રહેણાક પ્રૉપર્ટીની શોધનાં મહત્ત્વપૂર્ણ પાસાં

04 February, 2023 01:15 PM IST  |  Mumbai | Dhiren Doshi

ભારતીયો તેમના સ્માર્ટ અને ઍડ્વાન્સ પ્લાનિંગ માટે જાણીતા છે. પ્રસંગ ગમે તે હોય - જન્મદિવસ હોય કે લગ્ન હોય, ઘરની ખરીદી હોય કે ઑફિસની ખરીદી હોય, ભારતીયો અગાઉથી આયોજન કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીયો તેમના સ્માર્ટ અને ઍડ્વાન્સ પ્લાનિંગ માટે જાણીતા છે. પ્રસંગ ગમે તે હોય - જન્મદિવસ હોય કે લગ્ન હોય, ઘરની ખરીદી હોય કે ઑફિસની ખરીદી હોય, ભારતીયો અગાઉથી આયોજન કરે છે. જેઓ નજીકના ભવિષ્યમાં પ્રૉપર્ટી ખરીદવા માગતા હોય તેમણે તૈયારી કરી લેવી જોઈએ, કારણ કે અત્યારે જ યોગ્ય સમય છે. રહેણાક પ્રૉપર્ટીની શોધ કરવી એ કંટાળાજનક પ્રક્રિયા છે અને એમાં ઘણો સમય અને શક્તિ લાગે છે તથા નિયમિત રીતે સારી જગ્યા શોધવા માટે ફરતા રહેવું પડે છે. જેઓ મિલકત ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમણે આ મુજબના મુખ્ય મોરચે સારી રીતે આયોજન કરવું જોઈએ ઃ

૧. પસંદગીનું સ્થાન 
પ્રૉપર્ટી ખરીદનારે જ નક્કી કરવું જોઈએ એ આ પ્રથમ અને મુખ્ય વસ્તુ છે. પોતાની રુચિ અને જરૂરિયાતના આધારે પ્રૉપર્ટી ખરીદનાર પહેલાં તેની પસંદગીના ૨-૩ વિસ્તારને શૉર્ટલિસ્ટ કરી શકે છે. ત્યાર બાદ તેમણે તપાસ કરવી પડશે કે ઉક્ત સ્થાન તેની શાળાઓ, હૉસ્પિટલો, બજારો, ધર્મસ્થળ જેવી લગભગ તમામ જરૂરિયાતો પૂર્ણ કરે છે કે નહીં. 
ચકાસવા માટેનું એક મહત્ત્વનું પાસું એ છે કે પરિવારના તમામ સભ્યો માટે કામ પર મુસાફરી અને શિક્ષણની સરળતા તથા એમાં લાગતો કુલ માસિક ખર્ચ થાય છે. જો મિત્રો અને સગાંસંબંધીઓ નજીકમાં રહેતાં હોય તો દરેક માટે એ સારું કહેવાય. દરેક વ્યક્તિ જરૂરિયાતના સમયે એકબીજાને મદદ કરી શકે છે.

૨. પ્રૉપર્ટીનું કદ
મુંબઈમાં આજકાલ પ્રૉપર્ટીની કિંમત એવી છે કે એને માટે ઘણા પૈસાની જરૂર પડે છે. એથી ખરીદવાની મિલકતના કદનું આયોજન ખૂબ કાળજીપૂર્વક કરવું જોઈએ, પછી એ ઘર હોય કે ઑફિસ. એ એવી સાઇઝનાં હોવાં જોઈએ કે દરેક વ્યક્તિને પોતાના માટે અને ભવિષ્યની જરૂરિયાતો માટે પૂરતી જગ્યા મળે. કોઈએ બહુ મોટી મિલકત ન ખરીદવી જોઈએ, જેની કિંમત ખૂબ વધારે હોય અને એની જાળવણી પણ મુશ્કેલ હોય.
ઘર ન તો ખૂબ નાનું હોવું જોઈએ કે ન તો બહુ મોટું. યોગ્ય આયોજન અને કુટુંબના તમામ સભ્યોનાં સલાહ-સૂચન લેવાં જોઈએ, જેથી ખરીદવાની મિલકતના કદ બાબતે કોઈ ભૂલ ન થાય.

૩. ફંડનું પ્લાનિંગ
આ સમગ્ર પ્રક્રિયાનો ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ છે. કોઈ પ્રૉપર્ટી ખરીદવા માટે વ્યક્તિએ કુલ ખર્ચનો સચોટ અંદાજ લેવો જરૂરી છે. આમાં મિલકતની કિંમત, સ્ટૅમ્પ-ડ્યુટી, નોંધણી, જીએસટી, પાર્કિંગ, ફ્લોર રાઇઝ, ઍડ્વાન્સ મેઇન્ટેનન્સ, સુવિધાઓ માટેની ફી, બ્રોકરેજ, ટ્રાન્સફર ચાર્જિસ (પુનઃ વેચાણના સોદાના કિસ્સામાં), સિવિલ વર્ક, ફર્નિચર અને ફિટિંગ વગેરેનો સમાવેશ થાય છે.
કુલ ખર્ચની ખાતરી કર્યા પછી એમાં ૧૦થી ૧૫ ટકા વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે ઘણી વાર પ્રૉપર્ટીના ભાવમાં વધારો, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ વગેરેને લીધે ખર્ચમાં વધારો થાય છે.

ફન્ડનું પ્લાનિંગ બે પ્રકારનું હોઈ શકે છે, પોતાનું અથવા કરજ. જો હાલની પ્રૉપર્ટીના વેચાણથી ફન્ડ આવતું હોય તો પોતાના ફન્ડ માટે અગાઉથી સારી રીતે આયોજન કરવું જોઈએ. શૅરના વેચાણમાંથી પૈસા મેળવવા માટે પૂરતો સમય આપવો પડે છે (જ્યારે બજાર અનુકૂળ હોય ત્યારે શૅર વેચવા જોઈએ). જો શૅર તાકીદે વેચવામાં આવે તો વ્યક્તિને અપેક્ષિત રકમ ન પણ મળે અને નવી પ્રૉપર્ટી માટે ફન્ડની અછત રહી જાય. ફિક્સ્ડ ડિપોઝિટ, બૅન્કમાં બચત વગેરે રોકડ ભેગી કરવામાં ઓછો સમય જાય છે અને એથી આ રોકાણ છેલ્લી ક્ષણે છોડાવવું જોઈએ, જેથી છેલ્લા દિવસ સુધી વ્યાજ મેળવી શકાય.
પોતાના ભંડોળને બદલે જો કોઈ વ્યક્તિ બૅન્ક, સંબંધી અથવા મિત્રો પાસેથી ફન્ડનો એક ભાગ ઉધાર લેવાનું આયોજન કરી રહી હોય તો તેણે આ અગાઉથી જ કરવું જોઈએ.
મહત્તમ લોન મેળવવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોનાં આવકવેરા રિટર્ન, સિબિલ રેટિંગ વગેરે જેવાં પેપરવર્ક અગાઉથી કરવાં જોઈએ અને સારું રેટિંગ પણ હોવું જોઈએ.
આ વિષયે વધુ વાતો આવતા લેખમાં.

business news gujarati mid-day