ફેડની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની ખાતરી પર શંકાઓનાં વાદળો ઘેરાતાં સોનું વધ્યું

28 March, 2024 06:46 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર અને હોમપ્રાઇસના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં રેટકટ વિશે શંકાઓ વધી : મુંબઈમાં સોનાનો ભાવ માર્ચના આરંભથી અત્યાર સુધીમાં ૪૫૯૩ રૂપિયા વધ્યો

પ્રતીકાત્મક તસવીર

ફેડની ૨૦૨૪માં ત્રણ વખત ઇન્ટરેસ્ટ ઘટાડાની ખાતરી પર શંકાઓનાં વાદળો ઘેરાતાં સોનું સતત બીજે દિવસે વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૮ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૮૨ રૂપિયા ઘટ્યો હતો. સોનાનો ભાવ છેલ્લા બે દિવસમાં ૫૬૬ રૂપિયા વધ્યો હતો. માર્ચના આરંભથી અત્યાર સુધીમાં સોનાનો ભાવ ૪૫૯૩ રૂપિયા વધ્યો છે જે ૭.૩ ટકાનો વધારો છે. 

વિદેશ પ્રવાહ
ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરોમ પૉવેલે છેલ્લા ચાર મહિનામાં ૨૦૨૪માં ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની ખાતરી આપી, પણ સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા અને ઇન્ફ્લેશનમાં વધારાથી ફેડની ખાતરી પર શંકાઓનાં વાદળો ઘેરાવા લાગતાં સોનું છેલ્લા બે દિવસથી ફરી વધી રહ્યું છે. બુધવારે સોનું વધીને ૨૧૯૭.૯૦ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૨૧૮૭થી ૨૧૮૮ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાંચાંદી પણ વધી હતી, પણ ડૉલરની મજબૂતીને કારણે પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં ફેબ્રુઆરીમાં ૧.૪ ટકા વધારો થયો હતો જેના વિશે માર્કેટની ધારણા ૧.૧ ટકાની હતી અને જાન્યુઆરીમાં ગુડ્સ ઑર્ડરમાં ૬.૯ ટકાનો ઘટાડો થયો હતો. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન ઇ​ક્વિપમેન્ટના ઑર્ડરમાં મોટો વધારો થયો હોવાથી ગુડ્સ ઑર્ડર વધ્યા હતા. અમેરિકાનાં ટૉપ લેવલનાં ૨૦ શહેરોમાં હોમપ્રાઇસ જાન્યુઆરીમાં ૬.૬ ટકા વધી હતી જે વધારો છેલ્લા ૧૪ મહિનાનો સૌથી મોટો હતો. ડિસેમ્બરમાં હોમપ્રાઇસ ૬.૭ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૬.૭ ટકાની હતી. 

જૅપનીઝ યેનનું મૂલ્ય ૩૪ વર્ષની નીચી સપાટીએ ૧૫૨ ડૉલરે પહોંચ્યું હતું. જપાનનું ઇન્ફ્લેશન વધતાં બૅન્ક ઑફ જપાનના ચૅરમૅન કાજુઓ ઉડાએ મૉનિટરી પૉલિસી થોડો સમય માટે જાળવી રાખવાની જાહેરાત કરતાં યેનનું મૂલ્ય ગગડ્યું હતું. જૅપનીઝ યેનની નબળાઈ સામે પગલાં લેવામાં જૅપનીઝ સરકારની નિષ્ક્રિયતા અને ડૉલરની મજબૂતીને કારણે બૅન્ક ઑફ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનો અંત આણ્યો હોવા છતાં જૅપનીઝ યેન સતત ઘટી રહ્યો છે. ચીનનો ઇન્ડ​સ્ટ્રિયલ પ્રૉફિટ જાન્યુઆરી-ફેબ્રુઆરી, બે મહિના દરમ્યાન ગયા વર્ષથી ૧૦.૨ ટકા વધીને ૯૧૪.૦૬ અબજ યુઆન રહ્યો હતો. ૨૦૨૩ના આખા વર્ષ દરમ્યાન ઇન્ડ​સ્ટ્રિયલ પ્રૉફિટ ૨.૩ ટકા ઘટ્યો હતો. સરકારી કંપનીઓના પ્રૉફિટમાં રિકવરી શરૂ થઈ છે, પણ પ્રાઇવેટ કંપનીઓનો પ્રૉફિટ બે મહિના દરમ્યાન ૧૨.૭ ટકા વધ્યો હતો. ખાસ કરીને કમ્પ્યુટર, કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રૉનિક્સ ઇક્વિપમેન્ટ સેક્ટરમાં સ્ટ્રૉન્ગ પ્રૉફિટ જોવા મળ્યો હતો. 

ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૨૦૨૩ના છેલ્લા ક્વૉર્ટરમાં ઘટીને ૧૦.૨ અબજ ડૉલર રહી હતી જે એક વર્ષ અગાઉ ૧૬.૮ અબજ ડૉલર હતી. ખાસ કરીને સર્વિસ સેક્ટરની સરપ્લસ ૩૮.૭ અબજ ડૉલરથી એક વર્ષમાં વધીને ૪૫ અબજ ડૉલરે પહોંચતાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઘટી હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વૉર્ટરમાં ફિઝિકલ ડેફિસિટ ઘટીને ૩૧ અબજ ડૉલરે
પહોંચી હતી જે ગયા નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રણ ક્વૉર્ટરમાં ૬૫.૬ અબજ ડૉલર હતી. ભારતીય કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ચાલુ નાણાકીય વર્ષનાં ત્રણ ક્વૉર્ટરમાં જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ની ૧.૨ ટકા છે જે ગયા વર્ષે ૨.૬ ટકા હતી.  

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
ચીન અને ભારત સોનાની ફિઝિકલ ડિમાન્ડમાં શિરમોર છે ત્યારે ચીનમાં ઇકૉનૉમિક ક​ન્ડિશન હજી ખરાબ તબક્કામાંથી બહાર નીકળી શકી નથી, પણ ચીનની ઇકૉનૉમિક ક​ન્ડિશન કોરોના બાદ સતત બગડતી હોવા છતાં ચીનની સોનાની ડિમાન્ડ પર કોઈ મોટી અસર થઈ નથી. વળી ચીનની સેન્ટ્રલ બૅન્ક પણ છેલ્લાં બે વર્ષથી સતત સોનાની ખરીદી કરી રહી છે. ભારતમાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટમાં ઘટાડો થવો સોનાની માર્કેટ માટે બહુ જ મહત્ત્વના સમાચાર છે. ભારતમાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ જ્યારે વધે ત્યારે સોનાની આયાત પર નિયંત્રણો આવે છે. આથી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઘટતાં હવે વધુ નિયંત્રણો નહીં આવે એવી ધારણા છે. અગાઉ આવેલાં નિયંત્રણોને જ્વેલરી માર્કેટે પચાવી લીધા હોવાથી હવે એની કોઈ મોટી અસર નથી. ભારત અને ચીનની ફિઝિકલ ડિમાન્ડનો સપોર્ટ ઇકૉનૉમિક ક​ન્ડિશનને આધારે મળતો રહેશે, પણ ઊંચા ભાવને કારણે ડિમાન્ડ ઘટશે એ નિશ્ચિત છે. એટલે આગામી દિવસોમાં સોનાની તેજીને ફિઝિકલ ડિમાન્ડનો સપોર્ટ મળતો ઓછો થશે જે સોનાની તેજીને ઊંચા મથાળે રોકશે એટલે હવે મૉનિટરી અને જિયોપૉલિટિકલ નવાં કારણો જ સોનામાં નવી તેજી લાવી શકશે.

business news share market stock market gold silver price