સરકારે ઘઉંના ઉત્પાદનમાં કાપ મૂકીને ૧૦૬૪ લાખ ટનનો અંદાજ મૂક્યો

21 May, 2022 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂના પાકનો અંદાજ ૩૪૦ લાખ ગાંસડીથી ઘટાડીને ૩૧૫ લાખ ગાંસડીનો મૂક્યો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઘઉંના ઉત્પાદનમાં આખરે સરકારે પણ સત્તાવાર રીતે કાપ મૂક્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ચાલુ સીઝન વર્ષનો ત્રીજો આગોતરો અંદાજ જાહેર કર્યો હતો, જે મુજબ દેશમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ૧૦૬૪.૧ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષની તુલનાએ ત્રણ ટકા ઓછું ઉત્પાદન થશે. જોકે ઉત્પાદનમાં કાપ છતાં અનાજ-કઠોળનું કુલ ઉત્પાદન વિક્રમી ૩૧૪૫.૧ લાખ ટન થવાનો અંદાજ છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જે અંદાજ મૂકવામાં આવ્યા છે, એ ઘણા ઊંચા છે. ઘઉંનો પાક ૧૦૦૦ લાખ ટનથી પણ ઓછો થાય એવી સંભાવના છે. ઘઉંનાં અનેક રાજ્યોએ અગાઉના અંદાજમાં ૨૦ ટકા જેટવો ઘટાડો કર્યો છે અને કેન્દ્ર સરકારને સુધારેલા અંદાજ મોકલાવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પણ સરકારે અગાઉના અંદાજની તુલનાએ બહુ મોટો કાપ મૂક્યો નથી. બીજો આગોતરો અંદાજ ગયા ફેબ્રુઆરી મહિનામાં મૂકવામાં આવ્યો હતો એમાં ઘઉંના પાકનો અંદાજ ૧૧૧૩.૨ લાખ ટનનો મૂકવામાં આવ્યો હતો.
દેશમાં કઠોળ પાકોનું ઉતપાદન ૨૭૭.૫ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે તેલીબિયાં પાકોનો અંદાજ ૩૮૫ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. ચણાના ઉત્પાદનનો અંદાજ ૧૩૯.૮ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે, જ્યારે મગફળીના પાકનો અંદાજ ૧૦૦.૮૭ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. કપાસ-રૂના પાકનો અંદાજ ૩૧૫.૪૩ લાખ ગાંસડીનો મૂક્યો છે, જે બીજા આગોતરા અંદાજમાં મગફળીનો ૯૮.૬૩ લાખ ટન અને રૂનો ૩૪૦.૬૩ લાખ ટનનો અંદાજ મૂક્યો હતો. એરંડાનો અંદાજ ફેબ્રુઆરીમાં ૧૫.૦૮ લાખ ટનનો હતો, જે હવે ઘટાડીને ૧૫.૦૬ લાખ ટનનો મૂક્યો છે.

business news