ફેડ દ્વારા જૂનથી રેટ કટની સાઇકલ ચાલુ થવાની ધારણાથી સોનામાં સતત વધતી તેજી

29 March, 2024 07:19 AM IST  |  Mumbai | Mayur Mehta

જપાનની કરન્સીને વધુ ઘટતી રોકવા તાકીદનાં પગલાં ભરવાની ખાતરી

પ્રતીકાત્મક તસવીર

ફેડ દ્વારા જૂનથી રેટ કટની સાઇકલ ચાલુ થવા વિશે માર્કેટ અને ઍનલિસ્ટો આશાવાદી હોવાથી સોનામાં સતત તેજી વધી રહી છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૧૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૩૦ રૂપિયા વધ્યો હતો. સોનાનો ભાવ સતત ત્રીજે દિવસે વધ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં ૯૮૪ રૂપિયાનો વધારો નોંધાયો હતો. સોનાના ભાવે ૬૭,૦૦૦ની સપાટી વટાવતાં એ ફરી નવી ઑલટાઇમ હાઈ સપાટી તરફ અગ્રેસર થયું હતું. 

વિદેશ પ્રવાહ
અમેરિકી ડૉલરની મજબૂતી અને ફેડના વિવિધ ઑફિશ્યલ્સ દ્વારા ઇન્ટરેસ્ટ રેટના ઘટાડા માટે ઉતાવળ નહીં કરાય એવી વારંવારની કમેન્ટ છતાં માર્કેટ અને ઍનલિસ્ટો જૂનમાં રેટ કટની સાઇકલ ચાલુ થવા વિશે ભારે આશાવાદી હોવાથી સોનામાં સતત તેજી જોવા મળી રહી છે. ગુરુવારે સોનું એક તબક્કે વધીને ૨૨૧૫ ડૉલર થયા બાદ સાંજે ૨૨૧૨થી ૨૨૧૩ ડૉલરની રેન્જમાં હતું. સોનામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ ડૉલરની તેજી જોવા મળી હતી. જોકે સોનું ઑલટાઇમ હાઈ ૨૨૩૯ ડૉલરની સપાટીથી હજી દૂર છે. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
જપાનમાં કરન્સી ક્રાઇસિસ સતત વધી રહી છે. જૅપનીઝ યેનનું મૂલ્ય ૩૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા બાદ મિનિસ્ટ્રી ઑફ ફાઇનૅન્સ, બૅન્ક ઑફ જપાન અને ફાઇનૅન્શિયલ સર્વિસ એજન્સી વચ્ચે તાકીદની મીટિંગ યોજાઈ હતી અને કરન્સી ડિપ્રીશિએશનને રોકવા પગલાં લેવા માટે ચર્ચા થયા બાદ ફાઇનૅન્સ મિનિસ્ટરે કરન્સીને વધુ ઘટતી રોકવા પગલાં લેવાની ફાઇનૅન્શિયલ માર્કેટને ખાતરી આપી હતી. આ ખાતરી બાદ જૅપનીઝ યેન ઘટતો અટકીને સુધર્યો હતો અને ૧૫૧ ડૉલરના લેવલે પહોંચ્યો હતો. જૅપનીઝ યેન સુધરતાં ડૉલર ઇન્ડેક્સ પણ ૦.૦૨ ટકા ઘટીને ૧૦૪.૩૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે વધીને ૧૦૪.૪૦ પૉઇન્ટ થયો હતો. ફેડના ગવર્નર ક્રિષ્ટોફર વૉલરે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો વધુ લાંબો સમય અટકી શકે છે એવી કમેન્ટ કરતાં ડૉલર સુધર્યો હતો. યુરોનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં છેલ્લા ત્રણ મહિનામાં બે ટકા ઘટ્યું હતું, કારણ કે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મોટા ભાગના મેમ્બરો દ્વારા બે ટકાના ઇન્ફ્લેશનનો ટાર્ગેટ એક વર્ષમાં હાંસલ થવાનો વિશ્વાસ વ્યક્ત થતાં જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની શક્યતા વધતાં યુરો સતત વધી રહ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅન લગાર્ડેએ પણ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા માટે અનુકૂળતા વધી હોવાની કમેન્ટ છેલ્લી મીટિંગમાં કરી હતી. 

અમેરિકન ૩૦ વર્ષીય મૉર્ગેજ રેટ ૨૨મી માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ચાર બેસિસ પૉઇન્ટ ઘટીને ૬.૯૩ ટકાએ પહોંચ્યો હતો. મૉર્ગેજ બૅન્કર્સ અસોસિએશનને ઇકૉનૉમિસ્ટે મૉર્ગેજ રેટ ૨૦૨૪ના અંતે ૬ ટકા થવાની આગાહી કરી હતી. મૉર્ગેજ રેટના સતત વધારા બાદ ઘટાડો ધીમો રહેતાં મૉર્ગેજ ઍપ્લિકેશન સતત બીજા સપ્તાહે ૦.૭ ટકા ઘટી હતી જે અગાઉના સપ્તાહે ૧.૬ ટકા ઘટી હતી. 

યુરો એરિયાનું ઇકૉનૉમિક સે​ન્ટિમેન્ટ માર્ચમાં વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ૯૬.૩ પૉઇન્ટે પહોંચ્યુ હતું જે ફેબ્રુઆરીમાં ૯૫.૫ પૉઇન્ટ હતું. યુરો એરિયાનું સર્વિસ સે​ન્ટિમેન્ટ માર્ચમાં વધીને ૬.૩ પૉઇન્ટે પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં છ પૉઇન્ટ હતું, પણ માર્કેટની ધારણા ૭.૮ પૉઇન્ટની હતી. યુરો એરિયાનું ઇન્ડ​સ્ટ્રિયલ સે​ન્ટિમેન્ટ માર્ચમાં છ મહિનાની ઊંચી સપાટીએ માઇનસ ૮.૮ પૉઇન્ટે પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં માઇનસ ૯.૪ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા માઇનસ નવ પૉઇન્ટની હતી. યુરો એરિયાનું કન્ઝ્યુમર કૉન્ફિડન્સ સે​ન્ટિમેન્ટ માર્ચમાં ૦.૬ પૉઇન્ટ વધીને બે વર્ષની ઊંચાઈએ માઇનસ  ૧૪.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું.  

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
સ્વિટ્ઝરલૅન્ડની સેન્ટ્રલ બૅન્ક બાદ હવે સ્વીડનની સેન્ટ્રલ બૅન્કે મે કે જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનો સંકેત આપ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅન સહિત તમામ મેમ્બરો છેલ્લા એક મહિનાથી ઇન્ટરેસ્ટમાં ઘટાડો કરવાની તરફેણ કરી રહ્યા હોવાથી જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ પ્રબળ છે. એની સામે અમેરિકન ફેડના ગવર્નર ક્રિષ્ટોફર વૉલરે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો મોડો પડવાની કમેન્ટ કરી હતી, જ્યારે માર્કેટ એવું માની રહી છે કે ફેડ માર્કેટને અંધારામાં રાખીને ઓચિંતો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો કરશે જેને કારણે સોનામાં તેજીવાળા સતત બુલંદ છે. ૨૦૨૪ના અંતે અમેરિકાનું પ્રેશિડેન્શિયલ ઇલેક્શન અને ડોનલ્ડ ટ્રમ્પની જીતના ચા​ન્સિસ દિવસે-દિવસે વધી રહ્યા હોવાથી જ્યારે પણ ઇન્ટરેસ્ટ ઘટાડો આવશે એ આક્રમક હશે એવું ઍનલિસ્ટો અને ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ૨૦૨૪માં ત્રણ વખત ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટ ઘટાડવાનું કહ્યું છે, પણ ઍનલિસ્ટો ૭૫ બેસિસ પૉઇન્ટને બદલે વધુ ઘટાડો થશે એવું માની રહ્યા છે. એટલે સોનું હાલ ડેન્જર ઝોનમાં હોવાનું કહી શકાય, કારણ કે બન્ને તરફ ૧૦૦-૧૦૦ ડૉલરની વધ-ઘટની શક્યતા છે. અમેરિકાનું ઇન્ફ્લેશન ધારણાથી વધુ આવે અને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની શરૂઆત જુલાઈ-સપ્ટેમ્બર સુધી લંબાવવાનો સંકેત મળે તો સોનામાં ૧૦૦ ડૉલર હાલના લેવલથી ઘટી શકે છે અને ઍનલિસ્ટોની ધારણા અને અનેક ફાઇનૅન્શિયલ એજન્સીઓની આગાહીઓ સાચી પડે તો સોનું અહીંથી ૧૦૦ ડૉલર વધી શકે છે. 

business news share market stock market sensex nifty gold silver price