02 February, 2026 10:05 AM IST | Mumbai | Jayesh Chitalia
ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની બહાર લાગેલી મોટી ટીવી-સ્ક્રીન પર ચાલતી બજેટની છણાવટ.
આમ તો શૅરબજાર છેલ્લા કેટલાક દિવસોથી નિરાશાજનક ટ્રેન્ડમાં ચાલતું હતું. ટ્રમ્પ-ટૅરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતાનાં કારણો સાથે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII)ની સતત નેટ વેચવાલી પણ બજારના કડાકા-કરેક્શન માટે જવાબદાર રહી હતી. જોકે બજેટ પાસે આ મામલે રિવાઇવલ કે રિકવરીની આશા હતી જે હાલ તો દુકાળમાં અધિક માસ જેવી સાબિત થઈ છે. હાલ તો બજેટની જોગવાઈના અર્થઘટન અને વિદેશી-ગ્લોબલ ઇન્વેસ્ટર્સના પ્રતિભાવોની પણ રાહ જોવી પડશે. બજારનો વધવાનો સ્કોપ દેખાતો નથી, પરંતુ ઘટવામાં હજી કેટલું ઘટશે એનો ભય ઊભો છે.
નાણાપ્રધાનના નવમા બજેટમાં નવું કંઈ નથી એવું પહેલી નજરે લાગે, ખાસ કરીને શૅરબજાર માટે. આ બજેટમાં માત્ર નવું નથી એટલું જ નહીં, શૅરબજાર માટે ક્યાંક કંઈક અંશે નેગેટિવ પણ લાગે છે. જોકે આ પ્રતિભાવ અને અભિપ્રાય પ્રથમદર્શી ગણી શકાય. એમ છતાં અનુભવીઓના મતે વર્તમાન માર્કેટ-કરેક્શન ખરીદીની તક માની શકાય, કેમ કે બજેટમાં લાંબા ગાળા માટે એવું ઘણું છે જે ભારતીય અર્થતંત્રના વિકાસને વેગ આપવામાં ભૂમિકા ભજવશે જેના માટે ધીરજ રાખવી જોઈશે. અલબત્ત, આમાં ગ્લોબલ પરિબળોનો સાથ પણ જરૂરી બને.
STT અને કૅપિટલ ગેઇન ટૅક્સ
આમ તો દર વખતે બજેટ પાસે શૅરબજાર કાયમ ઊંચી અપેક્ષા રાખીને બેસતું હોય છે એટલે અપેક્ષાભંગ પર નિરાશ થવાનો એનો પરંપરાગત ટ્રેન્ડ છે. ફ્યુચર્સ અને ઑપ્શન્સના સોદાઓ પર સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) ૫૦થી ૧૫૦ ટકા વધારી દેવાયો છે જે સેગમેન્ટના વૉલ્યુમને અસર કરી શકે છે. જોકે અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે આ સેગમેન્ટ માટે ઑલરેડી નિયમનકાર SEBI (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) ચેતવણી આપતું જ રહ્યું છે કે આ સેગમેન્ટમાં દસમાંથી ૯ ઇન્વેસ્ટર્સ (આમ તો તેમને ટ્રેડર્સ કે સ્પેક્યુલેટર્સ જ કહેવાય) ગુમાવતા હોય છે એટલે આ સેગમેન્ટમાં વૉલ્યુમ ઘટે તો એ નાણાપ્રવાહ ઇક્વિટી માર્કેટમાં આવી શકે. આમ પણ ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (F&O)ને ડિસકરેજ કરવાનો અર્થ સટ્ટાકીય પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા સમાન છે. એમ છતાં જો આ સેગમેન્ટમાં સટોડિયાઓ વધુ કામકાજ કરતા રહેશે તો સરકારની STTની આવક વધશે. જોકે માર્કેટને આ વખતે કૅપિટલ ગેઇન ટૅક્સમાં ઘટાડાની ઊંચી આશા હતી એના પર નાણાપ્રધાને ઠંડું પાણી ફેરવી દીધું છે. ખરેખર તો કૅપિટલ ગેઇન ટૅક્સ અને STT બન્નેને હોવા અને વધવા વાજબી ગણાય નહીં. STT વધવાના કિસ્સામાં કૅપિટલ ગેઇન ટૅક્સમાં ઘટાડાની આશા હોવી કે રાખવી વાજબી હતી. સરકાર જો બચતકારોનું રોકાણકારોમાં રૂપાંતર કરવા માગતી હોય તો કૅપિટલ ગેઇન ટૅક્સની રાહત આવશ્યક હતી.
બૅન્કિંગ-ફાઇનૅન્શિયલ સેક્ટર માટે મોટી આશા
રવિવારે ભારત સરકારનું બજેટ હોવાથી શૅરબજાર ભલે ચાલુ રહ્યું હોય, પરંતુ સન્ડેને કારણે ગ્લોબલ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો ગેરહાજર હતા જેઓ ઘણા સમયથી નેટ સેલર્સ રહ્યા છે. તેઓ આ બજેટ બાદ નવા સપ્તાહમાં પણ નેટ સેલર્સ તરીકે ચાલુ રહે એવી ધારણા છે. આમ પણ બજાર માટે તરતમાં કોઈ નોંધપાત્ર લાભ કે આકર્ષણ નથી. એક પૉઝિટિવ પૉઇન્ટ જોવામાં આવે તો વિદેશોમાં રહેતા ભારતીયો ભારતીય ઇક્વિટીમાં સીધા રોકાણ કરી શકશે અને પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ (PMS) મારફત ભાગ લઈ શકશે. વધુ એક સકારાત્મક પૉઇન્ટમાં બૅન્કિંગ સેક્ટર માટે નાણાપ્રધાને સ્થાપેલી એક હાઈ લેવલ કમિટીનો સમાવેશ થાય છે. આ કમિટી માત્ર વન-ટાઇમ નહીં હોય, બલ્કે સ્ટૅન્ડિંગ કમિટી હશે જે ભારતીય બૅન્કિંગ સેક્ટર અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની (NBFC)માં બહુ જ મહત્ત્વના સુધારા દાખલ કરશે. આગામી સમયને ધ્યાનમાં રાખતાં ફાઇનૅન્શિયલ સેક્ટરનું ગ્લોબલ લેવલનું બનવું જરૂરી બની ગયું છે. સ્ટૉકમાર્કેટ માટે કંપનીઓના શૅર્સ બાયબૅકના કિસ્સામાં રોકાણકારોને રાહત થાય એવી જોગવાઈ કરવામાં આવી છે. જોકે ઓવરઑલ બજેટને જોતાં ટૂંકા ગાળામાં તો ફૉરેન ઇન્વેસ્ટર્સ નવા સપ્તાહમાં - સોમવારે નેટ સેલર્સ તરીકે જ સક્રિય રહે એવી શક્યતા વધુ છે. આમ પણ અત્યારે ગ્લોબલ સંજોગો અનિશ્ચિતતાથી ભરેલા છે, અમેરિકાની ઇકૉનૉમી અને ટૅરિફનાં તિકડમ હજી ઊભાં જ છે જે બજારને સ્થિર થવા દેશે નહીં. અર્થાત્ હાલ તો બજાર ડાઉન જવાની ધારણા મજબૂત બની રહી છે.
ડેટા સેન્ટરથી લઈને વિવિધ સેક્ટરને રાહત
બજેટમાં એક ધ્યાનાકર્ષક મુદો દેખાય છે એ લાંબા ગાળાનો હોવા છતાં ભાવિને મજબૂત દિશામાં લઈ જનારો જણાય છે. બજેટે વિદેશી કંપનીઓને ભારતમાં ડેટા સેન્ટર સ્થાપવા સામે ટૅક્સ-હૉલિડે (કરમુક્તિ)ની છૂટ આપી છે, એ પણ ૨૦૪૭ સુધી, જ્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય છે. મેનપાવર, ટૅલન્ટ અને વિકાસ-સંભાવનાને ધ્યાનમાં રાખતાં ડેટા સેન્ટર્સ માટે ભારત મહત્ત્વનું સ્થળ છે. બજેટે ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત હવે સર્વિસ સેક્ટર પર વિશેષ ધ્યાન આપવાનો અભિગમ રાખ્યો છે. એમાં બાયો ફાર્મા, સેમી-કન્ડક્ટર, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ઇનોવેશન, કૃષિ, ટેક્સટાઇલ્સ, ઇલેક્ટ્રૉનિકસ, આયુષ-આયુર્વેદિક, ખાદી, ગ્રામ્ય ક્ષેત્ર, શહેરી ક્ષેત્ર, મેડિકલ ટૂરિઝમ, હેલ્થકૅર, એજ્યુકેશન સેક્ટર વગેરેને પણ લાંબા ગાળા માટે આવરી લેવાયાં છે. આ સાથે માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ સેક્ટર એન્ટરપ્રાઇસિસ (MSME)ને વેગ તેમ જ પ્રોત્સાહન આપવાનો અભિગમ રખાયો છે. બજેટે સ્પોર્ટ્સ સેક્ટર તેમ જ સ્કિલ ડેવલપમેન્ટને પણ બૂસ્ટ કરવાનો નક્કર પ્રયાસ કર્યો છે. સરકારની સબકા સાથ, સબકા વિકાસની નીતિને જાળવી રાખી છે એટલું જ નહીં, એના પર ફોકસ વધાર્યું છે. સર્વસમાવેશ અને રોજગાર-સર્જન પર સરકારનું લક્ષ્ય રહ્યું છે, જેના પર દરેક બજેટમાં ભાર મુકાય છે. આ વખતે યુવાશક્તિ નામે એને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સ્પેશ્યલ REITs
એક નોંધપાત્ર જોગવાઈમાં બજેટે જાહેર ક્ષેત્રનાં સાહસોના રિયલ એસ્ટેટ સેક્ટર માટે સ્પેશ્યલ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs)ની જાહેરાત કરી છે. એ જ રીતે બજેટમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે બૉન્ડ્સને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અંદાજપત્રમાં દરેક સેક્ટર માટે કંઈક ને કંઈક નવું અને બૂસ્ટર સમાન છે. ઇન્કમ-ટૅક્સ સંબંધી ગયા બજેટમાં નાણાપ્રધાને ભરપૂર રાહત આપી હતી. હવે આ જ માળખામાં સરળતારૂપે રાહતો અપાઈ છે જેની તરતમાં અસર નહીં દેખાય. મધ્યમ વર્ગને ગયા વરસે આવકવેરાની મર્યાદા વધારીને બજેટે મોટી રાહત આપી દીધી હતી. હવે આ બજેટમાં એને અન્ય સ્વરૂપે સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અલબત્ત, નાણાપ્રધાને કસ્ટમ્સ અને એક્સાઇઝ ડ્યુટીમાં ચોક્કસ રાહત આપી છે જેની અસર માટે રાહ જોવી પડશે. હાલ તો સેન્સેક્સ ૧૫૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૫૦૦ પૉઇન્ટ તૂટીને બંધ રહ્યા હતા. આગામી દિવસોમાં વધુ ઘટાડા જોવાની તૈયારી રાખવી પડશે.