧૮૭, નેધરલૅન્ડમાં ૨૨,૧૮૪, બેલ્જિયમમાં ૨૩,૩૫૦ અને ઝેકિયામાં ૧૮,૦૧૬ કેસ નીકળ્યા હતા. વર્લ્ડમાં ગુરુવારે એક જ દિવસમાં ૭૧૫૨  અને યુરોપિયન દેશોમાં ૪૧૪૩ મૃત્યુ થયાં હતાં. કોરોનાના હાલના ડેલ્ટા વેરિઅન્ટના કેસ હજી ઓછા થતા નથી ત્યાં સાઉથ આફ્રિકામાં નવા ખતરનાક વેરિઅન્ટ દેખાતા સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ ફેલાયો હતો. આગામી દિવસોમાં જો કોરોનાના નવા વેરિઅન્ટની અસરે સાઉથ આફ્રિકા સિવાય અન્ય દેશોમાં જો કોરોનાના કેસ વધશે તો સોનામાં નવેસરથી મોટી તેજીની શરૂઆત થશે. હાલ કોરોનાની ઇકૉનૉમિક ડેટા પર કોઈ મોટી અસર નથી, પણ જો ઇકૉનૉમિક અૅક્ટિવિટીમાં કોરોનાની અસર દેખાશે તો નવેસરથી સ્ટિમ્યુલેસ પૅકેજ અને ઇઝી મૉનેટરી પૉલિસી પાછી ફરશે જે પણ સોનાના ભાવને ઊંચકાવશે, આમ હવે નવા કોરોના વેરિઅન્ટની અસર સોનાના ભાવ માટે નિર્ણાયક સાબિત થશે.

business news