કોરોનાની અવળી ઇફેક્ટમાંથી ભારત સારી રીતે બહાર આવ્યું : પનગઢિયા

26 January, 2022 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પનગઢિયાએ પી.ટી.આઇ. સાથેની વાતચીતમાં કહ્યું છે કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં રાજકોષીય ખાધનું પ્રમાણ અડધાથી એક ટકો ઘટાડવાનો પોતાનો આશય સ્પષ્ટ કરવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ મંગળવારે કહ્યું કે ભારતના અર્થતંત્ર કોરોનાના રોગચાળાને કારણે ઊભા થયેલા પ્રતિકૂળ સંજોગોમાંથી હવે ઘણી સારી રીતે બહાર આવી ગયું છે. આ સુધારાને પગલે દેશના અર્થતંત્રની વૃદ્ધિનો દર ફરીથી ૭થી ૮ ટકા થઈ જવાની આશા તેમણે વ્યક્ત કરી છે.
પનગઢિયાએ પી.ટી.આઇ. સાથેની વાતચીતમાં કહ્યું છે કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં રાજકોષીય ખાધનું પ્રમાણ અડધાથી એક ટકો ઘટાડવાનો પોતાનો આશય સ્પષ્ટ કરવો જોઈએ. અત્યાર સુધી ફક્ત ખાનગી વપરાશની સ્થિતિ કોરોના પૂર્વેના સ્તરે આવી નથી.  
સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશને વર્તમાન નાણાકીય વર્ષે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)નો વૃદ્ધિદર ૯.૨ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે, જે છેલ્લા એક વર્ષના બીજા કોઈ પણ દેશના આંક કરતાં વધારે છે. ભારતમાં તમામ ક્ષેત્રોમાં સુધારો જોવા મળ્યો છે. 
કોરોના રોગચાળાની અસર હેઠળ ગયા વર્ષે જીડીપીમાં ૭.૩ ટકાનો ઘટાડો થયો હતો.
વધુ કરજ લેવાથી બચો
હાલમાં કોલમ્બિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્યરત અરવિંદ પનગઢિયાએ કહ્યું કે આપણે જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા જોઈએ, કારણ કે વધુ કરજનો બોજ ભાવિ પેઢી પર આવી જાય છે.
ફુગાવાની ભારતને ચિંતા નથી
ફુગાવો વધી રહ્યો છે એ બાબતે તેમણે કહ્યું કે અમેરિકામાં છેલ્લાં ૪૦ વર્ષમાં પહેલી વાર ફુગાવાનો દર ૭ ટકા રહ્યો છે એથી ત્યાં એ ચિંતાનો વિષય છે. ભારતમાં ફુગાવો ૨થી ૬ ટકાની વચ્ચે રહેતો હોવાથી અહીં ચિંતા કરવાની જરૂર નથી.
દેશમાંથી થોડી મૂડી બહાર જશે
અમેરિકામાં વ્યાજદરમાં વધારો કરવામાં આવવાની સંભાવના છે એ વિશે પુછાતાં તેમણે કહ્યું કે આ ઘટનાને પગલે ભારતમાંથી થોડી મૂડી બહાર કાઢી લેવામાં આવશે, પરંતુ એનું પ્રમાણ ૨૦૧૩માં થયું એટલું વધારે નહીં હોય. મને આશા છે કે રિઝર્વ બૅન્ક આવા ઉપાડ વખતે રૂપિયાનું મૂલ્ય થોડું વધુ ઘટવા દેશે, જેથી નિકાસની આવકમાં વધારો થાય અને સરકાર પણ કરવેરામાં વધારો કરવાનું પગલું ભરતાં અચકાય.
ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ નહીં, નિયમન લાવો
ક્રિપ્ટોકરન્સીને લગતા સવાલના જવાબમાં પનગઢિયાએ કહ્યું કે સરકાર હજી સુધી હવાલાના વ્યવહારોને કાબૂમાં લાવી શકી નથી. ક્રિપ્ટોકરન્સીની બાબતે પણ એવું જ થશે. એના પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો પણ એના પર કાબૂ લાવવાનું શક્ય નહીં હોય. આથી એના પર પ્રતિબંધ મૂકવાને બદલે એનું નિયમન કરવામાં આવવું જોઈએ. ક્રિપ્ટોકરન્સીના વ્યવહારની સરકારને જાણ કરવામાં આવે એવો નિયમ કરવો જોઈએ, એના વ્યવહાર કરનારાઓ ભૂમિગત થઈ જાય એવું કરવું જોઈએ નહીં. રિઝર્વ બૅન્ક સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી લાવવાનું વિચારી રહી છે એ આઇડિયા સારો છે.

business news