12 May, 2025 08:15 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
ભારત-પાકિસ્તાન ટેન્શનને પગલે શૅરબજારમાં હાલ વૉલેટિલિટીનું યુદ્ધ શરૂ થયું છે, જેમાં ભારત મજબૂત રાષ્ટ્ર તરીકે અને પાકિસ્તાન મજબૂર રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે. આ માહોલ અત્યારે અનિશ્ચિતતાનું સર્જન કરી બેઠો છે, હાલ તો એ કામચલાઉ રહેશે એમ જણાય છે. ભારતની ગ્રોથ-સ્ટોરીને આ યુદ્ધ પણ બૂસ્ટ કરશે
શૅરબજાર પર યુદ્ધનાં નગારાં અને ભણકારા વધી રહ્યાં હોવાથી માર્કેટની ચાલ બદલાઈ રહી છે. જોકે આ ચાલ ટૂંકા ગાળાની ગણી શકાય. એની ઝલક જોવા સાથે વાતની શરૂઆત કરીએ તો ગયા સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટે રિકવરીનો દોર આગળ વધાર્યો હતો. જોકે મંગળવારે પ્રૉફિટ-બુકિંગને કારણે માર્કેટ ઘટ્યું હતું, જેમાં સ્મૉલકૅપ સ્ટૉક્સમાં મોટું ધોવાણ થયું હતું. બુધવારે માર્કેટ વૉલેટાઇલ રહીને પણ પછીથી રિકવર થઈ પ્લસ બંધ રહ્યું હતું, મહત્ત્વની વાત એ હતી કે યુદ્ધના ભણકારા વચ્ચે પણ બજારે બુલિશ મૂડ જાળવી રાખ્યો હતો. જોકે ગુરુવારે સતત વધઘટ બાદ માર્કેટ નેગેટિવ બંધ રહ્યું. જિયોપૉલિટિકલ અનિશ્ચિતતાને કારણે વેચવાલી વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન ગયા હતા. આ દિવસ વીકલી એક્સપાયરીનો હોવાથી પણ માર્કેટ કરેક્ટ થયું હતું. માર્કેટ બ્રેડ્થ મંદીતરફી રહી હતી. શુક્રવારે યુદ્ધનો માહોલ વધુ તીવ્ર બનતાં બજારે માત્ર કરેક્શનના સ્થાને કડાકા જેવો માહોલ દર્શાવ્યો હતો. સેન્સેક્સ ૮૦,૦૦૦ની સપાટી નીચે ઊતરી ગયો અને નિફ્ટી ૨૪,૦૦૦ થઈ ગયો હતો. વેચવાલી વ્યાપક બની હતી. બજારમાં હાલ તો યુદ્ધનું વાતાવરણ અને જાત-જાતની ચર્ચા જોરમાં હોવાથી વૉલેટિલિટી અને કરેક્શન ચાલુ રહેવાની ધારણા છે. આ અનિશ્ચિતતાના સમયમાં સાવચેતી જોઈશે એવો મત સતત વ્યક્ત થયા કરે છે. બીજી બાજુ આ ભણકારા વચ્ચે સોનાના ભાવમાં તેજી જારી છે.
અર્થતંત્ર માટે વીતેલા સપ્તાહમાં એક મહત્ત્વના સમાચાર એ હતા કે ભારત અને બ્રિટન વચ્ચે ફ્રીટ્રેડ કરાર નક્કી થયા હતા. ટ્રમ્પના ટૅરિફ-આક્રમણ બાદ ભારતનું આ પહેલું સફળ ટ્રેડ ઍગ્રીમેન્ટ હતું. બન્ને દેશો વચ્ચે જે સમજૂતી થઈ છે એ પરસ્પર હિતમાં કામ કરશે. હાલના વિચિત્ર વૈશ્વિક સંજોગો વચ્ચે આ એક સારું-સકારાત્મક ડેવલપમેન્ટ ગણાય.
મોમેન્ટમને સમય લાગશે
વર્ષ ૨૦૨૬ માટેના અર્નિંગ્સના વૃદ્ધિદરનો અંદાજ સંજોગોને આધિન ઘટાડો દર્શાવે છે. બજાર અત્યારે કન્સોલિડેશન તબક્કામાં છે જેને હજી મોમેન્ટમ પકડતાં સમય લાગશે, કારણ કે જ્યાં સુધી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યાં સુધી બજારને ખરી સ્થિરતા મળશે નહીં. એ ખરું કે ભારતનો GDP ગ્રોથ વિશ્વના અન્ય ઊભરતા દેશો સામે બહેતર અને આકર્ષક છે. વર્તમાન સંજોગો અમેરિકાને કારણે IT સેક્ટર માટે મુશ્કેલ જણાય છે, જ્યારે ફાઇનૅન્શિયલ સેક્ટર માટે પૉઝિટિવ છે.
ભારતની ઇકૉનૉમિક થીમ-સ્ટોરી મજબૂત
જાણીતા માર્કેટ એક્સપર્ટ સમીર અરોરાના મત અનુસાર ભારત-પાક યુદ્ધની સંભાવના બહુ ઓછી છે અને રોકાણકારોએ એના વિશે બહુ લાંબી આગાહી કે ધારણા બાંધવાની જરૂર નથી, બલકે રોકાણકારોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત કોઈ હોય તો એ ભારતની લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકેની ક્ષમતા-સમર્થતા છે. હાલની જિયોપૉલિટિકલ સિચુએશન પણ એના માટે કામચલાઉ ગણાય. યુદ્ધની શક્યતા એક ટકાની છે, એમ છતાં એની આગાહી થઈ શકે નહીં. બાકી ભારતની થીમ સ્ટોરી સતત મજબૂત બનતી જઈ રહી છે. અરોરા માને છે કે જો ભારત-પાક યુદ્ધ થયું તો પણ અંતે ભારતીય માર્કેટ ઝડપથી રિકવર થવા લાગશે. હાલ આ ભયમાં માર્કેટ કરેક્શન તરફ જતું હોય તો એનાથી પૅનિક થવાની જરૂર નથી. આવી ઘટનાઓ બાદ માર્કેટ ૮૦ ટકા રિકવર થઈ જતું હોવાનું ઇતિહાસ જણાવે છે.
ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે અમેરિકાનો સમય પૂર્ણતાને આરે
અત્યારે પણ ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ બાયર્સ બન્યા છે, કારણ કે તેઓ ભારતની આર્થિક શક્તિને ગણતરીમાં લઈ ચાલી રહ્યા છે. વિશ્વ છેલ્લા બે દાયકાથી અમેરિકા માટે ઓવરવેઇટ રહ્યું, હવે આ સમય પૂરો થવાની આરે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ હવે અમેરિકા પર ઝાઝો મદાર રાખશે નહીં. તેઓ હવે અમેરિકાનું વધુ જોખમ લેવા રાજી નથી. હાલ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવા માટે ભારત સૌથી મોટું અને મહત્ત્વનું માર્કેટ છે. છેલ્લાં બે વર્ષમાં ફૉરેન ઇન્વેસ્ટર્સની સતત વેચવાલી છતાં ભારતીય માર્કેટ સ્થાનિક રોકાણકારોના આધારે ટક્યું છે અને ચાલ્યું પણ છે. હવે જો ગ્લોબલ રોકાણકારો વેચાણ ઘટાડશે અને ખરીદી વધારશે તો ભારતીય બજાર ક્યાંથી ક્યાં જશે એની કલ્પના કરવી રહી. આમ સમીર અરોરા ભારતીય શૅરબજાર માટે બુલિશ અભિપ્રાય ધરાવે છે.
નિફ્ટી ટૉપ-૧૦ અને નિફ્ટી-૫૦ના ટ્રેન્ડને સમજો
ડીએસપી મ્યુચ્યુઅલ ફન્ડના અભ્યાસ મુજબ હાલમાં એક ટ્રેન્ડ નિફ્ટી ટૉપ-૧૦ ઇક્વલ વેઇટ અને નિફ્ટી-૫૦ ઇક્વલ વેઇટ પર ધ્યાન આપવું જોઈએ. જેઓ માર્કેટમાં સીઝનલ ઇન્વેસ્ટર છે તેમના માટે આ બન્નેને જોવાં જરૂરી છે. ક્યારેક માર્કેટ નેરો-મર્યાદિત ચાલતું હોય અને ક્યારેક બ્રૉડબેઝ્ડ ચાલતું હોય છે, આ બન્ને સંજોગોમાં આ સ્ટ્રૅટેજી કામ આવે છે. અર્થાત્, જ્યારે માર્કેટ સિલેક્ટેડ સ્ટૉક્સ આધારે ચાલે ત્યારે નિફટી ટૉપ ટેનથી કામ ચાલી જાય અને જ્યારે માર્કેટ બ્રૉડબેઝ્ડ ચાલતું હોય ત્યારે નિફટી-૫૦ કામ કરી જાય.
વૅલ્યુએશન પર નિયંત્રણ : SEBIનું કામ નથી
દરમ્યાન SEBIના ચૅરમૅન તુહિન કાંતા પાંડેએ તાજેતરમાં કરેલા નિવેદન પર પણ ધ્યાન આપવું રહ્યું. SEBIની ભૂમિકા મૂડીસર્જન માટે મંચ પૂરો પાડવાની અને એનું માળખું વિકસાવવાની છે, સ્ટૉક્સના વૅલ્યુએશન પર નિયંત્રણ કરવાની નહીં; SEBI આ બાબતથી દૂર રહે છે. રોકાણપ્રવાહને પગલે બજારમાં સ્ટૉક્સના ભાવોના ફુગ્ગા (બબલ)નું જોખમ વધતું જાય છે તો શું? એ સવાલના મુદે SEBI ચૅરમૅન દ્વારા આ નિવેદન કરાયું હતું. SEBI ચૅરમૅનના કહેવાનુસાર નવા લિસ્ટિંગની વૃદ્ધિ તેમ જ આવતાં-જતાં નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં માગની સમતુલા જાળવે છે અને બજારને ઊંડાણ આપે છે.
ઇન્વેસ્ટમેન્ટનાં નવાં સાધનો જરૂરી
જોકે શૅરબજાર જ્યારે ફુગ્ગાની જેમ વધવા લાગે ત્યારે નિયમનકારે ધ્યાન દોરવા સંકેત આપવા જરૂરી બને છે. SEBI માર્કેટમાં દરમ્યાનગીરીને બદલે એના તંદુરસ્ત વિકાસ પર ફોકસ કરવાનું વધુ પસંદ કરે છે. પાંડે કહે છે કે આ સમય માર્કેટના વિકાસનો ઉત્તમ સમય છે, ૨૦૨૦માં આપણી માર્કેટમાં ૪.૫ કરોડ ઇન્વેસ્ટર્સ હતા જે હાલમાં ૧૩ કરોડ સુધી પહોંચ્યા છે. વર્ષ ૨૦૨૪માં માર્કેટમાંથી આઇપીઓ, એફપીઓ અને ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ મારફત ૪.૫ લાખ કરોડ રૂપિયાનું મૂડીસર્જન થયું હતું, આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ મારફત છ લાખ કરોડ રૂપિયા ઊભા કરાયા હતા. ભારતના છ ટકા વૃદ્ધિદર સાથે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને SEBI માને છે કે ઇકોસિસ્ટમનો ટેકો મજબૂત મૂડીબજારનું સર્જન અને વિકાસ કરે છે. જો ઇન્વેસ્ટમેન્ટ માટેનાં સાધનોની માગ સામે સપ્લાય વધે તો પ્રાઇસ બબલ (ભાવોના ફુગ્ગા) થવાનું જોખમ ઘટી શકે છે. આ દિશામાં SEBI નવાં સાધનો વિકસે એવા પ્રયાસ કરે છે. નવાં સાધનોમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ વગેરે જેવાં નવાં રોકાણ-સાધનો હાલ ધીમે-ધીમે વિકસી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં પણ નવી યોજનાઓ આવતી રહી છે.
વિશેષ ટિપ
વર્તમાન તંગ સંજોગોમાં ભારતની પ્રજા તો આ વખતે પાકિસ્તાન સાથે આ પાર કે પેલે પાર થઈ જવું જોઈએ એવા વિચારોના મૂડમાં છે જે ટૂંકા ગાળામાં ભલે થોડી પીડા આપે, પરંતુ લાંબે ગાળે ભારતના હિતમાં રહેશે એવું કહેવાય છે. જેથી આ સમયના માર્કેટ-કરેક્શનને ભય કરતાં તક તરીકે જોવું જોઈએ, કારણ કે અંતે તો માર્કેટ ઇકૉનૉમીના દમ પર ચાલવાનું છે.