02 September, 2026 07:43 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ખરાબે ચડેલી ITCને હૅપીએસ્ટ માઇન્ડ્સના મર્જરથી નવો ઑક્સિજન મળી ગયો : PVR આઇનૉક્સ ૧૪૫૦ના ભાવે બાયબૅકના કરન્ટમાં મજબૂત ખૂલી સુધારામાં બંધ થયો : ઑગસ્ટનું વેચાણ ૫૬ ટકા વધવા છતાં તાતા મોટર્સ પૅસેન્જર વૉલ્યુમ સાથે ડાઉન, બજાજ ઑટો સુધારો આગળ વધારતાં બે વર્ષની ટોચે : જ્વેલરી શૅર બહુધા ઝંખવાયા પણ TBZ ૨૦ ટકાની તેજીમાં ઑલટાઇમ હાઈ થઈ : એન્જિનિયર્સ ઇન્ડિયા ૧૧ ગણા વૉલ્યુમ સાથે નવા બેસ્ટ લેવલે : મારુતિ સુઝુકી ૫૬૧ રૂપિયા ગગડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર
અમેરિકા-ઈરાન વચ્ચેના વૉરના પગલે મધ્યપૂર્વમાં વ્યાપક તંગદિલી, ક્રૂડના ભાવમાં મજબૂતી તેમ જ ટ્રમ્પના ટૅરિફના તોફાન જેવાં મોટા પાયે ખરાબ કારણો વચ્ચે પણ જૂન ક્વૉર્ટરમાં ભારતનો આર્થિક વિકાસદર ૭.૮ ટકા નોંધાયો એ બેશક એક ચમત્કાર છે. જોકે અમૃતકાળમાં આવા ચમત્કારોની નવાઈ ન હોવી જોઈએ એ વાત અલગ છે. દરમ્યાન બ્રેન્ટ ક્રૂડ વધીને ૯૨.૫૦ ડૉલર દેખાયું છે. વૈશ્વિક સોનું દોઢ ટકો તથા ચાંદી અઢી ટકા ઘટ્યાં છે. એશિયન બજારોએ મિશ્ર વલણથી નવા મહિનાનો આરંભ કર્યો છે, યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ઢીલું થયું છે. ડૉલર સામે રૂપિયો વધુ ૨૪ પૈસા મજબૂત બની રનિંગમાં ૯૪.૯૫ રહ્યો છે. ઘરઆંગણે બજાર ઊંટના ઢેકા જેવી ચાલમાં નેગેટિવ બાયસમાં ફ્લૅટ બંધ થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૭ પૉઇન્ટ પ્લસ, ૭૬,૯૯૪ ખૂલી છેવટે ૧૩ પૉઇન્ટ ઘટી ૭૬,૯૪૪ તથા નિફ્ટી ૨૫ પૉઇન્ટ નજીકની નરમાઈમાં ૨૪,૦૫૬ બંધ આવ્યો છે. જોકે સેબીએ અમલી બનાવેલી અટકચાળી ક્લોઝિંગ ઑક્શન સેશન (CAS) સિસ્ટમ્સનું સત્ર શરૂ થયું એ પહેલાં સેન્સેક્સ ૭૬,૭૨૫ અને નિફ્ટી ૨૩,૯૮૦ હતો, પરંતુ CASના ખેલના કારણે બજાર પાછળથી ઠીક-ઠીક વધી ગયું હતું. ગઈ કાલે સેન્સેક્સ ઉપરમાં ૭૭,૨૩૨ તથા નીચામાં ૭૬,૬૫૬ દેખાયો હતો. માર્કેટબ્રેડ્થ બગડેલી જ રહી છે. NSEમાં વધેલા ૧૩૪૫ શૅર સામે ૨૧૯૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ વધુ ૨.૧૨ લાખ કરોડ ઘટીને હવે ૪૮૮.૧૧ લાખ કરોડ રહ્યું છે.
સબસિડિયરી સાથે હૅપીએસ્ટ માઇન્ડ્સના મર્જરનો પ્રાણવાયુ મળી જતાં ITC અઢી ગણા વૉલ્યુમે ૪ ટકા વધી ૨૬૬ ઉપરના બંધમાં બન્ને માર્કેટમાં ટૉપ ગેઇનર બની છે. રિલાયન્સ સેન્સેક્સમાં પોણાબે ટકા વધી ૧૩૦૭ના બંધમાં બજારને ૧૨૭ પૉઇન્ટ ફળી છે. અત્રે HCL ટેક્નૉલૉજીઝ ૩.૨ ટકા, ઇન્ફોસિસ ૨.૪ ટકા, ભારતી એ રટેલ ૨.૩ ટકા, કોટક બૅન્ક દોઢ ટકો વધી હતી. નિફ્ટી ખાતે ITC ૪.૩ ટકા, ભારતી એરટેલ ૩.૬ ટકા, અદાણી પોર્ટ્સ ૩.૪ ટકા, HCL ટેક્નો ૩ ટકા, રિલાયન્સ અઢી ટકા, ONGC બે ટકા, ઇન્ફી બે ટકા નજીક, બજાજ ઑટો ૧.૯ ટકા કે ૨૩૧ રૂપિયા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૪ ટકા, હિન્દુ. યુનિલીવર ૧.૪ ટકા વધી હતી. શ્રીરામ ફાઇનૅન્સ ૪.૬ ટકા, મારુતિ સુઝુકી ૪.૪ ટકા કે ૫૯૭ રૂપિયા, નેસ્લે ૩.૯ ટકા, મેક્સ હેલ્થકૅર પોણાચાર ટકા, ઇન્ડિગો સાડાત્રણ ટકા ગગડી નિફ્ટીમાં વર્સ્ટ લૂઝર્સ બન્યા છે. સેન્સેક્સમાં મારુતિ સુઝુકી ૪.૨ ટકા કે ૫૬૧ રૂપિયા, સ્ટેટ બૅન્ક અઢી ટકા, ઇન્ડિગો અઢી ટકા, બજાજ ફીનસર્વ ૨.૪ ટકા, મહિન્દ્રા ૨.૪ ટકા ડાઉન હતી.
વડા પ્રધાન મોદીએ તેમની વિદેશયાત્રા ચાલુ રાખતાં સેલ્ફી સ્ટાઇલ વિડિયો મેસેજ મારફત દેશના લોકોને ફરી એક વખત વિદેશ-પ્રવાસ તથા સોનાની ખરીદી નહીં કરવાની સલાહ આપી છે, પરંતુ TBZ 8 ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૬૬ ઉપર ઑલટાઇમ હાઈ બંધ આવી છે. GRT જ્વેલર્સ તરફથી શૅરદીઠ ૨૦૯ના ભાવે TBZમાં પ્રમોટર્સના ૪૯૫ લાખ શૅર ખરીદવાનું નક્કી કરાયું એ ની અસર છે પછીથી શૅરધારકો માટે ૨૫૦ નજીકના ભાવથી ઓપન ઑફર આવશે. ઑગસ્ટનું વેચાણ ૫૬ ટકા વધવા છતાં તાતા મોટર્સ પૅસેન્જર ૧.૯ ટકા ઘટી ૩૧૦ બંધ હતો. મારુતિનું વેચાણ ૨૧ ટકા વધ્યું છે પણ ભાવ ૪.૨ ટકા કે ૫૬૧ ગગડી ૧૨,૯૧૯ થયો છે. બજાજ ઑટોનું વેચાણ ૨૮ ટકા વધ્યું છે. શૅર ૨.૨ ટકા કે ૨૬૦ રૂપિયા ઊંચકાઈ ૧૨,૩૬૦નાં બે વર્ષના શિખરે ગયો છે. એન્જિનિયર્સ ઇન્ડિયા ૧૧ ગણા કામકાજે ૨૯૦ નજીક વિક્રમી સપાટી બતાવી ૭ ટકા ઊછળી ૨૮૦ વટાવી ગઈ છે.
ગઈ કાલે પાંચ કંપનીના IPOનું લિસ્ટિંગ થયું છે. એમાં મેઇન બોર્ડ ખાતે ઇન્દોરની સિમ્બાયોટેક ફાર્માલૅબ બેના શૅરદીઠ ૯૮૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૨૦થી શરૂ થઈ ઉપરમાં ૪૧૦ થયા પછી ઘટાડાની ચાલમાં છેલ્લે બોલાતા ૧૮૫ના પ્રીમિયમ સામે ૯૭૮ ખૂલી ૧૦૯૬ બંધ થતાં ૧૧ ટકા કે શૅરદીઠ ૧૦૮ રૂપિયાની લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૭૫૭ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૧૩.૭ ગણા સહિત ટોટલ ૭૫ ગણો છલકાયો હતો. મહારાષ્ટ્રના થાણે ખાતેની હાઇટેક એન્જિનિયર્સ પાંચના શૅરદીઠ ૫૩ની ઇશ્યુ પ્રાઇસ તથા પાંચથી શરૂ થઈ ઉપરમાં ૪૫ બતાવી છેલ્લે બોલાતા ૩૯ના પ્રીમિયમ સામે ૭૨ ખૂલી ૭૫ બંધ રહેતાં ૪૨.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. માત્ર ૧૩૬ કરોડનો આ નાનકડો ઇશ્યુ રીટેલમાં ૧૭૫ ગણો અને કુલ ૨૪૭ ગણો છલકાયો હતો. નવી દિલ્હીની સ્કાયવેજ એર સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૩૮ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૯થી શરૂ થઈ વધીને ૫૦ થયા પછી અંતે ચાલતા ૩૩ના પ્રીમિયમ સામે ૧૨૪ ખૂલી ૧૨૬ નજીક બંધ થતાં ૯ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કુલ ૫૮૩ કરોડનો આ IPO રીટેલમાં ૨૫.૪ ગણા સહિત કુલ ૭૧.૨૫ ગણો ભરાયો હતો.
SME સેગમેન્ટમાં લુધિયાણાની મધુર નીટ ક્રાફ્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૯થી શરૂ થઈ ઉપર ૧૬ થયા બાદ ગગડી બે થઈ ગયેલા પ્રીમિયમ સામે NSEમાં ૧૦૦ ખૂલી ૯૫ બંધ આવતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. કુલ ૫૩ કરોડનું આ ભરણું રીટેલમાં ૨.૩ ગણા સહિત કુલ દોઢ ગણું જ ભરાયું હતું. પંજાબના ફિરોઝપુરની ABH હેલ્થકૅર ૧૦ના શૅરદીઠ ૧૦૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં પહેલેથી બોલાતા ઝીરો પ્રીમિયમ સામે NSEમાં ૯૯ ખૂલી ૯૪ બંધ રહેતાં ૭.૮ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કુલ ૩૫ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૧.૭ ગણો અને કુલ ૧.૪૪ ગણો ભરાયો હતો. આજે બુધવારે મેઇન બોર્ડમાં અન્નુ પ્રોજેક્ટ્સ તો SMEમાં સુમેક્સ એન્જિનિયરિંગનું લિસ્ટિંગ થશે. અન્નુ પ્રોજેક્ટ્સમાં હાલ ૩નું ડિસ્કાઉન્ટ તથા સુમેક્સમાં ૩૦નું પ્રીમિયમ બોલાય છે.
લોઅર પરેલ, મુંબઈની ઑગમૉન્ટ એન્ટરપ્રાઇસીઝ આગલા દિવસે ૧૫.૨ ટકા કે શૅરદીઠ ૧૨૦ નજીકના લિસ્ટિંગ ગેઇનમાં ૯૦૮ નજીક બંધ થયા પછી વળતા દિવસે ૮૫૧ નીચે નવા તળિયે જઈ સાડાચાર ટકા તૂટી ૮૬૬ બંધ રહી છે. નવા લિસ્ટેડ અન્ય શૅરમાં બરોડાની ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ૫૩૪નું વર્સ્ટ બૉટમ બનાવી ૪.૩ ટકા તૂટી ૫૩૯, સનશાઇન પિક્ચર્સ ઉપરમાં ૪૬૩ દેખાડી પોણો ટકો ઘટી ૪૫૩, ગાજા ઑલ્ટરનેટિવ ૧૪૯ના તળિયે જઈ સાડાછ ટકા ઊછળી ૧૬૨, શાંકેશ જ્વેલર્સ ઉપરમાં ૯૬ બતાવી ૧.૭ ટકા ઘટી ૯૧, હોરાઇઝોન ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક્સ ઉપરમાં ૫૮ વટાવી ૨.૪ ટકા ઘટી ૫૫.૫૪ તથા લલિતા જ્વેલરી માર્કેટ ૨૮૩ની નવી ટોચે જઈ સાડાત્રણ ટકા વધી ૨૬૭ બંધ આવી છે.
ગઈ કાલે મેઇન બોર્ડમાં બે સહિત કુલ ૪ નવાં ભરણાં ખુલ્યાં છે એમાં નવી દિલ્હીની ફ્લાય હાઈ મૅરિટાઇમ ટ્રાવેલ્સે અચાનક ઘડિયા લગનની રીતે પાંચના શૅરદીઠ ૧૦૨ના ભાવે કુલ ૫૩ કરોડનો BSE SME ઇશ્યુ નક્કી કર્યો છે. માર્કેટ મેકર્સ માટે ૩ કરોડના શૅર રીઝર્વ્ડ છે. ઇશ્યુમાંથી પ્રમોટર્સ જિતેન્દ્ર નેગી ૧૦૨૦ લાખ રૂપિયા ઑફર ફૉર સેલ દ્વારા ઘરભેગા કરશે. QIB પોર્શન ઝીરો છે. રીટેલ પોર્શન ૫૦ ટકા છે. વર્ષ ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની મૅરિટાઇમ ટ્રાવેલમાં પ્રવૃત છે. ગત વર્ષે ૩૬ ટકા વધારામાં ૬૨૨૧ લાખની આવક ઉપર ૧૪૫ ટકા વૃદ્ધિદરથી ૮૪૩ લાખ નફો બતાવી દીધો છે. દેવું વધી ૧૩ કરોડ નજીક ગયું છે. ઇશ્યુમાંથી ૨૪૨૪ લાખ વર્કિંગ કૅપિટલમાં, ૪ કરોડ દેવાની ચુકવણીમાં, ૬૩૭ લાખ જનરલ કૉર્પોરેટ પર્પઝ માટે (એટલે?), ૧૮૦ લાખ પ્રચાર કાર્યમાં અને ૬૦૩ લાખ એટલે કે ભરણાની રકમનો સાડાઅગિયાર ટકા જેવો હિસ્સો કંપની ઇશ્યુ પેટેના ખર્ચમાં વાપરવાની છે. ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૯ છે. ભરણું પ્રથમ દિવસે રીટેલમાં બે ટકા સહિત કુલ બે ટકા ભરાયું છે. લીડ મૅનેજરની છાપ સારી નથી. તો અમદાવાદી ફાર્મપીસ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવનો ૩૨ કરોડનો BSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં એક ટકા સહિત કુલ એક ટકા ભરાયો છે. કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ મારફત બટાટાનો ધંધો કરતી આ કંપનીમાં પ્રીમિયમ નથી. મેઇન બોર્ડમાં દીપા જ્વેલર્સનો બેના શૅરદીઠ ૧૭૭ની અપરબેન્ડમાં ૪૬૦ કરોડનો મોંઘો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૪ ગણા સહિત કુલ ૮૫ ટકા તેમ જ નૉન-પ્રૉફિટ સોશ્યલ એન્ટરપ્રાઇસીઝ હોવાનો દાવો કરતી રેઝ ઑફ બિલિફ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૨૩૯ના ભાવનો ૧૨૫ કરોડનો ટાઇની ઇશ્યુ રીટેલમાં સવાછ ગણા સહિત કુલ સવા ગણો ભરાયો છે. હાલ દીપા જ્વેલર્સમાં પ્રીમિયમ ઘટી ૪૩ તથા રેઝ ઑફ બિલિફમાં પ્રીમિયમ ૩૮ જેવું ચાલે છે.
દરમ્યાન મેઇન બોર્ડમાં પર્પલ સ્ટાઇલ લૅબ્સનો ૧૦ના શૅરદીઠ ૫૭૫ના ભાવનો ૬૮૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૫ ટકા ભરાયો છે. જ્યારે SMEમાં ફીકેમ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૪૫૮ લાખનો ઇશ્યુ કુલ બે ગણો, શાંતિ ઇન ઑર્ગેનિક્સનો ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવનો ૪૭૨૪ લાખનો ઇશ્યુ ૩.૭ ગણો તથા આશુતોષ ફાઇબરનો ૧૦ના શૅરદીઠ ૯૨ના ભાવનો ૫૬૩૫ લાખનો ઇશ્યુ કુલ ૫.૩ ગણો ભરાયો છે. હાલમાં પર્પલ સ્ટાઇલમાં બે રૂપિયા, ફીકેમમાં એક, શાંતિ ઇન ઑર્ગેનિક્સમાં ૧૪ અને આશુતોષમાં ૨૭ પ્રીમિયમ ચાલે છે. કુલ ચાર ભરણાંનો ગઈ કાલે આખરી દિવસ હતો. મેઇન બોર્ડમાં પ્રાયોરિટી જ્વેલ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવે કુલ ૯૨ કરોડનું ભરણું રીટેલમાં ૧૦૬ ગણા સહિત કુલ ૧૦૦ ગણું તથા ESDS સૉફ્ટવેરનું એકના શૅરદીઠ ૪૨૯ના ભાવનું ૭૨૦ કરોડનું ભરણું રીટેલમાં ૪૨ ગણા સહિત કુલ ૧૪૩ ગણા પ્રતિસાદમાં પૂરું થયું છે. હાલ ESDSમાં પ્રીમિયમ ૨૫૫ અને પ્રાયોરિટીમાં ૩૬ બોલાય છે. SME સેગમેન્ટમાં પલક કે પ્યુલક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૪૮ના ભાવનો ૩૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૭૧ ગણા સહિત કુલ ૭૮૭ ગણો તેમ જ કમ્પ્લેટ સ્પોર્ટ્સ અૅન્ડ મૅનેજમેન્ટ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૭૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં દોઢ ગણા સહિત કુલ સાડાત્રણ ગણો ભરાયો છે. હાલ પલકમાં ૨૦ અને કમ્પ્લેટ સ્પોર્ટ્સમાં ઝીરો પ્રીમિયમ છે.
મિડ-સાઇઝ IT કંપની હૅપીએસ્ટ માઇન્ડમાં ફાઉન્ડર પ્રમોટર્સ અશોક સુટા અને તેમનું ટ્રસ્ટ શૅરદીઠ સરેરાશ ૩૭૫ જેવા ભાવથી ૨૨.૧ ટકા હોલ્ડિંગ ૧૩૩૦ કરોડ રૂપિયામાં ITCની પૂર્ણ માલિકીની સબસિડિયરી ITC ઇન્ફોટેકને વેચવા સહમત થયા છે. એ ના પગલે જરૂરી મંજૂરીને આધીન હૅપીએસ્ટ માઇન્ડ ટૂંકમાં ITC ઇન્ફોટેકમાં મર્જ થઈ જશે. પ્રમોટર્સ હોલ્ડિંગ હસ્તગત કર્યા પછી હૅપીએસ્ટ માઇન્ડના અન્ય શૅરધારકોને ૮૧ શૅર સામે ITC ઇન્ફોટેકના ૨૫ શૅર અપાશે. મર્જર બાદ અસ્તિત્વમાં આવનારી નવી કંપનીમાં પ્રમોટર્સ ITC લિમિટેડનું હોલ્ડિંગ ૭૩.૪ ટકા રહેશે. ગત વર્ષે હૅપીએસ્ટ માઇન્ડ્સની આવક ૨૩૧૫ કરોડ તો ITC ઇન્ફોટેકની આવક ૪૭૧૮ કરોડ રહી હતી. હૅપીએસ્ટ માઇન્ડ્સનો શૅર આ સમાચાર પછી ગઈ કાલે ૪૦૭ ખૂલી નીચે ૩૫૭ થઈ છેવટે ૧૧ ટકા તૂટી ૩૬૩ નજીક બંધ આવ્યો છે. ફેસવૅલ્યુ બેની તથા બુકવૅલ્યુ ૧૧૧ રૂપિયા ઉપરની છે. આ કંપની સપ્ટેમ્બર ૨૦૨૦માં બેના શૅરદીઠ ૧૬૬ના ભાવથી ૫૯૨ કરોડની OFS સહિત કુલ ૭૦૨ કરોડનો ઇશ્યુ લાવી હતી જે ૮૨ ગણો છલકાયો હતો. ૨૦૨૦ની ૧૭ સપ્ટેમ્બરે શૅર લિસ્ટિંગમાં ૩૫૧ ખૂલી ઉપરમાં ૩૯૫ થઈ ૩૭૧ બંધ થયો હતો. નવેમ્બર ૨૦૨૦માં ભાવ BSE ખાતે ૨૮૫ તથા NSEમાં ૩૦૭ થયો હતો જે એ ની ઑલટાઇમ બૉટમ છે, જ્યારે ઑગસ્ટ ૨૦૨૧માં ૧૫૮૦ની લાઇફટાઇમ હાઈ બની હતી. છેલ્લા એક વર્ષમાં શૅર ૨૦૨૫ની ૧૮ સપ્ટેમ્બરે ૫૮૩ નજીક વર્ષની ટોચે તો ૨૦૨૬ની ૨ માર્ચે ૩૦૫ના વર્ષના તળિયે ગયો હતો. ITCની વાત કરીએ તો એ ના શૅર ગઈ કાલે ઉપરમાં ૨૬૯ થઈ ૪ ટકા વધી ૨૬૬ બંધ થયો છે. એ ની ૩૯.૯ ટકા માલિકીની અન્ય સબસિડિયરી ITC હોટેલ્સ ઉપરમાં ૧૬૨ થઈ પોણો ટકા સુધરી ૧૬૧ હતી.
એક અન્ય ઘટનાક્રમમાં મલ્ટિપ્લેક્સ ઑપરેટર PVR આઇનૉક્સ લિમિટેડે ૧૦ના શૅરદીઠ મહતમ ૧૪૫૦ સુધીના ભાવથી ૨૦.૬૮ લાખ શૅરનું બાયબૅક જાહેર કર્યું છે. એ ની રેકૉર્ડ ડેટ ૪ સપ્ટેમ્બર રખાઈ છે. આના પગલે શૅર ઉપરમાં ૧૨૪૭ નોંધાવી બે ટકા વધી ૧૨૨૯ બંધ થયો છે. દરમ્યાન અૅડ્મિટેડ ક્લેઇમ્સ એટલે કે સ્વીકૃત થયેલા દાવા પ્રમાણે ૨૨,૦૦૬ કરોડના દેવાની માંડવાળી માત્ર સવાછ કરોડમાં કરવાની ઝીવાળા સુભાષ ગોએલની દરખાસ્તને માન્ય કર્યા પછી વ્યાપક બનેલા વિરોધના પગલે સરકારને પીછેહઠની ફરજ પડી છે. NCLT તરફથી આ મામલે ફેર સમીક્ષા કરવા પાંચ સભ્યોની બૅન્ચ રચવાનું નક્કી થયું છે. ઝી એન્ટરટેઇનમેન્ટનો શૅર ઉપરમાં ૯૬ વટાવીને નજીવો ઘટી ૯૩ બંધ રહ્યો છે. ઝી મીડિયા ૩.૭ ટકા તથા ઝી લર્ન ૧.૮ ટકા ડાઉન હતો.