17 March, 2025 06:54 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
યુક્રેને અમેરિકાની ૩૦ દિવસના યુદ્ધ-વિરામની ઑફર સ્વીકારતાં સોનામાં તેજીને બ્રેક લાગી હતી. જોકે ઇલેક્ટ્રિક વેહિકલ અને સોલર પૅનલમાં ચાંદીની ડિમાન્ડ વધવાની ધારણા અને કૉપરની તેજીના સપોર્ટથી ચાંદીમાં તેજીની આગેકૂચ બરકરાર રહી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું ૨૯૨૫.૬૦ ડૉલરથી ઘટીને ૨૯૦૭.૭૦ ડૉલર થયું હતું જ્યારે ચાંદી ૩૩.૧૫ ડૉલર સુધી વધી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૯ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૪૭૪ રૂપિયો ઊછળ્યો હતો. વિશ્વ બજારમાં ચાદી સુધરતાં છેલ્લા બે દિવસમાં મુંબઈમાં ચાંદી ૯૮ રૂપિયા ઘટી હતી જે ગઈ કાલે એક જ દિવસમાં ૧૪૭૪ રૂપિયા ઊછળી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર્સ જાન્યુઆરીમાં ૨.૩૨ લાખ વધીને ૭૭.૪ લાખે પહોંચ્યા હતા જે ડિસેમ્બરમાં ૭૫.૧ લાખ હતા અને માર્કેટની ધારણા ૭૬.૩ લાખની હતી. અમેરિકાના રીટેલ ટ્રેડ, ફાઇનૅન્સ-ઇન્શ્યૉરન્સ અને હેલ્થકૅર સેક્ટરમાં અનેક નવી તકો ઊભી થતાં જૉબ-ઓપનિંગ નંબર્સ વધ્યા હતા. જોકે એની સામે જૉબ-ક્વીટ એટલે કે નોકરી ગુમાવનારાઓની સંખ્યા જાન્યુઆરીમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૩૨.૬૬ લાખે પહોંચી હતી જે ડિસેમ્બરમાં ૩૦.૯૫ લાખ હતી. વૉલેન્ટરી નોકરી છોડનારાઓની સંખ્યા વધીને ૨.૧ ટકા થઈ હતી જે ડિસેમ્બરમાં ૧.૯ ટકા હતી. ખાસ કરીને કન્સ્ટ્રક્શન્સ સેક્ટરમાં સૌથી વધારે નોકરીઓ ઓછી થઈ હતી.
અમેરિકન જૉબ-ઓપનિંગ નંબર્સ ધારણા કરતાં વધતાં અને જૅપનીઝ યેનનું મૂલ્ય ઘટતાં અમેરિકન ડૉલર નીચા મથાળેથી સુધર્યો હતો. ટ્રમ્પની ટૅરિફ-પૉલિસીમાં ઍડ્જસ્ટમેન્ટ ચાલુ થતાં એની અસરે પણ ડૉલર સુધર્યો હતો, પણ યુક્રેને અમેરિકાની યુદ્ધ-વિરામની દરખાસ્ત સ્વીકારતાં રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની ફરી આશા જાગતાં યુરો સુધરતાં ડૉલરમાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
ચીનમાં યોજાયેલી બે દિવસીય ઍન્યુઅલ મીટિંગને અંતે પૉલિસી મેકર્સોએ ટ્રમ્પની ટૅરિફવધારાની પૉલિસીને કારણે અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશન વધુ બગડવાની શક્યતા બતાવી હતી. એને કારણે ચીનનો ફિઝિકલ ડેફિસિટનો ટાર્ગેટ પણ વધારીને રેકૉર્ડબ્રેક ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો ચાર ટકા નિર્ધારિત કર્યો હતો. ગ્રોથ-ટાર્ગેટ પાંચ ટકા અને ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકા જાળવી રાખ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલી અનેક બાબતોના ફેરફાર પળેપળ ફરતા રહ્યા હોવાથી માર્કેટની ગતિવિધિ પણ એટલી જ વધઘટવાળી બની છે. અમેરિકાની મિલિટરી અને ઇન્ટેલિજન્સની સહાય ફરી રાબેતા મુજબ કરવાની દરખાસ્ત સામે યુક્રેને ૩૦ દિવસ સુધી યુદ્ધ-વિરામની શરત સ્વીકારી હતી, યુક્રેનની આ દરખાસ્ત વિશે અમેરિકા હવે રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે ચર્ચા કરશે એવી જાહેરાત કરાઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં રશિયા અને યુક્રેન બન્નેએ એકબીજાનાં સ્થાનો પર ભીષણ અટૅક કર્યો હતો. અમેરિકામાં આયાત થતા સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ૫૦ ટકા ટૅરિફવધારો જાહેર કર્યાના થોડા જ કલાકમાં ટૅરિફવધારો ઘટાડીને પચીસ ટકા કરવામાં આવ્યો હતો અને આ પચીસ ટકા ટૅરિફવધારાનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો હતો. અમેરિકાએ યુરોપિયન દેશોથી આયાત થતી ચીજો પર ટૅરિફવધારો લાગુ કરતાં યુરોપિયન યુનિયને વળતો નિર્ણય લઈને અમેરિકાથી આયાત થતી ૨૬ અબજ યુરોની ચીજો પર એપ્રિલથી ટૅરિફવધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી. આમ ટ્રમ્પની ટૅરિફ વિશેની બદલાતી જાહેરાતોથી આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં મોટા પ્રમાણમાં વધઘટ થવાની ધારણા છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૮૬,૧૪૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૮૫,૭૯૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૮,૧૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)