શૅરબજાર મહારાષ્ટ્રની જીતનો હર્ષ મનાવશે કે અદાણી-પ્રકરણનો શોક?

25 November, 2024 08:08 AM IST  |  Mumbai | Jayesh Chitalia

અત્યાર સુધી ભારતીય શૅરબજારમાં જે વેચવાલી ચાલી રહી હતી એ શૉર્ટ ટર્મ હતી જેથી સ્માર્ટ રોકાણકારો આ સમયને ખરીદીનો ઉત્તમ સમય ગણતા હતા

ઉજવણીની ક્ષણો

સોમવારે બજાર ઊછળશે કે તૂટશે? એ સવાલ શનિવાર-રવિવારની ચર્ચાનો વિષય હતો. શૅરબજારમાં હાલ બે મુદા વિશેષ ચર્ચામાં છે; એક, અમેરિકાની સંભવિત નવી નીતિઓ અને બીજો,
અદાણી-પ્રકરણનો. આ બન્નેને કારણે ચિંતા છે અને અનિ​શ્ચિતતા પણ છે. શુક્રવારનો દિવસ ચોક્કસ કારણસર અપવાદ બન્યો હતો. કરેક્શન અને રિકવરી વચ્ચે હરીફાઈ શરૂ થઈ છે. હાલ તો લૉન્ગ ટર્મવાળા લાભમાં રહેશે, ઘટાડે ખરીદી કરનારા વધુ લાભમાં રહેશે. મહારાષ્ટ્રની જીતની પૉઝિટિવ અસર એકાદ દિવસ જોવાશે, બાકી અદાણી અને અમેરિકા છવાયેલાં રહેશે.

વીતેલા સપ્તાહમાં ગુરુવાર સુધી આમ તો ભારતીય શૅરબજાર પર અમેરિકાની અસર સવાર હતી. એમાં વળી ગુરુવારે અદાણી ગ્રુપનું વિવાદાસ્પદ પ્રકરણ બહાર આવતાં બજાર પર બે તલવાર લટકતી થઈ. આ પહેલાંના સમયમાં ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી પુરબહારમાં ચાલતી રહી હતી, કરેક્શન પાછું વળવાનું નામ લેતું નહોતું; પરંતુ ઘટાડાનો દોર અતિ થઈ જતાં ઓવરસોલ્ડ પોઝિશનમાંથી છૂટવા અને અન્ય પરિબળોના માધ્યમથી શુક્રવારે બજારે જબરદસ્ત વળાંક લીધો હતો, જેમાં સેન્સેક્સે ૨૦૦૦ પૉઇન્ટ જેટલી અને નિફ્ટીએ સાડાપાંચસો પૉઇન્ટ જેટલી અસાધારણ રિકવરી દર્શાવી હતી. આમ બ્લૅક ફ્રાઇડેને બદલે આ વખતે ગુડ ફ્રાઇડે સાબિત થતાં વિશાળ રોકાણકાર વર્ગે રાહત ફીલ કરી હતી. એક જ દિવસમાં અદાણી ગ્રુપની નેગેટિવ અસર વેરવિખેર થઈ ગઈ હતી. જોકે નવા સપ્તાહમાં ફરી કરેક્શન ચાલુ થશે કે રિકવરી કન્ટિન્યુ કરશે એ કળવું કઠિન છે. અલબત્ત, મહારાષ્ટ્રમાં BJPની જીત માર્કેટને હાલ પૂરતું પૉઝિટિવ પરિણામ આપી શકે, જ્યારે કે અદાણી પ્રકરણ હજી અધ્ધર રાખી શકે.

ઘટાડે ખરીદીની તક
અત્યાર સુધી ભારતીય શૅરબજારમાં જે વેચવાલી ચાલી રહી હતી એ શૉર્ટ ટર્મ હતી જેથી સ્માર્ટ રોકાણકારો આ સમયને ખરીદીનો ઉત્તમ સમય ગણતા હતા અને ધીમે-ધીમે પ્રત્યેક ઘટાડે ખરીદી કરતા રહેતા હતા. સતત કરેક્શનને કારણે માર્કેટ નોંધપાત્ર ઘટી ગયું હતું એ વાત સાચી, પરંતુ આ ટ્રેન્ડ બહુ લાંબો ચાલશે નહીં એવું માનનારો વર્ગ મોટો હતો. હજી પણ બજાર ઘટે તો એને બાઇંગ ઑપર્ચ્યુનિટી બનાવવામાં ભય લાગે તો પણ જેમની ક્ષમતા છે તેમના માટે આ જોખમ ઉઠાવવા જેવું ગણવું.

ટ્રમ્પની પૉલિસીઓ પર નજર
ડોનલ્ડ ટ્રમ્પના સત્તા પર આવ્યા બાદ હવે પછી અમેરિકન સરકારની આંતરરાષ્ટ્રીય વેપારનીતિ કેવી રહે છે એના પર સૌની મીટ મંડાયેલી છે. ખાસ કરીને ટૅરિફ બાબતે કેવાં પગલાં જાહેર થાય છે એના ઇન્તઝારમાં વિવિધ દેશો મીટ માંડીને બેઠા છે. ટ્રમ્પના આગમન બાદ જિયોપૉલિટિકલ સિચુએશન વધુ ગૂંચવણવાળી થઈ જવાની ભીતિ છે; જેમાં ચીન, તાઇવાન, જપાન, જર્મની અને ભારત પોતાની દૃષ્ટિએ અટકળ લગાવી રહ્યા છે; કેમ કે વિવિધ દેશો માટે અમેરિકાની પૉલિસી સિલે​ક્ટિવ રહેવાની ધારણા છે. આ સંજોગોમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સનું ધ્યાન ભારત અને જપાન પર વધુ છે. ઇ​ક્વિટીના વૅલ્યુએશન મોંઘાં થયાં હતાં જે નીચે ઊતરવા લાગતાં નવી આશા જાગી છે, પરંતુ કોઈ વર્ગ ઉતાવળ નહીં કરે; કારણ કે આ દરમ્યાન અદાણી-પ્રકરણ કઈ દિશામાં આગળ વધે છે એ જોવાશે. ખાસ કરીને અદાણી સ્ટૉક્સથી અમુક વર્ગ દૂર રહેવાનું પસંદ કરે તો નવાઈ નહીં.

રિકવરી-કરેક્શન લાંબું ટકતાં નથી
આમ તો ગયા મંગળવારે સેન્સેક્સે એક હજાર અને નિફ્ટીએ ૩૦૦ પૉઇન્ટ જેટલી મજબૂત રિકવરીનાં દર્શન કરાવ્યાં હતાં, જેમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો મોટો ફાળો રહ્યો હતો. આંકડા કહે છે કે ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી સામે સ્થાનિક રોકાણકારોની ખરીદી વધુ જોરમાં રહી હતી. જોકે બજારમાં પ્રૉફિટ-બુકિંગ પણ ઝડપથી આવી જતાં આખરમાં સેન્સેક્સ માત્ર અઢીસો પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. આમ અત્યારના સંજોગો બજારની રિકવરી કે સુધારાને બહુ ટકવા દેતા નથી એમ કહી શકાય. આ બાબત વધુ કરેક્શનનો સંકેત આપે છે. ગુરુવારે અદાણી ગ્રુપ સામે કરપ્શન વિશેના અમેરિકામાં થયેલા ચોક્કસ આક્ષેપોને પરિણામે ગ્રુપ કંપનીઓના મોટા ભાગના સ્ટૉક્સ તૂટ્યા એટલું જ નહી, માર્કેટનું સે​ન્ટિમેન્ટ પણ ખરડાયું હતું. આ આક્ષેપો અગાઉના હિન્ડનબર્ગના આક્ષેપો કરતાં ગંભીર ગણાય છે અને આની પાછળ ફરી એક વાર રાજકીય રમત હોવાનું પણ ચર્ચાય છે. અલબત્ત, ગ્રુપ ચૅરમૅન ગૌતમ અદાણીએ આ આક્ષેપોને પાયાહીન ગણાવ્યા છે. જોકે આ મામલે ચિત્ર સ્પષ્ટ નહી થાય ત્યાં સુધી માર્કેટમાં સાવચેતી અને ભયનો માહોલ રહેશે.

સ્થાનિક સંસ્થાઓનો ટેકો મહત્ત્વનો
આ સમયગાળામાં એક બાબત ખાસ નોંધવા જેવી એ છે કે જેમાં ફૉરેન હોલ્ડિંગ વધુ છે એવા ઘણાખરા સ્ટૉક્સમાં વેચવાલી વધુ રહી છે. અલબત્ત, નિફ્ટી જ્યાં દસ ટકા ઘટ્યો છે ત્યાં સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સ ૩૦ ટકા જેટલા તૂટ્યા છે. હાલના સમયમાં વધુ કરેક્શન લાર્જકૅપ સ્ટૉક્સમાં પણ જોવાયું છે. જોકે સામે સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં સ્થાનિક સંસ્થાઓની ખરીદી વધી છે.

દરમ્યાન ગ્લોબલ બ્રોકરેજ હાઉસ સિટીઝ દ્વારા ભારતીય કંપનીઓની આવકની ગતિ નબળી પડવાને કારણે એના સ્ટૉક્સને ડાઉનગ્રેડ કરાયા છે. સપ્ટેમ્બર અંતના પરિણામ બાબતે પણ નિરાશા વ્યક્ત કરાઈ છે. આ સાથે રૂપિયાની નબળાઈ સતત ચાલુ રહી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલીનું આક્રમણ પણ કન્ટિન્યુ રહ્યું છે. ફેડરલ રિઝર્વના ચૅરમૅન પૉવેલે વ્યાજદરમાં હવે વિલંબની શક્યતાના સંકેત આપ્યા છે, જ્યારે કે યુદ્ધ સહિતનો જિયોપૉલિટિકલ તનાવ ચાલુ રહ્યો છે. આમ આ બધાની સંયુક્ત અસર બજારને શાંતિથી ઝંપવા દેશે નહીં.

અદાણી-પ્રકરણમાં ખેલાડીઓ શું માને છે?


શૅરબજારના ખેલાડીઓ માને છે કે હાલ તુરંત અદાણી-પ્રકરણની અસર બજાર પર અવશ્ય ચાલશે, એના સ્ટૉક્સમાં વધઘટ પણ થશે, પરંતુ આ ચક્ર ટૂંકા ગાળાનું રહેશે, જ્યારે કે એનો બહુ જલદી ઉકેલ થઈ જવાની આશા ઊંચી છે. અનુભવીઓના મતે વહેલી તકે બધું સમેટાઈ જશે અને આ સ્ટૉક્સ પુનઃ ઊછળશે, સટ્ટોડિયાઓ આનો લાભ લઈ શકશે. બાકી ફૉરેન ઇન્વેસ્ટર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ આ સ્ટૉક્સમાં શું કરે છે એ જોવાનું રહેશે, જેને જોઈ રોકાણકારો પણ પોતાનો વ્યૂહ બનાવી શકે. આ મામલે નિયમન તંત્ર સિકયૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) શું પગલાં લે છે એના પર પણ નજર રહેશે. બાય ધ વે, હાલ તો આ સ્ટૉક્સમાં મહ્દંશે સાવચેતીનો અભિગમ રાખવો જોઈએ.

share market stock market adani group sensex nifty donald trump sebi business news jayesh chitalia