01 April, 2025 06:51 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
નવું નાણાકીય વર્ષ ચાલુ થઈ રહ્યું છે, પરંતુ નવા વર્ષમાં નવી આશા કરતાં અનિશ્ચિતતા વધુ ઊભી છે. ટ્રમ્પ સરકાર ન પોતે જંપીને બેસશે, ન બીજા દેશોને જંપીને બેસવા દેશે. તમામ અર્થતંત્રોની ગ્લોબલ અસરો વચ્ચે શૅરબજારની રિકવરીની ગાડી આગળ વધશે કે નહીં એ સવાલ સાથે ઇન્વેસ્ટર્સ વર્ગે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવાનું રહેશે. હવે પછી કરેક્શનની ગાડી ધીમી પડવાની અને રિકવરીની ગાડી વેગ પકડવાની ઉમ્મીદ છે, જેનો આરંભ ટૂંક સમયમાં રિઝર્વ બૅન્કનાં પગલાં અને સંકેતોથી થશે. જોકે ટ્રમ્પનો ડ્યુટી-અટૅક પણ માથે ઊભો છે
નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ પૂરું થયું. અડધું વર્ષ તેજીમય અને અડધું વર્ષ મંદીમય રહ્યું કહી શકાય. ખાસ કરીને ટ્રમ્પના આગમન પહેલાં સર્જાયેલા સંકેતોથી અને આગમન બાદ જાહેર થયેલાં પગલાંને લીધે શૅરબજારમાં નિરાશાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. FIIની એકધારી આક્રમક વેચવાલીએ અને ભારતીય અર્થતંત્રની ધીમી પડેલી આર્થિક વિકાસની ગતિએ બજારને ઘટવા માટે નક્કર કારણો આપ્યાં હતાં. ડૉલર સામે રૂપિયાની નબળાઈ અને ભારતીય કૉર્પોરેટ અર્નિંગ્સની નબળાઈ પણ કારણ બની હતી. આમ પણ શરૂના છ મહિનાની તેજીએ અતિરેક કર્યો હતો જેથી માર્કેટે કરેક્શન મોડમાં જવાનું જ હતું, એને કારણો મળી ગયાં. હાલ યુએસ-ટ્રમ્પ ફૅક્ટરની અનિશ્ચિતતા માથે ઊભી છે અને રહેશે એવો તાલ છે, છતાં રિકવરીનો સમય શરૂ થયો છે એવી આશા સાથે લાંબા ગાળાનું રોકાણ આયોજન સિલેક્ટેડ સ્ટૉક્સ મારફત અને મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓ મારફત પ્લાન કરવાનો ઉત્તમ સમય ગણાય.
કરેક્શનને બ્રેક - રિકવરીને મળ્યો ટ્રૅક
તાજેતરના દિવસોમાં જોવાયું કે ભારતીય શૅરબજારે કડાકા-હેવી કરેક્શનની ગાડી ધીમી પાડી દીધી છે યા કહો કે બ્રેક લગાવી દીધી છે અને એને સ્થાને રિકવરીની ગાડી શરૂ કરી દીધી છે. ટ્રમ્પસાહેબના ટ્રેડ ટૅરિફના નિર્ણયો ગ્લોબલ સ્તરે તો અસર કર્યા કરશે અને ભારતને પણ ચોક્કસ બાબતે અસર કર્યા વિના નહીં રહે. આ અસરો સેક્ટરવાઇઝ પણ હોઈ શકે અને ઓવરઑલ સેન્ટિમેન્ટ પર પણ થઈ શકે. બાકી આપણી સરકારે આર્થિક વિકાસને વેગ આપવા પર ધ્યાન આપવાનું છે જે આપણી માર્કેટને વેગ આપવામાં અને વિદેશી રોકાણપ્રવાહને દેશમાં લાવવામાં-વધારવામાં સહભાગી બનશે.
રીટેલ ઇન્વેસ્ટર્સની ગતિવિધિ
ભારતીય માર્કેટમાં લાંબા સમય બાદ એવું જોવા મળ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૪થી અને નોંધપાત્ર પ્રમાણમાં ડિસેમ્બર ૨૦૨૩થી રીટેલ ઇન્વેસ્ટર્સ નેટ વેચવાલ બન્યા. છેલ્લા છ મહિનામાં આ માર્ચનું બજાર મજબૂત અને રિકવરીલક્ષી રહ્યું હોવા છતાં રીટેલ રોકાણકારોએ પ્રૉફિટ બુક કરવાનું પસંદ કરી વેચાણ ચાલુ રાખ્યું હતું. આ સમયગાળામાં, ખાસ કરીને માર્ચમાં રીટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા આશરે ૧૦,૫૦૦ કરોડ રૂપિયાનું નેટ વેચાણ રહ્યું. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આ સમયમાં નેટ બાયર્સ બની રહ્યા અને ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ સેલર રહ્યા હતા.
રીટેલ ઇન્વેસ્ટર્સમાં મહત્તમ પગારદાર વર્ગ રહ્યો, જેઓ ટૅક્સ બચાવવા માટેનાં સાધનોમાં રોકાણ કરવા અથવા ટૅક્સ હાર્વેસ્ટિંગ (પ્રૉફિટ-લૉસ ઍડ્જસ્ટ કરવા) માટે નફા-નુકસાનને બેધ્યાન કરી શૅર્સ વેચતા રહ્યા. અલબત્ત, માર્કેટની વૉલેટિલિટી પણ રીટેલ રોકાણકારોને કંઈક અંશે ડરાવીને બજાર બહાર લઈ ગઈ. છેલ્લા છ મહિનાના લાંબા કરેક્શનના સમયગાળામાં રોકાણકારો માર્કેટને છોડી બહાર નીકળતા ગયા, જ્યારે કે નવા રોકાણકારો તો આવતા જ અટકી ગયા. આમાં પણ સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં ભારે માર ખાનાર રોકાણકારો વધુ હતા. ફૉરેન ઇન્વેસ્ટર્સની એકધારી આક્રમક વેચવાલીએ પણ નાના રોકાણકારોને વેચાણ તરફ વળી જવા મજબૂર કર્યા હતા, કારણ કે તેમનો વિશ્વાસ ડગમગી ગયો હતો. જોકે માર્ચના અંત ભાગમાં નવો અને પૉઝિટિવ ટર્ન જોવા મળ્યો એ લાખો રોકાણકારો પોતે ઉતાવળ કરી યા ખોટા ગભરાઈ ગયા એવું ફીલ કરવા લાગ્યા હતા.
રિકવરીની ધીમી શરૂઆત
આ સમય ગાળામાં રૂપિયામાં પણ રિકવરી જોવાઈ, યુએસ ઇકૉનૉમી નબળી પડી, યુએસ ફેડ તરફથી વ્યાજદર ટાળવામાં આવ્યો, સોનાના ઊંચકાતા ભાવો જોઈ રોકાણકારો ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ તરફ પણ વળ્યા. વિશ્વની સેન્ટ્રલ બૅન્કો પણ સોનાની રિઝર્વ વધારતી ગઈ. આમ ઇક્વિટીઝ સામે સોનામાં વધુ ચળકાટ જોવામાં આવ્યો. FII ધીમે-ધીમે પાછા ફરવાના શરૂ થયા, પરંતુ નાના-રીટેલ રોકાણકારો સાચવીને આગળ વધી રહ્યા છે, તેમને જોખમ કરતાં સલામતી વધુ પસંદ પડી રહી છે જે તેમનો બેઝિક સ્વભાવ છે.
સપ્તાહમાં રિકવરી અને
કરેક્શન બન્ને રહ્યા
અગાઉના તેજીમય સપ્તાહ બાદ વીતેલા સપ્તાહમાં સોમવાર અને મંગળવારે પણ રિકવરીનો દોર ચાલુ રહ્યો હતો જે મંગળવારે ઢીલો પડ્યો અને બુધવારે ફરી કરેક્શનનાં દર્શન કરાવ્યાં. જોકે આ કરેક્શનનું કારણ ટ્રમ્પ સરકારની ટૅરિફ બાબતની અનિશ્ચિતતા જ હતું. ચોક્કસ સેક્ટર પર એની અસરની સંભાવનાને ધ્યાનમાં રાખી સંબંધિત સેક્ટરના સ્ટૉક્સ તુટ્યા હતા. આ ઉપરાંત સપ્તાહ લાંબી તેજી બાદ સ્માર્ટ રોકાણકારો પ્રૉફિટ લેવા પણ સક્રિય થયા હતા. વળી ક્રૂડના ભાવની વૃદ્ધિ તથા રૂપિયાની ફરી નબળાઈ પણ કરેક્શનનું પરિબળ બની હતી. ગુરુવારે માર્કેટ સાધારણ રિકવરી સાથે આગળ વધ્યું, જેનો અર્થ એ કરી શકાય કે એનું સેન્ટિમેન્ટ આશાવાદી બન્યું છે. ટ્રમ્પની ટ્રબલ વચ્ચે પણ રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો છે, ભય ઘટ્યો છે, હિંમત વધી છે. જોકે શુક્રવારે પુનઃ કરેક્શન જોવાયું અને માર્કેટ સાધારણ નીચે બંધ રહ્યું. મજાની વાત એ ગણી શકાય કે FII નેટ બાયર્સ બની રહ્યા છે. આ ટ્રેન્ડ સામે પડકાર ટૅરિફ ટ્રબલ અને એને કારણે સર્જાતી અનિશ્ચિતતાનો છે.
૨૦૨૪-’૨૫નું વર્ષ રોલર-કોસ્ટર
નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ (એપ્રિલથી માર્ચ) પર નજર કરીએ તો ભારતીય ઇક્વિટી માર્કેટમાં સપ્ટેમ્બર સુધી સતત નવી ઊંચાઈ બનાવતું રહ્યું હતું, પરંતુ સપ્ટેમ્બર બાદ હેવી કરેક્શનનો આરંભ થયો જે માર્ચ સુધી ચાલતો રહ્યો જેમાં ફૉરેન ઇન્વેસ્ટર્સનું એકધારું વેચાણ તેમ જ કૉર્પોરેટ અર્નિંગ્સનો ઘટાડો અને ટ્રમ્પના ટૅરિફ વિશેના નિર્ણયો નકારાત્મક કારણ બન્યાં હતાં. આમ વર્ષ આખું રોલર-કોસ્ટરનું બની રહ્યું હતું, છતાં સેન્સેક્સ અને નિફ્ટીએ પાંચ ટકા જેવું વળતર આપ્યું કહી શકાય. આમ પૉઝિટિવ વળતરનું આ સળંગ બીજું વર્ષ હતું. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સનું વળતર ૧૦ ટકા જેટલું રહ્યું, મિડકૅપ ઇન્ડેક્સ સાત ટકા અને સ્મૉલકૅપ ઇન્ડેક્સે પાંચ ટકાથી વધુ વળતર આપ્યું હતું. સેક્ટરવાઇઝ જોઈએ તો નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસમાં ૧૯ ટકા, જ્યારે મેટલ અને ફાર્મામાં ડબલ ડિજિટ વળતર છૂટ્યું હતું.
બે મહિના સતત વેચાણ કરી રોકાણ પાછું લઈ ગયા બાદ આ માર્ચમાં FII નેટ બાયર્સ બની રહ્યા જેમાં રિઝર્વ બૅન્ક રેટ-કટ કરશે એવો આશાવાદ પણ કામ કરી ગયો હતો અને વૅલ્યુએશન પણ વાજબી સ્તરે આવતા ગયા હોવાનું કારણ પણ નિમિત્ત બન્યું. અન્યથા માર્ચના પ્રથમ હાફમાં તેઓ નેટ સેલર્સ હતા.
આ ૧૦ સ્ટૉક્સ પર નજર રાખી શકાય
દરમ્યાન ગ્લોબલ બ્રોકિંગ હાઉસ ગોલ્ડમૅન સેક્સ દ્વારા ૧૦ ભારતીય સ્ટૉક્સ માટે ઊંચા વળતરની ધારણા-આશા વ્યક્ત કરાઈ છે. આ સ્ટૉક્સમાં એચડીએફસી બૅન્ક, એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, જીસીપીએલ, ઇન્ડિગો, મેક માય ટ્રીપ, અદાણી પોર્ટ્સ, ટાઇટન, મહિન્દ્ર-મહિન્દ્ર, પાવર ગ્રીડ, અપોલો હૉસ્પિટલનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં બ્રોકરેજ હાઉસિસના મતે ગ્રોથની અને બહેતર વળતરની સંભાવના ઊંચી છે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
સપ્તાહ દરમ્યાન પૉઝિટિવ અહેવાલ એ હતા કે કૅબિનેટે ઇલેકટ્રૉનિક કમ્પોનન્ટ્સ ઉત્પાદન ક્ષેત્ર માટે ૨૨,૯૦૦ કરોડનું ફન્ડ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI) સ્વરૂપે ફાળવ્યું હતું.
SEBIએ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ વિશે ધોરણો હળવાં કર્યાં જેમાં માત્ર ટ્રેડિંગ મર્યાદાનું નિરીક્ષણ કરવાની જોગવાઈ રખાઈ છે, પેનલ્ટી રાખી નથી.
SEBIએ તેની નોટિસનો જવાબ નહીં આપનાર ૭૨ રિસર્ચ ઍનૅલિસ્ટ્સના અને રજિસ્ટર્ડ ઍડ્વાઇઝર્સનાં લાઇસન્સ રદ કર્યા છે.
વર્ષ ૨૦૨૪-’૨૫માં ગોલ્ડમાં ૩૧ ટકાનું વળતર, ચાંદીમાં ૩૫ ટકા વળતર, સેન્સેક્સ-નિફ્ટીમાં પાંચ ટકા, બૅન્ક નિફ્ટીમાં ૯ ટકા વળતર ઊપજ્યું હોવાનું નોંધાયું છે.
હવે એપ્રિલમાં રિઝર્વ બૅન્કના રેટ-કટનાં પગલાં અને સંકેતો પર બજારની નજર રહેશે.
વિશેષ ટિપ
શૅરબજારને સટ્ટાબજાર કહેવાય છે, પરંતુ એને સટ્ટાખોરો બહુ ગમતા નથી એથી જ સટોડિયાઓ અહીં વધુ કમાતા નથી. બાય ચાન્સ, ઊંચું કમાઈ લે તો ઊંચું ગુમાવી પણ દે છે. ખરું સંપત્તિસર્જન શિસ્તબદ્ધ લાંબા ગાળાના રોકાણકારો કરે છે.