આઇસી૧૫ ઇન્ડેક્સમાં આઠ ટકાનો તોતિંગ ઘટાડો

17 April, 2024 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૩,૧૫૯ ખૂલીને ૮૩,૪૯૯ની ઉપલી અને ૭૬,૫૯૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં રીટેલ સેલ્સમાં ધારણા કરતાં વધુ મોટો વધારો થયો હોવાથી હવે વ્યાજદરમાં ઘટાડો કરવાનું પગલું ભરવામાં વિલંબ થાય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ સંજોગોમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે તોતિંગ ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ​ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૭.૮૪ ટકા (૬,૫૧૭ પૉઇન્ટ) ઘટીને ૭૬,૬૪૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૩,૧૫૯ ખૂલીને ૮૩,૪૯૯ની ઉપલી અને ૭૬,૫૯૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કૉઇન ઘટ્યા હતા. સોલાના, ટોનકૉઇન, શિબા ઇનુ અને અવાલાંશમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

દરમ્યાન યુનાઇટેડ કિંગડમની સરકાર ક્રિપ્ટો સ્ટેકિંગ, સ્ટેબલકૉઇન, એક્સચેન્જ અને કસ્ટડી ઉદ્યોગના નિયમન માટે આગામી જૂન-જુલાઈ સુધીમાં નવો કાયદો લાવવા ઇચ્છે છે. બીજી બાજુ, ક્રિપ્ટો એક્સચેન્જ–વીએએલઆરને દક્ષિણ આફ્રિકાની ફાઇનૅન્શિયલ સર્વિસિસ કન્ડક્ટ ઑથોરિટી પાસેથી નિયમનકારી મંજૂરી મળી છે. ઑથોરિટીએ ૫૯ ક્રિપ્ટો સર્વિસ પ્રોવાઇડર્સને દેશમાં કામકાજ શરૂ કરવા માટે લાઇસન્સ પણ આપી દીધાં છે.  

દુબઈ મ​લ્ટિ કૉમોડિટીઝ સેન્ટરે પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ યુનાઇટેડ આરબ ઍમિરેટ્સમાં પચીસ અબજ ડૉલર મૂલ્યના ક્રિપ્ટો વ્યવહારો થયા હતા. દુબઈએ બ્લૉકચેઇન ફૉર ગુડ અલાયન્સ નામે યોજના શરૂ કરી છે. વિશ્વની સામાજિક, આર્થિક અને પર્યાવરણને લગતી સમસ્યાઓના હલ માટે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

business news share market stock market sensex nifty