ટૅરિફના ટેન્શન વચ્ચે ભારતની GDPમાં જબરદસ્ત ઉછાળો

30 August, 2025 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૫-’૨૬ના પ્રથમ ક્વૉર્ટરમાં ૭.૮ ટકા વૃદ્ધિદર નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

ટ્રમ્પ ટૅરિફ વચ્ચે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ના પ્રથમ ક્વૉર્ટરમાં ભારતનો વિકાસદર ૭.૮ ટકા હતો. ગયા વર્ષના આ જ ક્વૉર્ટરમાં વિકાસદર ૬.૫ ટકા હતો. નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ના પ્રથમ ક્વૉર્ટરમાં વાસ્તવિક GDP ૪૭.૮૯ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે; જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ના પ્રથમ ક્વૉર્ટરમાં એ ૪૪.૪૨ લાખ કરોડ રૂપિયા હતો, જે ૭.૮ ટકાનો વિકાસદર દર્શાવે છે.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં બધા દેશો પર વધારાની ૧૦ ટકા ટૅરિફ લગાવી દીધી હતી. આમ છતાં એપ્રિલ-જૂન દરમ્યાન ભારતે પાંચ ક્વૉર્ટરમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. અગાઉ જાન્યુઆરી-માર્ચ ૨૦૨૪માં સૌથી વધુ વૃદ્ધિદર ૮.૪ ટકા હતો. મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો વિકાસદર સૌથી ઝડપી છે. એપ્રિલ-જૂન ૨૦૨૫માં ચીનનો વિકાસદર ૫.૨ ટકા હતો.

goods and services tax tariff business news share market stock market indian economy