24 September, 2026 01:55 PM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ગ્રે માર્કેટમાં ચાલતા ૩ના ડિસ્કાઉન્ટ સામે હીરો મોટર્સમાં ઉપલી સર્કિટ સાથે સવાસત્તર ટકાનો લિસ્ટિંગ ગેઇનઃ ઓલા ઇલેક્ટ્રિક સતત ત્રીજા દિવસની આગેકૂચમાં વૉલ્યુમ સાથે ૧૧ ટકા મજબૂત ઃ ભાવવધારાના પગલે સિગારેટ શૅરોમાં સુધારો ઃ TBZ પાંચમી ઉપલી સર્કિટ મારી નવા શિખરે, બ્લુસ્ટોન જ્વેલરી ઑલટાઇમ હાઈ બનાવી ૯ ટકા તૂટીને ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર ઃ લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ NSEમાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ ૪૩થી વધીને ૮૧ થયું ઃ ગુજરાતના MLAની કંપની વરમોરા ગ્રેનિટોના ઇશ્યુમાં ૧૫ થયેલું પ્રીમિયમ ગગડી ઝીરો થઈ ગયું
બ્રેન્ટ ક્રૂડ ઘટાડાની ચાલમાં ૯૮ ડૉલરની અંદર જઈ હાલમાં ૧૦૦ ડૉલર નજીક ચાલે છે. બિટકૉઇન ૮૬,૧૫૦ ડૉલર આસપાસ છે. અમેરિકા ખાતે નૅસ્ડૅક કમ્પોઝિટ ઇન્ડેક્સ ૨૭,૨૮૯ની ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો વધી ૨૭,૨૪૪ મંગળવારની મોડી રાત્રે બંધ થયો છે. એશિયન બજારો બહુધા ત્રીજા દિવસે પણ ગઈ કાલે પ્લસ રહ્યાં છે. હૉન્ગકૉન્ગ એક ટકો અને ચાઇના ૦.૪ ટકા નરમ હતું. અન્યત્ર સુધારો હતો. ઇન્ડોનેશિયા દોઢ ટકો, સાઉથ કોરિયા અને તાઇવાન પોણા ટકાથી વધુ તો થાઇલૅન્ડ ૦.૪ ટકા અપ હતું. જપાન ગત સપ્તાહના અંતથી રજામાં છે. યુરોપ નજીવી વધઘટે રનિંગમાં ફ્લૅટ દેખાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૧૯ પૉઇન્ટ પ્લસ ખૂલી છેક સુધી પૉઝિટિવ ઝોનમાં રહી ૨૯૯ પૉઇન્ટના સુધારે ૭૪,૮૨૮ તથા નિફ્ટી ૧૧૮ પૉઇન્ટ વધીને ૨૩,૪૪૭ બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૭૪,૬૦૦ અને ઉપરમાં ૭૪,૯૭૪ થયો હતો. કસીનો સેશન પૂર્વે શૅરઆંક ૭૪,૭૯૪ તથા નિફ્ટી ૨૩,૪૩૧ હતો. સ્ટ્રોન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૩૪૪ શૅર સામે ૧૨૩૨ કાઉન્ટર નરમ હતાં. માર્કેટકૅપ ૩.૨૪ લાખ કરોડ વધીને ૪૮૩.૫૪ લાખ કરોડ વટાવી ગયું છે. IT બેન્ચમાર્ક સતત ચોથા દિવસની નબળાઈમાં પોણો ટકો ઘટ્યો છે. આ સિવાય લગભગ તમામ સેક્ટોરલ પ્લસ હતા. બારમાંથી બાર શૅરના સથવારે મેટલ ઇન્ડેક્સ ૨.૪ ટકા મજબૂત હતો. તાતા સ્ટીલ ૩.૩ ટકા ઊંચકાઈ ૧૯૧ના બંધમાં સેન્સેક્સ ખાતે ઝળકી છે. JSW સ્ટીલ અઢી ટકા તથા હિન્દાલ્કો ૨.૭ ટકા વધી છે. સેઇલ ૬.૭ ટકાની તેજીમાં ૧૮૫ બંધ આપી મેટલ શૅરમાં મોખરે હતી. FMCG ઇન્ડેક્સ સવા ટકો અપ હતો. એમાં બિકાજી ફૂડ્સ સવાસાત ટકા, ક્યુપિડ સાડાછ ટકા, દાલમિયા શુગર ૫.૪ ટકા, વિન્ટાજ કૉફી ૬ ટકા વધીને મોખરે હતી. હેવી વેઇટ્સ હિન્દુસ્તાન યુનિલીવર ૦.૮ ટકા, નેસ્લે સવા ટકો અને તાતા કન્ઝ્યુમર એક ટકા પ્લસ થઈ છે. બૅન્ક નિફ્ટી અડધો ટકો તો PSU બૅન્ક નિફ્ટી ૧.૧ ટકા વધ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪.૨ ટકા, બંધન બૅન્ક ૩.૫ ટકા, IDFC ફર્સ્ટ બૅન્ક ૩.૨ ટકા, તામિલનાડુ બૅન્ક ૪.૩ ટકા, કર્ણાટકા બૅન્ક ૩ ટકો તો ઍક્સિસ સાધારણ સુધરી છે. સિગારેટ કંપનીઓ તરફથી નવો ભાવવધારો કરાયો છે. એના પગલે ITC પોણાબે ટકા, ગોડફ્રે ફિલિપ્સ દોઢ ટકા, NTC ઇન્ડસ્ટ્રીઝ ૩ ટકા, એલિટકોન ૪.૬ ટકા અને વીએસટી ઇન્ડસ્ટ્રીઝ ૧.૮ ટકા વધી છે. HDFC તથા ICICI નજીવી ઘટી છે.
સેન્સેક્સ નિફ્ટી ખાતે અન્યમાં બજાજ ફાઇનૅન્સ ૩ ટકા, પાવરગ્રીડ ૧.૭ ટકા, લાર્સન દોઢ ટકો, અલ્ટ્રાટેક ૧.૭ ટકા, સનફાર્મા ૧.૧ ટકા, અપોલો હૉસ્પિટલ અઢી ટકા, ગ્રાસિમ બે ટકા પ્લસ હતી. રિલાયન્સ સામાન્ય સુધારે ૧૨૪૭ રહી છે. HCL ટેક્નૉલૉઝીસ ૧.૧ ટકા, ઇન્ફી એક ટકા, TCS એક ટકા, ટાઇટન અડધો ટકો, કોલ ઇન્ડિયા પોણો ટકો નરમાઈમાં મોખરે હતી.
ઓલા ઇલેક્ટ્રિક નવી પ્રોડક્ટ્સના લૉન્ચિંગ તેમ જ પૉઝિટિવ ન્યુઝ ફ્લો પાછળ સતત ત્રીજા દિવસે વધી ઉપરમાં ૪૨ વટાવી ૧૧ ટકાની તેજીમાં ૪૨ નજીક બંધ રહ્યો છે. ITમાં નબળાઈ વચ્ચે સુબેક્સ ૧૩.૮ ટકા ઊછળી છે. ૬૩ મૂન્સ આગલા દિવસની ખરાબી બાદ ગઈ કાલે અડધો ટકો વધી ૮૪૫ રહી છે. વ્હર્લપૂલ ૯ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૮૬૫ વટાવી ત્યાં જ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. એલિકૉન એન્જિનિયરિંગ ૧૦.૬ ટકાના જમ્પમાં ૪૬૫ થઈ છે.
ગઈ કાલે એકસાથે ૯ ભરણાં ખૂલી ગયાં પછી આજે ગુરુવારે બીજા પાંચ નવાં IPO ખૂલવાનાં છે. એમાંથી મેઇન બોર્ડ ખાતે બૅન્ગલોર અર્બનની મનીવ્યુ લિમિટેડ એકના શૅરદીઠ ૩૪ની અપરબેન્ડમાં કુલ ૧૦૯૨ કરોડનું ભરણું કરશે. OFS એમાં ૩૪૨ કરોડની છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ ફીનટેક કંપની મોબાઇલ પ્લૅટફૉર્મ પર ડિજિટલ ફાઇશ્રૅન્શિયલ સર્વિસ પૂરી પાડે છે. ગત વર્ષે ૪૩ ટકા વધારામાં ૩૪૦૪ કરોડની આવક ઉપર એક ટકા વધારામાં ૨૪૩ કરોડ નજીકનો નફો મેળવ્યા પછી કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ત્રણ માસમાં ૫૧.૫ ટકા વૃદ્ધિદરથી ૧૦૬૫ કરોડની આવક તેમ જ ૧૫૯ ટકાના વધારા સાથે ૧૭૪ કરોડ નજીકનો નફો બતાવી દીધો છે. દેવું જૂન ૨૦૨૫ના અંતે ૪૦૭૦ કરોડ હતું એ હાલ ૫૪૮૫ કરોડે પહોંચ્યું છે. ઇશ્યુ બાદ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૨૪ ટકાથી ઘટી ૨૦.૩ ટકા થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ ૪૫ છે. બીજી કંપની એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા પણ બૅન્ગલોર અર્બન ખાતેની છે. એ ૧૦ના શૅરદીઠ ૪૦૫ની અપરબેન્ડમાં ૪૦૫ કરોડનું ભરણું આજે લાવશે. ઇશ્યુમાં પ્રમોટર્સ ઑફર ફૉર સેલ મારફત ૫૦ કરોડ ઘરભેગા કરશે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપની બૅકવર્ડ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કંપની છે. ગત વર્ષે ૧૮ ટકા વધારામાં ૪૨૦૨ કરોડની આવક ઉપર કંપનીએ ૧૫૫૨ ટકાના માન્યામાં ન આવે એવા જંગી વૃદ્ધિદરથી ૧૨૭ કરોડ પ્લસનો નફો બતાવી દીધો છે. દેવું ૧૦૧૧ કરોડ છે. ઇશ્યુમાંથી ૨૫૦ કરોડ દેવાની ચુકવણીમાં અને બાકીના અન્ય હેતુ (એટલે?) માટે વપરાશે. કંપની શૅરદીઠ ૪૦૫ની અપરબેન્ડ્માં ઇશ્યુ કરી રહી છે, પરંતુ અન-લિસ્ટેડ માર્કેટમાં ભાવ ૧૬ સપ્ટેમ્બરે ૩૦૫થી ૩૨૫ ક્વોટ થતો હતો. ૨૪ ઑગસ્ટે રેટ ૨૨૩ના પાંચ વર્ષના તળિયે ગયો હતો. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલમાં ૫૦ જેવું છે.
SME સેગમેન્ટમાં ત્રણ ભરણાં ગુરુવારે ખૂલશે. આંધ્ર પ્રદેશની ગ્રીન એશિયા ઇમ્પેક્સ ૧૦ના શૅરદીઠ ૯૦ની અપરબેન્ડમાં ૬૦ કરોડનો NSE SME IPO કરવાની છે. એમાં OFS ૭ કરોડ છે એ પ્રમોટર લઈ જશે. QIB પોર્શન ૩૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ કંપની ડ્રાઇડ ચીલીની સાથે-સાથે ફ્રોઝન શ્રીમ્પનું ઉત્પાદન અને નિકાસ કરે છે. ગત વર્ષે ૧૪ ટકા વધારામાં ૩૮૮ કરોડ આવક ઉપર ૫૧ ટકા વૃદ્ધિદરથી ૧૫૬૧ લાખ નફો બતાવ્યો છે. દેવું વધતું રહી ૧૦૦ કરોડે પહોંચવામાં છે. ઇશ્યુમાંથી ૪૦ કરોડ સૂચિત સીફૂડ પ્રોસેસિંગ એકમ સ્થાપવામાં ખર્ચાશે. બીજી કંપની ઇન્દોરની પેશ્વા વ્હીટ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની અપરબેન્ડમાં ૫૪ કરોડનો BSE SME IPO કરવાની છે. QIB પોર્શન માંડ એક ટકા છે. રીટેલ પોર્શન ૫૦ ટકા પ્લસ છે. ૨૦૨૩માં સ્થપાયેલી આ કંપની વ્હીટ ફ્લોર, બ્રોકન વ્હીટ (ઘઉંના ફાડા) ઇત્યાદી જેવી વ્હીટ બેઝ પ્રોડક્ટ્સ તથા બેસન અને મકાઈનો લોટ બનાવીને વેચે છે. ગત વર્ષે ૨૬ ટકા વધારામાં ૨૧૬ કરોડની આવક ઉપર ૩૪ ટકા વૃદ્ધિદરથી ૧૫૮૧ લાખ નફો બતાવ્યો છે. દેવું ૨૪ કરોડ નજીક છે. ઇશ્યુમાંથી ૨૬૫૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. ત્રીજી કંપની અમદાવાદની રૂપા સ્ક્રીન ૧૦ના શૅરદીઠ ૬૪ની અપરબેન્ડમાં ૧૯ કરોડનો BSE SME IPO લાવવાની છે. ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપની રોટરી સ્ક્રીન પ્રિન્ટિંગ મશીન્સમાં વપરાતી રોટરી-નિકલ સ્ક્રીન્સ બનાવે છે. ગત વર્ષે ૧૨ ટકા વધારામાં ૫૧૩૨ લાખ આવક ઉપર ૩૮ ટકા વધારામાં ૬૪૮ લાખ નફો બતાવ્યો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૪થી શરૂ થઈ ત્યાં જ છે.
ગઈ કાલેએક સાથે ૯ IPO ખૂલ્યાં છે એમાં પ્રથમ દિવસે મેઇન બોર્ડ ખાતે એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૪ના ભાવનો ૧૫૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં સાતેક ગણા સહિત કુલ ૪.૭ ગણો, એલિવેટ કૅમ્પાસિસનો એકના શૅરદીઠ ૩૬૨ના ભાવનો ૨૧૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૪ ટકા સહિત કુલ ૨૨ ટકા, સ્વસ્તિકા ઇન્ફ્રાનો ૧૦ના શૅરદીઠ ૧૮૫ના ભાવનો ૧૬૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૦ ટકા સહિત કુલ ૯૩ ટકા તથા આર્મી ઇન્ફોટેકનો ૧૦ના શૅરદીઠ ૩૭૫ના ભાવનો ૩૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫૦ ટકા સહિત કુલ ૫૫ ટકા ભરાયો છે. હાલ એડ્રોઇટમાં ૩૫ રૂપિયા, એલિવેટ કૅમ્પાસિસમાં ૩ રૂપિયા, સ્વસ્તિકામાં ૧૦ રૂપિયા અને આર્મીમાં ૫૬નું પ્રીમિયમ છે.
SME સેગમેન્ટના ગઈ કાલે ખૂલેલા પાંચ ઇશ્યુમાંથી પ્રથમ દિવસે કોરઇન્ડિગ્રા કન્સલ્ટિંગનો ૧૦ના શૅરદીઠ ૭૮ના ભાવનો ૨૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪ ટકા સહિત કુલ માત્ર ૧૪ ટકા, પૂજા લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૫ના ભાવનો ૪૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫૦ ટકા સહિત કુલ ત્રીસેક ટકા, લિક્વિડ ડિજિટલનો પાંચના શૅરદીઠ ૫૪ના ભાવનો ૩૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩ ટકા સહિત કુલ એકાદ ગણો, એસ.કે. ઑફ્ફસેટનો ૧૦ના શૅરદીઠ ૧૨૫ના ભાવનો ૨૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં બે ટકા સહિત કુલ ૧૨ ટકા તથા યુનિટેક ફાઇબર્સનો ૧૦ના શૅરદીઠ ૮૮ના ભાવનો ૩૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫ ટકા સહિત કુલ ૧૩ ટકા જ ભરાયો છે.
વરમોરા ગ્રેનિટોનો બેના શૅરદીઠ ૧૪૮ના ભાવનો ૭૦૮ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૬ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઝીરો છે. SME કંપની હિમાલયા ન્યુટ્રોવેદિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૬ના ભાવનો ૨૬ કરોડનો ઇશ્યુ કુલ મળી ૪૦ ટકા તથા આનંદ સીમલેસનો શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૫૫૨ લાખનો ઇશ્યુ કુલ ૭૦ ટકા ભરાયો છે. આનંદમાં ઝીરો અને હિમાલયામાં ઝીરો પ્રીમિયમ છે. આ સિવાય ત્રણ SME ભરણાં ગઈ કાલે આખરી દિવસે પૂરાં થયાં છે. વિવેકાનંદ કોટસ્પિનનો ૧૦ના શૅરદીઠ ૩૭ના ભાવનો ૨૨૨૦ લાખનો ઇશ્યુ રીટેલમાં ૧.૮ ગણા સહિત કુલ ૧.૮ ગણો, FX મલ્ટિટેકનો ૧૦ના શૅરદીઠ ૧૧૬ના ભાવનો ૪૫૨૪ લાખનો IPO રીટેલમાં ૧૨ ગણા સહિત કુલ ૧૮ ગણો તથા રોબોકીડ્સ એજ્યુવેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૬ના ભાવનો ૩૧૦૯ લાખનો ઇશ્યુ રીટેલમાં ૮૦૦ ગણા સહિત કુલ ૮૩૦ ગણો છલકાયો છે. અત્યારે રોબોકીડ્સમાં ૬૫નું, વિવેકાનંદમાં ઝીરો અને FX મલ્ટિટેકમાં ઝીરો પ્રીમિયમ છે.
બુધવારે, ગઈ કાલે મેઇન બોર્ડમાં ત્રણ ભરણાંનું લિસ્ટિંગ થયું છે. હીરો મોટર્સ ૧૦ના શૅરદીઠ ૮૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮થી શરૂ થઈ ઉપરમાં ૨૪ થયા બાદ ઝીરો થઈ બે રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ફેરવાઈ ગયા બાદ છેલ્લે ચાલતા ૩ના ડિસ્કાઉન્ટ સામે ૮૨ ખૂલી ૯૮ ઉપર બંધ થતાં એમાં ૧૭.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૦૦૦ કરોડનો આ IPO રીટેલમાં ૮.૬ ગણા સહિત કુલ ૭ ગણો ભરાયો હતો. હીરો મોટર્સની જેમ જ જિંદલ જેવા માતબર ઘરાનાની જિંદલ સુપ્રીમ ૧૦ના શૅરદીઠ ૯૩ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૧થી શરૂ થઈ ઉપરમાં ૩૦ બતાવ્યા બાદ છેલ્લે ચાલતા ૨૯ના પ્રીમિયમ સામે ૧૨૨ ખૂલીને ૧૨૮ બંધ રહેતાં ૩૭.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સવાસો કરોડનો આ ટાબરિયો IPO રીટેલમાં ૧૪૨ ગણા સહિત કુલ ૧૭૭ ગણો છલકાયો હતો. કોલ્હાપુરની એસ.એસ. રીટેલ ૧૦ના શૅરદીઠ ૪૨૪ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૩૦થી શરૂ થઈ ઉપરમાં ૧૪૭ થયા બાદ છેલ્લે બોલાતા ૧૩૮ના પ્રીમિયમ સામે ૬૩૯ ખૂલી ૭૬૫ બંધ આવતાં ૮૦ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. કુલ ૫૦૦ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૩૬ ગણા સહિત ૧૦૭ ગણો છલકાયો હતો.
આજે ગુરુવારે કુલ IPO લિસ્ટિંગમાં જશે એમાં બધાની નજર હાઈ પ્રોફાઇલ NSE ઉપર છે. આ ઉપરાંત સ્પેક્ટ્રા ટેક્નૉલૉજી, ખેડિયા ઑટોકોમ્પ અને સોના સિલેક્શનનું પણ લિસ્ટિંગ આજે છે. અત્યારે સોનામાં ઝીરો, સ્પેક્ટ્રામાં ૭૭ અને ખેડિયામાં ૩ પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં બોલાય છે. દરમ્યાન આગલા દિવસે પાંચ ટકા લિસ્ટિંગ લૉસમાં ૩૨૪ બંધ રહેલી મુંબઈના બોરીવલીની વામા વુવન ફેબ ગઈ કાલે ૩૦૮ નીચે નવું બૉટમ બતાવી ૫ ટકા તૂટી ત્યાં જ, પાંચ ટકા લિસ્ટિંગ લૉસમાં ૬૪ નીચે બંધ થયેલી મુંબઈના ગોરેગામની ક્વૉન્ટો ઍગ્રોવર્લ્ડ ગઈ કાલે ૬૦નું વર્સ્ટ લેવલ નોંધાવી પાંચ ટકા ગગડી ત્યાં જ તથા પોણા ટકાની લિસ્ટિંગ લૉસમાં ૫૮ બંધ આવેલી ઇન્દોરની શક્તિ પૉલિટ્રેપ ૫૪ના નવા તળિયે જઈ દોઢ ટકો વધી ૫૮ રહી છે.
શુક્રવારે ન્યુટ્રી ઍગ્રો પ્રોડક્ટ્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં તથા અગાઉ મિડવેસ્ટ ગોલ્ડ તરીકે ઓળખાતી હાલની મિડવેસ્ટ એનર્જી ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થવાની છે. ગઈ કાલે ન્યુટ્રી ઍગ્રો ઉપરમાં ૧૯૦ થઈ નજીવા ઘટાડે ૧૮૭ અને મિડવેસ્ટ એનર્જી ઉપરમાં ૩૭૩૮ થઈ દોઢ ટકો સુધરી ૩૬૧૪ બંધ થઈ છે. TBZ સતત પાંચમી ઉપલી સર્કિટે પાંચ ટકા વધી ૬૯૮ નજીક નવો ઊંચો ભાવ દેખાડી સવાચાર ટકા વધી ૬૯૩ રહી છે. અન્ય જ્વેલરી શૅરમાં રેનેસાં ગ્લોબલ ૮.૪ ટકા, પીસી જ્વેલર્સ સાડાછ ટકા, પ્રાયોરિટી જ્વેલ્સ ૧૭.૩ ટકા, લલિતા જ્વેલરી માર્ટ પાંચ ટકા, એજેસી જ્વેલ પાંચ ટકા, શાંતિ ગોલ્ડ ૧૨ ટકા, શાંકેશ જ્વેલર્સ ૩.૪ ટકા, થંગમયિલ ૩ ટકા, RBZ જ્વેલર્સ ૩ ટકા, KDDL ૭.૩ ટકા વધ્યાં છે. લલિતા જ્વેલરી, KDDL તથા AJC જ્વેલમાં પણ નવી ટૉપ બની હતી. બ્લુસ્ટોન જ્વેલરી ૯૭૦ની ઑલટાઇમ હાઈ બનાવી હેવી પ્રૉફિટ બુકિંગમાં ૮૨૩ થઈ ૧૧ ગણા કામકાજે ૮.૫ ટકા ગગડી ૮૫૩ રહી છે. કલ્યાણ જ્વેલર્સ નહીંવત સુધારામાં ૫૮૪ હતી. સ્વર્ણ સરિતા ૫.૪ ટકા ઝળકી ૪૨ નજીક પહોંચી છે.