25 August, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લૉન્ચ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવો
ભારતે પોપકોર્ન મકાઈના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું ભરતાં દેશની પ્રથમ સ્વદેશી નોન-જીએમઓ (Non-GMO) હાઈ-એક્સપાન્શન પોપકોર્ન મકાઈની હાઇબ્રિડ જાતો ‘ક્રિસ્ના459’ (Krisna459) અને ‘ગોદારી234’ (Godari234) લોન્ચ કરી છે. એશિયાની સૌથી મોટી પૉપકોર્ન મકાઈ ઉત્પાદક કંપની ગોર્મેટ પૉપકોર્નિકા (Gourmet Popcornica) દ્વારા વિકસાવવામાં આવેલી આ બંને જાતો આંતરરાષ્ટ્રીય સ્તરની પૉપિંગ ગુણવત્તા મેળવવા માટે તૈયાર કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લાના મુસુનુરુ ખાતે 24 ઑગસ્ટ, 2026ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આ બંને હાઇબ્રિડ જાતો દેશના ખેડૂતોને સમર્પિત કરી હતી. આ પ્રસંગે આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગોર્મેટ પોપકોર્નિકાના મેનેજિંગ ડિરેક્ટર એસ.બી.પી. પટ્ટાભિ રામા રાવ, ડિરેક્ટર વેંકટેશ્વર બાબુ કન્નેગંટી અને ડિરેક્ટર મહિધર રેડ્ડી ઉપરાંત દેશનાં આઠ રાજ્યોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેડૂતો અને કંપનીના ભાગીદારો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, “આજે આપણે આત્મનિર્ભર ભારત તરફ નાનું પરંતુ મક્કમ પગલું ભરી રહ્યા છીએ. આત્મનિર્ભર ભારત માત્ર એક સૂત્ર નહીં, પરંતુ એક બીજ છે. આ સ્વદેશી હાઇબ્રિડની ખેતી થતી દરેક એકર જમીન આયાતી વિકલ્પ પરની આપણી નિર્ભરતા ઘટાડશે. તેનાથી થતી બચત દેશના ખેડૂતો સુધી પહોંચવાની સાથે ભારતના આર્થિક વિકાસને પણ વેગ આપશે.” આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે, “આ હાઇબ્રિડ એગ્રી-ટેક ક્ષેત્રનું એવું ઇનોવેશન છે, જે અમારા ‘સ્વર્ણાંધ્ર 2047’ના વિઝનને અનુરૂપ છે. આ ટેક્નોલોજી ખેડૂતનું સ્થાન લેતી નથી, પરંતુ તેને વધુ સક્ષમ બનાવે છે. ખેડૂતોની સફળતા સાથે આંધ્રપ્રદેશ સફળ બનશે અને રાજ્યની સફળતા ભારતને ‘વિકસિત ભારત’ના લક્ષ્યની વધુ નજીક લઈ જશે.”
અત્યાર સુધી સિનેમાઘરો અને પ્રીમિયમ રિટેલ બજારમાં વેચાતા ઉચ્ચ ગુણવત્તાના પોપકોર્ન માટે ભારત અમેરિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી આયાત થતાં બિયારણ અને મકાઈના દાણા પર નોંધપાત્ર રીતે નિર્ભર હતું. ‘ક્રિસ્ના459’ અને ‘ગોદારી234’ને ભારતીય આબોહવા અને જમીનની સ્થિતિને અનુરૂપ બનાવવામાં આવ્યાં છે. ભારતની અગ્રણી મકાઈ સંશોધન સંસ્થાઓના સહયોગથી પાંચ પાકની મોસમ દરમિયાન આ બંને જાતોનાં પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે આયાતી જાતોની સમકક્ષ દાણાનું કદ અને પોપિંગ એક્સપાન્શન આપે છે. આ ઉપરાંત તેમાં જીવાત સામેની સહનશક્તિ, ઓછા સમયમાં પાક તૈયાર થવાની ક્ષમતા અને ભારતીય ખેડૂતોને અનુકૂળ ઊંચી ઉપજ જેવી વિશેષતાઓ પણ છે. ગોર્મેટ પોપકોર્નિકા સાથે જોડાયેલા આઠ રાજ્યોના 17,500થી વધુ ખેડૂતો આશરે 40,000 એકર જમીનમાં પોપકોર્ન મકાઈની ખેતી કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, નવી હાઇબ્રિડ જાતો ઉગાડતા ખેડૂતોને પ્રતિ એકર સરેરાશ 4.5 ટન ભીના મકાઈના ડોડાની ઉપજ મળી શકે છે. તેમને પાકની ખરીદીની ખાતરી અને કરાર આધારિત ભાવનો લાભ પણ મળશે. આ વ્યવસ્થાથી ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂત પરિવારોની આવકમાં લાંબા ગાળાનો સુધારો થવાની અપેક્ષા છે.
ગોર્મેટ પોપકોર્નિકાના મેનેજિંગ ડિરેક્ટર એસ.બી.પી. પટ્ટાભિ રામા રાવે જણાવ્યું હતું કે, “આ માત્ર એક કંપનીની સફળતાની વાર્તા નથી, પરંતુ આઠ રાજ્યોના 17,500થી વધુ ખેડૂતોના વિશ્વાસની જીત છે. ભારતની માટી, ભારતીય વિજ્ઞાન અને દેશના ખેડૂતોના સહયોગથી તૈયાર થયેલી આ પ્રથમ નોન-જીએમઓ હાઈ-એક્સપાન્શન પોપકોર્ન મકાઈ હાઇબ્રિડ જાતો આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત બનાવે છે.” કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ભારતમાં પોપકોર્ન મકાઈનું ઉત્પાદન 2014-15ના આશરે 50,000 ટનથી વધીને 2025-26માં લગભગ 1.3 લાખ ટન થયું છે. હાલમાં દેશની લગભગ 70 ટકા માંગ સ્થાનિક ઉત્પાદનથી સંતોષાઈ રહી છે. સ્થાનિક ઉત્પાદન વધવાને કારણે 2025-26માં અંદાજે ₹810 કરોડના વિદેશી ચલણની બચત થઈ હોવાનું પણ કંપનીએ જણાવ્યું છે.
‘ક્રિસ્ના459’ અને ‘ગોદારી234’ જેવી સ્વદેશી જાતોની વ્યાપક ખેતી સાથે ભારત 2030 સુધીમાં પોપકોર્ન મકાઈની આયાત સંપૂર્ણપણે બંધ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. તેના કારણે આયાત પાછળ ખર્ચાતું મૂલ્ય દેશના ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રમાં જળવાઈ રહેવાની સાથે ભવિષ્યમાં ભારત માટે પોપકોર્ન મકાઈના વૈશ્વિક નિકાસકાર બનવાની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, ગોર્મેટ પોપકોર્નિકા એશિયાની સૌથી મોટી અને વિશ્વની પાંચમી સૌથી મોટી પોપકોર્ન મકાઈ ઉત્પાદક કંપની છે. કંપની દેશભરના 3,400થી વધુ સિનેમા સ્ક્રીન સુધી પોતાનાં ઉત્પાદનો પહોંચાડે છે અને ભારતનાં 90 ટકા વિસ્તારોમાં તેનું વિતરણ નેટવર્ક છે.