ઘઉંમાં નિકાસબંધીનો વિરોધ ટાળવા સરકારે વધુ છૂટછાટ જાહેર કરી

18 May, 2022 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કસ્ટમ્સ ક્લિયરન્સ માટે વેઇટિંગમાં રહેલા શિપમેન્ટને પણ હવે નિકાસછૂટ મળશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ઘઉંનો ગયા સપ્તાહે રાતોરાત નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેને દેશભરમાંથી મોટા પાયે વિરોધ થયો હોવાથી સરકારે નિકાસના નિયમોમાં આંશિક છૂટછાટો આપી છે. સરકાર કસ્ટમ્સ ક્લિયરન્સની રાહ જોતા ઘઉંના શિપમેન્ટને મંજૂરી આપશે. સરકારે મંગળવારે જણાવ્યું હતું કે શનિવારે વિદેશી વેચાણ પર પ્રતિબંધ મૂક્યા પછી નિકાસમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. ભારત સરકાર ઇજિપ્તને ઘઉંની નિકાસને પણ મંજૂરી આપશે,એક નિવેદનમાં જણાવ્યું હતું, ઇજિપ્તે ભારત સાથે કુલ પાંચ લાખ ટન ઘઉંની નિકાસના કરારો કર્યા છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ઘઉંના માલને પાસ કરવા માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા છે અને તેમની (કસ્ટમ્સ) સિસ્ટમમાં નોંધણી કરવામાં આવી છે, કાં તો ૨૦૨૨ની ૧૩ મેએ અથવા એ પહેલાંના આવા નોંધાયેલા ઘઉંને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે એમ સરકારે જણાવ્યું હતું.
ઘઉંની નિકાસ પર ગયા શનિવારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દેશમાં ઘઉંના પાકને લઈને આશંકા સેવાઈ રહી છે અને ગરમીને કારણે પાક ઓછો થવાનો હોવાથી સરકારે નિકાસ પર નિયંત્રણો લાદી દીધાં છે.
કેન્દ્ર સરકારે અગાઉ માત્ર ૧૩ મે કે એ પહેલાં લેટર ઑફ ક્રેડિટ (એલસી) જેની ખૂલી હોય તેને જ નિકાસ કરવાની છૂટ આપી હતી. આ જોગવાઈને પગલે આશરે ૨૨ લાખ ટન જેટલા ઘઉં બંદરો પર અથવા રસ્તામાં હતા, જેની નિકાસ પર અસર થવાની હતી. આવા ઘઉંમાંથી એલ.સી. મળી હોય એવા ઘઉં માત્ર ચાર લાખ ટન જ હતા. પોર્ટ પર આશરે ૧૦ લાખ ટન ઘઉંનો જથ્થો પડ્યો છે અને કુલ ૧૮ લાખ ટન ઘઉંના જથ્થાને મુશ્કેલી ઊભી થઈ છે. સરકારના નવા નિયમથી આંશિક રાહત મળે એવી સંભાવના નિકાસકારો વ્યક્ત કરી રહ્યા છે.
ઘઉંનાં ભાવ સરેરાશ ઊંચી સપાટીથી ૩૦૦ રૂપિયા જેટલા પ્રતિ ક્વિન્ટલ ઘટી ગયા છે અને આગામી દિવસોમાં ભાવ હવે બહુ ઘટે એવી સંભાવના નથી. કદાચ આંશિક સુધારો પણ આવી શકે છે.

business news