25 February, 2025 07:43 AM IST | Mumbai | Mayur Mehta
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન એક વર્ષની ઊંચાઈએ અને પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૩૦ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડૉલરની નબળાઈથી સોનું-ચાંદી વધ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી વર્લ્ડ માર્કેટમાં સોનું ગગડી જવાની અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી હોવા છતાં સોમવારે સોનું વધ્યું હતું.
મુ્ંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૮ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૦૩૨ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરી મહિનાના પ્રિલિમિનરી રિપોર્ટમાં વધીને નવ મહિનાની ઊંચાઈએ ૫૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૫ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ સતત બીજે મહિને વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં ઓવરઑલ ગ્રોથને સપોર્ટ મળ્યો હતો. અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીના પ્રિલિમિનરી રિપોર્ટમાં ઘટીને ૪૯.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૨.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૩ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરના ગ્રોથમાં બે વર્ષ પછી પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૭૭.૬ ટકા હોવાથી અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ ઘટ્યો હોવાથી એની અસરે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ પ્રિલિમિનરી રિપોર્ટમાં ઘટીને ૫૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૨.૭ પૉઇન્ટ હતો અને પ્રાઇવેટ સેક્ટરમાં બિઝનેસ એક્સપાન્શન ૧૭ મહિનાનું સૌથી ધીમું રહ્યું હતું.
અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ફેબ્રુઆરીમાં એક વર્ષની ઊંચાઈએ ૪.૩ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૩.૩ ટકા હતું, જ્યારે આગામી પાંચ વર્ષના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન વધીને ૩૦ વર્ષની ઊંચાઈએ ૩.૫ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૩.૨ ટકા હતું.
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૫.૪ પૉઇન્ટ ઘટીને ૧૦૪.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરથી ૩.૩ પૉઇન્ટ ઘટ્યો હતો. કન્ઝ્યુમર માર્કેટમાં કરન્ટ બિઝનેસ અને લેબર કન્ડિશન બતાવતો ઇન્ડેક્સ ૯.૭ પૉઇન્ટ ઘટીને ૧૩૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ જાન્યુઆરીમાં ૪.૯ ટકા ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૪૦.૮ લાખે પહોંચ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૪૧.૨ લાખની હતી. એક્ઝિસ્ટિંગ હાઉસિંગના ભાવ પણ ૧.૯ ટકા ઘટ્યા હતા છતાં સેલ્સ ઘટ્યું હતું અને હાલ અનસોલ્ડ એક્ઝિસ્ટિંગ હાઉસની ઇન્વેન્ટરી ૩.૯ મહિનાની સપ્લાય જેટલી છે જે એક મહિના અગાઉ ૩.૭ મહિનાની સપ્લાય જેટલી હતી.
જર્મનીના જનરલ ઇલેક્શનમાં સત્તાપલટો થતાં આગામી દિવસોમાં ગ્રોથ ઓરિએન્ટેડ પૉલિસી અને ફિઝિકલ રિફૉર્મ થવાની ધારણાએ યુરો મજબૂત થતાં ડૉલર ૦.૪ ટકા ઘટીને સોમવારે ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ગયા સપ્તાહે જાહેર થયેલા સર્વિસ સેક્ટરના ગ્રોથડેટા તેમ જ કન્ઝ્યુમર કૉન્ફિડન્સના ડેટા નબળા આવ્યા હતા તેમ જ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશનમાં મોટો વધારો થતાં ડૉલર ઇન્ડેકસ વધુ નબળો પડ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
સોનાનો ભાવ ૨૦૨૪ના આખા વર્ષ દરમ્યાન ૨૬ ટકા વધ્યા બાદ ૨૦૨૫ના માત્ર ૫૫ દિવસમાં ૧૧ ટકાનો વધારો થયો હોવાથી વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવમાં જબ્બર કડાકો બોલી જશે એવી અફવાનું બજાર બે ઘટનાઓના સંદર્ભને ટાંકીને ગરમ થયું છે. ટ્રમ્પના રાઇટ હૅન્ડ ઇલૉન મસ્કે અમેરિકાની અડધી ગોલ્ડ રિઝર્વ એટલે કે ૫૦૦૦ ટન સોનું ફોર્ટ નૉક્સ વૉલેટમાં પડ્યું છે એની મોજૂદગી અને પ્યૉરિટી બાબતે શંકા દર્શાવતાં ખુદ ટ્રમ્પ સહિત આખા ઍડ્મિનિસ્ટ્રેશનને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. ટ્રમ્પે ખુદ વૉલેટની મુલાકાત લઈને સોનું સહીસલામત હોવાનું પબ્લિકને જણાવ્યું હતું, જ્યારે ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટે પણ સેનેટના કોઈ પણ મેમ્બરને સોનું ચેક કરવું હોય તો કરવાનું આહ્વાન આપ્યું હતું. અમેરિકાની ડેબ્ટ વધીને ૩૬.૧૭ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હોવાથી મસ્કે ડિસેમ્બરમાં ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. એને ફોર્ટ નૉક્સના મામલા સાથે સાંકળી અમેરિકા ડેબ્ટ ઓછી કરવા સોનું વેચશે એવી પણ અફવાઓ સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. બીજી ઘટના બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે એના ક્લાયન્ટને સોનાની ડિલિવરી માટે અસર્મથતા બતાવી ચારથી આઠ સપ્તાહનો સમય માગ્યો હોવાથી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પાસે પડેલા સોનાની મોજૂદગી વિશે પણ પ્રશ્નો ઊઠ્યા હતા. આ બન્ને ઘટનાઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હોવાથી અનેક ઍનલિસ્ટોએ આવી અફવાઓથી સાવધાન રહેવા ચેતવણી આપી હતી અને સોમવારે પણ સોના-ચાંદી બહુ ઘટ્યાં નથી. આથી આ બન્ને ઘટનાઓની સોના-ચાંદીના ભાવ પર કોઈ મોટી અસર નહીં થાય એવું મનાય છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૬,૪૦૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૬,૦૫૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૬,૧૧૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)