ખાંડમાં નવી સીઝનના પાંચ લાખ ટનના નિકાસ-વેપાર થયા

31 July, 2021 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇતિહાસમાં પહેલીવાર ભારતીય શુગર મિલોએ પાંચ મહિના પહેલાં જ ફોર્વર્ડ વેપાર કર્યા: બ્રાઝિલમાં હીમપાતને પગલે સ્થાનિક શુગર મિલોને ફાયદો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ખાંડની તેજીને પગલે ભારતીય શુગર મિલોએ ઇતિહાસમાં પહેલી વાર ખાંડના પાંચ મહિના પહેલાં જ નિકાસના ફોર્વર્ડ વેપાર કરી લીધા છે. બ્રાઝિલમાં હીમપાતને કારણે ઉત્પાદન પર મોટી અસર થાય તેવી સંભાવનાએ મોટી તેજી થાય એ પહેલાં સાઉથ એશિયન દેશના બાયરોએ ભારતીય નિકાસકારો સાથે વેપાર કરીને પોતાનો માલ સુરક્ષિત કરી લીધો છે.

વિશ્વના સૌથી મોટા ખાંડના ઉત્પાદક અને નિકાસકાર દેશ એવા બ્રાઝિલમાં હીમપાત અને અગાઉ દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. ટ્રેડરો કહે છે કે ખાંડના ભાવ હાલ ચાર વર્ષની ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા હોવાથી બાયરો અત્યારથી જ નવી સીઝનનો માલ સુરક્ષિત કરીને પોતાનું જોખમ નક્કી કરી રહ્યા છે. દેશની શુગર મિલોએ અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ ટન કાચી ખાંડના વેપાર કરી લીધા છે અને આ ખાંડની ડિલિવરી ડિસેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે સરેરાશ ૪૩૫થી ૪૪૦ ડૉલર પ્રતિ ટનના ભાવથી કરવાની છે.

એમઈઆઇએર કૉમોડિટીના મૅનેજિંગ ડિરેકટર રાહિલ શૈખે જણાવ્યું હતું કે શુગર મિલોની નવી સીઝન શરૂ થવાને હજી ત્રણથી ચાર મહિનાની વાર છે, પરંતુ ટ્રેડરોએ ડિસેમ્બર-જાન્યુઆરીમાં નિકાસની શરતે ફોર્વર્ડ વેપાર કરી લીધા છે. કઈ કંપનીઓએ નિકાસ-વેપાર કર્યાં છે તે જાહેર થયું નથી, પરંતુ વેપાર થયા છે એ સત્ય છે.

ભારતીય નિકાસકારો સામાન્ય રીતે એક-બે મહિના પહેલાં જ નિકાસ-વેપાર કરતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર પાંચ મહિના પહેલાં નિકાસ સોદા થયા છે. ભારતીય શુગર મિલો સામાન્ય રીતે છેલ્લાં બે-ત્રણ વર્ષથી સરકાર દ્વારા સબસિડીની જાહેરાત થાય ત્યાર બાદ નિકાસ-વેપાર કરતી હોય છે, પરંતુ અત્યારે જ નિકાસ પૅરિટી છે અને નવી સીઝનમાં ભાવ વધવાની ધારણાએ સબસિડીની રાહ જોયા વિના જ શુગર મિલોએ નિકાસ-વેપાર કર્યા છે અને આ વેપાર સબસિડી વગરમાં જ થાય તેવી ધારણા છે.

ભારતની ચાલુ સીઝન વર્ષમાં ખાંડની કુલ નિકાસ ૭૦ લાખ ટનની થાય તેવી ધારણા છે, જેમાં ૬૦ લાખ ટન સબસિડી સાથેની થશે.

ખાંડમાં નિકાસ સબસિડી ઘટાડવા માટે ખાદ્ય મંત્રાલયે દરખાસ્ત મોકલી

દેશમાંથી ઑક્ટોબર મહિનાથી શરૂ થનારી નવી સીઝનમાં ખાંડની નિકાસ સબસિડી માટે ખાદ્ય મંત્રાલયે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પ્રતિ ટન ૩૫૦૦ રૂપિયાની નિકાસ સબસિડી માટે નાણાં મંત્રાલયને દરખાસ્ત પણ મોકલી આપી છે તેમ બે ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯-૨૦માં ખાંડની નિકાસ પર પ્રતિ ટન ૬૦૦૦ રૂપિયાની નિકાસ સબસિડી કુલ ૬૦ લાખ ટન ખાંડ માટે જાહેર કરી હતી, જે ગત મે મહિનામાં ઘટાડીને ૪૦૦૦ રૂપિયા પ્રતિ ટન કરવામાં આવી હતી. નવી સીઝનમાં સરકારે તેમાં વધુ ૫૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ છેલ્લા એક વર્ષમાં ૪૭ ટકા જેટલા વધી ગયા છે, જેને પગલે ખાદ્ય મંત્રાલયે નવી સીઝન માટે સબસિડીમાં ઘટાડો કરવાની દરખાસ્ત કરી છે. ખાંડની નવી સીઝન ઑક્ટોબર મહિનાથી શરૂ થાય છે અને ચાલુ સીઝનમાં સરકારે છેક ડિસેમ્બર અંતમાં સબસિડી જાહેર કરી હતી. ચાલુ વર્ષે શુગર મિલો અને ખાદ્ય મંત્રાલયે અત્યારથી જ તૈયારી કરી દીધી છે.

business news