શૅરબજાર ચોક્કસ સ્તરથી ઉપર જતું નથી તો નીચે પણ જતું નથી એ સમજો

01 June, 2026 11:31 AM IST  |  Mumbai | Jayesh Chitalia

અમેરિકા-ઈરાન અનિશ્ચિતતાને કારણ માર્કેટ હજી અધ્ધરતાલ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અમેરિકા-ઈરાન યુદ્ધ અંત તરફ જવાનો આરંભ થયો છે, સારા સંકેતો મળવાના શરૂ થયા છે. જોકે અમેરિકાનાં અડપલાં અને અભિગમ હજી પણ સંજોગોને અધ્ધર રાખી રહ્યાં હોવાથી બજારને વિશ્વાસ બેસતો નથી જેને લીધે માર્કેટની ટ્રેન હજી સ્પીડ પકડવામાં સમય લેશે એમ લાગે છે. દરમ્યાન ભારત સરકાર એના પ્રયાસો પર જોર આપી રહી છે એની નોંધ લેવી રહી. સમજણ અને સ્માર્ટનેસ રોકાણ પ્લાન કરવામાં ઉપયોગી થશે.

ગયા વખતે આપણે માર્કેટની ટ્રેનની અને રોકાણકારો નામના મુસાફરોની વાત કરી હતી. છેલ્લા અમુક દિવસમાં યુદ્ધનું વાતાવરણ બદલાવાનું શરૂ થયું છે, વાટાઘાટ હજી પણ ચાલુ છે. બીજી બાજુ, અમેરિકાએ ઈરાન પર મિસાઇલ્સ હુમલાથી છમકલાં પણ કર્યાં છે અને ઈરાનની બધી શરતો સ્વીકારી પણ નથી. જોકે અમેરિકા અને ઈરાન બન્ને કૂણાં પડ્યાં છે જેના પરિણામે શૅરબજારની દશા અને દિશા બન્ને બદલાશે એવી આશા જાગી રહી છે. એટલું જ નહીં, ક્રૂડ અને કરન્સી પર પણ પૉઝિટિવ અસર થવાના સંકેત પણ બહાર આવવા લાગ્યા છે. ગયા સોમવારનો બજારનો સુધારો-ઉછાળો એનું પ્રતિબિંબ હતું. સૌથી મોટી તકલીફ અને મૂંઝવણ એ છે કે અમેરિકાનાં નિવેદનોનો ભરોસો થઈ શકતો નથી જેના પુરાવા ખુદ અમેરિકા પોતે આપતું રહ્યું છે. આ બાબત બજારને અધ્ધર રાખી રહી છે.

નાણાપ્રધાનના સંકેતો

દરમ્યાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અર્થતંત્રની ચિંતા સાથે સુધારાના સંકેત આપ્યા છે. ભારતીય ઇકૉનૉમી વર્તમાન સંજોગોનો સામનો કરવામાં મજબૂત અને સક્ષમ છે એ જણાવતાં તેમણે કહ્યું છે કે શૅરબજારના ખેલાડીઓની શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ અને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ અંગેની રજૂઆત સાંભળવા-સમજવા સરકાર ખુલ્લું મન ધરાવે છે. માર્કેટ માટે આને મહત્ત્વનો સકારાત્મક ઇશારો ગણાય. બીજી તરફ પેટ્રોલ-ડીઝલ અને ગૅસના ભાવના વધારા ભારે પડી રહ્યા છે. મોંઘવારી ગંભીર ચિંતા બની રહી છે, એથી ક્રૂડની સમસ્યાનો ઉકેલ ઝડપથી આવે એ ઇચ્છનિય છે. આમ તો યુદ્ધ અને ક્રૂડની આસપાસ બધી સમસ્યા છે અને એના સમાધાનથી ઉકેલ પણ છે. વિશ્વની નજર આ સંભવિત ઉકેલ પર મંડાઈ છે.

આ ઉપરાંત સરકાર પોતાના પ્રયાસમાં નાના-મધ્યમ એકમોને તેમ જ નિકાસકારો અને બિઝનેસને સહાયરૂપ થવાના પ્લાન પર કામ કરી રહી છે. સરકાર ફયુઅલ, ફર્ટિલાઇઝર્સ અને ફૉરેન એક્સચેન્જની બચત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિદેશી હૂંડિયામણ બચાવવાના માર્ગરૂપે વિવિધ સ્તરે પ્રયાસ ચાલુ થયા છે. જોકે આનું પરિણામ કેટલું અને કેવું મળશે એ કહેવું અત્યારે તો કઠિન છે, પરંતુ ક્રૂડ સપ્લાયના અવરોધ દૂર થાય અને ભાવો નીચે આવે તો ફરક પડી શકે. ક્રૂડ બેરલદીઠ ૧૦૦ ડૉલરથી નીચે આવી ગયું છે, રૂપિયાનું મૂલ્ય ઘટવાનું અટક્યું છે. સોમવારે માર્કેટ એક ટકા જેવું નોંધપાત્ર રિકવર થયું હતું. હવે જો સંજોગો સકારાત્મક બનતા રહેશે તો દેશમાં વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવ પણ નીચા આવી શકે એવી આશા રાખી શકાય. યુએસ-ઈરાન કરાર પર નજર માંડી રાખવી જોઈશે. આમાં ‘જો અને તો’નાં પરિબળો વચ્ચે બજારની દિશા અને એની બુલિશ ટ્રેનની ગતિ નક્કી થશે.  

બજારનું ઉપર-નીચે જવાનું લેવલ 

સોમવારના ઉછાળા બાદ મંગળવારે બજારે કરેક્શન બતાવ્યું, કિંતુ તેનું કારણ પ્રોફિટ બુકિંગ પણ હતું, જયારે કે મંગળવારે સ્મોલ અને મિડકૅપ સ્ટૉક્સ રિકવર થયા હતા. બજાર હવે વધુ પૉઝિટિવ સમાચારોની રાહમાં છે જે એના સેન્ટિમેન્ટને બદલી શકે છે. બાકી મોટો આધાર અર્નિગ્સના સુધારા પર રહેશે. સપ્તાહનો અંતિમ દિવસ બજારે કરેક્શન સાથે પૂરો કર્યો હતો જેનું કારણ અમેરિકાનો અભિગમ અને સંજોગોની અનિશ્ચિતતા જ ગણાય છે. તેમ છતાં, નોંધવા જેવી વાત એ છે કે સેન્સેક્સ અને નિફ્ટી એક સ્તરથી નીચે જતાં અટકી જાય છે જેને બૉટમ ભલે ન કહી શકાય, પણ એમાંથી સંકેત અને સમજણ લઈ શકાય. બજાર ચોક્કસ લેવલથી પાછું (રિકવરી) ફરી જાય છે અને ચોક્કસ સ્તરથી ઉપર પણ જતું નથી અને કરેક્શન તરફ વળી જાય છે. શૅરબજારને હવે પછી અસર કરે એવું પરિબળ ચોમાસું હશે.

ગ્લોબલ રોકાણકારોનાં નાણાં ક્યાં જાય છે?

આપણા દેશમાં શૅરબજારની ચર્ચામાં આજકાલ તાઇવાન તથા સાઉથ કોરિયાની માર્કેટની ચર્ચા વધુ થઈ રહી છે, કેમ કે તાઇવાનની સ્ટૉક માર્કેટ તાજેતરમાં માર્કેટકૅપની બાબતે ભારતીય બજારથી આગળ નીકળી ગયું છે. તાઇવાન માર્કેટની આ ગતિ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) રૅલી વધુ જવાબદાર છે. અહી ચર્ચાનું બીજું કારણ એ છે કે ફૉરેન ઇન્વેસ્ટર્સનો રોકાણ પ્રવાહ તાઇવાન નોંધપાત્ર પ્રમાણમાં ખેંચી રહ્યું છે. તાઇવાનને એક મોટો લાભ સેમિકન્ડક્ટર કંપનીઓના વિકાસને કારણે પણ થયો છે. ભારત હજી આ મામલે પાછળ છે. જોકે અહીં સંકેત એ લેવાનો છે કે ભારતીય માર્કેટની કે ઇકૉનૉમીની નબળાઈને લીધે વિદેશી રોકાણકારો અહીં વેચાણ કરી રહ્યા નથી, બલકે તેમને વધુ કમાવાની બજાર ભારત બહાર મળી રહી હોવાથી તેઓ બહાર ફંટાઈ રહ્યા છે જેમાં આગળ જતાં AI કંપનીઓના સ્ટૉક્સના ભાવો પણ ફુગ્ગા થવાની શક્યતા નકારી શકાય નહીં. ભારત તેનાં ફંડામેન્ટલ્સની મજબૂતી પર આગળ વધશે તો વિદેશી રોકાણ પ્રવાહ પરત આવશે એમાં શંકા કરવાની જરૂર રહેતી નથી. આ માટે સરકારે વધુ વ્યવહારું આર્થિક સુધારા પર ધ્યાન આપવું જોઈશે.

કૉર્પોરેટ બૉન્ડ ETF અને ડેરિવેટિવ્ઝ

શૅરબજાર-મૂડીબજારને વેગવંતું રાખવા તેમ જ રિટેલ રોકાણકારોને નવા રોકાણ વિકલ્પો આપવા નિયમન તંત્ર સેબી હાલ એક મહત્ત્વનું પગલું વિચારી રહ્યું છે. આ પગલામાં સેબી ડેટ માર્કેટના વિકાસ અર્થે ડેરિવેટિવ્ઝ લિન્ક્ડ કૉર્પોરેટ બૉન્ડ ઇન્ડેક્સ તથા બૉન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) માર્કેટ વિકસાવવાની યોજના ઘડી રહ્યું છે. સેબીના ચૅરમૅન તુહિન કાંતા પાંડેએ જણાવ્યાનુસાર સેબી આ માર્ગે બજારમાં પ્રવાહિતા વધારવા માગે છે તેમ જ નાની ટિક સાઇઝ સાથે નાના રોકાણકારો ડેટ માર્કેટમાં સહભાગી બની શકે એવો વિચાર ધરાવે છે. જ્યારે કે આનાથી સંસ્થાકીય રોકાણકારો વ્યાજદરના જોખમનું હેજિંગ કરી શકશે એવી ધારણા છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે સેબી ડેટ માર્કેટને વિકસાવવાના પ્રયાસ લાંબા સમયથી કરી રહ્યું છે જેમાં હજી પર્યાપ્ત સફળતા મળી નથી, આ એક નવો પ્રયાસ છે.

નિફટી-૫૦ સ્ટૉક્સનું મૂડીધોવાણ

એક અભ્યાસ મુજબ ૨૦૨૬ના અત્યાર સુધીના સમયગાળામાં નિફટીના ૫૦ સ્ટૉક્સમાં બાવીસ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થયું છે જેમાં બૅન્કિંગ, આઇટી, ઑટો અને કન્ઝમ્પ્શન લિન્ક્ડ સ્ટૉક્સના સતત વેચાણનો સમાવેશ થાય છે. આમાં પણ HDFC બૅન્ક અને તાતા કન્સલટન્સી સર્વિસિસનો ફાળો નોંધપાત્ર છે જેમાં વધુ ધોવાણ થયું છે. જોકે ઍનલિસ્ટ વર્ગ હવે નિફ્ટી માટે આશાવાદી બનીને કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ ૨૦૨૭માં નિફ્ટી ૨૮,૦૦૦-૩૦,૦૦૦ પહોંચશે. 

વિશેષ ટિપ

શૅરબજારમાં સંપત્તિ સર્જનનો એક માર્ગ મ્યુચ્યુઅલ ફન્ડ પાસે છે જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ના નામે કામ કરે છે. દરેક સંજોગોમાં આ પ્લાનને વળગી રહેવામાં શાણપણ અને ડહાપણ છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange jayesh chitalia