ઘઉંમાં તોળાતી તેજી : સરકારી સ્ટૉકનાં તળિયાં દેખાવાનો અંદાજ

05 December, 2022 01:02 PM IST  |  Mumbai | Mayur Mehta

ગરીબ કલ્યાણ યોજનામાં સરકારે ઘઉંના બદલે ચોખાની માત્રા વધારી છતાં સ્ટૉકની સ્થિતિ ચિંતાજનક : ઘઉંના વાવેતરમાં ચાલુ વર્ષે થયેલો પાંચ-સાત ટકાનો ઘટાડો રિકવર થવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઘઉંની અછત સર્જાય એવી સંભાવના દેખાઈ રહી છે અને ભાવ ફરી ઊંચકાઈ શકે છે. સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક અત્યારે જ ઓછો હોવાથી આગામી મહિનાઓમાં સ્ટૉક ઘટીને બફરના નિયમ કરતાં પણ નીચે આવી જાય એવી ભીતિ સેવાઈ રહી છે.

ઘઉંના એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં એફસીઆઇ પાસે સ્ટૉકની આરામદાયક સ્થિતિ હશે, પરંતુ જો સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ વેચાણ શરૂ કરે તો સરકારી સ્ટૉક છેલ્લા બે મહિના (ફેબ્રુઆરી-માર્ચ)માં બફર સ્ટૉકથી નીચે આવી જાય એવી ધારણા છે.

ઘઉંના સ્ટૉકની સ્થિતિ 

સેન્ટ્રલ પૂલમાં ઘઉંનો સ્ટૉક પહેલી નવેમ્બરે ૨૧૦.૫ લાખ ટન હતો, જે ઑક્ટોબર-ડિસેમ્બરના ૨૦૫ લાખ ટનના બફર સ્ટૉકના નિયમથી ઉપર હતો. ઘઉંનો સ્ટૉક ઑગસ્ટમાં બફર સ્ટૉકના નીતિનિયમો  કરતાં લગભગ ૧૦ લાખ ટન અને સપ્ટેમ્બરમાં સ્ટૉકના નીતિનિયમો કરતાં ૨૮ લાખ ટન ઓછો હતો. આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, મફત અનાજ યોજનામાં ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું હોવાથી પણ સ્ટૉક ઘટ્યો હતો. જોકે પાછળથી સરકારે ઘઉંની માત્રા ઘટાડીને ચોખાની માત્રા વધારી દીધી હતી છતાં અત્યારે સ્થિતિ તંગ ચાલી રહી છે. મફત અનાજ હેઠળ નવેમ્બર અને ડિસેમ્બરમાં ૨૦-૨૦ લાખ ટન ઘઉંનું વિતરણ થાય તો પહેલી જાન્યુઆરીએ ૧૭૦ લાખ ટનનો સ્ટૉક બચી શકે છે, જે બફરના ૧૩૮ લાખ ટનના નિયમ કરતાં વધારે રહેશે, પરંતુ ગયા વર્ષે જાન્યુઆરી ૨૦૨૨માં ૩૩૦ લાખ ટનના સ્ટૉકની તુલનાએ ઘણો સ્ટૉક નીચો રહે એવી ધારણા છે. જો સરકાર જાન્યુઆરી-માર્ચમાં મફત અનાજની યોજના ચાલુ રાખે તો સ્ટૉક ઘણો નીચે આવી જશે અને બફરના નિયમ કરતાં ઓછો રહેશે.

સરકારી ઍક્શન પર નજર 

ઘઉંની બજારમાં કુલ ઉત્પાદનનો ૭૦થી ૭૫ ટકા માલ બજારમાં આવી ગયો છે. પ્રાઇવેટ ટ્રેડરો, સ્ટૉકિસ્ટો, કંપનીઓ કે જે પણ પ્લેયરો છે તેમની પાસેથી આટલો ઘઉંનો સ્ટૉક બજારમાં આવી ગયો છે. સરકારનું છેલ્લા બે મહિનાથી સ્ટેટમેન્ટ આવે છે. પહેલા સુધાશું પાંડેએ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને ત્યાર બાદ નવા સચિવ ચોપરાએ પણ આ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અત્યારે સ્ટૉકની જે પરિસ્થિતિ છે એ ચિંતાજનક નથી. સરકાર પોતાને બજારથી દૂર રાખવાના મૂડમાં જ છે. હવે એવા સ્ટૉકના કયા લેવલ છે કે જેના પર સરકાર ચિંતિત બનશે અથવા તો ઍક્શન લેશે એ જાણવું મુશ્કેલ છે.

ઘઉંની બજારમાં હવે સ્ટૉકિસ્ટો પાસે ૨૦થી ૨૫ ટકાનો સ્ટૉક પડ્યો છે, પરંતુ આ સ્ટૉક એવા મજબૂત હાથોમાં છે કે એ પોતાના ભાવ પર આકર્ષીત કરશે. બજારમાં ૨૫૦૦ રૂપિયાનું લેવલ આવ્યું ત્યારે પણ આકર્ષણ હતું અને હવે ૩૦૦૦ રૂપિયાના ભાવ આવશે ત્યારે પણ આકર્ષણ આવશે. આ રેન્જમાં ભાવ આવશે ત્યારે જ વેપારો નીકળવાના છે. નવી દિલ્હીમાં અત્યારે ઘઉંના ભાવ સરેરાશ ૨૮૮૦થી ૨૯૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ચાલે છે.

ઘઉંમાં દરેક સ્ટૉકિસ્ટો પોતાનું લેવલ-ટાર્ગેટ કે સમય નક્કી કરીને બેઠા છે અને એ ભાવ અથવા તો સમય બેમાંથી જે વહેલું આવશે એ લેવલે સ્ટૉકિસ્ટો ઘઉં વેચાણ કરતા રહેશે. ખેડૂતોની જરૂરિયાત હવે પૂરી થઈ ગઈ છે અને બિયારણની માગ તેની પૂરી થઈ ગઈ છે. સરકાર અત્યારે એવું માને છે કે પહેલી એપ્રિલે પોતાની પાસે ૧૧૩ લાખ ટનનો સ્ટૉક પડ્યો હશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત ૩૧ ડિસેમ્બરે પૂરી થઈ રહી છે. જો એને સરકાર માર્ચ સુધી ચાલુ રાખે તો ઘઉં સપ્લાયના ભૂતકાળના રેકૉર્ડ જોતાં ૨૦ લાખ ટન જેવા વપરાશે અને ૯૨થી ૯૩ લાખ ટનનો સ્ટૉક બચશે. હવે સરકારનો બફર સ્ટૉકના નિયમ મુજબ ૭૦ લાખ ટનનો સ્ટૉક હોવો જરૂરી છે, પરિણામે સરકાર જો વેચાણ કરવા ઇચ્છે તો ૧૮થી ૨૦ લાખ ટન જેટલો માલ જ બજારમાં વેચાણ માટે આવી શકે છે.

ઘઉંની ખરીદીમાં સરકારને વધુ ખર્ચ 

સરકારી સ્ટૉક બજારમાં આવશે એના માટે ત્રણ બાબત અગત્યની છે જેમાં પહેલી વાત કે સરકાર ક્યારે દેશે, કેટલો દેશે અને ક્યાંથી આપશે? હરિયાણા અને પંજાબમાં ઘઉં બહુ બચ્યા નથી. સરકાર જો હવે મધ્ય પ્રદેશ અને યુ.પી.માંથી માલ સપ્લાય કરે તો ત્યાંથી ટ્રાન્સપોર્ટની સમસ્યા છે. ઉત્તર ભારતમાં સપ્લાય કરવામાં ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો ખર્ચ થાય છે, પરિણામે સરકાર આ કિસ્સામાં ઘઉં આપે તો પણ બજારમાં સુધારો આવશે. 

સરકાર વારંવાર એવું પણ રિપીટ કરે છે કે અમે ઘઉં નહીં આપીએ. આની પાછળ એવી વાત હશે કે સરકાર પાસે સ્ટૉક નથી અથવા તો સરકાર બજારને પ્રોત્સાહિત કરે છે. સ્ટૉકિસ્ટો-મિલર્સોને પ્રોત્સાહિત કરે છે, કારણ કે સરકારને ઘઉંની ખરીદીમાં મોટો ખર્ચ થાય છે અને સરકાર માત્ર રૅશનિંગમાં આપવા માટે જ ઘઉંની ખરીદી કરશે. સરકાર એવું પણ ઇચ્છે છે કે તમે પ્રાઇવેટ વેપાર કરો છો તો તમારી રીતે જ તમે સ્ટૉક જાળવીને વેપાર કરો. વડા પ્રધાનનો નારો છે કે આત્મનિર્ભર બનો અને દરેક પોતાની રીતે જ વેપાર કરે અને સરકાર પર આધાર ન રાખે.

ઘઉંનું વાવેતર અને ઉત્પાદન 

દેશમાં વાવેતર વિશે એવી માનસિકતા છે કે ગયા વર્ષે ૨૦થી ૨૫ ટકા ઘઉં ઓછો હતો. જો આટલો માલ ઓછો હોય તો અત્યારે ઘઉં આપણી પાસે આવે છે ક્યાંથી? મારો મત એવો છે કે બે વર્ષ પહેલાં જેટલું વાવેતર થયું હતું એટલું થશે. ગયા વર્ષે પાંચથી સાત ટકાનો ઘટાડો થયો હતો, જે આ વર્ષે રિકવર થઈ શકે છે. મારા મતે વાતાવરણ સાનુકૂળ રહેશે તો નવી સીઝનમાં ૧૧૦૦ લાખ ટન ઘઉંનો પાક થાય એવી ધારણા છે. હરિયાણા-પંજાબમાં વાવેતરમાં બહુ ફરક પડશે નહીં. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઘટ્યું હતું, જે આ વર્ષે રિકવર થઈ શકશે.
 ઘઉંના ભાવમાં તાજેતરમાં ૨૦થી ૨૫ રૂપિયાનો ઘટાડો થઈને કંપનીઓ અત્યારે ૨૫૧૫થી ૨૫૨૦ રૂપિયાના ભાવ બોલે છે. ઉપરમાં ૨૫૪૦ રૂપિયા સુધીમાં વેપારો થયા હતા. સરકાર દ્વારા હવે ઍક્શન આવશે એની રાહમાં બજારો થોડાં ઘટ્યાં છે અને મિલરો પણ ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે. મિલો અત્યારે કંપનીઓ પાસે ૨૪૯૦ રૂપિયાની ઑફર કરે છે, પરંતુ આ ભાવથી વેપારો થાય એવા સંજોગો નથી. 

business news commodity market