ચાઇનીઝ જાયન્ટ એવરગ્રાન્ડ બૉન્ડ ઇન્ટરેસ્ટની ચુકવણીમાં નિષ્ફળ જતાં સોનું-ચાંદી બાઉન્સબૅક થયાં

25 September, 2021 04:55 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ અને એમ્પ્લોયમેન્ટ ડેટા નબળા જતાં સોનામાં શૉર્ટ ટર્મ તેજીની શક્યતા વધી

પ્રતીકાત્મક તસવીર

ચાઇનીઝ પ્રૉપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડે દેવાળું કાઢ્યું હોવાની અસર છેલ્લા ત્રણ દિવસથી વર્લ્ડ માર્કેટમાં ફાઇનૅન્શિયલ માર્કેટ્સમાં જોવા મળી રહી છે. ગુરુવારે એવરગ્રાન્ડ કંપનીએ ઓફશોર બૉન્ડહોલ્ડર્સને ઇન્ટરેસ્ટ ચૂકવવાની ખાતરી આપી હતી, આ ખાતરી અનુસાર એવરગ્રાન્ડ ઇન્ટરેસ્ટ ચૂકવવામાં નિષ્ફળ જતાં સોનું-ચાંદી ઘટ્યાં મથાળેથી બાઉન્સબૅક થયાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૦ રૂપિયા ઘટ્યું હતું જ્યારે ચાંદી પ્રતિ કિલો ૩૭૮ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

ફેડ દ્વારા નવેમ્બરથી ટેપરિંગ શરૂ કરવાના નિર્ણયને પગલે છેલ્લા બે દિવસથી સોનું-ચાંદી વર્લ્ડ માર્કેટમાં સતત ઘટી રહ્યાં છે. ગુરુવારે વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને એક તબક્કે ૧૭૩૭.૪૬ ડૉલર થયું હતું, એક જ દિવસમાં સોનામાં એક ટકા કરતાં વધુ ઘટાડો થયો હતો. આટલા ઘટાડા વચ્ચે અમેરિકા-જપાનના ઇકૉનૉમિક ડેટા નબળા આવ્યા અને ચાઇનીઝ કંપની એવરગ્રાન્ડ બૉન્ડ ઇન્ટરેસ્ટની ચુકવણી કરવામાં નિષ્ફળ જતાં સોનામાં નીચા મથાળે લેવાલી નીકળી હતી જેને કારણે સોનું ફરી વધીને ૧૭૫૦ ડૉલરના લેવલને વટાવી ગયું હતું. સોનું વધતાં ચાંદી અને પેલેડિયમ સુધર્યાં હતાં, જોકે પ્લેટિનમમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથના સપ્ટેમ્બરના પ્રિલિમિનરી ડેટા ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૬૦.૫ પૉઇન્ટે પહોંચ્યા હતા જે ઑગસ્ટમાં ૬૧.૧ પૉઇન્ટ હતા જ્યારે સર્વિસ સેક્ટરના ગ્રોથના સપ્ટેમ્બરના પ્રિલિમિનરી ડેટામાં છેલ્લા ૧૪ મહિનાનો સૌથી ધીમો ઘટાડો થઈ ૫૪.૪ પૉઇન્ટે ગ્રોથ પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૫.૧ પૉઇન્ટ હતો. અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યા ૧૮ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે સતત બીજે સપ્તાહે વધીને ૩.૫૧ લાખે પહોંચી હતી, વળી બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યા છેલ્લા ચાર મહિનાની સૌથી વધુ હતી. આમ અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવ્યા હતા. જર્મનીનો બિઝનેસ ક્લાયમેન્ટ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં સતત ત્રીજે મહિને ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૯૮.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૯૯.૬ પૉઇન્ટ હતો તેમ જ માર્કેટની ધારણા ૯૮.૯ પૉઇન્ટની હતી. જપાનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૫૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૨.૭ પૉઇન્ટ હતો. જપાનના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ સપ્ટેમ્બરમાં વધીને ૪૭.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૧૫ મહિનાની નીચી સપાટીએ ૪૨.૯ પૉઇન્ટ હતો. જપાનનો કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ૦.૪ ટકા ઘટ્યો હતો જે સતત ૧૧મા મહિને ઘટ્યો હતો જ્યારે જપાનનો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ૧.૧ ટકા ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ ઇકૉનૉમિક રિકવરી ધીમી પડી હોવાના સંકેત આપી રહ્યા હતા.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ફેડરલ રિઝર્વે નવેમ્બરમાં ટેપરિંગ અને ૨૦૨૨ના અંત સુધીમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કર્યા બાદ સોનું-ચાંદી સતત ઘટી રહ્યાં છે અને સોનાના લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ પણ મંદીતરફી બતાવાઈ રહ્યા છે, પણ અહીં જેવું સામે દેખાય છે તેવું નથી, સોનું-ચાંદી આકસ્મિક રીતે ગમે ત્યારે ઊછળે તેવી સ્થિતિ ધીમે-ધીમે બની રહી છે. ચીને છેલ્લા પાંચ દિવસમાં માર્કેટમાં ૪૮૦ અબજ યુઆન ઠાલવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં ચીને ત્રણ વખત જંગી નાણાં માર્કેટમાં ઠાલવ્યાં છે, ડિફોલ્ટના આરે ઊભેલી પ્રૉપર્ટી જાયન્ટ કંપની એવરગ્રાન્ડે ગુરુવારે ઓફશોર બૉન્ડનું ૮.૩૫ કરોડ યુઆન ઇન્ટરેસ્ટ રેટ ચૂકવવાની ખાતરી આપી હતી પણ કંપની ઇન્ટરેસ્ટ ચૂકવી શકી નથી. એવરગ્રાન્ડનું બૉન્ડ ઇન્ટરેસ્ટ ન ચૂકવી શકવું અને ચાઇનીઝ બૅન્ક દ્વારા માર્કેટમાં ધડાધડ નાણાં ઠાલવવાની હિલચાલ બતાવે છે કે એવરગ્રાન્ડ કંપનીને કારણે ઊભી થયેલી સ્થિતિ જેવી દેખાય છે તેવી નથી. બીજી તરફ અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ ગ્રોથના ડેટા નબળા આવ્યા હતા તેમ જ બેરોજગારોની સંખ્યા સતત બીજે સપ્તાહે વધી હતી. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નબળો આવ્યો હતો. આ તમામ સંજોગો વચ્ચે જો ફેડ નવેમ્બરમાં ટેપરિંગ શરૂ ન કરે અને તેને લંબાવે તો સોના-ચાંદીમાં મોટો ઉછાળો આવી શકે છે. આ શક્યતા ઊભી થવા માટે હજી પણ બે સપ્તાહ સુધી શ્રેણીબધ્ધ ઇકૉનૉમિક ડેટા નબળા આવવા જોઈએ. આમ સોના-ચાંદીમાં મંદીના પ્રોજેક્શન પર વેઇટ અૅન્ડ વૉચ થવું જોઈએ.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૬,૨૭૪

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૬,૦૮૯

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૦,૪૧૦

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news