ન્યુઝ શૉર્ટમાં: શનિવારે જીએસટી કાઉન્સિલની બેઠક, વાંચો બીજા બિઝનેસ સમાચાર

11 June, 2021 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાણાપ્રધાન નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને જીએસટી કાઉન્સિલની બેઠક શનિવારે ૧૨ જૂને મળવાની છે.

બીએસઈ

શનિવારે જીએસટી કાઉન્સિલની બેઠક
નાણાપ્રધાન નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને જીએસટી કાઉન્સિલની બેઠક શનિવારે ૧૨ જૂને મળવાની છે. કોરોનાની સારવાર માટેની આવશ્યક ચીજવસ્તુઓ તથા બ્લૅક ફંગસ માટેની દવાઓ પરનો જીએસટીનો દર ઘટાડવા સંબંધે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ગઈ ૨૮ મેએ મળેલી બેઠકમાં કાઉન્સિલે આ વિષયે ભલામણો કરવા માટે પ્રધાનોનું જૂથ રચ્યું હતું. રાજ્યોના નાણાપ્રધાનોના બનેલા જૂથે કોવિડ માટેની આવશ્યક ચીજવસ્તુઓ પર કરવેરો ઘટાડવાની ભલામણ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

ભારતપેએ પૅબૅક ઇન્ડિયા હસ્તગત કરી
વેપારીઓને પૅમેન્ટ કરવા માટેની સેવા પૂરી પાડતી કંપની ભારતપેએ ગુરુવારે જણાવ્યા મુજબ તેણે પૅબૅક ઇન્ડિયા હસ્તગત કરી છે. અમેરિકન એક્સપ્રેસ અને આઇસીઆઇસીઆઇ ઇન્વેસ્ટમેન્ટ્સ ફંડ પાસેથી આ કંપની ખરીદવામાં આવી છે. એનું મૂલ્ય જાહેર કરવામાં આવ્યું નથી. ભારતપેએ પ્રથમ વાર કોઈ કંપની હસ્તગત કરી છે. પૅબૅક ઇન્ડિયા વર્ષ ૨૦૧૦માં લૉન્ચ કરવામાં આવી હતી. તેના ગ્રાહકોને વેપારીઓના સ્થળે કરાતા દરેક વ્યવહાર પાછળ અમુક પૉઇન્ટ આપવામાં આવે છે. 

સેબીના મનાઈહુકમની અસર હાલની સ્કીમ પર નહીં પડે : ફ્રૅન્કલિન ટેમ્પલ્ટન
ફ્રૅન્કલિન ટેમ્પલ્ટન ઍસેટ મૅનેજમેન્ટ કંપનીએ જણાવ્યું છે કે નવાં ડેટ ફન્ડ લૉન્ચ કરવા સામે સેબીએ આપેલા મનાઈહુકમની અસર કંપનીની હાલની સ્કીમ પર નહીં પડે. અહીં જણાવવું રહ્યું કે ફ્રૅન્કલિને ગયા વર્ષે છ ડેટ સ્કીમ બંધ કરી એ કિસ્સામાં નિયમભંગ થયો હોવાથી સેબીએ ઉક્ત મનાઈ ફરમાવી છે. નિયમનકારે કંપનીને પાંચ કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે. એ ઉપરાંત રોકાણકારો પાસેથી લેવાયેલી ૫૧૨ કરોડ રૂપિયા (વ્યાજ સહિત)ની ફી રોકાણકારોને પાછી આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ફ્રૅન્કલિને સેબીના આદેશ સામે સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના પ્રેસિડન્ટ સંજય સપ્રેએ કહ્યું છે કે ૨૦ લાખ રોકાણકારોની કુલ ૬૧,૦૦૦ કરોડ રૂપિયાની ઍસેટ્સનું સંચાલન ચાલી રહ્યું છે.

ઘઉંની સરકારી ખરીદી ૪૧૮ લાખ ટનના વિક્રમી સ્તરે પહોંચી
દેશમાં ઘઉંની સરકારી ખરીદી વિક્રમી સપાટીએ પહોંચી છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ વર્તમાન સીઝનમાં એપ્રિલથી અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી ઘઉંની કુલ ૪૧૮.૪૭ લાખ ટનની ખરીદી કરી છે, જેના દ્વારા ખેડૂતોને કુલ ૮૨,૬૪૮ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક આ વર્ષે સરકારે કુલ ૪૩૩ લાખ ટનનો રાખ્યો છે. ઘઉંની ખરીદી મોટાં ત્રણ રાજ્યોમાંથી હવે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ નાનાં-નાનાં રાજ્યોમાં ખરીદી ચાલી રહી છે અને સરકાર જૂન અંત સુધીમાં તમામ રાજ્યમાંથી ખરીદી પૂર્ણ કરી દે એવી પૂરી સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ઘઉંની ખરીદી ચાલુ છે, જ્યારે પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ સહિતનાં મોટાં રાજ્યોમાં ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે. એફસીઆઇએ ચાલુ વર્ષે પંજાબમાંથી સૌથી વધુ ૧૩૨ લાખ ટનની ખરીદી કરી છે, જ્યારે મધ્ય પ્રદેશમાંથી ૧૨૮.૦૮ લાખ ટનની ખરીદી કરી છે. હરિયાણામાંથી સરકારી ઍજન્સીએ ૮૪.૯૩ લાખ ટનની ખરીદી કરી હતી. ગુજરાતમાંથી ૮૫ હજાર ટનની ખરીદી થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી સરકારે ચાલુ વર્ષે ખરીદી જ કરી નથી. 

તાતા ડિજિટલ  વનએમજી ટેક્નૉલૉજીસમાં બહુમતી હિસ્સો ખરીદશે
તાતા ડિજિટલ કંપનીએ આરોગ્ય સેવા ક્ષેત્રની ઑનલાઇન કંપની - વનએમજી ટેક્નૉલૉજીસ લિમિટેડમાં બહુમતી હિસ્સો ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો છે. નોંધનીય છે કે હાલમાં જ તાતા ડિજિટલે ક્યૉરફિટ હેલ્થકૅરમાં પણ આશરે ૫૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. વનએમજીના સોદાનું મૂલ્ય જણાવવામાં આવ્યું નથી. કંપનીએ અલગ-અલગ શ્રેણીઓમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપનારી કંપનીઓમાં રોકાણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તાતા ડિજિટલના મતે ઈ-ફાર્મસી, ઈ-ડાયગ્નોસ્ટિક અને ટેલિ કન્સલ્ટેશન એ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો છે. 

business news sensex nifty national stock exchange bombay stock exchange