હોટેલ્સ, રેસ્ટોરાં ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરી શકે નહીં

05 July, 2022 08:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીએ નવી માર્ગદર્શિકા જાહેર કરી

હોટેલ્સ, રેસ્ટોરાં ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરી શકે નહીં

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (સીસીપીએ)એ હોટેલ અને રેસ્ટોરાંમાં સર્વિસ ચાર્જ વસૂલવા અંગે ‘અયોગ્ય વેપારપ્રથાઓ અને ગ્રાહક અધિકારોના ઉલ્લંઘનને અટકાવવા’ માટે માર્ગદર્શિકા જારી કરી છે. માર્ગદર્શિકામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હોટેલ કે રેસ્ટોરાં ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં.
સર્વિસ ચાર્જનો કોઈ સંગ્રહ અન્ય કોઈ નામથી કરવામાં આવશે નહીં. કોઈ પણ હોટેલ અથવા રેસ્ટોરાં ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જાણ કરશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકની વિવેકબુદ્ધિ પર છે, એમ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
જો કોઈ ઉપભોક્તાને જણાય કે હોટેલ અથવા રેસ્ટોરાં માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને સર્વિસ ચાર્જ વસૂલ કરી રહી છે, તો ગ્રાહક બિલની રકમમાંથી સર્વિસ ચાર્જ દૂર કરવા સંબંધિત હોટેલ અથવા રેસ્ટોરાંને વિનંતી કરી શકે છે. ઉપરાંત, ગ્રાહક નૅશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકે છે.

business news