વર્લ્ડના તમામ દેશોમાં ઇન્ફ્લેશનરી પ્રેશર વધતાં સોના-ચાંદીમાં સતત ચોથા દિવસે તેજી

23 October, 2021 02:03 PM IST  |  Mumbai | Mayur Mehta

રશિયાએ ઇન્ટરેસ્ટ રેટમાં ધારણાથી વધુ વધારો કરતાં અને જપાનના કન્ઝ્યુમર્સ પ્રાઇસ વધતાં સોનાને સપોર્ટ

પ્રતિકાત્મક તસવીર

ચાલુ સપ્તાહે એક પછી એક દેશોના ઇન્ફલેશન વધીને મલ્ટિયર હાઈ લેવલે પહોંચી રહ્યા હોવાથી હાલ તમામ દેશો ઇન્ફલેશનરી પ્રેશરનો સામનો કરી રહ્યા છે અને સોનું ઇન્ફલેશનના વધારે સામે બેસ્ટ હેજિંગ ટુલ્સ હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ સતત વધતું હોવાથી સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ એકધારી જોવા મળી રહી છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૧૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૯૪ રૂપિયા વધી હતી.   
વિદેશી પ્રવાહો
વર્લ્ડના તમામ દેશોમાં ઇન્ફલેશનરી પ્રેશર વધી રહ્યું હોવાથી સોનું ઝડપથી ૧૮૦૦ ડૉલરની સપાટી તરફ જઈ રહ્યું છે. ચાલુ સપ્તાહ દરમિયાન શુક્રવાર સુધીમાં સોનું દોઢ ટકો સુધર્યું હતું. રશિયા દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં ધારણાથી વધુ વધારો થવાની ઘટનાની સાથે જપાનના કન્ઝ્યુમર્સ પ્રાઇસમાં ૧૩ મહિના પછી પ્રથમ વખત વધારો થતાં સોનામાં નવી ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. વળી ડૉલર સતત નબળો પડી રહ્યો છે. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમ પણ સુધર્યાં હતાં, જ્યારે પેલેડિયમ ઘટ્યું હતું. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
સેન્ટ્રલ બૅન્ક ઑફ રશિયાએ ઇન્ટરેસ્ટ રેટમાં ૭૫ બેઝિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક પૉલિસી રેટ ૭.૫ ટકા કર્યો હતો જે જૂન ૨૦૧૯ પછીનો હાઇએસ્ટ હતો. માર્કેટની ધારણા ૫૦ બેઝિસ પૉઇન્ટનો વધારો થવાની હતી એની બદલે ૭૫ બેઝિસ પૉઇન્ટનો વધારો થયો હતો. સેન્ટ્રલ બૅન્ક ઑફ રશિયાએ ૨૦૨૧ના અંત સુધીમાં ઇન્ફલેશન વધીને ૭.૪થી ૭.૯ ટકા થવાની આગાહી કરી હતી જે ૨૦૨૨માં પણ ઍવરેજ ૪થી ૪.૫ ટકા રહેવાની ધારણા છે. સેન્ટ્રલ બૅન્ક ઑફ રશિયાએ ગત સપ્ટેમ્બરમાં ૨૫ બેઝિસ પૉઇન્ટનો વધારો કર્યા બાદ ટૂંકા ગાળામાં બીજી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. જપાનના કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં છેલ્લા ૧૩ મહિનામાં પ્રથમ વખત સપ્ટેમ્બરમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો જેમાં ઑગસ્ટમાં ૦.૪ ટકાનો ઘટાડો થયો હતો. બ્રિટનના રીટેલ સેલ્સમાં સપ્ટેમ્બરમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો હતો જેમાં ઑગસ્ટમાં ૦.૬ ટકાનો ઘટાડો થયો હતો. બ્રિટનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑક્ટોબરમાં વધીને ૫૭.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૭.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ૫૫.૮ પૉઇન્ટની ધારણા કરતાં ઘણો ઊંચો રહ્યો હતો. બ્રિટનનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ઑક્ટોબરમાં વધીને ૫૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૫.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૫ પૉઇન્ટની હતી. બ્રિટનની બિઝનેસ ઍક્ટિવિટીનો પ્રિલિમિનરી ઇન્ડેક્સ ઑક્ટોબરમાં વધીને ૫૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૪.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪ પૉઇન્ટની હતી. યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને ૫૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૮.૬ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૫૭ પૉઇન્ટની હતી. યુરો એરિયાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને ૫૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૬.૪ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૫૫.૫ પૉઇન્ટની હતી. યુરો એરિયાની બિઝનેસ ઍક્ટિવિટીનો પ્રિલિમિનરી ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૫૪.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૬.૨ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૫૫.૨ પૉઇન્ટની હતી. ઇકૉનૉમિક ઇન્ડિકેટરમાં જપાનનો કન્ઝ્યુમર્સ પ્રાઇસનો વધારો અને રશિયા દ્વારા બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટમાં થયેલો વધારો સોનાની તેજી માટે સપોર્ટિવ હતો. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડના વધુ એક મેમ્બર એવા અટલાન્ટિકા ફેડ પ્રેસિડન્ટ રાફેલ બાસ્ટિકે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જે રીતે ઇન્ફલેશન વધી રહ્યું છે એ જ રીતે ૨૦૨૨માં પણ ઇન્ફલેશન વધતું રહેશે આથી ૨૦૨૨માં ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે આક્રમક વ્યૂહ અપનાવવો પડશે. અટલાન્ટિકા ફેડ પ્રેસિડન્ટની કમેન્ટ અને અગાઉ ફેડના મોટા ભાગના મેમ્બર્સની કમેન્ટ ૨૦૨૨માં વહેલામાં વહેલી તકે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની છે. વર્લ્ડના ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે અમેરિકન ફેડ સહિત અનેક દેશો હવે ઇન્ફલેશનને કાબૂમાં લેવા ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તરફેણ કરી રહ્યા છે ત્યારે ઇન્ટરેસ્ટ રેટનો વધારો સ્ટૉક માર્કેટમાં મોટી તેજી લાવનારો બનશે જે સોનાની તેજીને પણ સપોર્ટ કરશે. સ્ટૉક માર્કેટની તેજી ઉપરાંત ચાઇનીઝ માર્કેટમાં પ્રૉપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડેની ફાઇનૅન્શિયલ ક્રાઇસિસની અસર પણ સોનાનું સેફ હેવન સ્ટેટસ વધારશે. એવરગ્રાન્ડે ગ્રુપની કંપની હેન્ગડા રિયલ એસ્ટેટ ગ્રુપે જાહેર કર્યું હતું કે એવરગ્રાન્ડેની ઍસેટ વેચવામાં કંપનીને સફળતા મળી નથી. રશિયાએ ઇન્ટરેસ્ટ રેટમાં ધારણા કરતાં વધુ વધારો કરીને વર્લ્ડમાં ઇન્ફલેશનની ચિંતાજનક સ્થિતિનો ચિતાર આપી દીધો હોવાથી સોનામાં હવે તેજીના સંજોગો વધી રહ્યા છે. અત્યાર સુધી સોનામાં લૉન્ગ ટર્મ મંદી થશે એવી ધારણા હતી, પણ હવે સોનું શૉર્ટ, મિડિયમ અને લૉન્ગ ટર્મ મજબૂત રહે એવા ફેક્ટર ધીમે-ધીમે બની રહ્યા છે.

business news