સોનું માર્ચમાં પાંચ વખત નવી ટોચે પહોંચ્યા બાદ ઘટ્યું : હવે શું?

26 March, 2024 08:41 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના વ્યાજદર ઘટવાની માત્ર વાતોથી સોનું દરેક વખત ઊછળતું હોવાથી તેજી છેતરામણી : લગ્નપ્રસંગ કે શુભપ્રસંગ માટે સોનું ખરીદવા માટે ઉતાવળ કરવાને બદલે ભાવ ઘટવાની રાહ જુઓ

પ્રતીકાત્મક તસવીર

સોનાનો ભાવ માર્ચમાં દર ચાર-પાંચ દિવસે નવી ટોચે જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે સોનાનો ભાવ નવી ટોચે ૨૨૩૯ ડૉલરે પહોંચ્યો હતો જે સોનાના ભાવમાં ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઊંચા ભાવ છે. ભારતમાં પણ સોનાનો ભાવ જુદાં-જુદાં શહેરોમાં પ્રતિ ૧૦ ગ્રામ ૬૭,૦૦૦થી ૬૯,૦૦૦ રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી ગયા બાદ ઘટ્યો હતો. ભારતીય દરેક કુંટુંબમાં સોનાની ખરીદી જીવનના દરેક તબક્કે આવે છે. ઘરે દીકરી કે દીકરો પરણાવવાનો હોય ત્યારે સૌથી પહેલું સોનું કેટલું ખરીદવું? અને સોનાની ખરીદીનું બજેટ નક્કી થાય છે. એમાંય દીકરીને પરણાવવાની હોય ત્યારે સોનાની ખરીદીનું બજેટ અન્ય ખર્ચ કરતાં સૌથી વધુ હોય છે. સોનાની ખરીદી ધાર્મિક રીતરિવાજો સાથે પણ જોડાયેલી હોવાથી અક્ષયતૃતીયા, ધનતરેસ, વસંતપંચમી વગેરે તહેવારોમાં સોનાની ખરીદીને પવિત્રતા સાથે જોડાવાનો રિવાજ સદીઓથી ચાલ્યો આવે છે. જ્યારે મોટી કમાણી થાય કે મોટું સાહસ કરવાનું હોય કે કોઈ મોટા પ્રોજેક્ટનો ઑર્ડર મળ્યો હોય ત્યારે પણ મંદિરોમાં સોનાનું દાન દેવાનો રિવાજ પણ ભારતમાં વર્ષોથી પ્રચલિત છે. આથી જ આખાય વિશ્વમાં ભારતીય મંદિરોના ભંડારમાં જેટલું સોનું પડ્યું હશે એટલું સોનું ક્યાંય જોવા નહીં મળે. એક અંદાજ અનુસાર ભારતીય મંદિરો અને ઘરોમાં ૨૨ હજાર ટન સોનાનો ભંડાર હોવાનો અંદાજ છે. અમેરિકા પાસે રિઝર્વમાં ૮૦૩૨ ટન સોનું પડ્યું છે એના કરતાં પણ ભારતનાં મંદિરો અને ઘરોમાં સોનાનો ભંડાર પડેલો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી ભારતને પાંચ ટ્રિલ્યન ડૉલર (લાખ કરોડ)ની ઇકૉનૉમી બનાવવાની વાતો કરે છે, પણ ભારતીય મંદિરો અને ઘરોમાંથી જો સોનું વેચવામાં આવે તો ભારત પાંચ ટ્રિલ્યન નહીં, પણ પચીસથી ૩૦ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી બની શકે છે. હાલ વર્લ્ડમાં સૌથી મોટી ઇકૉનૉમી અમેરિકાની ૨૬.૮૫ ટ્રિલ્યન ડૉલરની છે અને ભારતની ઇકૉનૉમી ૩.૭૬ ટ્રિલ્યન ડૉલરની છે. ખેર, ભારતીય અર્થતંત્ર સહિત ભારતમાં વસતા દરેક ગરીબ, મધ્યમવર્ગીય, ધનાઢ્ય નાગરિક સાથે જોડાયેલું સોનું હાલ એની સર્વોત્તમ સપાટીએ પહોંચ્યું છે આથી દરેકને એ જાણવાની ઇન્તેજારી છે કે હવે સોનું ક્યાં પહોંચશે? કેટલી વધુ તેજી થશે? કેટલું ઘટશે? આ તમામ પ્રશ્નોનો ઉત્તર આપવાની કોશિશ છે.   

વ્યાજદર-ઘટાડાની ભ્રામક જાહેરાત
આખાયે વર્લ્ડમાં સોનાની ખરીદી સ્થાનિક ચલણમાં થાય પણ સોનાના ભાવની વધ-ઘટ માટે ડૉલર ટર્મમાં જ ભાવ જોવાતાં હોવાથી અને સોનાના ભાવ જે ડૉલરમાં બોલાય એના આધારે જ દરેક દેશમાં સોનાની વધ-ઘટ થતી હોવાથી અમેરિકાની આર્થિક ગતિવિધિ સોનાના ભાવ સાથે સીધી સંકળાયેલી છે. અમેરિકાએ માર્ચ, ૨૦૨૨થી વ્યાજદરમાં શ્રેણીબદ્ધ વધારા કરવાના ચાલુ કર્યા અને જોતજોતામાં સવા વર્ષમાં વ્યાજદરને ૦.૧૫ ટકાથી વધારીને ૫.૫૦ ટકા સુધી પહોંચાડી દીધા. આથી હવે વ્યાજદર ઘટાડાનું ચક્ર ચાલુ કરવાનો સમય આવી ગયો છે. આટલા ઊંચા વ્યાજદર વચ્ચે આર્થિક વિકાસ રૂંધાતો હોવાથી ૨૦૨૩ના નવેમ્બરમાં અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક ફેડરલ રિઝર્વે જાહેરાત કરી કે ૨૦૨૪માં અમે વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો કરીશું. વ્યાજદર ઘટે એટલે ડૉલર ઘટે અને ડૉલર ઘટે એટલે સોનું વધે આવું હંમેશાં થતું આવ્યું છે. ૨૦૨૪માં વ્યાજદર ઘટાડવાની જાહેરાત થઈ ત્યારથી ડૉલર ઘટવા લાગ્યો અને સોનું વધવા લાગ્યું. વાસ્તવમાં ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદર ઘટાડાની જાહેરાત થઈ, પણ ૨૦૨૪ના ત્રણ મહિના પૂરા થવા આવ્યા તો પણ હજી એક પણ વ્યાજદરનો ઘટાડો આવ્યો નથી અને હજી આગામી ત્રણ મહિના વ્યાજદરમાં ત્રણમાંથી એક પણ ઘટાડો આવવાની શક્યતા નથી ત્યારે ફરી ગયા સપ્તાહે ફેડરલ રિઝર્વે જાહેરાત કરી કે અમે ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદર ચોક્કસ ઘટાડીશું. આવી જાહેરાત થઈ એટલે ફરી સોનામાં નવી તેજી જોવા મળી અને ભાવ નવી ટોચે પહોંચી ગયા. અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે જે વ્યાજદર ઘટાડાની શક્યતાએ વાંરવાર સોનું નવી ઊંચાઈએ પહોંચે છે એ વ્યાજદર ઘટાડો હજી આવ્યો નથી. વ્યાજદર ઘટાડો ક્યારે આવશે એ નક્કી નથી, પણ વ્યાજદર ઘટાડાની માત્ર પોકળ વાતોથી જ સોનું વધી રહ્યું હોવાથી આ તેજી છેતરામણી છે. 

તેજીમાં નવી-નવી તેજીની આગાહીઓ 
વર્લ્ડ માર્કેટમાં માર્ચમાં સોનું પાંચ વખત નવી ટોચે પહોંચ્યું હોવાથી વર્લ્ડની ટૉપ લેવલની અનેક બૅન્કોએ સોનામાં નવી તેજીની આગાહીઓ કરી છે, પણ સોનું હોય કે કોઈ પણ ચીજવસ્તુ હોય જ્યારે તેજી બેફામ બને ત્યારે નવી-નવી તેજીની આગાહીઓ થતી હોય છે, પણ અગાઉ આવી તેજીની આગાહીઓ ભાગ્યે જ સાચી પડતી હોય છે. વર્લ્ડની ટૉપ લેવલની ફાઇનૅન્શિયલ બૅ​ન્કિંગ કંપનીઓએ સોનું ૨૦૨૪માં ૨૪૦૦થી ૨૫૦૦ ડૉલર સુધી વધશે એવી આગાહીઓ કરી છે અને એના માટેનાં કારણો પણ સવિસ્તાર સમજાવ્યાં છે. આ કારણો અને દલીલો વાહિયાત અને આધાર વગરનાં નથી. સોનામાં લાંબા ગાળે તેજી થવાની વાતમાં તથ્ય પણ છે, પણ હાલ ૨૦૨૪ના પ્રથમ ત્રણ મહિનામાં જે રીતે બેફામ તેજી થઈ છે એ જોતાં આગામી ત્રણથી ચાર મહિનામાં સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. એટલે જેમણે લગ્નપ્રસંગ કે કોઈ શુભપ્રસંગ માટે સોનાની ખરીદી કરવી હોય તેમણે ભાવ ઘટવાની રાહ જોવી જોઈએ. હાલના લેવલથી સોનું પ્રતિ ૧૦ ગ્રામ બેથી ૩ હજાર ઘટે ત્યારે નવી ખરીદી કરવી જોઈએ. સોનામાં વ્યાજદર ઘટાડા ઉપરાંત પણ ઘણાં કારણો મોજૂદ હોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. 

સોનામાં તેજીનાં અન્ય કારણો 
અમેરિકન ડૉલર ઘટે ત્યારે સોનામાં તેજી થાય એ એક સોનાની તેજીનું મહત્ત્વનું કારણ છે, પણ એ સિવાય જ્યારે વર્લ્ડના કોઈ ખૂણે યુદ્ધ ચાલતું હોય કે આર્થિક સંકટ ઊભું થાય ત્યારે સોનામાં મોટી તેજી જોવા મળી છે, કારણ કે સોનું એક એવી મિલકત છે કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે સોનું લઈને ભાગી જાવ તો એને વટાવીને પૈસા મેળવી શકો છે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે પચીસ મહિનાથી અને ઇઝરાયલ અને હમાસ વચ્ચે છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે જે દૂર-દૂર સુધી પૂરું થવાની શક્યતા નથી. ઉપરાંત બ્રિટન, જપાન સહિત અનેક દેશો મહામંદીનો શિકાર હમણાં સુધી હતા એ હવે ધીમે-ધીમે મહામંદીના તબક્કામાંથી બહાર નીકળી રહ્યા છે, પણ મહામંદી પૂરી થઈ નથી. આમ યુદ્ધ અને આર્થિક સંકટ સમયે દેખાતી સેફ હેવન ડિમાન્ડ સોનામાં પણ હાલ વધી રહી છે. વિશ્વમાં સોનાની ૫૦ ટકા ખરીદી ભારત અને ચીન દ્વારા થઈ રહી છે. ભારત હાલ વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતો દેશ હોવાથી સોનાની ખરીદી વધવાની ધારણા છે. ચીનની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં સોનાની ખરીદી વધી રહી છે. આ ઉપરાંત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કો સોનાની ખરીદી એની રિઝર્વ માટે કરે છે. ૨૦૨૨માં સેન્ટ્રલ બૅન્કોની ખરીદી પંચાવન વર્ષની ઊંચાઈએ પહોંચી હતી આ ટ્રેન્ડ ૨૦૨૩માં પણ ચાલુ રહ્યો હતો અને ૨૦૨૪ના આરંભથી ચાલુ રહ્યો છે. એટલે આ તમામ કારણો હાલ મોજૂદ હોવાથી અને સોનાની તેજીને બળ આપી રહ્યાં હોવાથી ૨૦૨૪માં સોનામાં બહુ મોટી મંદી થવાની શક્યતા નથી અને સોનું ઘટ્યા બાદ ફરી નવી તેજી થવાની શક્યતા પણ પૂરેપૂરી છે. 

business news share market stock market gold silver price