મોટી તેજીની વ્યાપક આગાહીઓને પગલે સોનામાં નવો ઉછાળો આવ્યો

27 March, 2024 07:01 AM IST  |  Mumbai | Mayur Mehta

સિટી બૅન્ક, ગોલ્ડમૅન સાક્સ, મૉર્ગન સ્ટૅનલી સહિત અનેક ઍનલિસ્ટોની તેજીતરફી આગાહી

પ્રતીકાત્મક તસવીર

સોનામાં મોટી તેજીની અનેક ટૉપ લેવલની એજન્સીઓની આગાહીથી નવો ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૪૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૨૭ રૂપિયા વધ્યાં હતાં. સોનું ગયા સપ્તાહે ૭૦૯ રૂપિયા ઘટ્યા બાદ સપ્તાહના આરંભે ૪૪૮ રૂપિયા વધીને ફરી ૬૭,૦૦૦ રૂપિયાની સપાટી નજીક પહોંચ્યું હતું. ગયા સપ્તાહે સોનું વધીને ૬૬,૯૧૪ રૂપિયા થયું હતું. 

વિદેશ પ્રવાહ
સોનાના ભાવ ૨૩૦૦ ડૉલરથી ૩૦૦૦ ડૉલર સુધી જવાની વ્યાપક આગાહીઓને પગલે ઘટ્યા ભાવે નવી લેવાલી નીકળતાં સોનામાં મંગળવારે નવો ઉછાળો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૨૩૯ ડૉલરની સર્વોત્તમ ઊંચાઈએ પહોંચ્યા બાદ ૭૦થી ૮૦ ડૉલર ઘટ્યું હતું. મંગળવારે સોનું ઘટીને ૨૧૬૯ ડૉલર થયા બાદ નવી લેવાલી નીકળતાં સોનું વધીને ૨૨૦૦ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ સાંજે ૨૧૯૭થી ૨૧૯૮ ડૉલરની રેન્જમાં હતું. વર્લ્ડની ટૉપ લેવલની અનેક ફાઇનૅ​ન્શિયલ અને બૅ​​ન્કિંગ એજન્સીઓએ સોનામાં તેજીની આગાહી કરી હતી. ગોલ્ડમૅન સાક્સે ૨૦૨૪ના અંતે સોનું વધીને ૨૩૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી, જ્યારે મૉર્ગન સ્ટૅનલીએ પણ ટૂંકા ગાળામાં ૨૩૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી. સિટી બૅન્કે આગામી ૧૨થી ૧૬ મહિનામાં સોનાનો ભાવ ૩૦૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી. વિસડમ ટ્રી નામની એજન્સીએ ૨૦૨૫ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં સોનું વધીને ૨૩૫૦ ડૉલર થવાની આગાહી કરી હતી. આવી તેજીતરફી આગાહીઓ ડઝનથી વધુ એજન્સીઓએ કરી હતી. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમ પણ વધ્યાં હતાં, પણ પૅલેડિયમ ઘટ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ જૂન અને જુલાઈમાં ઘટવાના ચાન્સ ધીમે-ધીમે ઓછા થતા જતા હોવાથી ડૉલર ઇન્ડેક્સ પણ મજબૂત બની રહ્યો છે. મંગળવારે ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૪.૧૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે વધીને એક તબક્કે ૧૦૪.૨૩ પૉઇન્ટ થયો હતો. બૅન્ક ઑફ જપાન દ્વારા ૧૭ વર્ષ પછી પ્રથમ વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થયો હોવા છતાં જૅપનીઝ યેન સતત ઘટી રહ્યો છે, કારણ કે બૅન્ક ઑફ જપાનના ચૅરમૅન કાજુઓ ઉડાએ હાલ પૂરતાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવાની કમેન્ટ કરી હતી. જૅપનીઝ યેન ઘટતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. અમેરિકાના મૉર્ગેજ રેટ ફરી વધતાં હાઉસિંગ સેક્ટરમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. સિંગલ ફૅમિલી હાઉસનું સેલ્સ ફેબ્રુઆરીમાં ૦.૩ ટકા ઘટીને ૬.૬૨ લાખે પહોંચ્યું હતું જેની ધારણા ૬.૭૫ લાખની હતી અને જાન્યુઆરીમાં સેલ્સ ૧.૭ ટકા વધ્યું હતું. હાઉસિંગ સેલ્સ ઘટ્યું હતું, પણ બિ​​​​લ્ડિંગ પરમિટ ફેબ્રુઆરીમાં ૨.૪ ટકા વધીને છ મહિનાની ઊંચાઈએ ૧૫.૨૪ લાખે પહોંચી હતી. મ​​લ્ટિ ફૅમિલી હાઉસિંગની બિ​​લ્ડિંગ પરમિટ ૫.૧ ટકા અને સિંગલ ફૅમિલીની ૨.૪ ટકા વધી હતી. 

ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાર્ષિક ૧૯.૯ ટકા ઘટીને ૩૦ અબજ ડૉલરે પહોંચ્યું હતું. કન્સ્ટ્રક્શન્સ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ૪૩.૩ ટકા વધ્યુ હતું, પણ હોલસેલ અને રીટેલ ઇન્ડસ્ટ્રીઝમાં હોલસેલ ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું હતું. ચાલુ સપ્તાહે અમેરિકાનો ફેબ્રુઆરી મહિનાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સ્પે​ન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ જાહેર થશે જે ફેડના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાના નિર્ણય માટે નિર્ણાયક છે. આ ઉપરાંત અમેરિકન પબ્લિકનું પર્સનલ સ્પે​ન્ડિંગ અને ઇન્કમના ડેટા જાહેર થશે. અમેરિકાના ચોથા ક્વૉર્ટરના ગ્રોથડેટાનું ફાઇનલ રીડિંગ અને ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરના ડેટા તેમ જ કન્ઝ્યુમર કૉન્ફિડન્સના ડેટા પણ જાહેર થશે. જપાનના ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન અને રીટેલ સેલ્સના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટમાં ફેડની પહેલાં ઘટાડો ચાલુ કરે એવા સંકેતો મળી રહ્યા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બર નિગલે જુલાઈ પહેલાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો શરૂ થવાનો સંકેત આપ્યો હતો. નિગલની કમેન્ટ હતી કે ઇન્ફ્લેશન હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ નજીક પહોંચ્યું હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની શરૂઆત વહેલી કરવી જોઈએ. નિગલની કમેન્ટ બાદ જૂન કે જુલાઈમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની શક્યતા વધી હતી અને માર્કેટની ધારણા હવે ૨૦૨૪માં ૮૯ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટમાં ઘટાડો થવાની છે જે અગાઉ ૭૫ બેસિસ પૉઇન્ટની હતી. સીએમઈ ફેડ વૉચ અનુસાર ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એની શક્યતા ૬૯.૮ ટકા છે જે ગયા સપ્તાહે ૭૩.૯ ટકા હતી તેમ જ જુલાઈમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની શક્યતા ગયા સપ્તાહે ૮૬.૪ ટકા હતી એ ઘટીને ૮૨.૯ ટકા થઈ છે. જો ફેડની પહેલાં યુરોપિયન બૅન્ક અને અન્ય સેન્ટ્રલ બૅન્ક જો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે તો ડૉલર હાલના લેવલથી વધુ મજબૂત બનશે અને સોનું વધુ ઘટશે.

business news share market stock market sensex nifty gold silver price