મુંબઈમાં સોનાનો ભાવ ફરી નવી ઑલટાઇમ હાઈ સપાટીએ

19 April, 2024 07:13 AM IST  |  Mumbai | Mayur Mehta

જિયોપૉલિટિકલ ટેન્શન સાથે ડૉલર-ઘટાડાનું કારણ ઉમેરાતાં સોનું વધુ ઊછળ્યું : ઇઝરાયલ અને ઈરાન દ્વારા સામસામે આક્રમક નિવેદનો

પ્રતીકાત્મક તસવીર

જિયોપૉલિટિકલ ટેન્શન સાથે ડૉલર ઘટાડાનું કારણ ઉમેરાતાં સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં વધુ ઊછળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૭૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૧૪ રૂપિયા વધ્યો હતો. સોનાનો ભાવ સતત બીજે દિવસે વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. 

વિદેશ પ્રવાહ
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધારે આક્રમક બને એ પ્રકારનો માહોલ સર્જાઈ રહ્યો હોવાથી સોનામાં મજબૂતી વધી રહી છે. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૩૮૧ ડૉલર થયા બાદ સાંજે ૨૩૭૮થી ૨૩૭૯ ડૉલરની રેન્જમાં હતું. અમેરિકન ઇકૉનૉમિક ઍક્ટિવિટી વિશે ફેડ દ્વારા બેઇઝ બુક તૈયાર કરવામાં આવે છે. તાજેતરમાં બહાર પડેલી બેઇજ બુકમાં ઇકૉનૉમિક ગ્રોથ નજીવો વધ્યો હોવાનું કહેવાયું છે તેમ જ અમેરિકાના કેટલાક પ્રોવિન્સમાં એનર્જી પ્રાઇસમાં સતત વધારો થઈ રહ્યો છે. એમ્પ્લૉયમેન્ટ અને કન્ઝ્યુમર સ્પેન્ડિંગનો ગ્રોથ ધારણા કરતાં વધુ સ્ટ્રૉન્ગ બતાવાયો છે. ઓવરઑલ બેઇઝ બુક રિપોર્ટ અમેરિકન ઇકૉનૉમિક ગ્રોથ માટે ધારણા કરતાં નબળો રહ્યો હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત બીજે દિવસે ઘટીને ૧૦૫.૭૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ઘટતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ઘટીને ૪.૫૭૬ ટકાએ પહોંચ્યા હતા જે બે દિવસ અગાઉ ૪.૬૩૩ ટકા હતા. 

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ 
સોનાની તેજીને જિયોપૉલિટિકલ ટેન્શન અને ઇકૉનૉમિક ક્રાઇસિસનો સપોર્ટ લાંબા સમય સુધી મળતો રહે એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં બન્ને પક્ષે આક્રમક નિવેદનબાજી ચાલુ થઈ છે. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુએ ઈરાનને સબક શીખવાડવાની વાત કહી છે એની સામે ઈરાનના પ્રેસિડન્ટ અબ્રાહમ રઇસીએ પણ ઇઝરાયલ અટૅક કરશે તો મજબૂતીથી એનો સામનો કરવામાં આવશે એવું કહેવાયું છે. હમાસ અને અન્ય આંતકવાદી જુથો ઈરાનને સમર્થન આપીને ઇઝરાયલને જેર કરવા માટે અનેક નિવેદનો કરી રહ્યાં છે. ઇઝરાયલ કોઈ પ્રકારે આતંકવાદીઓ સામે ઝૂકવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકા અને યુરોપિયન યુનિયને ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવા પ્લૅટફૉર્મ તૈયાર કર્યું છે. ઇઝરાયલ અને પૅલેસ્ટીનના આતંકવાદી ગ્રુપ હમાસ વચ્ચે સાડાછ મહિનાથી યુદ્ધ ચાલુ છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૬ મહિનાથી યુદ્ધ ચાલુ છે. અમેરિકાએ વેનેઝુએલા પર ફરી આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. આમ, જિયોપૉલિટિકલ ટેન્શન અનેક દેશો વચ્ચે વધી રહ્યું હોવાથી સોનાનો ભાવ સતત વધતો રહેશે.

business news share market stock market sensex nifty