ચીનના બુલિશ ગ્રોથરેટના ડેટા અને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાના નિર્ણયની અસરે સોનામાં મજબૂતી

18 January, 2022 03:35 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડની આગામી સપ્તાહે યોજાનારી મીટિંગની રાહે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ સુસ્ત રહી

ફાઇલ તસવીર

ચીનનો ગ્રોથરેટ છ ટકાની ધારણા સામે ૨૦૨૧માં ૮.૧ ટકા રહેતાં તેમ જ પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ૨૧ મહિના પછી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેતાં એની અસરે સોના-ચાંદીમાં મજબૂતી જળવાયેલી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ સાત રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહ
ચીનનો ગ્રોથરેટ ચોથા ક્વૉર્ટરમાં ઘટ્યો હતો, પણ ૨૦૨૧નો ગ્રોથરેટ ધારણા કરતાં ઘણો ઊંચો આવતાં તેમ જ પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરતાં સોનામાં મજબૂતી વધી હતી. ફેડની મીટિંગ આગામી સપ્તાહે યોજાઈ રહી હોવાથી સોનામાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ સુસ્ત રહી હતી. સોનું સુધરતાં ચાંદી અને પેલેડિયમમાં સુધારો જોવા મળ્યો હતો, પણ પ્લૅટિનમમાં ઘટાડો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ૨૧ મહિનાના ગાળા પછી પૉલિસી ઇન્ટરેસ્ટ રેટમાં ૧૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો, તમામ પ્રકારની મિડિયમ ટર્મ લોનના દર ઘટાડ્યા હતા. એક વર્ષની મિડિયમ ટર્મ લોનનો ઇન્ટરેસ્ટ રેટ ૨.૯૫ ટકાથી ઘટાડીને ૨.૮૫ ટકા અને સાત દિવસના રિવર્સ રિપર્ચેઝ ઍગ્રીમેન્ટના ઇન્ટરેસ્ટ રેટ ૨.૨૦ ટકાથી ઘટાડીને ૨.૧૦ ટકા કર્યા હતા. ચીનનો ગ્રોથરેટ ચોથા ક્વૉર્ટરમાં ચાર ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૪.૯ ટકા રહ્યો હતો તેમ જ ૨૦૨૧ના આખા વર્ષનો ગ્રોથરેટ ૮.૧ ટકા રહ્યો હતો જે ગવર્નમેન્ટના છ ટકાના ટાર્ગેટ કરતાં વધુ રહ્યો હતો અને ૨૦૨૦ના ૨.૨ ટકા ગ્રોથ કરતાં ઘણો વધારે હતો. ચીનના રીટેલ ટ્રેડ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૧૬ મહિનાની નીચી સપાટીએ ૧.૭ ટકાએ પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૩.૯ ટકા હતો. ચીનનું ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૧માં ૪.૯ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીથી નવેમ્બરમાં ૫.૨ ટકા વધ્યું હતું તેમ જ માર્કેટની ધારણા ૪.૮ ટકા વધારાની હતી. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ડિસેમ્બરમાં ૪.૩ ટકા વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. ચીનમાં નવાં મકાનોના પ્રાઇસનો ગ્રોથ ડિસેમ્બરમાં ૨.૬ ટકા રહ્યો હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી નીચો ગ્રોથ હતો. જપાનના મશીનરી ઑર્ડરમાં નવેમ્બરમાં ૩.૪ ટકાનો વધારો થયો હતો જે માર્કેટની ૧.૪ ટકા વધારાની ધારણા કરતાં ઘણો વધુ હતો. ઇટલીનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૧૩ વર્ષની ઊંચાઈએ ૩.૯ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૩.૭ ટકા હતું. ચીનના ગ્રોથરેટના ડેટા અને ઇન્ટરેસ્ટ રેટમાં થયેલો ઘટાડો સોનાની માર્કેટ માટે પૉઝિટિવ હતો. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડ માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એની અસર સોનાના ભાવ પર થઈ ચૂક્યા બાદ હવે આ બાબત ડિસ્કાઉન્ટ થવા લાગી છે. કેટલાક ઍનલિસ્ટો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચેલા ઇન્ફ્લેશનને નાથવા ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવા જઈ રહી છે, પણ ઇન્ટરેસ્ટ રેટ વધ્યા બાદ પણ જો ઇન્ફ્લેશનનો વધારો અટકશે નહીં તો સોનું બમણા વેગથી વધશે. સોનું ઇન્ફ્લેશનના વધારા સામેનું બેસ્ટ હેજિંગ ટુલ્સ હોવાથી જ્યાં સુધી ઇન્ફ્લેશન વધતું રહેશે ત્યાં સુધી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહેવાની છે. વર્લ્ડમાં હાલ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરી નાખ્યો છે અને ફેડે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનું એલાન કરી દીધું છે. આ સિવાયની એક પણ સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાની કોઈ હિલચાલ નથી. ઊલટું પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ તો ૨૧ મહિના પછી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે. ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશનના પરિવર્તનના દોરમાં સોનાનું ભાવિ અનિશ્ચિત બન્યું છે. યુરોપિયન દેશોએ કોરોનાને સામાન્ય ફ્લુ સાબિત કરવાની ચેષ્ટા શરૂ કરતાં કોરોનાનો ડર હવે ધીમે-ધીમે ઘટી રહ્યો છે જેનાથી ફાઇનૅન્શિયલ માર્કેટમાં નવો સંચાર થશે. આમ, સોનામાં હાલ શૉર્ટ ટર્મ ઘટના આધારિત ટ્રેડ કરીને કમાવાના દિવસો છે, લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટથી દૂર રહેવામાં શાણપણ છે. 

business news