એક પિતાએ પોતાની ૧૦ વર્ષની પુત્રીને લાઇફ ઇન્શ્યૉરન્સ વિશે લખેલો એક પત્ર

27 March, 2024 09:01 AM IST  |  Mumbai | Priyanka Acharya

જો મને કંઈક થઈ જાય તો લાઇફ ઇન્શ્યૉરન્સ તને અને મમ્મીને થોડાક પૈસા આપશે, જેનાથી આપણું ઘર, તારું ભણતર અને બીજા મહત્ત્વના ખર્ચાઓ કરી શકાશે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રિય સિમરન, 
તું મારી આંખનું રતન છે. ઑફિસેથી પાછા આવ્યા પછી દરરોજ તારી સાથે સમય પસાર કરવાનું મને બહુ જ ગમે છે, પરંતુ આજે મેં તને એક પત્ર લખવાનું વિચાર્યું. ગયા અઠવાડિયે જ્યારે હું ઑફિસેથી પાછો આવ્યો ત્યારે તું કેટલી ખુશીથી દોડતી આવી અને તારા માટે એક રમકડું ખરીદવાનો મને આગ્રહ કર્યો હતો. મને ખબર છે કે એ ખાસ ગૅજેટ-રમકડું લેવા માટે તું ખરેખર ખૂબ ઉત્સાહિત છે. મારો વિશ્વાસ કર, હું ઇચ્છું છું કે હું તારી દરેક ઇચ્છા પૂરી કરી શકું, પરંતુ મારે તારી સાથે એ પહેલાં એક બહુ જ અગત્યની વાત કરવાની જરૂર છે, એવું કંઈક કે જે તને શરૂઆતમાં કદાચ થોડુંક મૂંઝવણભર્યું લાગી શકે, પરંતુ એ વાત તને સમજાઈ શકે એવી રીતે હું સમજાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. 

મારી વહાલી દીકરી, મોટા થવાનો અર્થ કેવળ રમકડાં ખરીદવાં જેવી મસ્તી કરવાનો જ નહીં, પરંતુ બીજી ઘણી વસ્તુઓની સંભાળ રાખવાનો પણ થાય છે. આપણે કાળજી લેવાની સૌથી મહત્ત્વપૂર્ણ બાબતોમાંની એક એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે કોઈ પણ સંજોગોમાં આપણુ કુટુંબ સલામત તેમ જ સુરક્ષિત રહે. અહીં આપણને ‘લાઇફ ઇન્શ્યૉરન્સ’ કામ લાગે છે. 
ચાલ, લાઇફ ઇન્શ્યૉરન્સ શું છે એ તને સમજાવું. એ એક સેફ્ટી નેટ (સુરક્ષા માટેની જાળી) છે. એ પરિવારની સુરક્ષા માટેનો એક સેવિંગ પ્લાન છે. જો મારી અથવા તારી મમ્મી સાથે કંઈક અણધાર્યું બની જાય તો એ આપણા પરિવારની સુરક્ષા કરશે. એ એકબીજાને અને તને આપેલા વચન જેવું છે, ભલે ગમે તે થઈ જાય, આપણે હંમેશાં એકબીજાં સાથે રહીશું અને ખાતરી કરીશું કે તમારી પાસે ખુશ અને સ્વસ્થ થવા માટે જરૂરી બધું જ ઉપલબ્ધ છે. 

હવે હું થોડું વધારે સરળતાથી સમજાવું. તને ખબર છેને કે જો આપણી કારને કોઈ અકસ્માતમાં નુકસાન થઈ જાય તો આપણી પાસે કાર-ઇન્શ્યૉરન્સ છે? એવી જ રીતે લાઇફ ઇન્શ્યૉરન્સ છે, પરંતુ એ આપણી કારને સુરક્ષિત કરવાને બદલે, આપણા પરિવારને સુરક્ષિત કરે છે. જો મને કંઈક થઈ જાય તો લાઇફ ઇન્શ્યૉરન્સ તને અને મમ્મીને થોડાક પૈસા આપશે, જેનાથી આપણું ઘર, તારું ભણતર અને બીજા મહત્ત્વના ખર્ચાઓ કરી શકાશે. 

હું જાણું છું કે મારી સાથે કંઈક બની જાય એવું વિચારવું પણ થોડુંક ડરામણું લાગે છે, પરંતુ ખાતરી રાખજે કે હું તંદુરસ્ત અને સલામત રહેવા માટે બધા પ્રયત્નો કરી રહ્યો છું, જેથી હું લાંબા સમય સુધી તમારા માટે અહીં રહી શકું. લાઇફ ઇન્શ્યૉરન્સ એ આપણા માટે સાવધાની રાખવાનો એક વધારાનો માર્ગ છે જે કોઈ પણ સંજોગોમાં તમારાં બધાંની હંમેશાં કાળજી રાખશે.  
હવે તને જે ગૅજેટ-રમકડું જોઈએ છે એ વિશે તને હું ખાતરી આપું છું કે હું તને એ અપાવવાના મારાથી બનતા બધા જ પ્રયત્ન કરીશ, પરંતુ એ પહેલાં આપણે આપણા કુટુંબની જરૂરિયાતોની સંભાળ લેવાનું સુનિશ્ચિત કરવું પડશે. કેટલીક વાર આપણે અઘરા નિર્ણયો લેવા પડે છે. એનો અર્થ એ કે બધાને સલામત અને સુરક્ષિત રાખવા માટે લાઇફ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ ભરવાની બાબતને પ્રાધાન્ય આપવું પડશે.  

કલ્પના કર કે કોઈ તને એમ કહે કે તારી પિગી બૅન્ક આપી દે, કારણ કે તારા પિતાને બચાવવા માટે પૈસાની જરૂર છે. મને ખાતરી છે મારી રાજકુમારી, કે તું એમાંનો સાવ છેલ્લો રૂપિયો પણ આપી દઈશ, પરંતુ ધાર કે તારી પાસે બે પિગી બૅન્કો છે. એક, વર્તમાનની અથવા ભવિષ્યની તારી બધી જ ઇચ્છાઓ પૂરી કરવા માટે અને બીજી, ફક્ત કટોકટીઓને સમર્પિત છે. તો પછી જીવન ખૂબ સરળ બની જાય. તું ઇમર્જન્સી પિગી બૅન્કને આપી દઈ શકીશ અને હજી પણ તારા પોતાના માટે પૈસા રહેશે. એ ઇમર્જન્સી પિગી બૅન્ક એ લાઇફ ઇન્શ્યૉરન્સ પિગી બૅન્ક છે અને મારે એને આ મહિને પ્રીમિયમની રકમ વડે ભરવાની જરૂર છે. જો હું તારા માટે ગૅજેટ ખરીદીશ તો ઇમર્જન્સી પિગી બૅન્ક ખાલી રહી જશે, પરંતુ સિમરન, હું તારા ઉજ્જ્વળ ભવિષ્ય સાથે સમાધાન કરી શકું નહીં. હું આવતા મહિનામાં ગૅજેટનું વચન આપું છું, કારણ કે હું જાણું છું કે તારું બાળપણ જીવનકાળમાં ફક્ત એક જ વાર આવે છે. તારે ફક્ત ધૈર્ય રાખવાની અને મારા પર વિશ્વાસ કરવાની જરૂર છે. 

મને ખબર છે કે ૧૦ વર્ષની બાળકી માટે આ સમજવાનું થોડુંક અઘરું છે, પરંતુ હું આશા રાખું છું કે હવે તને સમજાયું હશે કે લાઇફ ઇન્શ્યૉરન્સ જીવનમાં કેમ આટલો મહત્ત્વપૂર્ણ છે. ફક્ત એટલી ખાતરી રાખજે કે તારી મમ્મી અને હું આ દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં તને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ અને તને હંમેશાં ખુશ રાખવા અને તારી કાળજી રાખવા કંઈ પણ કરીશું. 
જો તને કોઈ પ્રશ્ન હોય અથવા આ વિશે તું વધુ વાત કરવા માગતી હોય તો કૃપા કરીને પૂછવામાં અચકાઈશ નહીં. કંઈ પણ થઈ જાય, હું હંમેશાં તારા માટે અહીં જ છું. 
બહુ બધા પ્રેમ સાથે, 
તારા પપ્પા. 

share market stock market sensex finance news business news