08 August, 2026 08:19 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બ્રેન્ટક્રૂડ ૮૮ ડૉલર આસપાસ રમતું હતું એ ઘટી હાલ ૮૨ ડૉલરે આવી ગયું છે, પરંતુ શૅરબજાર શુક્રવારે આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહી છેવટે બંધ થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૪૩૯ પૉઇન્ટ નરમ, ૭૮,૫૧૬ ખૂલી છેવટે ૪૫૫ પૉઇન્ટ ઘટી ૭૮,૪૯૯ તો નિફ્ટી ૯૭ પૉઇન્ટ નીચે, ૨૪,૫૩૯ ખૂલી ૬૫ પૉઇન્ટ ઘટી ૨૪,૫૭૦ બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક ઉપરમાં ૭૮,૭૫૭ અને નીચામાં ૭૮,૩૭૭ તેમ જ નિફ્ટી ઉપરમાં ૨૪,૬૩૦ અને નીચામાં ૨૪,૫૨૩ દેખાયો હતો. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે BSEનું માર્કેટકૅપ ૪૬,૦૦૦ કરોડ ઘટી ૪૯૩.૧૭ લાખ કરોડ તથા NSEનું માર્કેટકૅપ ૩૬,૦૦૦ કરોડ વધીને ૪૯૨.૭૪ લાખ કરોડ વટાવી ગયું છે જે ત્યાં નવી ટૉપ છે. ગઈ કાલે સેન્સેક્સ ૦.૬ ટકા જેવો તો નિફ્ટી ૦.૩ ટકાથી ઓછો ઘટ્યો છે.
TCS સેન્સેક્સ ખાતે ૩.૬ ટકા વધી ૨૪૫૪ તથા નિફ્ટી ખાતે ૩.૪ ટકા વધી ૨૪૫૩ના બંધમાં ટૉપ ગેઇનર બની બજારને ૭૧ પૉઇન્ટ ફળી છે. મહિન્દ્રા અઢી ટકા, ટેક મહિન્દ્રા એક ટકા નજીક, ભારત ઇલેક્ટ્રૉનિક્સ પોણો ટકો અને ઇન્ફી ૦.૭ ટકા સેન્સેક્સમાં પ્લસ હતી. નિફ્ટીમાં ગ્રાસિમ સવાત્રણ ટકા, મહિન્દ્રા પોણાત્રણ ટકા, HCL ટેકનો ૧.૬ ટકા, ઇન્ફોસિસ ૦.૯ ટકા પ્લસ હતા. સ્ટેટ બૅન્કે ૧૦ ટકા વધારામાં ૨૧,૧૨૧ કરોડના નેટ પ્રૉફિટ સાથે ધારણાથી સારાં સિઝલ્ટ આપ્યાં છે. શૅર ઉપરમાં ૧૧૨૪ થઈ એક ટકો સુધરી ૧૦૯૬ બંધ ૧૦૯૭ હતો. હિન્દાલ્કોએ આવકમાં ૩૨ ટકા વધારા સામે ૭૫ ટકા વધારામાં ૭૦૧૩ કરોડ નફો કરતાં ભાવ નિફ્ટીમાં ૨.૭ ટકા વધી ૧૦૫૪ થયો છે. ગ્રાસિમ BSEમાં ૪ ટકા વધી ૩૩૩૬ તો NSEમાં ૩૩૨૩ બંધ થયો છે.
બજાજ ટ્વિન્સ બન્ને બજારમાં ટૉપ લુઝર હતી. ICICI બૅન્ક પોણાચાર ટકા ખરડાઈ ૧૪૨૨ના બંધમાં માર્કેટને ૩૨૨ પૉઇન્ટ નડી છે. ટ્રેન્ટ સાડાત્રણ ટકા, અૅક્સિસ બૅન્ક સવા ટકો એશિયન પેઇન્ટ્સ એક ટકો, જિયો ફાઇનૅન્શિયલ ૨.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવાબે ટકા ઘટી છે. HDFC બૅન્ક ૦.૭ ટકા (નિફ્ટીમાં ૦.૪૫ ટકા) ઘટી છે. રિલાયન્સ અડધો ટકો સુધરી ૧૩૩૧ ઉપર બંધ આવી છે. નિફ્ટીમાં આ શૅર પોણા ટકાના સુધારે ૧૩૩૫ નજીક હતો.
એશિયન બજાર ગઈ કાલે મિશ્ર હતાં. ચાઇના, ઇન્ડોનેશિયા અને સિંગાપોર એકાદ ટકો સુધર્યું છે. સાથે સાઉથ કોરિયા અડધા ટકાથી વધુ તો જપાન અને તાઇવાન સાધારણ ઢીલાં હતાં. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો ઉપર જણાયું છે. ડૉલર સામે રૂપિયો રનિંગમાં ૩ પૈસાના સુધારે ૯૫.૨૦ હતો. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૨૯,૬૪૮ની વિક્રમી સપાટી નોંધાવી ૧.૮ ટકા વધી ત્યાં જ બંધ થયો છે. BSEમાં આ બેન્ચમાર્ક ૬૫,૧૭૮ના બેસ્ટ લેવલે જઈ ૧.૩ ટકા વધી ૬૫,૦૬૪ હતો. નિફ્ટીમાં IT ઇન્ડેક્સ ૧.૪ ટકા તો BSEમાં એ ૧.૧૬ ટકા પ્લસ થયો છે.
સોમવારે મેઇન બોર્ડમાં બે નવા ઇશ્યુ છે. મહારાષ્ટ્રમાં પુણેના ચાકણ ખાતેની ધૂત ટ્રાન્સમિશન બે રૂપિયાના શૅરદીઠ ૮૭૧ની અપરબેન્ડમાં કુલ ૩૦૬૭ કરોડનો IPO ૧૦મીએ કરશે. એમાંથી ૧૬૬૭ કરોડ ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સ લઈ જશે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા છે. કર્મચારીઓ માટે ૮૦ રૂપિયા શૅરદીઠ ડિસ્કાઉન્ટ છે. ૧૯૯૮માં સ્થપાયેલી આ કંપની વાયરિંગ હાર્નેસિસ, ટર્મિનલ્સ, કનેક્ટર્સ, પાવર સપ્લાય કોર્ડ્સ ઇત્યાદિ જેવા ઑટોમોટિવ તેમ જ નૉન-ઑટોમોટિવ ઇક્વિપમેન્ટ્સ અને અૅપ્લિકેશન્સનું ઉત્પાદન તેમ જ વેચાણ કરે છે. ગત વર્ષે ૩૧ ટકા વધારામાં ૪૫૬૪ કરોડની આવક ઉપર કંપનીએ ૧૨ ટકા વધારામાં ૩૯૭ કરોડ જેવો નફો કર્યો છે. દેવું ૮૪૧ કરોડનું છે. ઇશ્યુમાંથી જે ૧૪૦૦ કરોડ કંપનીને મળશે એમાંથી લગભગ ૪૬૫ કરોડ દેવાની પરત ચુકવણીમાં, ૧૫૦ કરોડ નવું વાયરિંગ હાર્નેસ યુનિટ નાખવામાં તથા ૩૦૨ કરોડ વિવિધ સબસિડિયરીઝમાં રોકાણ તરીકે વપરાશે. ઇશ્યુ પ્રાઇસ પોસ્ટ ઇક્વિટી ધોરણે ગત વર્ષની કમાણી પ્રમાણે આશરે ૪૫નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં ૧૪૬થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપર ૨૫૩ થઈ હાલ ૨૫૦ ચાલે છે.
બીજી કંપની ગોવા ખાતેની મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ એક રૂપિયાના શૅરદીઠ ૮૦૭ની અપરબેન્ડમાં કુલ ૯૪૦ કરોડનું ભરણું સોમવારે લાવશે. એમાંથી ૭૪૦ કરોડ પ્રમોટર્સના ઘરમાં જવાના છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા છે. કર્મચારી ક્વોટામાં શૅરદીઠ ૭૬નું ડિસ્કાઉન્ટ છે. વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી આ કંપની ગ્લોબલ પૉઇન્ટ ઑફ કૅર (POC) મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ કંપની હોવાનો દાવો કરે છે. એ વિવિધ પ્રકારના ચેપી (ઇન્ફેક્શિયસ) તથા નૉન-કોમ્યુનિ કેબલ ડીસીઝના ઝડપી નિદાન સંબંધે જરૂરી રિસર્ચ નિદાનને લગતાં સૉલ્યુશન્સ પૂરાં પાડે છે. ગત વર્ષે ૪૨ ટકા વધારામાં ૧૨૫૫ કરોડની આવક ઉપર ૧૮ ટકા વધારામાં ૧૬૪ કરોડ નેટ નફો કર્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૮૪૦ કરોડ અને નફો ૮૩ કરોડ હતો. દેવું અગાઉના ૧૨૩ કરોડથી જંગી વધારામાં ગત વર્ષે ૪૧૩ કરોડ નજીક પહોંચ્યું છે. ઇશ્યુમાંથી કંપનીને જે ૨૦૦ કરોડ મળવાના છે એમાંથી ૨૦૬ કરોડ કંપની કેપેક્સ કે મૂડીરોકાણ ખર્ચમાં વાપરવાની છે. ભરણામાં મળશે ૨૦૦ કરોડ પણ ખર્ચશે ૨૦૬ કરોડ. ઇશ્યુ પ્રાઇસ ૫૬.૭નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં ૧૭૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપર ૧૮૫ થઈ હાલ ૨૦૫ ચાલે છે.
ગઈ કાલે મુંબઈના બોરીવલી ખાતેની ફ્યુઝન ક્લાસરૂમ ૧૦ના શૅરદીઠ ૧૫૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૯થી શરૂ થઈ ઘટાડામાં છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે BSEમાં ૧૭૦ ખૂલી ૧૬૩ બંધ થતાં અઢી ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૩૯ કરોડનો આ SME ઇશ્યુ રીટેલમાં ૧.૮ ગણા સહિત કુલ દોઢ ગણો ભરાયો હતો વાપીની અનાવિલ વાયરનું લિસ્ટિંગ સોમવારે છે. હાલ ૬૫નું પ્રીમિયમ છે. દરમ્યાન આગલા દિવસે ૧૩ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૨૫૯ બંધ થયેલી જુનીપર ગ્રીન એનર્જી ગઈ કાલે ઉપર ૨૬૪ થઈ ચાર ટકા તૂટી ૨૪૯ તથા ૪૬ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૬૨૩ બંધ થયેલી MV ઇલેક્ટ્રોસિસ્ટમ્સ ૬૮૬ની ટૉપ બનાવી ૧.૮ ટકા ઘટી ૬૧૧ રહી છે. SME સેગમેન્ટમાં ૧૪ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૧ બંધ રહેલી ધવલ પૅકેજિંગ ગઈ કાલે ૧૦૬ની બૉટમ દેખાડી સવા ટકો ઘટીને ૧૧૦ તો વનએન્ડિંગ ટેક્નૉલૉજીઝ જે ૩૧ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૬ બંધ થઈ હતી એ ગઈ કાલે ૧૩૨ની નવી ટોચ બચાવી પાંચ ટકા ઊછળી ત્યાં જ હતી. મનીપાલ હેલ્થ ૬૯૨ની નવી ટોચે જઈ ચાર ટકા વધીને ૬૭૭ બંધ થઈ છે.
દરમ્યાન ગઈ કાલે મેઇન બોર્ડમાં નવી દિલ્હીની ખાર્ડી ઇન્ડસ્ટ્રીઝનો બેના શૅરદીઠ ૫૩ના ભાવનો ૪૨૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪૭ ગણો અને કુલ ૧૪૦ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ૧૦ બોલાય છે. મુંબઈના ગોરેગામની લીપ ઇન્ડિયા એકના શૅરદીઠ ૧૫૯ની અપરબેન્ડમાં ૨૪૮૦ કરોડનો ઇશ્યુ લાવી છે એ પ્રથમ દિવસે રીટેલમાં ૧૪ ટકા સહિત કુલ ૨૮ ટકા અને નવી દિલ્હીની ટેકનોક્રાફ્ટ વેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૨૧૨ની અપરબેન્ડ સાથે ૨૫૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં પ્રથમ દિવસે એકાદ ગણા સહિત કુલ ૨.૬ ગણો ભરાયો છે. હાલ લીપ ઇન્ડિયામાં ૧૧ રૂપિયા અને ટેકનોક્રાફ્ટમાં ૧૬ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.
SME સેગમેન્ટમાં મુંબઈના અંધેરી-વેસ્ટની ઑપ્ટિમિસ્ટિક્સ એન્ટરટેઇનમેન્ટનો ૧૦ના શૅરદીઠ ૧૭૫ની અપરબેન્ડમાં ૧૦૯ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૫૦ ટકા સહિત કુલ ૭૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ પાંચથી શરૂ થયું છે. ઔરંગાબાદ અર્થાત છત્રપતિ સંભાજીનગરની LAPL ઑટોમોટિવનો ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવનો ૩૨ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૩૨નું છે. મુંબઈના માહિમની GV ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૪૨ કરોડનો SME ઇશ્યુ રીટેલમાં ૧૬૮ ગણા સહિત કુલ ૧૬૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૨૬ રૂપિયાનું છે.
કલ્યાણ જ્વેલર્સમાં સીટી ગ્રુપ પછી હવે જેફરીઝ તરફથી ૮૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ છૂટતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૬૨૯ વટાવી બે ટકા વધી ૬૧૦ બંધ થયો છે. રિઝર્વ બૅન્ક તરફથી તાતા સન્સને અપર લીઅર NBFC તરીકેની યાદીમાં યથાવત જાળવી રખાઈ છે. મતલબ કે તાતા સન્સ એક NBFC તરીકે તેનું કામકાજ પૂર્વવત્ ચાલુ રાખી શકે છે. આની આડઅસરમાં તાતા સન્સમાં ત્રણ ટકા હોલ્ડિંગ ધરાવતી તાતા કેમિકલ્સ ગઈ કાલે ૭ ગણા કામકાજમાં ૭૦૨ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી સવા ટકાના સુધારામાં ૬૭૧ થઈ છે. તાતા કૅપિટલ ૨.૮ ટકા ઘટી ૩૭૨ હતી. તાતા ટેક્નૉલૉજીઝનો શૅર જૅપનીઝ હોન્ડા દ્વારા તેના ન્યુ વેહિકલ્સ પ્રોગ્રામનું આઉટ સૉર્સિંગનો કૉન્ટ્રૅક્ટ મળવાના અહેવાલે ૮૭૯ની ઐતિહાસિક ઊંચી સપાટી બનાવી પોણાનવ ટકા વધી ૮૭૩ થયો છે. અમદાવાદી જોજો લિમિટેડ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ૧૬૯ના બેસ્ટ લેવલે જઈ સામાન્ય સુધારે ૧૫૫ રહી છે.
રિઝર્વ બૅન્ક તરફથી જે નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવા અધિકૃત નથી તેઓ માત્ર ટર્મલોન જ આપી શકશે, તેઓ ફ્લેક્સી-લોન કે અન્ય કોઈ પ્રકારની રિવોલ્વિંગ ક્રેડિટ પ્રોડક્ટ્સ ઑફર કરી નહીં શકે એવી જાહેરાત કરાઈ છે. આના પગલે ગઈ કાલે NBFC શૅરોમાં માનસ બગડ્યું હતું. બજાજ ફાઇનૅન્સ નીચામાં ૧૦૭૫ થઈ ૫.૯ ટકા ખરડાઈ ૧૦૮૨ બંધ થતાં એનું માર્કેટકૅપ ૪૨,૨૭૪ કરોડ રૂપિયા ધોવાયું છે. શૅર સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ લુઝર બન્યો છે. એની પેરન્ટ્સ બજાજ ફીનસર્વ સવાચાર ટકા બગડી ૨૦૦૨ હતી. આ બન્ને શૅર બજારને ૧૯૪ પૉઇન્ટ નડ્યા છે. BSEનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ ગઈ કાલે ૧.૩ ટકા ડાઉન હતો. ઇન્ડો-થાઇ સિક્યૉરિટીઝ ૧૦ ટકા તૂટી ૯૯ થઈ ત્યાં જ રહી છે. રેલીગેર ૯.૫ ટકા, ઇસફ સ્મૉલ બૅન્ક ૫.૩ ટકા, ફ્યુઝન ફાઇનૅન્સ ૪.૨ ટકા, ઇન્ડિયા શેલ્ટર ૫.૮ ટકા, આદિત્ય બિરલા કૅપિટલ અઢી ટકા, લાર્સન ફાઇનૅન્સ અઢી ટકા ડૂલ થઈ છે. દૌલત અલ્ગો ૫.૬ ટકા, TFCL ૬.૧ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ ૩.૪ ટકા મજબૂત હતી.
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે ૧૪ ટકા વધારામાં ૫૨૦ કરોડના નેટ નફા સાથે સારો દેખાવ કરતાં નોમુરાએ ૬૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આપ્યું છે. શૅર સાડાત્રણ ગણા કામકાજે ઉપરમાં ૫૬૬૦ થઈને દોઢ ટકા વધી ૫૫૧૫ બંધ રહ્યો છે. સરકારનું હાલ ૯૦ ટકા હોલ્ડિંગ ધરાવતી LIC દ્વારા ૬.૭ ટકાના વધારામાં ૧.૨૭ લાખ કરોડની કુલ પ્રીમિયમની આવક ઉપર ૨૩ ટકા વધારામાં ૧૩,૪૯૨ કરોડ નેટ નફો દર્શાવાયો છે. બ્રોકરેજ ફર્મ એલરા કૅપિટલે ૬૩૫ તથા એમ્કે ગ્લોબલે ૫૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી કર્યો છે. ભાવ ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમે ઉપર ૩૯૭ થઈ ૧.૪ ટકા વધી ૩૯૩ હતો. લુપિનની ત્રિમાસિક આવક ૩૨ ટકા વધીને ૮૨૭૭ કરોડ અને નેટ પ્રૉફિટ ૧૬ ટકા વધી ૧૪૧૭ કરોડ આવ્યો છે. શૅર દોઢા કામકાજે ૨૪૧૬ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૩૪૭ થઈ સવા ટકો ઘટી ૨૩૬૦ હતો.
હીરો મોટોકૉર્પે જૂન ક્વૉર્ટરમાં ૩૫ ટકા જેવા વધારામાં ૧૩,૧૨૬ કરોડની આવક મેળવી છે, પરંતુ નેટ પ્રૉફિટ ૧૬.૯ ટકા ઘટી ૧૪૧૮ કરોડ થયો છે. શૅર નીચામાં ૫૫૫૫ બતાવી બાઉન્સબૅકમાં ૫૭૯૮ વટાવી ૧.૯ ટકા વધીને ૫૭૨૮ બંધ રહ્યો છે. સિમેન્સ એનર્જી ઇન્ડિયાની ત્રિમાસિક આવક ૩૯.૩ ટકા વધીને ૨૪૮૬ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૬૭.૮ ટકા ઊછળી ૪૪૧ કરોડ નોંધાયો છે. શૅર ૨૩ ગણા કામકાજે ઉપરમાં ૩૭૩૩ વટાવી ૧૨.૨ ટકા કે ૩૯૭ રૂપિયાની તેજીમાં ૩૬૪૯ બંધ આવ્યો છે. શિવાલીક બાઇમેટલ તરફથી ૩૨ ટકા વધારામાં ૧૮૨ કરોડની આવક ઉપર ૪૫ ટકા વૃદ્ધિદરથી ૩૩ કરોડ નેટ નફો બતાવાયો છે. એમાં શૅર ૨૭ ગણા વૉલ્યુમમાં ૯૨૦ ઉપર ઑલટાઇમ હાઈ બતાવી ૨૦ ટકાની તેજીમાં ૧૫૩ રૂપિયા ઊછળી ૯૨૦ બંધ થયો છે. શૅર ૩૦ માર્ચના રોજ ૩૬૯ના તળિયે હતો.