બજારના અકબંધ ઉચાટ વચ્ચે મેટલ અને PSU બૅન્ક નિફ્ટી નવા બેસ્ટ લેવલે

27 February, 2026 09:09 AM IST  |  Mumbai | Anil Patel

ગોંડલની શ્રીરામ ટ્‍વિસ્ટેક્સ ૧૧ રૂપિયા અને ક્લીન મૅક્સમાં ૧૭ રૂપિયાનું ગ્રેમાર્કેટમાં ડિસ્કાઉન્ટ બોલાયું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાની ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટીના ભારમાં સોલર સેલ અને પૅનલ્સ ઉત્પાદક શૅર વધુ ઘટ્યા, વિક્રમ સોલર ઑલટાઇમ તળિયે : ઍપલ-પે ભારતમાં લૉન્ચ થવાની શક્યતામાં પાઇન લૅબ્સ ગગડીને વર્સ્ટ લેવલે : ED તરફથી અનિલ અંબાણીનું ૩૭૧૬ કરોડનું લક્ઝુરિયસ હાઉસ ટાંચમાં લેવાયું, રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ પાવરમાં નવા નીચા ભાવ : પરિણામના પગલે સનોફી ઇન્ડિયા સાડાઆઠ વર્ષના તળિયે, સનોફી કન્ઝ્યુમર હેલ્થકૅરમાં ૫૭૫ની તેજી : ગોંડલની શ્રીરામ ટ્‍વિસ્ટેક્સ ૧૧ રૂપિયા અને ક્લીન મૅક્સમાં ૧૭ રૂપિયાનું ગ્રેમાર્કેટમાં ડિસ્કાઉન્ટ બોલાયું 

એશિયન બજારોમાં વધ-ઘટે તેજીની આગેકૂચ ચાલી રહી છે, પણ ભારતીય બજાર હૅપી નથી, માર્કેટમાં ડર સાથે બેચેનીનો માહોલ યથાવત્ છે, કોઈ ટ્રિગર કામ કરતું નથી. સાચાં-ખોટાં સારાં કારણ સુધારો લાવે છે પરંતુ એ સુધારો ટકતો નથી. સૌથી વધુ રમૂજ બિઝનેસ ચૅનલો અને બિઝનેસ પોર્ટલની હાલત જોઈને થાય છે. આગલા દિવસે ૧૦૦૦ પૉઇન્ટ ઘટેલું બજાર વળતા દિવસે જેવું ૫૦૦ પૉઇન્ટ વધે કે તરત તેઓ એ માટેનાં પાંચ કારણ આપવા મંડી પડે છે અને ૫૦૦ પૉઇન્ટ વધ્યા પછી એ ૭૦૦ પૉઇન્ટ ઘટે તો એ માટેનાં ૭ કારણ સમજાવવા મંડી પડે છે. ગજબ તમાશો છે યાર... ઍનીવે, સેન્સેક્સ આગલા બંધથી ૧૪૪ પૉઇન્ટ પ્લસ, ૮૨,૪૧૯ નજીક ખૂલી છેવટે ૨૭ પૉઇન્ટ ઘટી ૮૨,૨૪૭ તથા નિફ્ટી ૧૪ પૉઇન્ટ સુધી ૨૫,૪૯૬ ગઈ કાલે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં ૮૨,૫૭૯ થયેલું માર્કેટ નીચામાં ૮૧,૯૭૦ થયું હતું. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૮૬ શૅર સામે ૧૪૬૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૧૧ લાખ કરોડ વધીને ૪૬૮.૪૯ લાખ કરોડ થયું છે. BSEનો હૉસ્પિટલ ઇન્ડેક્સ સર્વાધિક ૧.૪ ટકા વધ્યો છે એ સૂચક છે (બજારને સારવારની જરૂર છે). મેટલ ઇન્ડેક્સ ૪૧,૦૮૦ની સર્વોચ્ચ સપાટી બતાવી ૧૫૪ પૉઇન્ટ જેવો વધીને ૪૧,૦૭૧ રહ્યો છે. PSU બૅન્ક નિફ્ટી ૯૯૧૯ની ઑલટાઇમ હાઈ નોંધાવી એક ટકો વધીને ૯૮૮૦ થયો છે. એના ૧૨માંથી ૧૦ શૅર પ્લસ હતા. હેલ્થકૅર, કૅપિટલ ગુડ્સ, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પોણો ટકો સુધર્યા હતા. નિફ્ટી ઑટો ૦.૬ ટકા જેવો તો બૅન્ક નિફ્ટી ૧૪૪ પૉઇન્ટ વધ્યો છે. છેલ્લા બેએક મહિનામાં જે સેક્ટર સૌથી વધુ ખરડાયું છે એ IT ઇન્ડેક્સ ગઈ કાલે ઉપરમાં ૩૦,૧૯૭ થઈ ૨૬ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૨૯,૬૭૫ રહ્યો છે. એના ૭૭માંથી ૩૪ શૅર માઇનસ હતા. ફ્રન્ટલાઇનમાં TCS ૦.૭ ટકા પ્લસ હતો. બાકી કોઈની નોંધ લેવા જેવી નથી.

નિફ્ટી ખાતે આઇશર ૮૨૨૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૮૨ રૂપિયા કે ૨.૩ ટકા વધી ૮૧૯૦ થઈ છે. ભારત ઇલેક્ટ્રિક સવાબે ટકા વધીને ૪૪૯ બંધમાં સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બની છે. તાતા સ્ટીલ ૦.૪ ટકા સુધરી ૨૧૫ના શિખરે બંધ થયો છે. JSW સ્ટીલ પણ સાધારણ વધી ૧૨૭૯ની ટોચે બંધ થઈ છે. બજાજ ઑટો ૧૦,૧૮૬ પર ૧૬ મહિનાની નવી ઊંચી સપાટી બનાવી નજીવા સુધારે ૧૦,૧૧૩ હતો. શ્રીરામ ફાઇનૅન્સ ૧૧૦૭ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી પોણાબે ટકા વધી ૧૧૦૪ રહી છે. તાતા મોટર્સ પૅસેન્જર અઢી ટકા, મૅક્સ હેલ્થકૅર બે ટકા, અદાણી પોર્ટ્‍સ સવા ટકો, મારુતિ એક ટકો, સનફાર્મા ૧.૩ ટકા વધી છે. સામે ટ્રેન્ટ ૧.૬ ટકા, એટર્નલ દોઢ ટકો, પાવરગ્રિડ સવા ટકો, HDFC બૅન્ક એકાદ ટકો, અલ્ટ્રાટેક પોણો ટકો નરમ હતી. રિલાયન્સ આગલા દિવસની સવાબે ટકાની નબળાઈ બાદ ગઈ કાલે ૦.૭ ટકા સુધરી ૧૪૦૮ રહી છે.

એશિયા ખાતે સાઉથ કોરિયા પોણાચાર ટકાની તેજીમાં નવી ટૉપ સાથે ૬૩૦૭ વટાવી ગયું છે. થાઇલૅન્ડ સવા ટકો વધીને ૧૯૯૩ પછીની નવી ટોચે બંધ હતું. જૅપનીઝ નિક્કી ૫૯,૩૩૨ની સર્વોચ્ચ સપાટી બનાવી નહીંવત્ સુધારામાં ૫૮૭૨૯ થયો છે. તાઇવાન ૩૫,૫૭૯ના શિખરે જઈ નજીવા સુધારે ૩૫,૪૧૪ હતું. ઑસ્ટ્રેલિયન માર્કેટ અડધો ટકો વધી નવી ઊંચી સપાટીએ ગયું છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, સિંગાપોર પોણો ટકો, ઇન્ડોનેશિયા એક ટકો નરમ હતા. ચાઇના ફ્લૅટ રહ્યું છે. રનિંગમાં લંડન શૅરબજાર ૧૦૮૩૧ની નવી ટોચે જોવા મળ્યું છે. યુરોપનાં અન્ય બજાર સાધારણ સુધારામાં ચાલતાં હતાં. બિટકૉઇન એકાદ ટકો સુધરી ૬૮,૬૨૭ ડૉલરે હતો. બ્રેન્ટ ક્રૂડ એક ટકો ઘટી ૭૦.૨૫ ડૉલર હતું. ચાંદી વાયદો ૪ ટકા ઘટીને ૮૮ ડૉલર તો સોનું અડધા ટકાની વધ-ઘટે ૫૨૦૦ ડૉલર નીચે ગયું છે. કૉપર સવા ટકો, ઍલ્યુમિનિયમ અઢી ટકા તો નિકલ પોણાસાત ટકા ઊંચકાઈ છે.

એસટેક -કૉમર્સના ઇશ્યુએ પેસ -કૉમર્સનું ભરણું યાદ કરાવ્યું

આજે શુક્રવારે થાણેના ભિવંડીની એસટેક ઈ-કૉમર્સ ૧૦ના શૅરદીઠ ૧૧૨ની અપરબૅન્ડમાં કુલ ૪૯ કરોડ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. ઇશ્યુમાં ૫૦ ટકા પોર્શન QIB માટે હોવાથી રીટેલ પોર્શન ૩૫ ટકાનો છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ કંપની ડ્રૉપ શૉપિંગ, ટેલી શૉપિંગ, ક્રૉસ-બૉર્ડર સેલિંગ સહિત ઈ-કમર્શિંગ બિઝનેસ કરે છે. ગયા વર્ષે ૧૬.૮ ટકા વધારામાં ૭૦૪૧ લાખની આવક પર ૭૧ ટકા વૃદ્ધિદરથી ૬૮૮ લાખ નફો બતાવનારી આ કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૪૦૪૪ લાખની આવક તથા ૫૭૪ લાખ નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. દેવું માત્ર ૪૩ લાખ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર અઢીથી ત્રણ રૂપિયાની છે. ઇશ્યુ બાદ ૧૨૦૧ લાખની ઇક્વિટી વધી ૧૬૩૮ લાખ થશે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૬.૭નો PE બતાવે છે.

કંપનીનું પિયર ગ્રુપમાં પેસ ઈ-કૉમર્સનું નામ આવ્યું છે. મતલબ કે પેસ ઈ-કૉમર્સનો બિઝનેસ એસટેક ઈ-કૉમર્સ જેવો છે. પેસ ઈ-કૉમર્સનો કિસ્સો મજાનો છે. પુણેની આ કંપની સપ્ટેમ્બર ૨૦૨૨ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૧૦૩ના ભાવથી ૬૭ કરોડનો ઇશ્યુ લાવી હતી એમાં ૨૫ કરોડ ઑફર ફૉર સેલના હતા. ૨૯ સપ્ટેમ્બરે ખૂલેલો આ BSE SME IPO નબળા પ્રતિસાદને કારણે એકથી વધુ વાર મુદત લંબાવાને કારણે છેક ૧૩ ઑક્ટોબરે બંધ થયો હતો. ૨૦ ઑક્ટોબર ૨૦૨૨ના રોજ લિસ્ટિંગમાં ભાવ ૧૦૯ ઉપર બંધ થયો હતો. ૨૪ ઑક્ટોબરે એમાં ૧૨૧ નજીકની ઑલટાઇમ હાઈ બની હતી ત્યાંથી ભાવ એક જ મહિનામાં ગગડીને નીચામાં ૩૨ દેખાયો હતો. તાજેતરમાં બુધવારે ભાવ ૧૫ની નીચે ઑલટાઇમ તળિયે જઈ ૪.૮ ટકા ગગડી ૧૫ બંધ થયો હતો. શૅર ગઈ કાલે નીચામાં ૧૪.૯૯ બતાવી ૧.૧ ટકા વધી ૧૫.૨૦ રહ્યો છે. બાય ધ વે, પેસ ઈ-કૉમર્સના પ્રમોટર શૈવલ ધર્મેન્દ્ર ગાંધીએ ખોટા કારણસર એક જમાનામાં જગબત્રીસીએ ચડેલા અમદાવાદી ધરેન્દ્ર ગ્રુપના પ્રમોટર્સના વંશજ છે.

ઍપલ-પેના આગમનનાં એંધાણે ફિનટેક શૅરોમાં પ્રેશર જોવા મળ્યું

ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં હરીફાઈ વધવાનાં એંધાણ છે. વૈશ્વિક જાયન્ટ ઍપલ તરફથી ભારતમાં ઍપલ-પે લૉન્ચ કરવાની કવાયત શરૂ થઈ છે. ઍપલે આ મામલે HDFC બૅન્ક, ICICI બૅન્ક, ઍક્સિસ બૅન્ક તેમ જ વીઝા ઇન્કૉર્પોરેશન અને માસ્ટરકાર્ડ ઇન્કૉર્પોરેશન સાથે વાતચીત શરૂ કરી હોવાના અહેવાલ છે. આના પગલે કેટલાક ફિનટેક શૅર ગઈ કાલે પ્રેશરમાં જોવા મળ્યા હતા. ત્રણેક મહિના પૂર્વે શૅરદીઠ ૨૨૧ના ભાવે ૩૯૦૦ કરોડનો ઇશ્યુ લાવનારી પાઇન લૅબ્સ ૧૮૯ના વર્સ્ટ લેવલે જઈ ૪.૪ ટકા તૂટી ૧૯૦ બંધ થઈ છે. પેટીએમ નીચામાં ૧૧૦૪ બતાવી એક ટકો ઘટી ૧૧૨૨ તો વન મોબીક્વિક સિસ્ટમ્સ ૧૯૯ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સવા ટકો ઘટીને ૨૦૦ હતી. અગાઉ ઇન્ફીબીમ ઍવન્યુઝ તરીકે ઓળખાતી ઍવન્યુઝ એઆઇ લિમિટેડ નીચામાં પોણાસત્તર થઈ ૨.૭ ટકા ઘટી ૧૬.૮૩ હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) તરફથી મની-લૉન્ડરિંગને લગતા કાયદા હેઠળ અનિલ અંબાણીનું પાલીહિલ ખાતેનું ૧૭ માળનું આશરે ૩૭૧૬ કરોડ રૂપિયાનું લક્ઝુરિયસ હાઉસ ટાંચમાં લીધું છે. અનિલ ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શૅર ગઈ કાલે ૯૩ અંદરની ૪૪ મહિનાની નીચી સપાટી બનાવી ચાર ટકા ગગડી ૯૪ નજીક બંધ થયો છે. ૨૭ જૂન ૨૦૨૫માં ભાવ ૪૨૫ની સપ્ટેમ્બર ૨૦૧૮ પછીની ટોચે જોવા મળ્યો હતો. જ્યારે રિલાયન્સ પાવર ૨૪.૯૦ની ૨૧ મહિનાની નીચી સપાટી દેખાડી સવા ટકો ઘટી ૨૫.૨૩ રહ્યો છે. ૯ જૂન ૨૦૨૫ના રોજ એમાં ૭૬.૫૦ની ૧ ઑક્ટોબર ૨૦૧૪ પછીની ટૉપ બની હતી.

તાતા ગ્રુપની તેજસ નેટવર્ક્‍સ નેક (NEC) કૉર્પોરેશન સાથે 5G માસિવ MIMO રેડિયોઝના ઉત્પાદન અને સપ્લાય માટે પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટ થયો હોવાને પગલે શૅર ૧૨૫ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૮૧ થઈ ૧૭.૧ ટકાના જમ્પમાં ૩૭૨ બંધ થયો છે. અમેરિકા તરફથી ભારતીય બનાવટના સોલર સેલ તથા પૅનલ્સ પર ૧૨૬ ટકાની ઍન્ટિ ડમ્પિંગ ડ્યુટીના પગલે આગલા દિવસની ખરાબી આગળ ધપાવતાં વિક્રમ સોલર ૧૬૩ના ઑલટાઇમ તળિયે જઈ ૫.૨ ટકા તૂટી ૧૬૬, પ્રીમિયર એનર્જીઝ નીચામાં ૭૧૪ થઈ પોણો ટકો ઘટીને ૭૨૩, વેબસોલ એનર્જી ૦.૨ ટકા ઘટી ૫૭, સોલેક્સ એનર્જી અડધો ટકો ઘટી ૮૮૭, સાત્ત્વકિ ગ્રીન ૨.૪ ટકા ઘટી ૩૭૧ બંધ હતી. વારિ એનર્જીઝ ૦.૪ ટકા સુધરી ૨૭૧૯ રહી છે.

લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ ગોદિયમમાં રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાય છે

આજે શુક્રવારે મેઇનબોર્ડમાં નવી દિલ્હીની ગોદિયમ IVF તથા SME કંપની મણિલમ ઇન્ડસ્ટ્રીઝનું લિસ્ટિંગ થવાનું છે. ગોદિયમમાં હાલ ગ્રેમાર્કેટ ખાતે ૪ રૂપિયા ડિસ્કાઉન્ટ બોલાય છે. મણિલમમાં પહેલેથી કોઈ સોદા નથી. દરમ્યાન હાઈ-પ્રોફાઇલ ક્લીન મૅક્સ એન્વિરોમાં ડિસ્કાઉન્ટ વધીને ૧૭ થઈ ગયું છે. એકના શૅરદીઠ ૧૦૫૩ના ભાવનો અતિ મોંઘો એવો ૩૧૦૦ કરોડનો આ ઇશ્યુ માંડ એક ગણો ભરાયો છે. રીટેલ પોર્શન માત્ર ૭ ટકા અને HNI પોર્શન ૫૭ ટકા જ ભરાયો છે. કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૧૦૦નું ડિસ્કાઉન્ટ હતું છતાં એમ્પ્લૉઈ ક્વોટા ફક્ત ૧૧ ટકા ભરાયો છે. લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થશે એમ નક્કી લાગે છે. આઠ-આઠ મોટા લીડ મૅનેજર હોવા છતાં ભરણું ૧૦૦ ટકા ભરાયું નથી એની નવાઈ છે. ગોવિંદનાથ ગાડગીળ ગ્રુપની PNGS રેવા ડાયમન્ડ જ્વેલરી પણ એક તબક્કે બોલાતા ૨૧ના પ્રીમિયમમાંથી એક રૂપિયાના ડિસ્કાઉન્ટમાં આવી ગઈ  છે. ૧૦ના શૅરદીઠ ૩૮૬ની ઇશ્યુ પ્રાઇસ સાથે કુલ ૩૮૦ કરોડનો આ ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૧.૩ ગણા સહિત કુલ ૧.૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. રાજકોટની ઓમ્નીટેક એન્જિનિયરિંગનો પાંચના શૅરદીઠ ૨૨૭ના ભાવનો ૫૮૩ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઝીરોથી ત્રણ થઈ ગયું છે. અંધેરી-વેસ્ટની યાપ ડિજિટલનો ૧૦ના શૅરદીઠ ૧૪૫ના ભાવનો ૮૦૧૧ લાખનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ દોઢ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઝીરો ચાલે છે.

ઘાટકોપર-વેસ્ટની સ્ટ્રાઇડર્સ ઇમ્પૅક્સનો ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવનો ૩૬ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૨૫ ટકા સહિત કુલ ૭૫ ટકા જેવો ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. આગલા દિવસે ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ આપનાર લાતુરની યશતેજ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૭૯ની નવી બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ રહી છે. ફ્રેક્ટલ ઇન્ડસ્ટ્રીઝ ૧૯૬નું નવું બૉટમ નોંધાવી ૪.૪ ટકા વધી ૨૧૬ હતી.

લુપિનની ઑફિસે GSTની ઝડતી લેવાઈ, શૅર વધીને ૧૩ મહિનાની ટોચે

ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝ એક શૅરદીઠ ૩ના બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૮૩૫ થઈ ૦.૩ ટકા ઘટી ૭૯૯ રહ્યા છે. એન્જલ વન ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ઉપર ૨૫૫ થઈ ૧.૧ ટકા ઘટી ૨૪૬ હતો. હિન્દુસ્તાન અર્બન ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૪૦૦ થઈ ૧.૪ ટકા વધી ૨૩૧૫ હતો. સનોફી ઇન્ડિયા બીજી ડિસેમ્બરે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૮.૫ ટકા ઘટાડામાં ૪૨૦ કરોડ જેવી આવક પર ૩૨.૪ ટકાના ગાબડામાં ૬૧૭૦ લાખ નેટ નફો કર્યો છે. શૅર ૩૯૫૧ની સાડાઆઠ વર્ષની બૉટમ બનાવી ૩.૨ ટકા કે ૧૩૪ રૂપિયા ઘટીને ૪૦૦૫ બંધ થયો છે. કેએસબી લિમિટેડે આઠેક ટકા વધારામાં ૭૮૪ કરોડની આવક પર નવા લેબર કોડને કારણે ૨૫૫૦ લાખની વન ટાઇમ પ્રોવિઝન કર્યા પછી પણ ૧૦.૮ ટકા વધારામાં ૮૧ કરોડ નફો કરતાં ભાવ ૩૯૧ ગણા કામકાજે ૮૦૫ થઈ ૯ ટકા ઊછળી ૩૮૩ થયો છે. સનોફી ઇન્ડિયાના હેલ્થકૅર બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી સનોફી કન્ઝ્યુમર હેલ્થકૅર ઇન્ડિયાએ ૪૭ ટકા વધારામાં ૧૭૧ કરોડની આવક પર ૫૦ ટકા વૃદ્ધિદરથી ૬૬૫૦ લાખ ચોખ્ખો નફો મેળવતાં શૅર ૧૧૧ ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૮૦૭ થઈ ૧૪.૪ ટકા કે ૫૭૫ રૂપિયા ઊછળી ૪૫૮૧ થયો છે.

શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સને સ્થાનિક ફાર્મા કંપની તરફથી ૪૨૩ કરોડનો ઑર્ડર મળતાં શૅર ઉપરમાં ૨૦૫૦ નજીક જઈ ૨.૪ ટકા વધી ૧૯૮૫ રહ્યો છે. લુપિનની ઑફિસે મહારાષ્ટ્ર GST ડિપાર્ટમેન્ટ તરફથી ઝડતીની કાર્યવાહી હાથ ધરી છે. શૅર ૨૩૩૧ની ૧૩ મહિનાની ટૉપ બનાવી ૧.૪ ટકા વધી ૨૩૨૪ હતો. ડિક્સન ટેક્નૉલૉજીઝ દ્વારા આદિત્ય ઇન્ફોટેકમાં સવાછ ટકાના હોલ્ડિંગમાંથી પોણાચાર ટકા હિસ્સો શૅરદીઠ ૧૪૭૦ના ભાવે વેચી ૬૬૧ કરોડ ઊભા કરાયા છે. ડિક્સન ટેક્નૉલૉજીઝ ૧૦૪૬૦ થઈ ૨.૭ ટકા ગગડી ૧૦૧૧૯ હતો.

business news stock market share market national stock exchange bombay stock exchange nifty sensex