સોનામાં ઊંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો, ચીનમાં કોરોનાના ઉપદ્રવથી બાઉન્સબૅક થવાની ધારણા

27 October, 2021 03:45 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનમાં એવરગ્રાન્ડે બાદ અન્ય પ્રૉપર્ટી ડેવલપર કંપની મૉડર્ન લૅન્ડ ડિફૉલ્ટ થતાં ઇકૉનૉમિક ક્રાઇસિસ વધી

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડમાં ઇન્ફ્લેશનરી પ્રેશર વધતાં સોનું છેલ્લાં સાત સેશનથી સતત વધી રહ્યું હોવાથી મંગળવારે સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો, પણ ચીનમાં લેનઝૂમાં કોરોનાનો ઉપદ્રવ વધતાં લૉકડાઉન લાગુ પડતાં અને બીજી ચાઇનીઝ પ્રૉપર્ટી ડેવલપર કંપની મૉડર્ન લૅન્ડ ડિફૉલ્ટ થતાં ઇકૉનૉમિક ક્રાઇસિસનો ભય ઊભો થતાં સોનું બાઉન્સબૅક થવાની ધારણા છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯ રૂપિયા વધ્યું હતું જ્યારે ચાંદી પ્રતિ કિલો ૨૦૦ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

ચીનમાં કોરોનાનો ઉપદ્રવ એકાએક વધતાં લેનઝૂ નામના શહેરમાં અનિશ્ચિત મુદતનું લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. ૪૦ લાખની વસ્તી ધરાવતા લેનઝૂના રહેવાસીઓને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. લેનઝૂ શહેરમાં કોરોનાના નવા ૨૯ કેસ નીકળતાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. બ્રિટન દ્વારા પણ નવા વેરિઅન્ટ અંગે ચેતવણી આપવામાં આવી છે. ભારતના આરોગ્ય પ્રધાને પણ નવા વેરિઅન્ટ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આમ, કોરોનાના કેસ વધતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ આગામી દિવસોમાં વધી શકે છે. જોકે સોનું મંગળવારે વર્લ્ડ માર્કેટમાં ઊંચા મથાળેથી ઘટ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું સોમવારે ઓવરનાઇટ વધીને ૧૮૦૯.૬૬ ડૉલરે પહોંચ્યું હતું, જ્યાંથી ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો હતો. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીને નવી પ્રૉપર્ટી ટૅક્સ સ્કીમ લૉન્ચ કરી ત્યારથી ચાઇનીઝ પ્રૉપર્ટી સેક્ટરમાં હડકંપ મચી ગયો છે. પ્રૉપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડેનું ડિફૉલ્ટ થવું નિશ્ચિત મનાઈ રહ્યું છે, કારણ કે બૉન્ડ ઇન્ટરેસ્ટ ચૂકવવાની ખાતરી છતાં છેલ્લાં ચાર સપ્તાહથી કંપની બૉન્ડ ઇન્ટરેસ્ટ ચૂકવવામાં નિષ્ફળ જઈ રહી છે. એવરગ્રાન્ડેની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે બીજી એક ચાઇનીઝ પ્રૉપર્ટી ડેવલપર કંપની મૉડર્ન લૅન્ડ ૨૫ કરોડ ડૉલરમાં ડિફૉલ્ટ થયાના સમાચારો બહાર આવી રહ્યા છે. ચાઇનીઝ પ્રૉપર્ટી સેક્ટરની એક પછી એક કંપની ડિફૉલ્ટ થઈ રહી હોવાથી શાંઘાઈ સ્ટૉક માર્કેટનો પ્રૉપર્ટી ઇન્ડેક્સ ઘડાઘડ તૂટી રહ્યો છે. પ્રૉપર્ટી કંપનીઓના ડિફૉલ્ટ થવાથી ચાઇનીઝ ઇકૉનૉમીને તૂટતી બચાવવા પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના વધુ ને વધુ નાણાં માર્કેટમાં ઠાલવી રહી છે, ત્રણ સપ્તાહ અગાઉ રોજના ૧૦ અબજ યુઆન માર્કેટમાં ઠાલવવામાં આવતા હતા એ વધીને છેલ્લા બે દિવસથી રોજ ૨૦૦ અબજ યુઆન બૅન્કિંગ ચૅનલ મારફત માર્કેટમાં ઠાલવવામાં આવી રહ્યા છે. સ્પેનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન સપ્ટેમ્બરમાં વધીને ૪૪ વર્ષની ઊંચાઈએ ૨૩.૬ ટકાએ પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં ૧૭.૯ ટકા હતું, એનર્જી પ્રાઇસની તેજીને કારણે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન જંગીમાત્રામાં વધ્યું હતું. સ્વીડનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન સપ્ટેમ્બરમાં વધીને ઑલટાઇમ હાઈ ૧૭.૨ ટકાએ પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૧૫.૮ ટકા હતો. ચાઇનીઝ પ્રૉપર્ટી સેક્ટરની કટોકટી સોનાનું સેફ હેવન સ્ટેટસ મજબૂત કરનારી ઘટના બની રહી હોવાથી સોનામાં તેજી મજબૂત બની રહી છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

વિશ્વના લગભગ તમામ મોટા દેશોમાં કન્ઝ્યુમર્સ અને પ્રોડ્યુસર્સ ઇન્ફલેશન મલ્ટિ યર હાઈ લેવલે પહોંચ્યું હોવાથી મોટા ભાગની સેન્ટ્રલ બૅન્કોએ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. બૅન્ક આ.ફ રશિયાએ ગત સપ્તાહે ધારણા કરતાં વધુ ૭૫ બેઝિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ જપાનનું આઉટકમ જાહેર થશે. બંને ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય કદાચ નહીં લે, પણ એ વિશેની ગાઇડલાઇન બહાર પાડે એવી શક્યતા છે. આગામી સપ્તાહે ફેડ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગ યોજાશે. ફેડ દ્વારા ટેપરિંગ શરૂ થવાની જાહેરાત થશે. ઉપરાંત ઇન્ટરેસ્ટ રેટ વધારવા અંગે ફેડ ચૅરમૅન જેરોમ પોવેલ અગત્યની જાહેરાત કરે એવી ધારણા છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ બધાના આશ્ચર્ય વચ્ચે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની પણ જાહેરાત કરી શકે છે. હાલ સોનાની માર્કેટને ઇન્ફલેશનના વધારાનો સપોર્ટ મળી રહ્યો છે. સોનું ઇન્ફલેશનના વધારા સામે બેસ્ટ હેજિંગ ટુલ્સ હોવાથી સોનાની ખરીદીનું આકર્ષણ સતત વધી રહ્યું છે, ઇન્ફલેશનના વધારા ઉપરાંત કોરોનાની વધી રહેલી ચિંતા અને ચીનમાં ઇકૉનૉમિક ક્રાઇસિસથી સોનાનું સેફ હેવન સ્ટેટસ પણ મજબૂત બની રહ્યું છે. સોનું ૧૮૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હોવાથી હવે બુલિશ પૅટર્ન બની રહી છે. બુલિયન માર્કેટના હાલનાં ફંડામેન્ટ્સ જોતાં સોનામાં હજી શૉર્ટથી મિડિયમ ટર્મ તેજીના ચાન્સિસ દેખાય છે. અમેરિકા ૨૦૨૨માં જો ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો સોનાના લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ મંદીમય બનશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૧૭૧

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૯૭૮

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૫,૪૫૩

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news