ભારતીય ઇકૉનૉમીનો ગ્રોથ સાત ટકાને પાર કરી જશે : એસબીઆઇ રિસર્ચ

27 May, 2023 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોથા ક્વૉર્ટરમાં જીડીપીનો ગ્રોથ રેટ ૫.૫ ટકા રહેવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ભારતીય અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ ૨૦૨૩માં સાત ટકા વૃદ્ધિદરને વટાવી જવાના માર્ગ પર છે, જેમાં મૅન્યુફૅક્ચરિંગ મુખ્ય ડ્રાઇવર છે એમ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના સંશોધન અહેવાલ ‘ઇકોરેપ’એ જાહેર કર્યું હતું કે વર્ષ ૨૦૨૩ના ચોથા ક્વૉર્ટરમાં ભારતની વૃદ્ધિ ૫.૫ ટકા રહેવાની શક્યતા છે, જે સમગ્ર વર્ષ માટે દેશની વૃદ્ધિ ૭.૧ ટકા પર લઈ જશે.

આ જાન્યુઆરીમાં નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા ઍડ્વાન્સ અંદાજને અનુરૂપ છે જેમાં ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ પૂરા થયેલા વર્ષ માટે સાત ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં ઊભરી રહેલી વૃદ્ધિની વિવિધતાઓ, નીતિ ઘડવૈયાઓ, નિયમનકારો અને અર્થશાસ્ત્રીઓ સમક્ષ અનુમાનિત વૃદ્ધિના વાસ્તવિક દરોનું મૂલ્યાંકન કરવામાં અભૂતપૂર્વ પડકારો લાવી રહી છે. માત્ર ચાલુ વર્ષ દરમ્યાન જ નહીં, પરંતુ ૨૦૨૪ અને ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. ગયા વર્ષની ઘટનાઓના આશ્ચર્યજનક વળાંક પછી મધ્યસ્થ બૅન્કો માટે ફુગાવાના માર્ગનું સંચાલન વિસ્તૃત કરવામાં આવ્યું છે.

આ વૈશ્વિક હલ્લાબોલ વચ્ચે રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત વૃદ્ધિના ડ્રાઇવરો આગળ વધી રહ્યા છે અને સર્વિસ સેક્ટરનો પણ એને ટેકો મળી રહ્યો છે.

ઔદ્યોગિક ઉત્પાદનનો દર માર્ચમાં ૧.૧ ટકા વધ્યો 

સ્થાનિક રેટિંગ એજન્સી ઇકરા (ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફર્મેશન ઍન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી) ૨૦૨૨-૨૩ના જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં જીડીપી વૃદ્ધિ ૪.૯ ટકાની અપેક્ષા રાખે છે, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા ૪.૪ ટકાથી સાધારણ વધારે છે, જે સેવા ક્ષેત્રના ગ્રોથને કારણે છે. નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑર્ગેનાઇઝેશન ૩૧ મેના રોજ ચોથા ત્રિમાસિક તેમ જ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે જીડીપી વૃદ્ધિ માટે કામચલાઉ અંદાજ બહાર પાડવાનું છે. ઇકરાનો અંદાજ છે કે સર્વિસ સેક્ટરનો ગ્રોસ વૅલ્યુ એડેડ ત્રીજા ક્વૉર્ટરમાં ૬.૨ ટકાની તુલનાએ ચોથા ક્વૉર્ટરમાં ૬.૪ ટકા થઈ ગઈ છે, જેને કારણે જીડીપીમાં વૃદ્ધિ નોંધાશે.

business news