14 May, 2025 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા દ્વારા સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર લાદવામાં આવેલી ટૅરિફના જવાબમાં ભારતે કેટલીક વસ્તુઓ પર સમાન ટૅરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાથી આવતા માલ પર ટૅરિફનો આ પ્રસ્તાવ સોમવારે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન વેપાર સંગઠન (WTO)માં આપવામાં આવ્યો હતો. ભારતે WTOને જણાવ્યું છે કે એ ટૅરિફને કારણે એના વેપારમાં થયેલા નુકસાન જેટલી જ ટૅરિફ લાદી શકે છે અને તેથી ભારત કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સ પર ટૅરિફ વધારશે.
WTO અનુસાર અમેરિકન ટૅરિફને લઈને ભારતમાંથી ૭.૬ અબજ ડૉલરના માલની આયાતને અસર કરશે, જેને લઈને ૧.૯૧ અબજ ડૉલરની ટૅરિફ લાગશે. એના જવાબમાં જેવા સાથે તેવાની રણનીતિ અપનાવીને ભારતે અમેરિકાથી આવતા કેટલાક માલ પર સમાન ટૅરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતે WTOને જણાવ્યું હતું કે એ અમેરિકાના ચોક્કસ માલ પર આપવામાં આવતી છૂટછાટો સમાપ્ત કરી રહ્યું છે અને એના પર આયાત-ડ્યુટી વધારવામાં આવશે. સફરજન, બદામ, અખરોટ, નાસપાતી અને રસાયણો સહિત ૨૯ વસ્તુઓનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા ઍલ્યુમિનિયમ અને સ્ટીલ-ઉત્પાદનોની આયાત પર સલામતીનાં પગલાં લાદવામાં આવ્યાં છે, પરંતુ આ અંગે WTOને જાણ કરવામાં આવી નથી. ભારતનું કહેવું છે કે અમેરિકા દ્વારા લેવામાં આવેલાં પગલાં GATT (જનરલ ઍગ્રીમેન્ટ ઑફ ટૅરિફ ઍન્ડ ટ્રેડ) 1994 અને AoS (ઍગ્રીમેન્ટ ઑન સેફગાર્ડ) અનુસાર બિલકુલ યોગ્ય નથી.
સ્ટીલ-ઍલ્યુમિનિયમ ટૅરિફની ભારત પર અસર
ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમની નિકાસ કરે છે. જાન્યુઆરી 2024માં ભારત અને અમેરિકા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ બન્ને દેશો ટૅરિફ વગર ૩,૩૬,૦૦૦ ટન સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત અને નિકાસ કરવા સંમત થયા હતા. હવે જો ટ્રમ્પ દરેક દેશમાંથી અમેરિકા આવતા સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટૅરિફ લાદે છે તો ભારત માટે સમસ્યાઓ વધશે અને નિકાસ પર અસર પડશે.