11 August, 2026 11:13 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
હિતાચી એનર્જી રિઝલ્ટના કરન્ટમાં ૩૪૭૦ રૂપિયાની તેજીમાં બંધ ઃ આશાપુરા માઇનકેમનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ પાંચ કરોડ રૂપિયા ઘટ્યો અેમાં ૮૮૦ કરોડનું માર્કેટકૅપ સાફ ઃ બર્નસ્ટેન તરફથી ૨૨૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુમાં Paytm ૫૬ મહિનાની ટૉપ બનાવી ૧૦ ટકા મજબૂત ઃ નબળા પરિણામમાં આઇનૉક્સ વિન્ડ પોણાત્રણ વર્ષના તળિયે ગઈ ઃ નિફ્ટીમાં સમાવેશ થવાની શક્યતા પાછળ BSE લિમિટેડ ૧૩૯ રૂપિયા વધ્યોઃ શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઑલટાઇમ તળિયે
રશિયા સાથે વેપારીસંબંધ, ખાસ કરીને રશિયન ઑઇલની આયાત કરનારા દેશો ઉપર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની ટ્રમ્પની યોજનાને અમેરિકન સેનેટની મંજૂરી મળી ગઈ છે. ઈરાન સાથે લશ્કરી હુમલા ઉગ્ર બનાવવાની વાતો કરતા ટ્રમ્પે લશ્કરી દળો ઉતારી સામે-સામે લડી લેવાની ઇચ્છા જાહેર કર્યા પછી આદત મુજબ ફેરવી તોળ્યું છે. હવે તે કહે છે કે લશ્કરી હુમલા કરતાં આર્થિક નાકાબંધીનો વિકલ્પ વધુ સારો છે. તમામ અગ્રણી એશિયન બજાર ગઈ કાલે વધ્યાં છે. જપાન બે ટકા, તાઇવાન દોઢ ટકા, હૉન્ગકૉન્ગ સવા ટકા, થાઇલૅન્ડ પોણો ટકો મજબૂત હતું. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસમાં જણાયું છે. ડૉલર સામે રૂપિયો રનિંગમાં ૯ પૈસા ઘટીને ૯૫.૩૦ હતો. બ્રેન્ટક્રૂડ ૮૩.૭૦ ડૉલર આસપાસ રહ્યું છે.
સેન્સેક્સ આગલા બંધથી બે પૉઇન્ટ પ્લસ, ૭૮,૫૦૧ ખૂલી ૪૩ પૉઇન્ટ સુધરી ૭૮,૫૪૨ તથા નિફ્ટી ૧૩ પૉઇન્ટ વધી ૨૪,૫૮૪ સોમવારે બંધ થયો છે. શૅર આંક નીચામાં ૭૮,૨૯૯ અને ઉપરમાં ૭૮,૬૭૭ થયો હતો. BSEનું માર્કેટકૅપ ૮૮,૦૦૦ કરોડ વધી ૪૯૪.૨૨ લાખ કરોડ થયું છે. NSEનું માર્કેટકૅપ ૩૮,૦૦૦ કરોડ વધી ૪૯૩.૨૨ લાખ કરોડ થયું છે.
રાઇટને આવકમાં ૪૦ ટકા વધારા સામે ૬૩ ટકાના વધારામાં ૧૭૭૭ કરોડ નફો કરી બહેતર પરિણામ આવ્યાં છે. મેકવાયરે ૫૪૦૦, મૉર્ગન સ્ટેનલીએ ૫૪૮૩ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર અઢી ગણા વૉલ્યુમે ૫૧૨૧ની સર્વોચ્ચ સપાટી બતાવી ત્રણ ટકા વધી ૫૦૯૮ બંધ હતો. સ્ટેટ બૅન્કમાં પણ સારા રિઝલ્ટ બાદ સીટી ગ્રુપે ૧૩૦૦, જેપી મૉર્ગને ૧૨૮૦, બર્નસ્ટેને ૧૩૦૦, મોતીલાલ ઓસવાલે ૧૩૭૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ આપ્યા છે. ભાવ ગઈ કાલે ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૧૧૧૩ વટાવી પ્રૉફિટ બુકિંગમાં ૧૦૬૯ થઈ સવાબે ટકા ઘટી ૧૦૭૨ હતો. હિન્દાલ્કોમાં મોતીલાલ ઓસવાલે પરિણામ પાછળ ૧૨૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આપ્યું છે. શૅર ઉપર ૧૦૬૫ થઈ પોણો ટકો ઘટી ૧૦૪૫ હતો. મેઇન બેન્ચમાર્ક ખાતે તાતા સ્ટીલ ૧.૧ ટકા, બજાજ ફીનસર્વ સવા ટકા, બજાજ ફાઇનૅન્સ બે ટકા, એશિયન પેઇન્ટ્સ એક ટકો, ગ્રાસીમ પોણાબે ટકા, તાતા કન્ઝ્યુમર્સ અઢી ટકા, શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા પ્લસ હતી. સામે એટર્નલ દોઢ ટકા, ITC સવા ટકો, NTPC દોઢ ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો, TCS પોણો ટકો નરમ રહી છે. ઑટો ઇન્ડેક્સ નવા શિખરે જઈ નેગેટિવ બાયસમાં ફ્લૅટ રહ્યો છે.
હિટાચી એનર્જી દ્વારા ૬૮.૮ ટકા વધારામાં ૨૪૯૪ કરોડની આવક ઉપર ૧૨૩ ટકા વધારામાં ૨૯૪ કરોડ નેટ નફો હાંસલ થતાં ભાવ ૯ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૬,૩૯૭ બતાવી ૧૦.૭ ટકા કે ૩૪૭૦ રૂપિયાની તેજીમાં ૩૬,૦૫૦ થયો છે. ફેસવૅલ્યુ બેની છે. Paytm ૧૫૯૫ની ૫૬ માસની ટોચે જઈ ૧૦ ટકાના જમ્પમાં ૧૫૮૫ થઈ છે. આરતી ફાર્માલૅબ્સની આવક ૩૮ ટકા વધી છે. નફો ૫૩.૮ ટકા વધી ૭૬૧૪ લાખ થયો છે. શૅર ૨૦ ટકા ઊછળી ૮૨૧ વટાવી ત્યાં જ બંધ હતો. આશાપુરા માઇનકેમની આવક ૧૯ ટકા વધવા છતાં નફો પાંચ કરોડ ઘટી ૧૦૨ કરોડ આવતાં શૅર નીચામાં ૬૪૧ થઈ ૧૨.૫ ટકા તૂટી ૬૪૫ બંધ થયો છે.
વાપીની અનાવિલ વાયરમાં ૨૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે વાપીની અનાવિલ વાયર ૧૦ના શૅરદીઠ ૨૭૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૬૦થી શરૂ થઈને ઉપરમાં ૯૦ થયા બાદ ઘટાડામાં છેલ્લે ૫૮ થયેલા પ્રીમિયમ સામે NSEમાં ૩૩૦ નજીક ખૂલી ૩૪૫ બંધ રહેતાં ૨૮ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૭૮ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૧૦૪ ગણા સહિત કુલ ૧૪૯ ગણો છલકાયો હતો. આગલા દિવસે અઢી ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૬૩ બંધ થયેલી બોરીવલીની ફ્યુઝન ક્લાસરૂમ ગઈ કાલે ૧૫૮ની નવી બૉટમ બતાવી ૧.૭ ટકા ઘટી ૧૬૪ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી અન્ય જાતોમાં જુનિયર ગ્રીન ચાર ટકા ગગડી ૨૩૯, MV ઇલેક્ટ્રોસિસ્ટમ્સ પોણો ટકો સુધરી ૬૧૬, ધવલ પૅકેજિંગ ૧૦૬ની નવી નીચી સપાટી નોંધાવી ૩.૯ ટકા તૂટી ૧૦૭, વનએન્ડિંગ ટેક્નૉલૉજીઝ ૧૩૯નું શિખર બતાવી બે ટકા વધી ૧૩૫ તો મનીપાલ હેલ્થ સવા ટકો સુધરી ૬૮૬ બંધ રહી છે. એજસ ટેક્નૉલૉજીઝનો SME IPO આજે લિસ્ટેડ થશે.
દરમ્યાન ગઈ કાલે પ્રથમ દિવસે ધૂત ટ્રાન્સમિશનનો બેના શૅરદીઠ ૮૭૧ની અપરબેન્ડમાં ૩૦૬૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૫ ટકા સહિત કુલ ૬૦ ટકા તથા મોલબાયો ડાયગ્નોસ્ટિક્સનો એકના શૅરદીઠ ૮૦૭ની અપરબેન્ડમાં ૯૪૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૦ ટકા સહિત કુલ ૮૦ ટકા ભરાયો છે. હાલ ધૂત ટ્રાન્સમિશન્સમાં ૨૭૦ તથા મોલબાયોમાં ૧૩૮ પ્રીમિયમ છે તો મેઇન બોર્ડમાં બીજા દિવસના અંતે લીપ ઇન્ડિયાનો એકના શૅરદીઠ ૧૬૯ના ભાવનો ૨૪૮૦ કરોડનો ઇશ્યુ કુલ પંચાવન ટકા, ટેકનોક્રાફ્ટ વેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૨૧૨ની અપરબેન્ડ સાથે ૨૫૨ કરોડનો ઇશ્યુ ૪.૬ ગણો તેમ જ SME કંપની ઑપ્ટિમાયસિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૭૫ના ભાવનો આશરે ૧૦૯ કરોડનો ઇશ્યુ કુલ ૮૦ ટકા ભરાયો છે. અત્યારે લીપ ઇન્ડિયામાં ૧૨ રૂપિયા, ટેકનોક્રાફ્ટમાં ૨૭ રૂપિયા અને ઑપ્ટિમાસસિક્સમાં પાંચ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. ઔરંગાબાદની એટલે કે છત્રપતિ સંભાજીનગરની LAPL ઑટોમોટિવનો ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવનો ૩૨ કરોડનો BSE SME IPO અેના આખરી દિવસે રીટેલમાં ૩૮૫ ગણા સહિત કુલ ૩૪૫ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ૩૯નું છે.
દાલમિયા ભારત શુગરનો નફો ૮૦ ટકા ધોવાયો, શૅર વધ્યો
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની ત્રિમાસિક આવક સવાઅઢાર ટકા વધી ૪૨૨૫ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૧૧.૫ ટકા વધી ૫૦૫ કરોડ નોંધાયો છે, નફા માર્જિન ૦.૪ ટકાના ઘટાડામાં ૧૯ ટકા રહ્યું છે. અેના વસવસામાં શૅર નીચામાં ૧૦૨૧ થઈ સવા ટકો ઘટી ૧૦૩૫ થયો છે. નિફ્ટી ઇન્ડેક્સમાં સપ્ટેમ્બરમાં થનારા ફેરફારના પગલે વિપ્રોના સ્થાને BSE લિમિટેડનો સમાવેશ થવાની શક્યતા વહેતી થતાં BSEનો ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૬૧૫ થઈ ૪ ટકા ઊછળી ૩૫૯૬ બંધ આવ્યો છે. વિપ્રો નીચામાં ૧૮૫ બતાવી એક ટકો ઘટી ત્યાં જ હતી. કૉન્ડોમ બનાવતી ક્યુપિડ લિમિટેડે જૂન ક્વૉર્ટરમાં ૧૫૯ ટકાના વધારામાં ૧૫૫ કરોડ નજીકની આવક ઉપર ૧૯૪ ટકાના વૃદ્ધિદરથી ૪૪૧૦ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ૨૬૮ની વિક્રમી સપાટી નોંધાવી સાધારણ સુધારામાં ૨૬૩ રહ્યો છે. ફેસવૅલ્યુ એકની છે. આ શૅર એક વર્ષમાં ૬૭૮ ટકા અને ત્રણ વર્ષમાં ૮૮૭૧ ટકા વધ્યો છે. પિયર ગ્રુપમાં આનોન્દીતા મેડીકૅર ઉપરમાં ૧૧૨૦ થઈ પાંચ ટકાની મજબૂતીમાં ૧૦૯૩ હતી.
ઓલા ઇલેક્ટ્રિકની આવક ૪૫ ટકા ગગડી ૪૫૫ કરોડ થઈ છે. નેટ લૉસ પણ ૪૨૮ કરોડથી ઘટી ૩૬૮ કરોડ આવી છે. ભાવ બમણા વૉલ્યુમે નીચામાં ૩૮ થઈ ૪.૩ ટકા ગગડી ૩૯ હતો. આઇનોક્સ વિન્ડની આવક દોઢ ટકો ઘટી ૮૧૪ કરોડ થઈ છે, પરંતુ નેટ નફો ૫૮.૫ ટકા ગગડી ૪૪ કરોડ રહ્યો છે. શૅર પોણાબે ગણા કામકાજે ૭૩ની લગભગ પોણાત્રણ વર્ષની બૉટમ દેખાડી પોણાછ ટકા તૂટી ૭૩.૫૦ હતો. દાલમિયા ભારત શુગરની આવક દસેક ટકા ઘટીને ૮૪૮ કરોડ થતાં નેટ નફો ૮૦ ટકા ધોવાઈ ૭૭૦ લાખ રહ્યો છે. માર્જિન ૯.૬ ટકાથી ઘટી ૫.૧ ટકા જોવાયું છે. શૅર જોકે નીચામાં ૩૭૭ થઈ તગડા બાઉન્સબૅકમાં ૪૨૮ બતાવી ૩.૨ ટકા વધીને ૪૧૭ થયો છે. શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રાની આવક ૨૦.૮ ટકા ઘટી ૨૬૭૧ કરોડ તથા નફો ૭૭.૮ ટકા ગગડી ૩૦૬૦ લાખ થયો છે. શૅર ૨૬૦નું વર્સ્ટ લેવલ બતાવી ૩.૮ ટકા ઘટી ૨૬૩ હતો. રેમન્ડ રિયલ્ટીની આવક ૩૮.૪ ટકા વધી ૫૨૭ કરોડ થઈ છે. નફો ૧૮.૬ ટકા ઘટી ૧૩૪૦ લાખ નોંધાયો છે. શૅર નીચામાં ૬૦૨ થઈ ૧૨ ટકા લથડીને ૬૦૬ હતો.
મિલ્કી મિસ્ટ સહિત આજે કુલ ત્રણ નવાં ભરણાં ખૂલશે
આજે, મંગળવારે કુલ ૩ નવાં ભરણાં ખૂલશે. મેઇન બોર્ડમાં તામિલનાડુના ઇરોડ ખાતેની મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ્સ બેના શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસથી ૧૨૫ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૫૫૩ કરોડનો ઇશ્યુ લાવશે. QIB પોર્શન ૫૦ ટકા છે. આ પૅકેજ્ડ ક્રૂડ કંપની વૅલ્યુ એડેડ ડેરી પ્રોડક્ટ્સ બનાવીને વેચે છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૩૪ ટકાના વધારામાં ૩૧૪૫ કરોડની આવક ઉપર ૧૭૬ ટકા વૃદ્ધિદરથી ૧૨૭ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. દેવું ૧૬૭૨ કરોડ છે. બે વર્ષ પૂર્વે આવક ૧૮૨૭ કરોડ તથા નફો ૧૯૪૪ લાખ હતો. ઇશ્યુમાંથી ૪૯૭ કરોડ દેવાની ચુકવણીમાં તથા ૪૬૯ કરોડ વિસ્તરણમાં વપરાશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૬ પૈસા છે. ગત વર્ષની સુપર અર્નિંગ પછી પણ ઇશ્યુ પ્રાઇસ ૮૫ જેવો અતિ ઊંચો પીઇ બતાવે છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૫૪ કરોડ જેવી થશે. છેલ્લાં ૩ વર્ષની અૅવરેજ શૅરદીઠ કમાણી સવા રૂપિયા જેવી છે. ગ્રેમાર્કેટમાં ૨૬થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૨૫ છે.
બે SME ભરણાંમાંથી એક કલકત્તાની ફેસિનેટ ટેક્સટાઇલ્સ ૧૦ના શૅરદીઠ ૧૫૬ની અપરબેન્ડમાં કુલ ૬૭ કરોડનો NSE SME IPO કરવાની છે. અેમાંથી OFS પેટે ૧૩ કરોડ પ્રમોટર્સ લઈ જશે. માર્કેટમેકર્સ માટે ૩ કરોડના શૅર રિઝર્વ્ડ છે. ઇશ્યુમાં રીટેલ પોર્શન ૫૯.૩ ટકા તથા HNI પોર્શન ૩૯.૬ ટકા છે. કંપની મુખ્યત્વે ચિલ્ડ્રન્સ અપેરલ્સ સહિત રેડિમેડ ગાર્મેન્ટ્સ બનાવે છે. ૨૦૧૭માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૯૪ ટકા વધારામાં ૧૧૭ કરોડની આવક ઉપર ૧૫૯ ટકાના વધારામાં ૧૫૦૭ લાખ નફો બતાવ્યો છે. દેવું ૨૬ કરોડ છે. બે વર્ષ પહેલાં આવક ૨૮૯૦ લાખ અને નફો ૪૮ લાખ હતો. ઇશ્યુમાંથી ૧૯૦૩ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૧૨૪૦ લાખ વિસ્તરણમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ ઝીરો છે.
બીજી કંપની અંબાલાની શામ ફોમ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવથી કુલ ૪૦ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરશે. માર્કેટમેકર્સ માટે બે કરોડના શૅર અનામત છે. QIB પોર્શન નથી. રીટેલ પોર્શન ૫૦ ટકા છે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપની PU ફોમ, મેટ્રેસિસ, તકિયા તથા અન્ય હોમ કમ્ફર્ટ પ્રોડક્ટ્સ બનાવીને વેચે છે. ગત વર્ષે ૧૩ ટકા વધારામાં ૯૨૩૯ લાખની આવક ઉપર ૧૪૨ ટકા વધારામાં ૮૬૫ લાખ ચોખ્ખો નફો દેખાડ્યો છે. દેવું ૯૨૨ લાખથી ઘટી ૩૯૯ લાખ રહ્યું છે. ઇશ્યુમાંથી ૧૪૭૨ લાખ હાલના પ્લાન્ટમાં જરૂરી મશીનરી તથા સિવિલ કન્સ્ટ્રક્શન પાછળ અને ૧૪૨૫ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.