ચીનમાં કોરોનાનાં નિયંત્રણો સામે તોફાનોને પગલે સોનામાં સેફ હેવન ડિમાન્ડથી ભાવમાં વધારો

29 November, 2022 04:26 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનમાં કોરોનાનાં નિયંત્રણો સામે તોફાનોને પગલે સોનામાં સેફ હેવન ડિમાન્ડથી ભાવમાં વધારો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાઇનીઝ પ્રીમિયર જિનપિંગને હટાવવાની માગણી સાથેનાં તોફાનો વધતાં ચીનમાં રાજકીય અસ્થિરતા સર્જાવાની શક્યતાએ સોનામાં સેફ હેવન ડિમાન્ડ નીકળતાં ભાવ વધ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૯૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૮૧ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

ચીનમાં કોરોનાનાં નિયંત્રણો સામે સરકાર સાથેની તોફાની અથડામણ સતત વધી રહી હોવાથી રાજકીય અસ્થિરતા સર્જાવાની શક્યતાએ સોનામાં સેફ હેવન બાઇંગ વધ્યું હતું. વળી ફેડ દ્વારા ડિસેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો થવાનું નક્કી મનાવા લાગતાં ડૉલર પણ સોમવારે ૦.૮ ટકા ઘટ્યો હતો. એનાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. સોનું વધીને ૧૭૬૫.૨૦ ડૉલર થયા બાદ ૧૭૬૧-૧૭૬૨ ડૉલરના લેવલ પર સ્થિર થયું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

વેસ્ટર્ન દેશોમાં રિસેશનની અસરથી ઇકૉનૉમિક ઇન્ડિકેટરો નબળાં આવી રહ્યાં છે. હવે એશિયન દેશોનાં ઇકૉનૉમિક ઇન્ડિકેટરોમાં રિસેશનની અસર દેખાવા લાગી છે. થાઇલૅન્ડની એક્સપોર્ટ છેલ્લા ૨૦ મહિનામાં પ્રથમ વખત ઑક્ટોબરમાં ૪.૪ ટકા ઘટી હતી, જે સપ્ટેમ્બરમાં ૭.૮ ટકા વધી હતી અને માર્કેટની ધારણા છ ટકા વધારાની હતી. થાઇલૅન્ડની ઇમ્પોર્ટ પણ ઑક્ટોબરમાં ૨.૧ ટકા ઘટી હતી, જે સપ્ટેમ્બરમાં ૧૫.૬ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૦ ટકા વધારાની હતી. થાઇલૅન્ડની ટ્રેડ ડેફિસિટ સતત સાતમા મહિને વધીને ૬૫૬ લાખ ડૉલરે પહોંચી હતી. 
ચીનમાં વધુ પડતા કોરોનાનાં નિયંત્રણો સામે પબ્લિક શૅરીઓમાં ઊતરી આવી છે અને પ્રીમિયર જિનપિંગને સત્તા છોડી દેવાની માગણી થઈ રહી હોવાથી ચીનમાં ફરી ક્રાઇસિસ વધી છે. ચીનમાં એક તરફ ઇકૉનૉમિક ગ્રોથ ઝડપથી નીચે જઈ રહ્યો છે તો બીજી તરફ લાંબા સમયથી લૉકડાઉનને કારણે પબ્લિકમાં ગુસ્સો સતત વધી રહ્યો છે. ચીનનો ઇકૉનૉમિક ગ્રોથના પ્રોજેક્શન છેલ્લા છ મહિનાથી સતત ઘટી રહ્યા છે. પબ્લિકનો ગુસ્સો સતત વધી રહ્યો હોવાથી એની અસરે ચાઇનીઝ બન્ને સ્ટૉક ઇન્ડેક્સ સોમવારે એકથી સવા ટકા ઘટીને ખૂલ્યા હતા. ચાઇનીઝ યુઆન પણ એક ટકા તૂટ્યો હોવાથી અમેરિકી ડૉલરને મજબૂતી મળી હતી.

ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૨૦૨૨ના પ્રથમ ૧૦ મહિનામાં ત્રણ ટકા ઘટીને ૬૯.૭૮ ટ્રિલ્યન યુઆન રહ્યું હતું, જે પ્રથમ નવ મહિનાના ડેટા કરતાં ૨.૩ ટકા ઘટ્યું હતું. ચાઇનીઝ સ્ટેટ હસ્તકની ઇન્ડસ્ટ્રીઝનો પ્રૉફિટ ૧.૧ ટકા વધ્યો હતો, પણ પ્રાઇવેટ સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝનો પ્રૉફિટ ૨.૧ ટકા ઘટ્યો હતો. ફેરસ અને નૉન-ફેરસ મેટલ સ્મેલ્ટિંગનો પ્રૉફિટ સૌથી વધુ ઘટ્યો હતો. ત્યાર બાદ ટેક્સટાઇલ, રબર-પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો પ્રૉફિટ ઘટ્યો હતો. 

ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં છેલ્લા ૧૦ મહિનામાં પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાનું રીટેલ સેલ્સ ઑક્ટોબરમાં ૦.૨ ટકા ઘટ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ૦.૬ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૫ ટકા વધવાની હતી. સૌથી વધુ ઘટાડો ડિપાર્ટમેન્ટ સ્ટોરના સેલ્સમાં ૨.૪ ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત કલોધિંગ, ફુટવેઅર, કૅફે, રેસ્ટોરાં અને હાઉસહોલ્ડ રીટેલિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં રીટેલ સેલ્સ ઘટતાં ઇકૉનૉમિક રિસેશનની અસર વધી હોવાના સંકેત મળી રહ્યા છે. 

ચાલુ સપ્તાહે અમેરિકાના મહત્ત્વના ઇકૉનૉમિક ડેટા જાહેર થવાના છે, જેમાં શુક્રવારે નવેમ્બર મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા જાહેર થશે, જે ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાના નિર્ણય માટે ઉપયોગી બનશે. નવેમ્બરમાં બે લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે. ઑક્ટોબરમાં અમેરિકામાં ૨.૬૧ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. આમ, નૉન ફાર્મ પે-રોલ ડેટા નબળા આવવાની ધારણા છે. ગુરુવારે નવેમ્બર મહિનાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ડેટા જાહેર થશે. બુધવારે અમેરિકાના થર્ડ ક્વૉર્ટરના ગ્રોથ રેટનું સેકન્ડ એસ્ટિમેટ જાહેર થશે, જે ફર્સ્ટ એસ્ટિમેટમાં ૨.૬ ટકા રહ્યો હતો અને ૨.૮ ટકા રહેવાનો અંદાજ મુકાયો છે. અમેરિકાનો ગ્રોથ રેટ સ્ટ્રૉન્ગ આવવાની ધારણા છે. આ ઉપરાંત અમેરિકાના કન્ઝ્યુમર કૉન્ફિડન્ટ, પર્સનલ ઇન્કમ અને સ્પેન્ડિંગના પણ ડેટા જાહેર થશે. યુરો એરિયાનું પ્રિલિમિનરી ઇન્ફ્લેશન ઉપરાંત અનેક દેશોના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. કૅનેડા, ટર્કી, ભારત, સ્વિટ્ઝરલૅન્ડ, બ્રાઝિલના થર્ડ ક્વૉર્ટરના ગ્રોથ રેટના ડેટા પણ જાહેર થશે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

ચીનમાં રાજકીય અને સામાજિક અરાજકતા દિવસે-દિવસે વધી રહી છે. કોરોનાના સતત વધી રહેલા કેસ સામે ચાઇનીઝ ગવર્નમેન્ટનું અતિ કડક વલણ હવે બૂમરૅગ્ન સાબિત થઈ રહ્યું હોવાથી પબ્લિક શૅરીઓમાં ઊતરી આવી છે, કારણ કે કોરોનાનાં નિયંત્રણોની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. ચાઇનીઝ લોકો જીવતેજીવ મૃત્યુનો અનુભવ કરે એવી સ્થિતિ ઊભી થઈ રહી હોવાથી હવે પબ્લિક બેકાબૂ બની છે. ઉપરાંત ચીન વિશ્વની સૌથી વધુ ૧૪૫ કરોડ કરતાં વધુ વસ્તી ધરાવતો દેશ હોવાથી ચીનમાં ઊભી થઈ રહેલી અરાજકતાની અસર વૈશ્વિક માર્કેટ પર પડી રહી છે. ક્રૂડ તેલના ભાવ ઘટીને ૭૪ ડૉલર થયા હતા, જે એક તબક્કે ૧૦૦ ડૉલરની નજીક પહોંચ્યા હતા. જોકે નૅચરલ ગૅસના ભાવ હજી પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોવાથી ઇન્ફ્લેશન પર કાબૂ મેળવવો ઘણો દૂર છે. ચીન વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઇકૉનૉમી હોવાથી રિસેશનની અસરમાં ચાઇનીઝ ફૅક્ટર પણ મહત્ત્વનો ભાગ ભજવશે. સોનાના ભાવનું ભાવિ જાણવા માટે એક બાબત મહત્ત્વની છે કે ભલે સમગ્ર વિશ્વમાં રિસેશનની અસર હોય, પણ જ્યાં સુધી અમેરિકન ઇકૉનૉમી અને ડૉલર પર રિસેશનનું દબાણ નહીં આવે ત્યાં સુધી સોનામાં તેજી જોવા નહીં મળે. અમેરિકન ઇકૉનૉમી તૂટશે અને એની અસરે ડૉલર જ્યારે તૂટશે ત્યારે સોનામાં મોટા ઉછાળા જોવા મળશે. હવે આ સમય નજીક આવતો દેખાય છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૨,૮૫૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૨,૬૪૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૨,૧૧૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market