05 December, 2025 09:14 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
હિટાચી એનર્જી વૉલ્યુમ સાથે ૧૭૩૭ રૂપિયા કપાયો, હિન્દુસ્તાન કૉપરમાં નવું શિખર : ઓલા ઇલેક્ટ્રિક બૅક-ટુ-બૅક નીચલી સર્કિટ સાથે નવા વર્સ્ટ લેવલે, દ્રોણાચાર્ય ૧૦ ટકાની તેજીમાં : સર્વિસમાં ભારે ધાંધિયાને લઈને ઇન્ડિગોની ખરાબી વધી : બીડી પર એક્સાઇઝ નહીં વધારવાની નાણાપ્રધાનની ખાતરીથી સિન્નાર બીડી ઉદ્યોગનો શૅર ઝળક્યો : ૧૪૦ની ઇશ્યુ-પ્રાઇસ સામે ૧૭૭ના પ્રીમિયમવાળી એક્સાટોનું આજે લિસ્ટિંગ : રિઝર્વ બૅન્કની પૉલિસી-મીટિંગ પર નજર
ડૉલર સામે રૂપિયાએ અધપતન ચાલુ રાખતાં ૯૦.૪૨ના વર્સ્ટ લેવલે જોવાયો છે ત્યારે દેશના વડા આર્થિક સલાહકાર કહે છે કે આનાથી મારી ઊંઘ જરાય હરામ નથી થઈ. મીડિયાહાઉસ NDTV પ્રૉફિટ ઉપર રુપી એટ નાઇન્ટી ઇઝ નૉટ બેડ ન્યુઝ જેવા હેડિંગ સાથે પસીનાની બદબૂમાં ખુશ્બૂ શોધવાની જહેમત દેખાવા માંડી છે. બાય ધ વે, આ મીડિયાહાઉસ અદાણીનું છે એ કહેવાની જરૂર ખરી? રૂપિયો આ જ રીતે ગગડતો રહી બગાવત કરતો રહ્યો તો સરકાર એને ગમે ત્યારે ઍન્ટિ નેશન્સ જાહેર કરી દેશે. હવે મૂળ વાત કરીએ, સેન્સેક્સ આગલા બંધથી ૧૨૦ પૉઇન્ટ જેવો નરમ, ૮૪,૯૮૭ ખૂલી છેવટે ૧૫૮ પૉઇન્ટના સાધારણ સુધારામાં ૮૫,૨૬૫ તથા નિફ્ટી ૪૮ પૉઇન્ટ વધી ૨૬,૦૩૪ ગુરુવારે બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૮૪,૯૫૦ની અંદર જઈને ઉપરમાં ૮૫,૪૮૭ વટાવી ગયો હતો. શૅરઆંક સુધર્યો છે, પણ માર્કેટ બ્રેડ્થ સુધરી નથી. NSEમાં વધેલા ૧૩૮૧ શૅરની સામે ૧૭૪૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧૫,૦૦૦ કરોડ જેવું મામૂલી વધીને ૪૬૯.૮૫ લાખ કરોડ થયું છે. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ સુધર્યાં છે, પરંતુ સુધારો બહુધા ઘણો નાનો હતો. IT ઇન્ડેક્સ બૅક-ટુ-બૅક ૧.૩ ટકા વધીને સુધારામાં મોખરે હતો. ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૧.૧ ટકા તથા નિફ્ટી ડિફેન્સ અને રિયલ્ટી બેન્ચમાર્ક અડધો ટકો પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ફ્લૅટ તો બૅન્ક નિફ્ટી નહીંવત્ ઘટ્યો છે. ઇન્ડિયા સિમેન્ટ્સ ૧૪ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૧૩ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. કંપનીએ ડિસેમ્બર ક્વૉર્ટરને આવરી લેતાં એના નવ મહિનાનાં પરિણામ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ કરવાની અત્યારથી જાહેરાત કરી દીધી છે. હિન્દુસ્તાન કૉપર સાડાસાત ગણા કામકાજે ૩૬૮ની નવી ટૉપ બનાવી પોણાઆઠ ટકા ઊછળીને ૩૬૫ વટાવી ગઈ છે. બાન્કો ઇન્ડિયા ૧૦ ગણા વૉલ્યુમે ૭.૯ ટકાના જમ્પમાં ૭૨૧ થઈ છે. હિટાચી એનર્જી ઇન્ડિયા બમણા વૉલ્યુમે નીચામાં ૧૯,૧૩૧ બતાવી ૮ ટકા કે ૧૭૩૭ રૂપિયાના કડાકામાં ૨૦,૧૦૦ બંધ આપીને એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. કાયનેસ ઘટાડાની ચાલમાં સવાછ ટકા કે ૩૨૭ રૂપિયા ખરડાઈ ૪૯૭૮ હતી. વૉકહાર્ટ ૬ ટકા જેવી ખરાબીમાં ૧૩૩૧ રહી છે. રોકડામાં એલ્ડર હાઉસિંગ ૨૯ ગણા કામકાજે ૧૯.૯ ટકાની તેજીમાં ૯૬૮ થઈ છે. દ્રોણાચાર્ય એરિઅલ તાજેતરના ધબડકા બાદ ૧૦ ટકાના બાઉન્સ બૅકમાં ૩૬.૫૫ બંધ આવી છે. શ્લોકા ડાઇઝ ૪૦ના નવા વર્સ્ટ લેવલે જઈને ૩ ટકા બગડી ૪૧.૫૧ રહી છે. હીરોમોટોકૉર્પ ૬૩૫૨ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી બે ટકા કે ૧૨૯ની મજબૂતીમાં ૬૩૪૧ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી વર્કમેચટ્સ ૫૧૩ની નવી વિક્રમી સપાટી હાંસલ કરી પોણાસાત ટકા જેવી ખરાબીમાં ૪૪૬ થઈ છે. લાલા રામદેવની પતંજલિ ફૂડ્સ ૫૨૧ની ઐતિહાસિક નીચી સપાટી બનાવી સાડાચાર ટકા ગગડી ૫૩૧ બંધ આવી છે.
આજે રિઝર્વ બૅન્કની પૉલિસી મીટિંગ છે. રેપો-રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો આવશે એવી વ્યાપક ધારણા રખાય છે. જો આ આશા ફળીભૂત ન થઈ તો બજારનો મૂડ બગડશે અને રેટ-કટ આવ્યો તો એની ખાસ મોટી અસર ત્વરિત દેખાવાની નથી, કેમ કે મામલો બજારમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે.
લક્ઝરી ટાઇમ પ્રથમ દિવસે છલકાયો, પ્રીમિયમ ઊછળીને ૭૫ થયું
ગઈ કાલે જે બે SME ઇશ્યુ ખૂલ્યા છે એમાં લકઝરી ટાઇમનો શૅરદીઠ ૮૨ના ભાવનો ૧૮૭૪ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે ૧૪.૬ ગણો તથા વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી અબ્રૉડનો શૅરદીઠ ૫૬ના ભાવનો ૧૦૦૭ લાખનો ઇશ્યુ માત્ર ૮ ટકા ભરાયો છે. લકઝરી ટાઇમમાં ૨૦વાળું પ્રીમિયમ ઊછળી હાલમાં ૭૫ ચાલે છે. વેસ્ટર્ન ઓવરસીઝમાં પ્રીમિયમ ઝીરો છે. જ્યારે જયપુરની શ્રીકાન્હા સ્ટેનલેસનો શૅરદીઠ ૯૦ના ભાવનો ૪૬૨૮ લાખનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૮ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પચીસવાળું પ્રીમિયમ હાલ ઝીરો છે.
મેઇન બોર્ડ ખાતે સતત ખોટ કરતી મિશો લિમિટેડનો એકના શૅરદીઠ ૧૧૧ના ભાવનો ૫૪૨૧ કરોડ પ્લસનો ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં સાડાનવ ગણા સહિત કુલ ૮.૩ ગણો તથા સતત ખોટમાં છે એવી એક્વસ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપરબૅન્ડ સાથે આશરે ૯૨૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૪ ગણા સહિત કુલ ૧૧.૪ ગણો ભરાયો છે. જ્યારે ગુજરાતના આણંદની વિદ્યા વાયર્સનો એકના શૅરદીઠ બાવનના ભાવનો ૩૦૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં સવાબાર ગણા સહિત કુલ નવેક ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટ ખાતે મિશોમાં પ્રીમિયમ સુધરી હાલમાં ૪૬ રૂપિયા, એક્વસમાં રેટ ૪૬.૫૦ રૂપિયા અને વિદ્યા વાયર્સમાં ૬ રૂપિયા ક્વોટ થાય છે.
અમદાવાદી નિયોકેમ બાયો સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૪૪૯૭ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં સાડાનવ ગણા સહિત કુલ ૧૫.૫ ગણા પ્રતિસાદમાં અને નવી દિલ્હી ખાતેની હેલ્લોજી હૉલિડેઝનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૧૦૯૬ લાખનો BSE SME IPO રીટેલમાં ૨૨.૮ ગણા સહિત કુલ ૩૦ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે.
આજે SME કંપની પર્પલવેલ ઇન્ફોકૉમ, લૉજિશ્યલ સૉલ્યુશન્સ તેમ જ એક્સાટો ટેક્નૉલૉજીઝ લિસ્ટેડ થવાની છે. એક્સાટોમાં ૧૭૫વાલું પ્રીમિયમ વધી અત્યારે ૧૭૭ ચાલે છે. નિયોકેમમાં ૫ અને હેલ્લાંજીમાં સાતનું પ્રીમિયમ સંભળાય છે.
બાયબૅકની જાહેરાત પાછળ નેક્ટર લાઇફમાં ૧૭ ટકાની તેજી
મુંબઈના ફોર્ટ ખાતેની ઇન્ટીરિયર્સ ઍન્ડ મોર શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ સાધારણ ઘટીને ૫૨૫ રહી છે. એપિસ ઇન્ડિયા એક શૅરદીઠ ૨૪ બોનસમાં આજે બોનસ બાદ થવાની છે. ભાવ ૧૧૫૩ના શિખરે છે. અજય દેવગન જેમાં દસ લાખ શૅરનું હોલ્ડિંગ ધરાવે છે એ પેનોરામા સ્ટુડિયોઝ બે શૅરદીઠ પાંચના બોનસમાં શુક્રવારે એક્સ બોનસ થશે, શૅર ગઈ કાલે ઉપરમાં ૧૭૪ થયા બાદ સવાત્રણ ટકા ગગડી ૧૬૪ રહ્યો છે. કેમ્સ લિમિટેડ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૩૯૬૯ બતાવી અઢી ટકા વધીને ૩૯૫૬ બંધ હતો. પટેલ એન્જિનિયરિંગ ૪૦ શૅરદીઠ સાતના પ્રમાણમાં શૅરદીઠ ૨૭ના ભાવે રાઇટમાં એક્સ રાઇટ તથા ગઈ કાલે નીચામાં ૩૧.૭૬ થઈ બે ટકા ગગડી ૩૩.૧૧ હતો. NSEમાં ભાવ ૫.૭ ટકા તૂટી ૩૩ રહ્યા છે.
બાયોકોન તરફથી કંપનીની અનલિસ્ટેડ સબસિડિયરી બાયોકોન બાયોલૉજિક્સના શૅરધારકો પાસેથી શૅર ખરીદી એને સંપૂર્ણ હસ્તગત કરવાની યોજના માટે શનિવારે
બોર્ડ-મીટિંગ નક્કી થઈ છે. એના પગલે શૅર વૉલ્યુમ સાથે નીચામાં ૩૮૪ થઈ સવાપાંચ ટકા ગગડી ૩૮૮ થયો છે. ઓલા ઇલેક્ટ્રિક ત્રણેક ગણા કામકાજે વધુ એક મંદીની સર્કિટમાં ૩૬ના ઑલટાઇમ તળિયે જઈ ત્યાં જ બંધ થઈ છે. ૨૦૨૪ની ૧૯ ઑગસ્ટે શૅર ૧૫૭ પ્લસના બેસ્ટ લેવલે ગયો હતો. કંપની ઑગસ્ટ ૨૪ના આરંભે શૅરદીઠ ૭૬ના ભાવે ૬૧૪૫ કરોડનો IPO લાવી હતી.
ચાઇના લૅબ્સ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અગાઉની ૩૨ કરોડની નેટ લૉસમાંથી ૬ કરોડના નફામાં આવી છે. આવક ૧૮ ટકા વધીને ૬૫૦ કરોડ થઈ છે. શૅર બમણા કામકાજે ૨૫૪ નજીક જઈ ૨.૩ ટકા તૂટી ૨૪૨ રહ્યા છે. બીડી ઉપર ટૅક્સમાં વધારો નહીં થાય એવી નાણાપ્રધાને ખાતરી આપતાં સિન્નાર બીડી ઉદ્યોગનો ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૩૧ વટાવી ગયો છે. ફેસવૅલ્યુ પાચંની છે. નેક્ટર લાઇફસાયન્સ તરફથી શૅરદીઠ ૨૭ના ભાવે ૩ કરોડ શૅર બાયબૅક કરવાનું નક્કી કરાયું છે. રેકૉર્ડ ડેટ ૨૪ ડિસેમ્બર ઠરાવાઈ છે. શૅર ૩૦ ગણા વૉલ્યુમે ૧૭ ટકાની મજબૂતીમાં ૨૧ જેવો થયો છે.
મુંબઈની સ્કેલ સૉસ સહિત આજે ૩ SME ઇશ્યુ ખૂલશે
આજે ૩ SME IPO ખૂલવાના છે. કર્ણાટકાના બૅન્ગલોર મેટ્રોપૉલિટન રીજનની મેથડહબ સૉફ્ટવેર ૧૦ના શૅરદીઠ ૧૯૪ની અપર બૅન્ડમાં ૧૦૩ કરોડ પ્લસનો BSE SME ઇશ્યુ આજે કરશે. એમાં ઑફર ફોર સેલ ૧૫૫૨ લાખની છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ IT સર્વિસિસ પ્રોવાઇડર કંપનીએ ગયા વર્ષે ૧૩૬ ટકા વધારામાં ૧૩૬ કરોડ આવક તથા ૧૧૩ ટકા વધારામાં ૧૧૫૦ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૮૦૨૨ લાખ તથા નેટ નફો ૧૦૩૫ લાખ થયાં છે. દેવું ૩૯ કરોડથી વધુ છે. ઇશ્યુ બાદ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૨૬.૮ ટકા રહેશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૦થી શરૂ થયું છે. ગુરુગ્રામની એવિયેશન ટ્રેઇનિંગ સેગમેન્ટમાં પ્રવૃત્ત ફ્લાયનિંગ્સ સિમ્યુલેટર ટ્રેઇનિંગ સેન્ટર ૧૦ના શૅરદીઠ ૧૯૧ની અપરબૅન્ડમાં ૯૦૫ લાખની OFS સહિત કુલ ૫૭૦૫ લાખનો NSE SME ઇશ્યુ શુક્રવારે લાવી રહી છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૧માંથી સ્થપાયેલી આ કંપનીએ માત્ર સવા વર્ષની કામગીરી જ જાહેર કરી છે. જે મુજબ ગયા વર્ષે આવક ૨૩૬૪ લાખ તથા નેટ પ્રૉફિટ ૧૦૯૨ લાખ હતો. ચાલુ વર્ષે પ્રથમ ૩ મહિનામાં સવાચાર કરોડની આવક ઉપર ૧૩૮ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૧૪૭૮ લાખ છે. ફન્ડામેન્ટલ્સના ટ્રેકરેકૉર્ડ વિહોણી આ કંપનીનો IPO ઘણો મોંઘો જણાય છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ હાલ નથી. મુંબઈના ગોરેગામ ખાતેની એન્કમ્પાસ ડિઝાઇન ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૦૭ની અપરબૅન્ડમાં ૪૦૨૧ લાખનો NSE SME IPO આજે કરશે. ૨૦૧૦માં સ્થપાયેલી આ કંપની અર્બન કન્ઝ્યુમર્સ માટે સ્કેલ સૉસ બ્રૅન્ડથી હોમ ઍન્ડ લાઇફ સ્ટાઇલ આઇટમો ફૂડ પ્રોડક્સ ખાસ કરીને વિવિધ પ્રકારના સૉસ બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૩૭ ટકા વધારામાં ૫૫૦૧ લાખની આવક ઉપર ૫૭ ટકા વૃદ્ધિદરથી ૧૦૭૯ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં આવક ૨૮૧૭ લાખ અને નફો ૫૦૫ લાખ થયો છે દેવું ૨૭૨૦ લાખનું છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ હાલ નથી.
પૉઝિટિવ માર્કેટમાં રિલાયન્સ સાવ સુસ્તીમાં ફ્લૅટ રહી
પાઇલટની શૉર્ટેજને કારણે અસંખ્ય ફ્લાઇટ્સ કૅન્સલ કરવાની સાથે સર્વિસમાં ધાંધિયાં અને દાદાગીરીના વ્યાપક આક્ષેપનો ભોગ બનેલી ઇન્ડિગો નરમાઈ ચાલુ રાખતાં નીચામાં ૫૩૯૭ થઈ ૨.૮ ટકા ગગડી ૫૪૩૬ બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે. શૅર સપ્તાહમાં ૮.૩ ટકા તૂટી ગયો છે. TCS સુધારાની ચાલમાં બમણા કામકાજે ઉપરમાં ૩૨૫૦ નજીક જઈ દોઢ ટકાની આગેકૂચમાં ૩૨૨૯ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ઝળકી છે. ટેક મહિન્દ્ર ૧.૩ ટકા, ઇન્ફી સવા ટકો, HCL ટેકનો ૦.૯ ટકા પ્લસ હતી. આ ૪ શૅર બજારને ગઈ કાલે ૧૨૫ પૉઇન્ટ ફળ્યા છે. વિપ્રો એકાદ ટકો તથા લાટિમ દોઢ ટકા વધી છે. IT ઇન્ડેક્સ ૪ મહિનાની ટૉપ બનાવી સવા ટકો કે ૪૭૯ પૉઇન્ટ ઊંચકાયો છે. એના ૭૭માંથી ૩૨ શૅર નરમ હતા. જેનેસિસ ૩.૭ ટકા તથા ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ પાંચ ટકા ગગડી હતી. અગાઉ ADCC ઇન્ફોકેડ્સ તરીકે ઓળખાતી સેઇન્સિસ ટેક ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૬૮ વટાવી ગઈ છે.
હિન્દુસ્તાન યુનિલીવર એના આઇસ્ક્રીમ બિઝનેસના ક્વૉલિટી વોલ્સ નામની અલગ કંપનીમાં ડીમર્જર કરી રહી છે. શૅર આજે એક્સ ડીમર્જર થવાનો છે. ભાવ ગઈ કાલે ૨૪૮૨ થઈ છેવટે સાધારણ વધી ૨૪૬૨ હતો. એટર્નલ એક ટકો ઘટી ૨૯૫ બંધ હતી. અદાણી એન્ટર ૧.૪ ટકા સુધરી ૨૨૨૦ હતો, એનો RE ૫.૮ ટકા ઊંચકાઈ ૩૭૯ થયો છે. બજાજ ફાઇનૅન્સ, ભારતી ઍરટેલ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, ઍક્સિસ બૅન્ક, ITC, ટ્રેન્ટ, સનફાર્મા અડધાથી એકાદ ટકો પ્લસ હતી. SBI લાઇફ દોઢ ટકા વધી ૨૦૦૩ રહી છે, તાતા મોટર્સ પૅસેન્જર ૩૫૬ના લેવલે ફ્લૅટ હતી. તાતા મોટર્સ નવી એક ટકાની પીછેહઠમાં ૩૫૬ ઉપર હતી. રિલાયન્સ અઢી ગણા કામકાજે ઉપરમાં ૧૫૬૦ અને નીચામાં ૧૫૧૮ દેખાડી નહીંવત્ ઘટી ૧૫૩૮ બંધ થઈ છે. મારુતિ પોણો ટકો નરમ હતી.