19 August, 2026 11:40 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ગોલ્ડમૅન સાક્સ પછી નુવામાએ પણ ડી-ગ્રેડિંગ કરતાં BSE લિમિટેડનો શૅર સતત પાંચમા દિવસે ડાઉન : નફામાં નબળાઈ વચ્ચે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં ૨૩૫ રૂપિયાની મજબૂતી : વિપુલ શાહ અને શેફાલી શાહની સનશાઇન પિકચર્સનો ૨૮૨ કરોડનો ઇશ્યુ ખૂલતાંની સાથે દોઢ કલાકમાં છલકાઈ જતાં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઊછળીને ૭૫ થઈ ગયું : ઇન્ડો-મીમ રિઝલ્ટના પગલે ૧૦ ટકાની ઉપલી સર્કિટ મારી નવા શિખરે ગઈ : ITC નરમાઈ સાથે બૅક-ટુ-બૅક ૫૦ મહિનાના નવા તળિયે : નફો ૭૭ ટકા કે ૪૦ કરોડ નજીક ઘટીને આવતાં બે દિવસમાં અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટ્સનું ૮૬૫ કરોડનું માર્કેટકૅપ સાફ : તાતાની નેલ્કોમાં છ વર્ષનો મોટો કડાકો
વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ ૯૨ ડૉલર નજીક પહોંચી જતાં શૅરબજારોનું માનસ ઢીલું થયું છે. ગઈ કાલે એશિયા ખાતે જપાન અઢી ટકા, સાઉથ કોરિયા દોઢ ટકો, તાઇવાન તથા સિંગાપોર સવા ટકા આસપાસ, થાઇલૅન્ડ સામાન્ય ઘટ્યું છે. ઇન્ડોનેશિયા પોણો ટકો તો ચાઇના-હૉન્ગકૉન્ગ નામપૂરતાં પ્લસ હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા સુધી માઇનસ હતું. ડૉલર સામે રૂપિયો રનિંગમાં વધુ ૬ પૈસા ઘટી ૯૫.૬૭ વટાવી ગયો છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૨૩૩૦ પૉઇન્ટ કે ૧.૩ ટકાની નબળાઈમાં ૧,૭૮,૧૭૬ ચાલતું હતું.
ક્રૂડની મજબૂતીએ ઘરઆંગણે સેન્સેક્સને વધુ ઘટવા માટેનું કારણ પૂરું પાડ્યું છે. શૅરઆંક આગલા બંધથી ૩૦૯ પૉઇન્ટ માઇનસ, ૭૭,૪૧૯ ખૂલી છેવટે ૪૯૩ પૉઇન્ટ ઘટી ૭૭,૨૩૫ તથા નિફ્ટી ૧૩૩ પૉઇન્ટ કપાઈ ૨૪,૧૫૫ થયો છે. વધઘટની માંડ ૩૪૦ પૉઇન્ટની રેન્જમાં સેન્સેક્સ ગઈ કાલે ઉપરમાં ૭૭,૫૭૫ તથા નીચામાં ૭૭,૨૩૪ થયો હતો. માર્કેટ બ્રેડ્થ નબળાઈ જાળવી રાખતાં NSE ખાતે વધેલા ૧૫૫૮ શૅર સામે ૧૯૨૪ કાઉન્ટર્સ ઘટ્યાં છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટકૅપ ૧.૬૮ લાખ કરોડ ઘટી ૪૯૦.૭૮ લાખ કરોડ રહ્યું છે. બજારોના લગભગ તમામ બેન્ચમાર્ક ડાઉન હતા. રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોણા ટકા આસપાસ, PSU બૅન્ક નિફ્ટી એક ટકો, બૅન્ક નિફ્ટી અડધા ટકા નજીક નરમ હતી. નિફ્ટી IT બે ટકા બગડ્યો છે.
અૅક્સિસ બૅન્ક એક ટકા નજીકના સુધારામાં ૧૨૪૧ બંધ આપી બન્ને બજારમાં ઝળકી છે. નિફ્ટી ખાતે મેક્સ હેલ્થકૅર ૧.૧ ટકા, અૅક્સિસ બૅન્ક ૧.૩ ટકા, મહિન્દ્રા ૦.૯ ટકા, ગ્રાસીમ ૦.૯ ટકા, પાવરગ્રીડ ૦.૭ ટકા અપ હતી. સેન્સેક્સમાં પાવરગ્રીડ ૦.૬ ટકાથી વધુ, મહિન્દ્રા અડધા ટકા નજીક પ્લસ થઈ છે. રિલાયન્સ નામજોગ સુધરી ૧૩૧૯ હતી. સેન્સેક્સમાં એશિયન પેઇન્ટ્સ ૨.૪ ટકા, ઇન્ફોસિસ બે ટકા, HCL ટેક્નૉલૉઝીસ ૧.૯ ટકા, ભારતી અૅરટેલ પોણાબે ટકા, TCS દોઢ ટકા અંદર, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા, અલ્ટ્રાટેક તથા ઇન્ડિગો સવા ટકો ડાઉન હતા. નિફ્ટી ખાતે તાતા મોટર્સ પૅસેન્જર સવાબે ટકા, એશિયન પેઇન્ટ્સ ૨.૩ ટકા, ઇન્ફોસિસ ૨.૨ ટકા, વિપ્રો ૨.૧ ટકા, HCL ટેક્નૉલૉઝીસ બે ટકા, જિયો ફાઇનૅન્શિયલ ૧.૬ ટકા, કોટક મહિન્દ્રા બૅન્ક ૧.૩ ટકા ઘટી છે. ITC ૨૬૯ની ૫૦ માસની નવી બૉટમ બતાવી ૧.૨ ટકા ઘટી ૨૭૦ બંધ થઈ છે.
નફામાં ૭૭ ટકા ધોવાણનો અફસોસ ચાલુ રાખતાં અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટ્સ નીચામાં ૭૦૩ થઈ સવાદસ ટકા તૂટીને ૭૧૧ બંધ રહી છે. માસ્ટેક અને મોઇલ પોણાછ ટકા તથા અરવિંદ ૫.૫ ટકા બગડી હતી. તાતાની નેલ્કો તરફથી લુનાર હોલ્ડકોમાં કમ્પલ્સરી કન્વર્ટિબલ ડિબેન્યર્સ (CCD) મારફત બે કરોડ ડૉલરનું રોકાણ કરવાનો નિર્ણય લેવાયો છે જે બજારને ગમ્યો નથી. ભાવ ૩ ગણા વૉલ્યુમે નીચામાં ૯૪૧ થઈ સવાબાર ટકા કે ૧૩૨ના છ વર્ષના મોટા કડાકામાં ૯૪૯ બંધ આવ્યો છે.
સ્વદેશીકરણની યાદી વિસ્તૃત બનતાં પારસ ડિફેન્સ ઑલટાઇમ હાઈ
નવી મુંબઈની ઑર્ગેનિક રિસાઇક્લિંગ સિસ્ટમ્સ બે શૅરદીઠ એક બોનસમાં ૨૦મીએ બોનસ બાદ થવાની છે. આ કંપની સપ્ટેમ્બર ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવથી ૫૦ કરોડના BSE SME IPO લાવી હતી. ૨૦૨૪ની ૨૫ નવમ્બરે શૅર ૪૦૦ના બેસ્ટ લેવલે ગયો હતો. રિઝલ્ટના જોરમાં આગલા દિવસે ઑલટાઇમ હાઈ બનાવી ૧૩૬૦ રૂપિયા કે ૭ ટકા વધેલી PTC ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે નીચામાં ૧૯,૫૫૧ દેખાડી ૪.૪ ટકા તૂટી ૧૯,૬૯૦ થઈ છે. તો ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ થયેલી યુફ્લેક્સ લિમિટેડ ૬૩૦ની વિક્રમી સપાટી બનાવી ૩.૯ ટકા વધી ૬૧૦ ગઈ કાલે બંધ આવી છે, જ્યારે ઝગલ પ્રી-પેઇડ જે નફામાં ૩૩ ટકાના ઘટાડાના પગલે ૨૦ ટકા તૂટી ૧૬૦ના વર્સ્ટ લેવલે બંધ થઈ હતી એ ગઈ કાલે ૧૫૪ના નવા તળિયે જઈ સાડાત્રણ ટકા વધી ૧૬૬ રહી છે. રિઝલ્ટના કારણ બૅક-ટુ-બૅક નવા શિખરે ગયેલી મનોરમા ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે નીચામાં ૧૮૮૫ દેખાડી ૨.૭ ટકા ઘટી ૧૯૦૧ થઈ છે. વૅલ્યુ બાઇંગની થીમને લઈ જંગી વૉલ્યુમે સાડાચૌદ ટકાનો ઉછાળો બતાવનારી વિક્રમ સોલર ઊભરો શમી જતાં સવાત્રણ ટકા ઘટી ૧૭૭ હતી. જેફરીઝે ૨૯૪૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે ડાઉન ગ્રેડ કરતાં BSE લિમિટેડ આગલા દિવસે ૧૧૫ રૂપિયા કે ૩.૩ ટકા ઘટ્યા પછી ગઈ કાલે નીચે ૩૨૩૫ થઈ પોણો ટકો ઘટીને ૩૩૦૮ બંધ આવી છે.
Paytmમાં ફાઉન્ડર વિજ્ય શેખર શર્મા તેમની માલિકીની નેધરલૅન્ડ ખાતેની રિઝીલિયન્ટ એસેટ મૅનેજમેન્ટ કંપની મારફત આશરે પાંચ ટકા માલ વેચવાની વેતરણમાં હોવાના અહેવાલ પાછળ શૅર નીચામાં ૧૫૪૭ થઈ સવાબે ટકા ઘટી ૧૫૪૭ રહ્યો છે. એજીસ લૉજિસ્ટિક્સ દ્વારા UAE ખાતેની ટ્રાઇસ્ટારને ૧૫૦ કરોડ ડૉલરમાં હસ્તગત કરવાની વાટાઘાટ અગ્રીમ તબક્કે ચાલી રહી હોવાના સમાચારમાં શૅર બમણા કામકાજે ઉપરમાં ૧૩૭૭ વટાવી ૬.૭ ટકાની મજબૂતીમાં ૧૩૭૨ થયો છે. કોલગેટ પામોલીવમાં નજીકના ગાળામાં માર્જિન ભીંસમાં રહેવાની ધારણા હેઠળ ગોલ્ડમૅન સાક્સે ૨૦૫૦ તથા સિટી ગ્રુપે ૨૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી ડી-રેટિંગ કર્યું છે. ભાવ પાંચ ગણા વૉલ્યુમે નીચામાં ૧૯૦૨ થઈ ત્રણ ટકા ગગડી ૧૯૦૩ હતો.
ઇપ્કા લિમિટેડે જૂન ક્વૉર્ટરમાં આવકમાં ૨૧ ટકા તથા નેટ નફામાં ૭૨ ટકા વધારા સાથે સારા પરિણામ રજૂ કરતાં નુવામો તરફથી ૨૦૬૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૯૧૭ થઈ સાધારણ સુધારામાં ૧૮૯૦ રહ્યો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ઇન્ડોમિમ લિમિટેડે નવ ટકા વધારામાં ૧૨૧૯ કરોડની આવક ઉપર ૩૧.૬ ટકા વધારામાં ૨૪૦ કરોડ નેટ નફો બતાવતાં શૅર દોઢા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૫૧ના બેસ્ટ લેવલે જઈ ત્યાં જ બંધ થયો છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ઑફ ઇન્ડિયાએ મિશ્ર વલણમાં ૧૭ ટકા વધારામાં ૬૨૧૫ કરોડ આવક ઉપર ૧૫ ટકાની પીછેહઠમાં ૧૬૮ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર જોકે ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૮૭૫ થઈ ૮.૬ ટકા કે ૨૩૫ રૂપિયાની તેજીમાં ૨૯૬૩ બંધ આવ્યો છે.
ઝેન ટેક્નૉલૉજીઝસમાં એક શૅરદીઠ પાંચ બોનસની રેકૉર્ડ ડેટ ૨૧ ઑગસ્ટ નજીક આવતાં શૅર ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૦૧૩ બતાવી ૬.૩ ટકા કે ૧૧૮ રૂપિયા ઊચકાઇ ૧૯૮૨ થયો છે. ડિફેન્સની ૪૦૫ આઇટમને સ્વદેશીકરણની યાદીમાં સામેલ કરાઈ છે. એની આડઅસરમાં પારસ ડિફેન્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫૨૭ની ઑલટાઇમ હાઈ બનાવી ત્યાં જ બંધ આવી છે.
મિલ્કી મિસ્ટનું મઝેદાર, શામ ફોમનું નબળું લિસ્ટિંગ
ગઈ કાલે મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ બેના શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૬થી શરૂ થઈને ઉપરમાં ૨૭ થયા બાદ ઘટતાં રહી ૧૮ થઈ ગયા પછી છેલ્લે ચાલતા ૧૯ના પ્રીમિયમ સામે ૧૬૫ ખૂલી ૧૮૧ બંધ થતાં ૨૦.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૫૫૭ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૮.૯ ગણા સહિત કુલ ૫૯.૧ ગણો ભરાયો હતો. અંબાલાની SME કંપની શામ ફોમ ૧૦ના શૅરદીઠ ૧૩૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૯થી શરૂ થઈને નીચામાં ૪ થયા બાદ છેલ્લે બોલાતો દોઢના પ્રીમિયમ સામે BSEમાં ૧૦૪ ખૂલી ૯૯ બંધ આવતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આજે બુધવારે શિપરૉકેટ, બિહારીલાલ એન્જિનિયરિંગ, પ્રમોદિની મેડીકૅર તેમ જ Q&T ફૂડ્સનું લિસ્ટિંગ થવાનું છે. હાલ શિપરૉકેટમાં ૩૩, બિહારીલાલમાં ૧૧૨, પ્રમોદિનીમાં ઝીરો અને Q&Tમાં એકનું પ્રીમિયમ બોલાય છે. આગલા દિવસે ૩૫.૭ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૮૨ બંધ થયેલી ધૂત ટ્રાન્સમિશન ગઈ કાલે ૧૩૦૬નું શિખર બતાવીને ૧૦ ટકા ઊછળીને ૧૩૦૬ તો મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ જે ૩૦.૬ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૩૬ બંધ થઈ હતી એ ૧૧૭૫ની નવી ટૉપ બનાવી ૭.૬ ટકા ઊંચકાઈ ૧૧૧૪ બંધ થઈ છે.
દરમ્યાન ગઈ કાલે પ્રથમ દિવસે મુંબઈના ઝવેરીબજારની શંકેશ જ્વેલર્સનો પાંચના શૅરદીઠ ૯૩ની અપરબેન્ડમાં ૩૬૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫૦ ટકા સહિત કુલ ૩૫ ટકા અને મુંબઈના અંધેરીની સનશાઇન પિક્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૩૬૦ની અપરબેન્ડમાં ૨૮૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫.૫ ગણા સહિત કુલ ચારેક ગણો ભરાયો છે. શાંકેશમાં ૪નું તથા સનશાઇનમાં વધી ૭૫ પ્રીમિયમ ચાલે છે. બીજા દિવસના અંતે મુંબઈના લોઅર પરેલની હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સનો ૧૦ના શૅરદીઠ ૬૦ની અપરબેન્ડમાં ૨૬૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૨૬ ટકા તો ચેન્નઈની લલિતા જ્વેલરી માર્ટનો પાંચના શૅરદીઠ ૨૦૧ અપર બેન્ડમાં ૧૭૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૩.૧ ગણો ભરાયો છે. હોરાઇઝોનમાં એકનું અને લલિતામાં ૩૩નું પ્રીમિયમ છે.
SME સેગમેન્ટમાં સ્કાયટેક ઇન્ફિનિટનો ૧૦ના શૅરદીઠ ૯૭ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૨૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩.૩ ગણા સહિત કુલ ૨.૧ ગણો, ENS એન્ટરપ્રાઇઝિસનો શૅરદીઠ ૯૨ના ભાવનો ૩૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૦.૭ ગણા સહિત કુલ ૧૩ ગણો તથા ટેકનોક્રેટ્સ પ્લાઝમાનો ૧૦ના શૅરદીઠ ૧૩૨ના ભાવનો ૬૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૭૪ ગણા સહિત કુલ ૨૦૩ ગણો ભરાઈને પૂરો થયો છે. હાલ સ્કાયટેકમાં ૧ રૂપિયો, ENSમાં ઝીરો અને ટેકનોક્રેટ્સમાં ૪૩ પ્રીમિયમ ચાલે છે. ફેસિનેટ ટેક્સટાઇલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૫૧ના ભાવનો આશરે ૬૫ કરોડનો ઇશ્યુ બુધવારે પૂરો થવાનો છે. અત્યાર સુધીમાં એ રીટેલમાં ૮૬ ટકા સહિત કુલ ૯૪ ટકા ભરાયો છે.
આજે મેઇન બોર્ડમાં એક સહિત કુલ ત્રણ નવાં ભરણાં ખૂલશે
આજે, બુધવારે કુલ ત્રણ નવા IPO ખૂલશે. મેઇન બોર્ડમાં નવી દિલ્હીની ગાજા ઑલ્ટરનેટિવ એસેટ મૅનેજમેન્ટ કંપની પાંચના શૅરદીઠ ૧૬૦ની અપરબેન્ડમાં કુલ ૫૫૦ કરોડનું ભરણું કરશે. એમાંથી OFS પેટે ૧૦૦ કરોડની રોકડી થશે એના ૬૦ કરોડ પ્રમોટર્સ લઈ જઈ QIB પોર્શન ૫૦ ટકા છે. ૧૯૯૯માં સ્થપાયેલી આ કંપની મિડ-માર્કેટ સેગમેન્ટ ઉપર ફોકસ રાખતાં વિવિધ ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્સનું મૅનેજમેન્ટ કરે છે. ગત વર્ષે ૨૮ ટકા વધારામાં ૧૫૮ કરોડ જેવી આવક ઉપર ૩૨ ટકા વધારામાં ૮૨ કરોડ નેટ નફો કર્યો છે. દેવું વર્ષમાં ૪ કરોડથી વધી ૪૨ કરોડ નજીક પહોંચ્યું છે. ઇશ્યુમાંથી ૩૭૨ કરોડ હાલના તેમ જ નવાં લૉન્ચ થનારાં ફન્ડ્સમાં રોકાણ કરવામાં તથા બ્રિજ લોનની ચુકવણીમાં વપરાશે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૭૦૫૧ લાખ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૭થી શરૂ થઈ ત્યાં જ છે.
SME સેગમેન્ટમાં ગુજરાતના જામનગરની ધનવેલ હાઇબ્રિડ સીડ્સ ૧૦ના શૅરદીઠ ૯૯ની અપરબેન્ડમાં ૨૭ કરોડનો BSE SME IPO કરશે. માર્કેટ મેકર્સ માટે એક કરોડના શૅર અનામત છે. QIB પોર્શન માત્ર ૧.૧ ટકા છે. રીટેલ પોર્શન ૪૯.૪ ટકા છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની વિવિધ પાક તેમ જ શાકભાજી માટેના બિયારણ બનાવીને વેચે છે. ગત વર્ષ ૬૯ ટકા વધારામાં ૬૧૨ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું પોણાઆઠ કરોડ નજીક છે. ઇશ્યુમાંથી ૭૬૦ લાખ દેવાની ચુકવણીમાં તથા ૧૧૬૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
બીજી કંપની થાણેના વસઈ પાલઘર ખાતેની મોપશૉપ ડિસ્ટ્રિબ્યુશન ૧૦ના શૅરદીઠ ૧૩૮ના ભાવથી ૨૭ કરોડનો BSE SME ઇશ્યુ બુધવારે કરશે. એમાંથી ૫૧૮ લાખ પ્રમોટર પ્રકાશ હકીમસિંઘના ઘરમાં જશે. માર્કેટમેકર્સ માટે એક કરોડના શૅર છે. QIB ક્વોટા નથી. રીટેલ પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની ફેસિલિટી મૅનેજમેન્ટ સપ્લાય બિઝનેસમાં છે. એ માઇક્રો ફાઇબર ક્લોથ, સર્ફેસ ડીસ ઇન્ફેક્ટન્ટ્સ, સેન્સર બેઝ્ડ ડિસ્પેન્સર્સ, બાયો-ડીગ્રેડેબલ ગાર્બેજ બૅગ્સ, ટીશ્યુ પેપર્સ, વૅક્યુમ ક્લીનર્સ, અૅરફ્રેશનર્સ ઇત્યાદીનું વેચાણ કરે છે. દેશભરમાં ૩૦૦થી વધુ કલાયન્ટ્સ હોવાનો એનો દાવો છે. ગત વર્ષે ૧૧ ટકા વધારામાં ૪૨ કરોડની આવક ઉપર ૧૪૫ ટકા વધારામાં સાડાત્રણ કરોડ જેવો નફો બતાવ્યો છે. દેવું ૫૧૪ લાખ છે, પરંતુ કંપની ઇશ્યુમાંથી ૧૧૫૦ લાખ દેવાની પરત ચુકવણીમાં વાપરવાની છે - આ કેવું? ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૧૮ ચાલે છે.