અમેરિકાના હાઉસિંગ અને ઇન્ડસ્ટ્રિયલ ડેટા નબળા આવતાં ડૉલરના ઘટાડાથી સોનું સુધર્યું 

20 October, 2021 11:49 AM IST  |  Mumbai | Mayur Mehta

ચીને સતત પાંચમા વર્ષે ડૉલર બૉન્ડ વેચવાનું ચાલુ કરતાં અમેરિકન ડૉલર બે સપ્તાહના તળિયે પહોંચ્યો 

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ફેડ આગામી સપ્તાહે ટેપરિંગનો નિર્ણય લેશે એ અગાઉ અમેરિકાના હાઉસિંગ અને ઇન્ડસ્ટ્રિયલ ડેટા નબળા આવતાં તેમ જ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ગવર્નરે ઇન્ટરેસ્ટ રેટમાં ધારણાથી વહેલો વધારો કરવાનો સંકેત આપતાં કરન્સી બાસ્કેટમાં ડૉલર બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો જેને પગલે વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી સુધર્યાં હતાં. 
વિદેશી પ્રવાહો
અમેરિકાના હાઉસિંગ માર્કેટ ઇન્ડેક્સ અને ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ડેટા નબળા આવતાં ડૉલર પર દબાણ વધ્યું હતું અને કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. વળી ચીન દ્વારા સતત પાંચમા વર્ષે ડૉલર બૉન્ડ વેચવાનું ચાલુ રહેતાં એને કારણે પણ ડૉલરના મૂલ્ય પર દબાણ વધ્યું હતું. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ૧.૬૩ ટકાથી ઘટીને ૧.૫૮ ટકા થયા હતા. ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટતાં સોના-ચાંદી વર્લ્ડ માર્કેટમાં સુધર્યાં હતાં. સોના-ચાંદી સુધરતાં એને પગલે પ્લૅટિનમ અને પેલેડિયમ પણ એક ટકા આસપાસ સુધર્યાં હતાં. પ્રેસિયસ મેટલ એક્સપર્ટના મતે અમેરિકન ઇન્ફલેશન વધતાં સોનું શૉર્ટ ટર્મ ૧૮૦૦ ડૉલરની સપાટી સુધી પહોંચી શકે છે.  
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાની કૅપિટલ અને ફાઇનૅન્શિયલ અકાઉન્ટ સરપ્લસ ઑગસ્ટમાં વધીને ૯૧ અબજ ડૉલરે પહોંચી હતી જે સતત ૧૦મા મહિને વધી હતી. ફૉરેન ઇન્વેસ્ટર્સે અમેરિકામાં ઑગસ્ટમાં ૩૦.૭ અબજ ડૉલરની ટ્રેઝરી ખરીદી હતી જે જુલાઈમાં ૧૦.૨ અબજ ડૉલરની ખરીદી હતી જ્યારે ફૉરેન ઇન્વેસ્ટર્સે લૉન્ગ ટર્મ અમેરિકન સિક્યૉરિટી ૭૯.૩ અબજ ડૉલર ખરીદી હતી જે અગાઉના મહિને માત્ર બે અબજ ડૉલર જ ખરીદી હતી. અમેરિકાનો હાઉસિંગ માર્કેટ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ચાર પૉઇન્ટ વધીને ૮૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે છેલ્લા ૧૧ મહિનાનો સૌથી મોટો ઉછાળો હતો અને માર્કેટની ૭૬ પૉઇન્ટની ધારણા કરતાં ઇન્ડેક્સ વધુ આવ્યો હતો. અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ સપ્ટેમ્બરમાં ૧.૩ ટકા ઘટ્યું હતું જે સતત બીજે મહિને ઘટ્યું હતું અને માર્કેટની ૦.૨ ટકા વધારાની ધારણાની સરખામણીમાં મોટા પ્રમાણમાં ઘટ્યું હતું. અમેરિકાની ફાઇનૅન્શિયલ માર્કેટ સ્ટ્રોન્ગ હતી પણ હાઉસિંગ ડેટા નબળા આવતાં સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ગવર્નર એન્ડ્રુ બેલીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે જે રીતે ઇન્ફલેશન વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય વહેલો લઈ શકે છે, અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૨૨ના મધ્યમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સંકેત આપી દીધો છે.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ૨૦૨૨ના અંતમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે. વર્લ્ડની ટૉપ લેવલની ઇકૉનૉમી ધરાવતા દેશો દ્વારા ઇન્ટરેસ્ટ રેટ જેવા વધારશે એવી જ તેઓની કરન્સી સ્ટ્રોન્ગ બનશે. ખાસ કરીને ડૉલર મજબૂત બનતાં સોના-ચાંદીની પડતર વધશે જેને કારણે અમેરિકા સિવાયના દેશોને સોનું મોંઘું મળશે જેને કારણે ડિમાન્ડ ઘટશે. સોનામાં ઘટાડો આવવાનું મુખ્ય કારણ કરન્સી સ્ટ્રોન્ગ થવાનું બનશે. વર્લ્ડમાં પાવર શૉર્ટેજને કારણે એનર્જી સેક્ટરમાં ઊભી થયેલી શૉર્ટેજથી એનર્જી સેક્ટરમાં મોટી તેજી જોવા મળી રહી છે, ખાસ કરીને ક્રૂડ તેલ, હિટિંગ ઑઇલ અને અન્ય એનર્જી આઇટમોની તેજીથી સોના-ચાંદીના ઇન્વેસ્ટરો એનર્જી તરફ ડાઇવર્ટ થશે એની પણ અસર જોવા મળશે.
ટેક્નિકલ ઍનૅલિસ્ટોનું માનવું છે કે વર્લ્ડ માર્કેટમાં જો સોનું ૧૭૫૯ ડૉલરનું પેટું તોડશે તો સોનું ઘટીને ૧૭૪૧ ડૉલર અને ત્યાર બાદ ઘટીને ૧૭૩૧ ડૉલર થશે. વર્લ્ડ માર્કેટમાં ઇન્ફલેશનનો વધારો શૉર્ટ ટર્મ સોનાને ઊંચે રાખશે, પણ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ એની ઇકૉનૉમિક ઍક્ટિવિટીમાં અસર દેખાવાની શરૂ
થયા બાદ સોનામાં તેજીની પીછેહઠ જોવા મળશે. આમ, સોનું શૉર્ટથી મીડિયમ ટર્મ સ્ટેબલથી સ્ટ્રોન્ગ રહેશે, પણ લૉન્ગ ટર્મ પ્રોસ્પેકટ મંદીતરફી રહેશે. 

એનએસઈ પહેલી નવેમ્બરથી ગોલ્ડ ડેરિવેટિવ્ઝનું સેટલમેન્ટ બ્લૉકચેઇન પ્લૅટફૉર્મ પર કરશે

દેશમાં પ્રથમ વાર એવું બનશે કે ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટનું સેટલમેન્ટ બ્લૉકચેઇન પ્લૅટફૉર્મ પર થશે. આના પગલે ભારતીય રિફાઇનરીઓ દ્વારા શુદ્ધ કરાયેલું સોનું વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય બનશે. પરિણામે સ્થાનિક ઉદ્યોગ, નિકાસ તેમ જ મૂડીરોકાણને વેગ મળશે. પહેલી નવેમ્બરથી નૅશનલ સ્ટૉક એક્સચેન્જ સોનાની ડિલિવરી માત્ર બ્લૉકચેઇન પ્લૅટફૉર્મ પર સ્વીકારશે. એનએસઈએ ગયા બુધવારે બૅન્ગલોરસ્થિત સ્ટાર્ટઅપ ચેઇનફ્લક્સના સહયોગમાં એનએસઈ-શાઇન પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. એક્સચેન્જ આ પ્રોજેક્ટ પર એક વર્ષથી કામ કરી રહ્યું હતું. ભારતમાં કૉમોડિટી એક્સચેન્જિસ મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ ઑફ ઇન્ડિયા, બીએસઈ અને એનએસઈએ એલબીએમએ સિવાયના રિફાઇન્ડ સોનાને ગુડ ડિલિવરી તરીકે સ્વીકાર કર્યો છે, પરંતુ એનએસઈ એક ડગલું આગળ વધીને બ્લૉકચેઇન મારફત ડિલિવરીને માન્યતા આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જ્યારે અન્ય એક્સચેન્જિસ પણ ગોલ્ડની ડિલિવરી બ્લૉકચેઇન મારફત કરતાં થઈ જશે ત્યારે આવું ગોલ્ડ વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય બનશે.

business news